વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમીર



© અમીર


       "ચલ એય દૂર હઠ, સાલા ભિખારીઓ.. ગમે ત્યાં હેરાન કરવા આવી જાવ છો!" ઓલરેડી મને મોડું થઈ ચૂક્યું છે, ટ્રેન ઉપડવાનો સમય એકદમ કટોકટ છે, અને આ સાલા ભિખારીઓ..હું ત્યાંથી નજર હટાવીને પાસે આવીને ઉભેલા કુલી તરફ ફર્યો, " ઓગસ્ટ ક્રાંતિ, એ-સિક્સ, કેટલાં લેશે બોલ?"


      "ત્રણહો થાહે.. શેઠ."


      "જા રે હવે, એક સીડી તો ચઢવાની છે! લૂંટવા બેઠો છે, એક તો આ ભિખારીઓનો ત્રાસ ને ઉપરથી તારા જેવા લુચ્ચા કુલીઓ! બહો આપીશ, લેવું હોય તો ચાલ!" એની તળપદી ભાષા સાથે થોડો તાલ મેળવી મેં ફરીથી પેલાં બે ભિખારીઓ તરફ જોયું. છોકરીનાં બંને પગ અને છોકરાનો એક હાથ  નહોતાં! 


       "શેઠજી, હજુ બોણી નથી થઈ. ઘરવાલી બિમાર છે, પોયરાની ઈસ્કૂલની ફી ભરવાની છે. અઢીહો આપી દેજો બસ." મારી હોશિયારી પર પોરસાતો ફટાફટ સામાન ઉંચકવાનું કહી હું વટથી મારી દીકરીનો હાથ પકડી આગળ ચાલ્યો.


         કુલીએ સામાન એક જગ્યાએ મૂક્યો, અને ટ્રેન અડધો કલાક લેટ હોવાની માહિતી આપી. મને પહેલાથી ખબર હોત તો હજી વધુ એની સાથે માથાઝીંક કરત, કદાચ સો રૂપિયામાં પણ માની જાત! એટલે જ એણે મને નીચે કહ્યું નહીં હોય! સાલો લુચ્ચો, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.


        "શેઠ, વીહ રૂપિયા દવ, બાકીનાં પછી દેજો."


        "બધા સામટા જ મળશે, અડધો કલાક જ તો છે, તું પાછો ન આવ્યો તો?" 


        "શેઠ, ભરોહો રાખો. પેલા બેઉ ભીખ માંગતા બચ્ચાઓએ હવારથી કંઈ ખાધેલું નથી, ઉં રોજ એ લોકોને નાસ્તો કરાવ છું, વીહ રૂપિયાનો નાસ્તો દઈને અબીહાલ પાછો આવ્યો."


        મારો હાથ ખિસ્સામાં યંત્રવત ચાલ્યો ગયો, સો-સો ની પાંચ નોટ એનાં હાથમાં મૂકી. એણે આશ્ચર્યથી મને જોઈ ત્રણ નોટ પાછી આપી, એ ત્રણ નોટ હું ફરીથી ન એને આપી શક્યો, ન ખીસામાં મૂકી શક્યો! મારી એકટક નજર એનાં હાથ પર હતી, કુલીનો એ કરચલીવાળો હાથ મને મારા આખા શરીરથી વધુ "અમીર" લાગ્યો.


#સોલી_ફિટર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ