વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘા...રે...ઓ... મેઘા...

*** મેઘા...રે....***

( દૂર સરહદે બેઠેલા જવાનની પત્ની મેઘ ને પોતાનો પ્રેમભર્યો સંદેશ મોકલતા કવિતા દ્વારા શબ્દો ઉચ્ચારે છે. )

મેઘા...રે...ઓ...મેઘા...
કહેવું મારૂં માને તો કાનમાં કહું એક વાત,
વાત છે અંતરની માટે ખાનગી રાખજે વાત,

મેઘા...રે...ઓ...મેઘા...

પ્રિયતમના દેશમાં વાદળ ફેરવી નાખ તો !
ધીમી ધારે વરસજે જોજે વાછંટ ઉડાડતો,
થાય ધુમ્મસ એવું વાતાવરણ નવ કરતો,
શબ્દો વાદળમાં ભરી એવા જ લઈ જજે
જેવા નાખ્યા છે જોજે એને કાટ લગાડતો,

મેઘા...રે...ઓ... મેઘા...

પહેલા તો વ્હાલાના દીદાર સારા દેખજે,
લાગે નરવા તો ફોરાની છાલક મોઢે નાખજે,
મીઠું સ્મિત કરી થોડા થોડા વઢી કાઢજે,
થાય ખારાં તો ઝરણું બની ચરણ પખાળજે,

મેઘા...રે...ઓ...મેઘા...

દાખવે હેત તો મુશળધાર કરી મેલજે,
હોય ખિન્ન તો ઝરમરિયા કરી મનાવજે,
અરે ! ના માને તો ઠપકો મારોય આપજે,
એકલા તમે નહીં અમેય ઝુરીયે એમ કહેજે,

મેઘા...રે...ઓ...મેઘા...

એક માતની રક્ષા કાજે બીજી માંને રડાવી તે,
જનની અમે તો પંડયની ત્યજી થયા તમારી સંગે,
અમનેય મેલ્યા તમે તો જઈ બેઠા દૂર સરહદે,
માં ભોમ ની છે ફીકર ને ઘરના સાંભરે નઇ ઉરે ?

મેઘા...રે...ઓ...મેઘા...

ઝાઝા નથી ઓરતા હેતાળ ખબર તો મેલવી'તી ?
વિયોગે વરસી ફુટતી આંખડી એકવાર તો લોવીતી ?
શું થયું હશે પ્રેયસી નું પળવાર તો યાદ કરવી તી ?
કેમ જીવતા હશે વષૉ માં મીઠી વાદળી તો વરસાવવી'તી ?

મેઘા...રે...ઓ...મેઘા...

એક સંદેશ ને ચિઠ્ઠી ભાળી શ્વાસ મ્હારા ચાલતા,
એના અક્ષરે અક્ષર ચૂમી ચૂમી તમને મનાવતાં,
એય ના મળી હવે શ્વાસ કેમ મ્હારા ચાલશે ?
રીસાયેલા મનડાં તુજ વીણ કોણ એને મનાવશે ?

મેઘા...રે...ઓ... મેઘા...

હોય હસ્તે બંદૂક ને ઘમાસાણ મચ્યું હોય,
કરી મેઘ ગજૅના ધણીને પોરસાવજે ભાઈ,
અરિ હો સૂરા તો વીજ નાખજે એમની છાવણી માય,
આણ છે તમને કે મારા કાજે પાછી પાની કરતા નઈ,

મેઘા...રે...ઓ...મેઘા...

કહેવું મારૂં માને તો કાનમાં કહું એક વાત,
વાત છે અંતરની માટે ખાનગી રાખજે વાત.

જય હિંદ...
:- વિજય વડનાથાણી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ