વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંચકો

આંચકો

 

‘ મિસ્ટર મનન હું દિલગીર છું, પરંતુ તમારે ઘેરથી કોઇકનો ફોન હતો કે તમારી પત્નીએ આત્મહત્યા કરી છે અને પોલીસે તમારી માની ઘરપકડ કરી છે. તમારે તાત્કાલિક પહોંચવાનું છે. ’

 

મનનને પસીનો આવી ગયો. તે તાત્કાલિક ઘર માટે રવાનો થઇ ગયો. દુઃખદ વિચારોની ભીંસ તેને અકળાવી રહી હતી. ટ્રેન બોગદામાંથી પસાર થઇ અને અંધારું થઇ ગયું. તેને પોતાની જિંદગીમાં આવનારાં અંધારાંનો ભાસ થવા લાગ્યો. પોતાની દરેક ભૂલનો એહસાસ તેને જિંદગીના એક જ ઝાટકે આવી ગયો. તેને એવો ખ્યાલ ન હતો કે પોતાનો સ્વભાવ અને માવડીયાપણું પોતાની પત્ની ઉમાને આત્મહત્યા સુધી દોરી જશે.

તે પોતાની પત્ની અને બાળકોને મા પાસે મૂકીને રજાઓ માણવા દોસ્તારો સાથે આબુ ફરવા નીકળી પડયો હતો. પત્નીની ઇચ્છાઓનો કે સપનાઓનો ખ્યાલ તો તેને જિંદગીમાં ક્યારેય આવ્યો જ ન હતો. એના રૂઢીચુસ્ત કુટુંબમાં પરણીને ઉમાની જિંદગીની કઠણાઇઓનો દોર ચાલુ થયો હતો. એની સાસુ, ‘સાસુ’ શબ્દનો સાક્ષાત્કાર કરાવતી હતી. લગ્નના પ્રથમ દિવસથી જ મેણાં-ટોણાંનો મારો ચાલુ હતો. આસ્તે આસ્તે ત્રાસ વધતો ગયો. એક વાર તો પત્નીને મારઝુડ પણ કરી. જેના માટે તેને પસ્તાવો થયો, પણ માની ચઢામણીથી એ પસ્તાવો પણ ના રહ્યો.

ઉમાને સમજાતું ન હતું કે પોતાની સાસુને એ કઇ રીતે રાજી રાખે. ઉમા ગમે તેટલું સારું કરે, પરંતુ તેની સાસુ ગમે ત્યાંથી વાંધાવચકા કાઢીને ઝઘડા કરી લેતી. પોતાની પત્નીને થતા અન્યાયનો મનનને ઘણી વાર ખ્યાલ આવતો. પરંતુ, બચપણથી જ માથી દબાયેલા મનનમાં માનો સામનો કરવાની હિંમત ન હતી. તે વ્યથિત થતો અને બધો ઉકળાટ પોતાની પત્ની પર જ ઠાલવતો.

આજે તેને ઓચિંતા ભાન આવ્યું કે પોતાની જિંદગીમાં પત્નીનું શું સ્થાન હતું ! અને પોતે પત્નીને માટે કેટલો ત્રાસરુપ હતો. સમાજમાં વગોવણી, પોલીસ કેસનાં લફરા, બાળકોની સાચવણી, વિધૂર તરીકેની જિંદગી વગેરે મુસીબતરૂપ ભાવિના ભારેખમ ઓછાયાના ખ્યાલે તેની હાલત ખરાબ થઇ રહી હતી. પોતે કરેલ અન્યાય અને ભૂલો માટે તેને આજે સાચા દિલથી પસ્તાવો થઇ રહ્યો હતો, પરંતુ ઘણું મોડું થઇ ગયું હતું.

ટ્રેનમાંથી પોતાનાં ગામ પહોંચતા તેનું દિલ ધડકન ચૂકી ગયું. તેની આંખો તરવરી રહી હતી. એ મજબૂત દિલનો મનન, ગામમાં પગ મૂકતા જ તૂટી ગયો અને દિલથી રડી પડ્યો.

રસ્તામાં પડતા મંદિરના પ્રાંગણમાં નજર પડતા જ તે ચકરાઇ ગયો. તેની પત્ની ઉમા મંદિરના દરવાજામાંથી, પૂજા કરીને પાછી આવતી હતી. એક ક્ષણમાં જ તેને સમજાઇ ગયું કે તેની આંખ ખોલવા માટે કોઇ હિતેચ્છુએ ખોટો ફોન કર્યૉ હતો. એક ખોટા ફોને તેની જિંદગીમાં આંચકો આપ્યો, તેની જિંદગીમાં પત્નીનાં સ્થાનનું ભાન કરાવ્યું. પોતાનો હાથ લાંબો કરીને એકાએક તેણે પત્ની પાસેથી પ્રસાદી માંગી, ત્યારે ઉમાએ સુખદ આશ્ર્ચર્ય અનુભવ્યું. ઉમાને ક્યાં ખબર હતી કે તેની જિંદગીમાં હવે સુખનો સૂરજ ઉગી ચૂકી હતો !

ઉમાની ભગવાન પ્રત્યેની શ્રધ્ધા આજે રંગ લાવી હતી.

 

ભરત ડી ઠક્કર ‘સૌરભ’

ગાંધીધામ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ