વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમાષ્ટમી


        કૃષ્ણ એટલે પ્રેમ. પ્રેમ એટલે જ કૃષ્ણ. કૃષ્ણ એટલે મીઠી મધુરી મિસરી. અરે ! મિસરી શબ્દમાં જ મીઠાશ છે. એને "મીઠી મધુરી" ના કહીએ તો પણ કોઈ ફર્ક નથી પડતો. જેમ મીઠાશથી ભરેલી મિસરીમાં ક્યાંય વત્તો ઓછો સ્વાદ નહિ. પહેલાં વધુ મીઠાશ, પછી ઓછી ને પછી એનાથી પણ ઓછી કે વધારે એવું ના હોય. બધામાં એક સરખો સ્વાદ આવે. બસ, એ જ રીતે પ્રેમનું છે. એને કોઈ રંગ, રૂપ, આકાર કે સ્વાદ નથી. પ્રેમ તો જેણે કર્યો હોય એ જ જાણે. પ્રેમને તો ફક્ત ને ફક્ત અનુભવી શકાય.


         "હે, કૃષ્ણ ! મને ક્યારે દર્શન આપશો ?" એ કહેવું. એ પણ કદાચ ઉત્કૃષ્ટ પ્રેમ ના કહી શકાય. કંઈક લેવાની કે પામવાની આશાએ પ્રેમ ના કરી શકાય.  કેમ કે, એમાં પણ "ક્યારે દર્શન આપશો" કહીને માંગ્યું જ છે. માંગવુ કે કોઈપણ જાતની ઈચ્છા કે આશા રાખવી એ પ્રેમ નથી. પ્રેમમાં તો બસ ચાહતા જ રહેવાય. ભોજન આનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આપણે ભોજન ગ્રહણ કરતી વખતે એ વિચારતાં નથી કે  મારું પેટ ભરાશે કે નહિ ! બસ, ભોજન કરી લઈએ છીએ. પેટ ભરાઈ જાય છે. ફરી પાછી ભૂખ લાગે અને ફરી જમીએ. એમ અવિરત ચાલ્યા જ કરે. ભોજન અને પ્રેમ બન્નેમાં ફરક એટલો છે કે ભોજન લેવાથી પેટ તૃપ્ત થાય. પણ પ્રેમમાં તૃપ્તિ નહી. ફક્ત તૃષા જ રહે.  પ્રેમમાં જો સંતોષનો ઓડકાર આવી જાય તો એ પ્રેમ કહેવાય જ નહિ. બસ, એમ જ શ્રીકૃષ્ણને પ્રેમ કરતાં રહેવું. એ વિશ્વાસે કે શ્રીકૃષ્ણ તો મને પ્રેમ કરે જ છે ને કરશે જ. આ વિશ્વાસ એટલે જ પ્રેમ. પ્રેમને ના કોઈ નિયમ કે ના કોઈ બંધનનાં સીમાડા નડે. આકાશની ઊંચાઈ ને દરિયાનાં પેટાળેય પ્રેમની સામે નાના લાગે.


         પ્રેમની પૂર્વ શરત જ એ છે કે વગર આકાંક્ષાએ બસ ચાહતા રહેવું . પ્રેમ અવિરત વહેવો જોઈએ. એ વહેતો રહેશે તો પ્રેમની દોરી આપો-આપ કૃષ્ણ સુધી લંબાઈ જશે. પ્રેમ એટલો તીવ્ર હોય તો આંખ બંધ કરતાંની સાથે જ જાણે સાક્ષાત સામે ઉભા હોય એમ, કૃષ્ણની છબી તરવરવા માંડે. પ્રેમને વ્યક્ત પણ ના કરાય. "હું કૃષ્ણ ભક્ત છું કે કૃષ્ણ મને ગમે છે, કૃષ્ણ મને વહાલા છે." આ કહેવાનું ના હોય. શબ્દોમાં વર્ણન કરી શકાય એવો પ્રેમ ના હોય. પ્રેમને ક્યારેય વ્યક્ત ના કરી શકાય અને વ્યક્ત કરી શકીએ છીએ તો, એ ઉચ્ચ કોટીનો પ્રેમ ના કહી શકાય. કોઈને થાય પ્રેમનાંયે પ્રકારો હોય ? તો હા, પ્રેમનાંયે પ્રકારો હોય. સર્વોચ્ચ કોટિનો પ્રેમ જો કોઈએ કર્યો હોય તો રાધાજીએ અને ગોપીજનોએ. પ્રેમમાં ફક્ત સમર્પણ કરાય.


         કૃષ્ણનું નામ લેતાં જ ધસમસતા પૂરની જેમ આંખોમાંનું અશ્રુ સીધું ગાલ પર ઉતરી આવે. જેનાં અંતરમાં ચોવીસ કલાક શ્રીકૃષ્ણનું સ્મરણ ચાલતું હોય એને જ આવું થઈ શકે. કૃષ્ણનું નામ સાંભળતાં જ આંસુ દ્વારા કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છતો થઈ જાય. એને વર્ણવવો ના પડે. રાધાજી તો કૃષ્ણની યાદમાં આંસુ પણ ના વહાવે. કેમ કે, એમને ડર છે કે ક્યાંક આંખોમાં વસતાં ગિરિધર ગોપાલ આંસુ દ્વારા વહી ના જાય ! આને ઉચ્ચકોટીનો પ્રેમ કહેવાય. "પ્રીતની કોઈ રીત ના હોય. પ્રીત કરી હોય એ જ સાચી પ્રીતને જાણે."


         ખાસ તો કૃષ્ણ પાસેથી એ શીખવાનું છે કે કોઈપણ પરિસ્થિતિમાં મનની તટસ્થતા કેવી રીતે રાખવી ! એ મનુષ્ય અવતાર ધારણ કરીને કૃષ્ણ એ જ શીખવ્યું છે. ધીર-ગંભીર, શાંત રહેવાથી કોઈપણ પ્રશ્ન ચપટી વગાડતાં જ હલ કરી શકાય છે. બસ, મનની શાંતિ ભંગ ના થવી જોઈએ. શાંત ચિત્તે કોઈપણ પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી, ચોક્કસથી તેનો ઉકેલ લાવી જ શકાય છે.


         કૃષ્ણ વિશે કંઈપણ કહેવું, લખવું કે બોલવું એ ગજા બહારની વાત છે. આ ફક્ત મારા વિચારો છે. આ મારું માનવું છે. કોઈ આ વાત સાથે સંમત ના પણ થાય. કેમ કે, દરેકની પ્રેમ કરવાની રીત અલગ હોય. જેમ કે, કોઈ ગોપી માખણની મટકીને શીકે ચઢાવે તો ખરી. પણ, લાલો માખણ આરોગ્યા વગર જતો ના રહે એ ભાવથી એ શિકાની આજુબાજુમાં કોઈ બાજટ કે પાટલો એવી રીતે ગોઠવે કે માખણ આરોગવામાં મારા લાલાને બહુ શ્રમ ના થાય. પછી લાલાનાં આવવાની રાહ જુએ. દૂરથી નંદલાલાને આવતો જોઈ હરખાઈને છૂપાઈ જાય. તેને માખણ આરોગતાં જોઈને ખુશ થાય. પછી પકડીને એવી મીઠી ધમકી આપે કે મૈયાને ફરીયાદ કરીશ.


          ક્યારેક ફરીયાદી બનીને કન્હૈયાનો કાન પકડીને યશોદા મૈયા પાસે પહોંચી પણ જાય. બધાંને કહે, "જુઓ, આ માખણચોર. એનાં ઘરમાં શું દૂધ-દહીંની ખોટ છે કે બધેથી માખણ ચોરી કરે છે !" આટલું કરવા છત્તાં બીજા દિવસે ફરીથી એ જ રીતે રાહ જુએ. કોઈને કહે નહિ. બસ, મનોમન ચાહતી રહે કે કન્હૈયો આવે ને માખણ ખાય. ક્યારેક બહુ રાહ જોવા છત્તાં લાલો ના આવે તો શોધવા નીકળે. રસ્તામાં ક્યાંય કાન્હો જડી જાય તો પૂછે, " કેમ રે ! કાન્હા, આજે દેખાયો નહિ." કાન્હો પૂછે, " કેમ રે ! ગોપી, તું મારી રાહ જોતી'તી ? તું મૈયાને ફરીયાદ કરે છે ને એટલે હું તારી ઘેર નહી આવું." એમ કહીને કાન્હો રીસાઈ જાય. ગોપી રીસાયેલાં કાન્હાની સામે આખે-આખી માખણની મટકી ધરી દે. માખણ આરોગીને કાન્હો પણ ખુશ થઈને વાંસળીનાં સૂર રેલાવે ને ગોપી સઘળું ભૂલીને મોરલીનાં એ મધુર સૂરમાં ખોવાઈ જાય. આમાં, કોઈ એકબીજાની સામે પ્રેમ અભિવ્યક્ત નથી કરતું. છત્તાં બન્નેને એકબીજા વગર ચાલતું પણ નથી. બસ, આ જ નિ:સ્વાર્થ, નિ:ષ્કપટ, નિ:ષ્કામ પ્રેમ.


         આજે જન્માષ્ટમીનાં શુભ દિને આપણે સૌ કૃષ્ણ પાસેથી પ્રેમ કરવાનું શીખીને જીવનને પ્રેમાષ્ટમીનાં ઉત્સવમાં ફેરવીએ અને જીવતરને ધન્ય બનાવીએ..




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ