વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ અને મૈત્રીનો શ્રાવણી વરસાદ

" એ કીસ ઓન ધ ફોરહેડ "


      પ્રેમ અને મૈત્રીનો શ્રાવણી વરસાદ..!


          હીરલબેનની આ ગુલાબી ફુલો વરસાવતી કૃતિના 38 પ્રકરણ મે ત્રણ ભાગમાં પૂર્ણ કર્યા.


    સાચું કહું તો સોશિયલ મીડિયા પરની કૃતિ નથી વંચાતી એનું સૌથી મોટું કારણ એ કે ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિને લગતાં ગ્રંથોનું અધ્યયન ચાલુ છે.. પણ,આમ છતાં હીરલ પુરોહિતની આ નવલકથા મે શા માટે વાચી..? 


         એનું પહેલું કારણ એ હતું કે એક તો મને આ નવલકથાનું નામ સ્પર્શી ગયું. બીજું કારણ.. હમણાં પન્નાલાલ પટેલની ગામઠી પ્રેમકથાઓ જ વાચી હતી ને કોઈ શહેરી પ્રેમકથા વાચ્યાને વર્ષો વીતી ગયાં હતાં.. ત્રણ, હીરલબેન સાથેનો સર્જકીય સેતૂ...


  દરેક પ્રેમકથાની અંદર દોસ્તી અને પ્રેમનું મિશ્રણ હોય જ છે એ થીમ ઓલટાઈમ ગ્રેટ છે પણ,આ પ્રેમકથા શા માટે યુનિક છે એ બતાવવા મારી પાસે પુરતાં કારણ છે.


    એક તો આખી નવલકથામાં કયાય શબ્દોનો વધુ પડતો આડંબર ઉભો નથી કરાયો..એકદમ સરળ પ્રવાહ વહે છે.. દરેક પાત્ર આપણી નજર સમક્ષ રહે છે.. એમાં સ્વાભાવિક જ કેન્દ્ર સ્થાને હીર છે.મે હીરલબેનને ફોન કરી પુછી લીધું કે આ હીર નામ છે તો તમારી આત્મકથા નથી ને..? એમણે નકાર ભણ્યો...પણ, એક વાત કહેવાનો લોભ ટાળી શકતો નથી..


    હીરનુ પાત્ર એ કદાચ આજની આધુનિક યુવતીનું પ્રતિનિધિત્વ કરે છે ને એથી, હીર સૌ વાચકોને આપોઆપ વ્હાલી લાગે છે. વર્ષો પહેલા અશ્વીની ભટ્ટની સુપરહિટ નોવેલ ઓથાર વાચી ત્યારે મનોમન રાજકુમારી સેના બારનીશના પ્રેમમાં પડી ગયેલો..આ નવલકથા પછી હીર એવુ જ આધિપત્ય જમાવે છે.. એ ત્યાં સુધી કે હદયભંગ થયેલી હીર રડે છે ત્યારે આપણી આંખો ભીની થાય છે.


     હીરલબેને છૂટક છૂટક સંવાદો વડે કથાનક શણગાર્યુ છે...કયાંય ભારેખમ ડાયલોગ્સ નથી.. એકદમ સહજતાથી જાણે આપણી સાથે વાત કરતાં દરેક પાત્રો... હદય,પવન,બંસરી...એ સૌ આપણાં મનોજગતમા અનેરી ભાત ઉપસાવે છે.


      હવે એક ખુલ્લો એકરાર કરી લઉં... મે પોતે પણ નવલકથા લખી છે ને મને એનાં ભયસ્થાનો વિશે ખબર છે કે જો પાત્રો પકડી ન રાખો તો છટકી જાય છે... કયારેક તો એવું બને કે નવા પાત્રને પ્રવેશ આપો પછી અંત સુધી એ કયાય દેખાતું નથી ને ઘટનાપ્રવાહ કાયમ એકસરખો ટકતો નથી...


     અહીં હીરલબેન એ વાતે સફળ રહ્યા છે કે એમણે શરૂથી અંત સુધી આખો ઘટનાપ્રવાહ પોતાની મુઠ્ઠીમાં જકડી રાખ્યો છે.. અરે, ચિન્ટુ જેવો નાનકડો બાળક પણ અવારનવાર પોતાની હાજરી પુરાવી જાય છે.


        એક એક વાક્ય થકી સર્જાયેલી આ પ્રેમકથાની અંદર મૈત્રીનો રીમઝીમ વરસાદ સતત થતો રહે છે... નવલકથાની નાયિકા કોનાં તરફ ઢળશે એ બાબતનો અજંપો આપણને અંત સુધી વરતાય એવો કસબ હીરલબેને જાળવી રાખ્યો છે.


      38 પ્રકરણમાં ઢોળાયેલો પ્રેમરસ આપણને તરબોળ કરી મુકે છે... સાથે સાથે કરુણરસ ને શૃંગાર રસને પણ થોડુંઘણું સ્થાન મળ્યું છે પણ, સર્જકનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે.. દોસ્તી પ્રેમ કરતાં ચઢિયાતી છે ને અણીના સમયે બેસ્ટ ફ્રેન્ડ જે સાથ,સહકાર આપી શકે એ માટે એ મિત્ર કીસ ફોરહેડ માટે લાયક ગણાય..


    શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે કૃષ્ણની યાદ આવે....કૃષ્ણની યાદ આવે એટલે પ્રેમ શબ્દ સજીવન થાય ને આ ભીની મોસમમાં આવી ભીની ભીની પ્રેમકથા વાચીને હૈયું ખુશખુશાલ થઈ ગયું.


      એક સુંદર, રસપ્રદ પ્રેમકથાની રચના કરવા બદલ હીરલબેનને ખુબ ખુબ અભિનંદન..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ