વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જન્માક્ષર


ટ્રીન.... ટ્રીન.... ટ્રીન.... ફોનની રિંગ વાગી રહી હતી . કોઈએ ફોન રિસીવ ન કર્યો એટલે જનકભાઇ હાથમાનું છાપું ટીપોઇ પર ગુસ્સામાં પછાડી ઊભા થયા. ફોન નું રિસીવર હાથમાં લઈ ને બરાડયા,

“હલ્લો, કોણ... કોણ બોલો છો ? અરે મોટીબેન તમે ! ના ના હું ગુસ્સામાં નથી, આ તો એમજ જરા જોરથી બોલાઈ ગયું. કેમ છો તમે ? જીજાજી મજ્જામાં ને? ઑ કે, ઑ કે બોલો.... હા... હા શું તમારા જેઠની સાસરીના સગામાં છે? હં...હં કાલે જ ? સવારની ગાડીમાં? તમે સાથે નથી આવતાં? મે તેમને  જોયા નથી એટલે તમે આવ્યા હોત તો... કઈ વાંધો નહીં, એડ્રેસ બરાબર આપજો . ચાલો ત્યારે જે શ્રીકૃષ્ણ.” જનકભાઇએ ખૂશ થઈને રિસીવર ક્રેડલ પર મૂકી જોરમાં બૂમ પાડી ,” મંજરી ....ઑ મંજરી , જલ્દી આવ .”

“એ આવી ...શું થયું ? હું કાઈ બેરી નથી થઈ ગઈ તે આટલા  જોરમાં બરાડા નાખો છો!” મંજરી સાડીના છેડાથી  હાથ લૂછતાં લૂછતાં બોલી .

“જો સાંભળ, હમણાં મોટીબેનનો ફોન હતો. આપણી બિંદિયા માટે સરસ મુરતિયો છે.ઘર પણ સારું છે . ભણેલો પણ છે. છોકરાના પપ્પા એકલા જ આવશે. તેમને  પસંદપડે પછી જન્માક્ષર મેળવ્યા પછી આગળ વાત વધશે . અને હા ...સાંભળ....” જનકભાઇએ હોઠ ફફડાવ્યા.

“અરે ભાઈ, જરા મોટેથી બોલોને. શું આમ  ...મને કઈ સમજાયું નથી કહી દૌછું...  હા...” મંજરીએ બરાડો નાખી કહ્યું. 

“એય, ગાંડી ધીમે બોલ. વાત બહાર જાય નહીં, દીવાલને પણ કાન હોય છે સમજી, ડોબી...ઈ સાંભળી જશે.” બાજુના ઘર તરફ ઈશારો કરતાં તેઓ બોલ્યા. અને હા જો સાંભળ, છોકરાના પપ્પા કાલે સવારની ગાડીમાં આવશે . ઘર બરાબર વ્યવસ્થિત કરી નાખજે .અને બિંદિયાને પણ સરસ રીતે તૈયાર થવાનું કહેજે , જો...જે ગયા વખતે થયેલું તેવું ફારસ ન થાય . આવું સારું ઠેકાણું હાથમાથી ન જવા દેવાય. અને બાજુમાં કાકાને ત્યાં બધુ ભાસી ન જતી . ત્યાં સહેજ પણ ખબર ન પડવી જોઈએ સમજી !” 

જનકભાઈને ત્યાં મહેમાનને આવકારવાની તડામાર તૈયારી થવા લાગી .બીજા દિવસે સીતાફળ મઠો,પૂરી ,સેવ ખમણી ,બે જાતના શાક કચુંબર પાપડ પુલાવ કઢી બધું તૈયાર .બિંદિયાને પણ કેવી રીતે વાત કરવી તે સમજાવી દીધું .  ભલે કાળી લાગે પણ  ગયા વખતની જેમ મેકઅપ ના થપેડા ન થઈ જાય તેની જનકભાઇએ કડક વોર્નિગઆપી દીધી .

અને ડોરબેલ રણકી ઉઠી . “જનકભાઇ ઘરમાં છો કે ?” નો આવાજ સાંભળી જનકભાઇ હરખભેર દોડ્યા. સામે સફેદ ધોતિયું કફની પહેરેલા ગોળમટોળ પ્રૌઢ ઊભા હતા. 

“અરે... આવો આવો મુરબ્બી, રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડીને ? ઘર શોધવામાં કોઈ....”.

“અરે, ના ભાઈ ના, બેને સરનામું બરાબર આપેલું એટલે વાંધો ન આવ્યો .હાશ... રાધે ક્રિશના !” કહી ગોળમટોળ શરીર સોફામાં નાખ્યું, અને સોફો કિચૂડ અવાજ કરતો દર્દ ભર્યું ચીત્કારી ઉઠ્યો. 

મંજરી દોડીને આવી નમસ્તે! કહી ઊભી રહી ને અંદર ઈશારો કરી બિંદિયાને પાણી લાવવા કહયું॰  

બિંદિયા ટ્રેમાં પાણી લાવી . ગ્લાસ આપતાં થોડું પાણી છલકાતા જનકભાઇને પેટમાં ફાળ પડી .આ વખતે પણ..અને તે બોલી ઉઠ્યા , “આ મારી દીકરી બિંદિયા.”

“બેસ બેટા બેસ, જનકભાઇ , જન્માક્ષર આપજોને દીકરીનાં !” તેઓ બિંદિયા તરફ થી નજર ખસેડી બોલ્યા. 

“હા... હા કહી મંજરી એ ઝડપથી જન્માક્ષર લાવીને આપ્યા. 

“સારું છે કે તમે જન્માક્ષરમાં માનો છો .એ આપણી જિંદગી નો પાસપોર્ટ કેવાય સમજ્યા ! બાકી આજકાલના છોકરાઓને તો આ બધુ નૌટંકી જ લાગે . આજની યુવા પેઢીએ તો નખ્ખોદ વાળ્યું છે હો ! એટલે જ છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે  ને ! કહેવાય છે  ને કે રાજ દંડે તે દુનિયા જાણે પણ ગ્રહ દંડે તે કોઈ ના જાણે !પણ આજે ક્યાં કોઈ એવું સમજે છે ! પ્રેમ લગનનો જમાનો આવ્યો છે . માં-બાપને પૂછતાય નથી .” 

તેમનું ભારે ભરખમ ભાષણ સાંભળી જનકભાઇએ બોલવું પડ્યું , સાવ સાચી વાત છે તમારી ! મનમાં તો થતું હતું કે મારી દીકરીની વાત છે એટલે જ સ્તો નહીં તો હું પણ સામે દલીલ તો .....પણ તે ચૂપચાપ જન્માક્ષર જોતાં મુરબ્બીના કપાળ પરની ઘડીએ ઘડીએ બદલાતી કરચલી ધડકતા દિલે જોઈ રહ્યા. અને બનાવટી સ્મિત મો પર લાવી બેસી રહયા . 

“દીકરીના ગ્રહ તો પ્રબળ છે .”

“આપ જ્યોતિષના સારા જાણકાર લાગો છો.  મારે હવે કોઈને બતાવવાની જરૂર નહીં પડે “.જનકભાઇ એ મસકો માર્યો.  

“અરે મે તો મહાન પંડિત પાસે થી વિદ્યા પ્રાપ્ત કરી છે. પછી વેઢા ગણતા બોલ્યા ,વૃષભ રાશિ માટે હાલ વૃશ્ચિકના શનિનું ફળ નકારાત્મક બતાવે છે પણ... શુક્રનાં ઘરની વૃષભ  રાશિ માટે શનિ યોગકર્તા ગણાય છે. આમ તો વૃષભ લગનમાં નવમા અને દસમાનાં માલિક માટે હંમેશા શુભ ફળ આપે છે .વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ ગણાય.” 

આવું સાંભળી તે બોલ્યા , “ ચિંતા ન કરો વડીલ  ,મારી દીકરી સુશીલ અને એકદમ શાંત સ્વભાવની છે .ક્યારેય કોઈ અપશબ્દ તેના મોઢામાં ન આવે .”

“હા હા તમારી દીકરી ડાહી દેખાય જ છે આતો કુંડળીમાં....બેટી તું સોમવાર કરજે. સૂર્યનારાયણની ઉપાસના પણ કરજે. તે તારા આરોગ્યનું રક્ષણ કરશે. આ ...હા....હા... તમારી દીકરી ના મોઢા પર તેજ તો દેખાઈ રહ્યું છે . વાહ ખૂબ તેજસ્વી !”

મંજરી બેનના અને જનકભાઈના મનમાં તો આનંદનાં ફૂવારા છૂટવા લાગ્યા. અને અંતરને ભીજવવા  લાગ્યા. હાશ, છોકરાના બાપને ગમી ગઈ લાગે છે. 

ત્યાં પાછું બોલ્યા કે , “આમ તો તેના ગ્રહ જ બતાવે છે કે વિવાહ નું નક્કી થાય પણ તે પહેલા થોડી મુશ્કેલી આવે, પણ પાછું બધુ થાળે પડી જશે.” 

મુશ્કેલીની વાત સાંભળી બંનેના ચહેરા પર પરસેવાના ટીપાં બાજી ગયા.તેઓ બોલી ઉઠ્યા , “મુરબ્બી જમવાનો સમય થઈ ગયો છે આપણે પહેલા ભોજનને ન્યાય આપી દઈએ .બાકીની ચર્ચા પછી કરીશું. “મંજરી ...જમવાની તૈયારી કરો .”

“ના...ના ભોજનની શું જરૂર છે !” 


“એમ થોડું હોય, મે આપના માટે તૈયાર કરાવ્યુ જ છે.” બધાં જમવા બેઠા. મંજરીએ તો આગ્રહ કરી કરી ને જમાડયા.જમી પરવારીને પાછી ચર્ચા ચાલુ  થઈ.  

“આપના દીકરાએ એમ.સી.એ કર્યું છે? મારા બેન તો તેમના ખૂબ વખાણ કરતાં હતાં.” જનકભાઇએ મમરો મૂક્યો .

“ના રે ના એણે તો બી.એ કર્યું છે. એ જ્યોતિષમાં સહેજ પણ નથી માનતો બોલો..પણ હું તેનું કોઈ બાબતમાં ચાલવા નહીં દઉં .તેનાં લગ્ન તો મારી મરજી મુજબ કુંડળી મળે તેની સાથે જ કરીશ.”

જનકભાઇ થોડા ગુંચવાયા. બેને તો કહ્યું હતું કે છોકરો એમ.સી.એ છે . બૈંકમાં નોકરી કરે છે . તે મનોમન વિચારવા લાગ્યા . પછી બોલ્યા, છોકરા છોકરી એકબીજા જોઈલે પછી આપણે નક્કી કરીશું . જ્યારે મિટિંગ ગોઠવવી હોય ત્યારે જણાવજો .” બોલવાનું પૂરું કરે તે પહેલા તો બહારથી અવાજ સંભળાયો .

“જનકભાઈનું ઘર આજ કે ?” 


જનકભાઇ બહાર આવી બોલ્યા , “હા બોલો હું જ જનક.  પણ મે તમને ઓળખ્યા નહીં ! તમારે મારુ કામ છે?” જનકભાઇએ દરવાજે ઉભેલા પ્રૌઢ ને જોઈને પુછ્યું.

“હું દીનાનાથ મહેતા . તમને તમારા બેન નો ફોન નથી આવ્યો ?”પરસેવો લૂછતા તે બોલ્યા . 

“હા ...હા.. ના... હા... જનકભાઇ થોથવાઈ ગયા.  આવો ...આવોને અંદર ...આવેલો, મોટીબેનનો ફોન આવેલો.” 

“તો તો મુરબ્બી તમે કોણ ?” સોફા પર પહોળા થઈને બિરાજેલા પ્રૌઢ સામે જોઈને પુછ્યું .

“હા...હા ...ખરા છો તમે તો ! લો કરો વાત , સીતાનું હરણ થયું . ને હરણની સીતા ક્યારે થશે તેનાં જેવુ કર્યું .તમારી પત્નીના બેને મને દીકરીના જન્માક્ષર જોવા કહેલું . હું જ્યોતિષી કૃપાચાર્ય. અહી આવેલો તો મને થયું જોતો જાવ.”

જનકભાઇએ હવે દીનાનાથ સામે જોઈને કહ્યું , “તમે તો સવારની ગાડીમાં આવવાના હતાં ને?” 

“હા, હું ગાડી ચૂકી ગયો. લોકલમાં આવ્યો ,થોડું કામ હતું તે પતાવ્યું. થયું કે બેન સાથે વાત થઈ છે તો તમે રાહ જોશો તો નીકળ્યો છુ તો જઈજ આવું. તમારે ત્યાં મેમાનને પાણી આપવાનો રિવાજ નથી?”

“અરે, હા... હા... મંજરી..ઈ  પાણી ....” ઓહ! હવે આને શું જમાડશું ! અને જનકભાઇ અને મંજરી બેનની હાલત તો.....!  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ