વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંબંધની અવઢવ

મારી ડાયરીના દરેક પાને એ અને માત્ર એ જ છે. મારી કલમના દરેક શબ્દ એ જ છે. આજે કૉલેજથી છૂટીને સીધો જ ઘરે આવી ગયો છું. આજની ઘટનાઓને ડાયરીમાં લખી રહ્યો છું. અત્યારે મારી અખોમાં અશ્રુઓ હોવા જોઈએ. પરંતુ એવું નથી. મારી આંખો એકદમ ઉદાસ છે. તેને રડવાની પણ ઈચ્છા નથી થઈ રહી. મારું હૃદય મારા કાબૂમાં નથી. એ અનિયમિત રીતે ધડકી રહ્યું છે.

 

"તું ગુસ્સામાં છે?" મેસેજ મોકલ્યો કે તરત જ બે રાઇટ બ્લ્યુ થયાં. એ ઓનલાઇન થઈ જ હતી. કદાચ મારી માટે જ.

 

"ના, હું ગુસ્સામાં નથી. પણ શું કરું? દરરોજ એકની એક પ્રોબ્લેમ. તારી ભૂલ ના હોવા છતાં તું દરરોજ મને sorry કહે છો. આખરે કયાં સુધી આવું ચાલતું રહેશે? આપણે બંને અલગ થઈ જઈએ એમાં જ આપણી ભલાઈ છે."

 

હું તેની પરિસ્થિતિ સારી રીતે સમજી શકતો હતો. તે ખૂબ જ પરેશાન હતી. પરંતુ જે પ્રોબ્લેમ ના કારણે પરેશાન હતી એ પ્રોબ્લેમ દૂર કરવા જતાં તેને વધારે પરેશાની ભોગવવી પડે તેમ હતી. એટલે ઘણાં સમયથી એ પરિસ્થિતિને હું મારી રીતે હેન્ડલ કરી રહ્યો હતો. દરરોજ એ દુઃખી થતી. જ્યારે એ દુઃખી હોય ત્યારે મારો ચહેરો કોઈપણ કાળે ખુશ ના થઈ શકે. આ પ્રોબ્લેમ દૂર કરતી વખતે મારી માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ હતી. હું કોઈ એક બાજુ જઈને આ પ્રોબ્લેમ ને જડમૂળમાંથી દૂર કરી શકું તેમ હતો. પરંતુ એમ કરવા જતાં એને વધારે પરેશાની ભોગવવી પડે તેમ હતી. આ વાત કદાચ એ નહોતી સમજી શકતી.

 

હું તેની દરેક વાત માનતો હતો. આ કોઈ બંધન નહોતું. કે હું તેનો ગુલામ નહોતો. પરંતુ ઘણીવખત સંબંધને ટકાવી રાખવા માટે એક તરફથી નમતું મૂકવું પડે છે. મેં તેની આ વાતને પણ માન્ય રાખી. અમે બંને અલગ થઈ ગયા. ના કોઈ મેસેજ, ના કૉલ, ના રૂબરૂ મુલાકાત. મોબાઈલ પર જ બધું ખતમ. તેની પરેશાની દૂર થઈ ગઈ હંમેશને માટે. હું એ કૂવા અને ખાઈ વચ્ચેથી એક વેરાન રણમાં આવી ગયો. તેના વિના મારી જિંદગી રણમાં ઉગેલા ગુલાબ જેવી છે. ગુલાબને રણમાં દૂર જળ દેખાય છે પરંતુ તે જળને પામી નથી શકતું. હું રોજ એને જોઉં છું પણ પામી નથી શકતો. એ ગુલાબ રણમાં પણ ખીલેલું રહેશે. પાણી વિના. હું પણ તેને આજીવન પ્રેમ કરતો રહીશ. કોઈપણ સંબંધ વિના.

 

***

 

બ્રેકઅપ થયાંને છ મહિના પછી.

 

આજસુધી મેં તેને કોઈ મેસેજ નથી કર્યો. કૉલ પણ નથી કર્યો. રૂબરૂમાં મળવાની કોશિશ પણ નથી કરી. કે નથી તેણે સમથી કોઈ પહેલ કરી. મારું દિલ આજે પણ કહી રહ્યું છે "એ જરૂર આવશે." પરંતુ પરિસ્થિતિ તેનાથી તદ્દન વિપરિત છે.

 

પ્રથમ બે લેકચરમા હું જોબ પર હતો અને પછી છેલ્લા લેકચરમાં કોલેજ પહોંચ્યો. છેલ્લો લેક્ચર પૂરો થતાં હું મારા મિત્રો સાથે વર્ગખંડમાંથી બહાર નીકળ્યો. ત્યાં જ એની બે બહેનપણી મારી પાસે આવી. તેમાંથી એકે મને કહ્યું.

 

"એ તને રાખડી બાંધવા માંગે છે." આ સાંભળતા જ મારા ધબકારા વધી ગયા. વળતે દિવસે રક્ષાબંધન હતી. જે વ્યક્તિને હું પ્રેમ કરું છું તેની પાસે રાખડી કેવી રીતે બંધાવું? મેં તરત જ કંઈપણ વિચાર કર્યા વિના જ ના કહી દીધું.

 

"મારે નથી બંધાવવી." આટલું કહીને હું ત્યાંથી ચાલ્યો ગયો.

 

નીચે આવીને કોલેજના કમ્પાઉન્ડમાં હું મારા ત્રણ મિત્રો સાથે ઉભો હતો. એટલામાં મારા એક મિત્રએ કહ્યું.

 

"તે રાખડી કેમ નો બંધાવી?"

 

"એમ જ" મારે એ મુદ્દા પર વધારે વાત ન્હોતી કરવી. એટલે મેં ટુંકમાં જ ઉત્તર આપી દિધો. પરંતુ આ વાત આગળ જતાં અટકી નહીં. મારા બીજા મિત્રએ કહ્યું.

 

"બિચારીને તને રાખડી બાંધવી હતી, ને તે ના પાડી દીધી? રાખડીના બહાને એ છ મહિના પછી તારી નજીક આવી રહી હતી. બ્રેકઅપ થયા પછી તમે બંને એકબીજાની નજીક હોવા છતાં પણ કેટલા દૂર હતા? સાચું અંતર શરીરથી શરીર સુધીનું નથી હોતું. સાચું અંતર મનથી મન સુધીનું હોય છે. જો એને તારાથી એટલી જ નફરત હોત; તો એ તને રાખડી બાંધવાની ઈચ્છા જ શા માટે વ્યક્ત કરેત?" મારા બીજા મિત્રના આ શબ્દોએ મને વિચાર કરવા પર મજબૂર કરી દીધો. એટલામાં ત્રીજા મિત્રએ કહ્યું.

 

"હમણાં પ્રથમ લેક્ચરમાં આપણા પ્રોફેસર મેડમે રક્ષાબંધન પર લેક્ચર આપ્યું હતું. જરૂરી નથી કે બહેન જ ભાઈને રાખડી બાંધે. પત્ની પણ પોતાના પતિને રાખડી બાંધે. મિત્ર મિત્રને બાંધે. રાખડી તો રક્ષા કવચ તરીકે બાંધવામાં આવે છે. મેડમ પણ એના પતિને રાખડી બાંધે છે." હું તો પ્રથમ લેક્ચરમા હતો નહીં. એટલે મારી પાસે મિત્રોની વાત પર વિશ્વાસ કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. મને પણ લાગ્યું કે એ એક પ્રેમિકા અથવા મિત્ર તરીકે જ રાખડી બાંધવા માંગતી હશે.

 

"એલા વિચારે છો શું? ઈ તને રાખડી બાંધશે તો તું એનો ભાઈ નહીં બની જા. લેક્ચરમાં ઇ પણ હતી જ ને? એણે પણ મેમની બધી વાતો સાંભળી હતી. મને લાગે છે કે મેમની વાતોથી પ્રભાવિત થઈને જ એ તને રાખડી બાંધવા માંગતી હશે." મારા પ્રથમ મિત્રએ કહ્યું.

 

"અરે, આપણા પુરાણમાં લખ્યું છે; દાનવ બલીરાજા ઇન્દ્રને હરાવે છે. ત્યારે ઈન્દ્રાણી શચિ વિષ્ણુ જોડે જાય છે. વિષ્ણુ એક સૂતરનો તાર આપે છે તે શચિ પોતાના પતિ ઇન્દ્રને બાંધે છે. એટલે યુદ્ધમાં ઈન્દ્રનું રક્ષણ થાય છે ને યુદ્ધ જીતી જાય છે. મતલબ પત્ની યુદ્ધમાં જતા પતિના રક્ષણ માટે રાખડી બાંધે છે."

 

"હા. મે પણ સાંભળ્યું છે કે મહાભારતના યુદ્ધ વખતે દ્રૌપદી કૃષ્ણને અને માતા કુંતી પૌત્ર અભિમન્યુને યુદ્ધમાં રક્ષણ મળે એ માટે રાખડી બાંધે છે."

 

"હા, ઇ તને રાખડી બાંધવા માંગે છે એનો અર્થ થયો કે તું એની રક્ષા કરે." મારા બીજા મિત્રના શબ્દોએ મારા મન પર ગહેરી અસર કરી. હું રાખડી બંધાવવા માટે તૈયાર થયો. તરત જ મારા મિત્રએ એની (જેને હું પ્રેમ કરું છું.) બહેનપણીને સાદ પાડ્યો. એ સામે જ ગર્લ્સરૂમ પાસે હતી.

 

મારા ધબકારા એક પછી એક વધી રહ્યા હતા. છ મહિના પછી આ અનુભવ ફરી એકવાર મને થઈ રહ્યો હતો. કદાચ આપણા હાથમાં બધું જ છે, પરંતુ ધબકારાની ગતિ આપણા હાથમાં નથી હોતી. થોડીવારમાં એ મારી તરફ આવતી દેખાઈ. હું પણ તેની તરફ થોડો આગળ વધ્યો. તેના એક હાથમાં રાખડી હતી. એ મારી એકદમ નજીક આવીને ઉભી રહી. મેં મારો જમણો હાથ તેની સામે લાંબો કર્યો. ન મારાં મુખમાંથી એકપણ શબ્દ નીકળી રહ્યો હતો કે ન એ કંઈ બોલી રહી હતી. એ નીચો ચહેરો રાખીને મારી કલાઈ પર રાખડી બાંધી રહી હતી. આટલા લાંબા સમય પછી પણ મારી સાથે એક નાનકડો વાર્તાલાપ કરવા માટે શાયદ એની પાસે શબ્દો નહોતા. પરંતુ હું એક પ્રશ્ન પૂછ્યા વિના રહી ન શક્યો.

 

"કેમ રાખડી બાંધે છો?" એણે રાખડી બાંધતા બાંધતા જ ઉત્તર આપ્યો.

 

"બસ એમ જ. એમ પણ હવે આપણી વચ્ચે કોઈ રિલેશન તો છે નહીં." બસ, એક વાક્ય હું બોલ્યો અને એક વાક્ય એ બોલી. અમારી બંને વચ્ચેનો આ વાર્તાલાપ મારી માટે કમ નહોતો. રાખડી બંધાય ગઈ હતી. એ રાખડી બાંધીને ત્યાંથી જતી રહી અને હું પણ મારા મિત્રો સાથે ભળી ગયો.

 

હું અને મારાં મિત્રો કોલેજમાંથી બહાર નીકળીને કોલેજના ગેટથી થોડા દૂર ઉભા હતા. થોડીવારમાં મારી નજર સામે એ પોતાની પ્લેઝર બાઈક લઈને ગેટમાંથી બહાર આવીને ઉભી રહી. થોડીવારમાં તેની સહેલીઓ પણ બહાર આવી.

 

"રાખડી બાંધી છે એટલે હવે ઈ તારી સાથે વાત પણ કરશે જ. રાખડી તો માત્ર બહાનું હતુ." મારા એક મિત્રએ કહ્યું. પરંતુ મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મારાં મિત્રએ તેની સહેલીને સાદ પાડ્યો. તેની સહેલી અમારી પાસે આવી. મને તો એ મુદ્દા પર વાત કરવાની જરાંયે ઈચ્છા નહતી. હું નહોતો ઈચ્છતો કે રાખડી બાંધવા પાછળનું સત્ય મારી સામે આવે. પરંતુ મારાં મિત્રોએ આ વાત વખોડી.

 

"હવે ઈ વાત તો કરશે જ ને?" મારાં મિત્રએ એની સહેલીને પૂછ્યું.

 

"ના, ઈ તો તારા મિત્રને ભાઈ જ માને છે." આ સાંભળતા જ મારાં મનમા ધ્રાસ્કો પાડ્યો. સન્નાટો પ્રસરી ગયો. મારું મન જાણે ખાલીખમ થઈ ગયું. શ્વાસ લેવા જાણે મારી માટે અઘરાં થઈ ગયા.

 

તેણે અચાનક જ અમારા ભાંગેલા તૂટેલા સંબંધને એક નવી દિશા આપી દીધી હતી. પરંતુ હું આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો. હું બસ તેને પ્રેમ કરું છું. એ મારી સાથે હોય કે ન હોય. તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો. પ્રેમ કોઈને બાંધતો નથી. હું પણ મારા પ્રેમને મુક્ત રાખવા માંગુ છું. એ ખુશ છે. એટલે મારા ચહેરા પર પણ ખુશી છે.

​​​

આજે પણ હું એને પ્રેમ કરું છું. મને એની પાસેથી કોઈ આશા નથી. સંબંધ નથી કે અપેક્ષાઓ પણ નથી. બસ, હું એને પ્રેમ કરું છું. i just love him. કારણ કે પ્રેમ પ્રેમ હોય છે. પ્રેમ કોઈ સંબંધોનો મોહતાજ નથી હોતો.

​સાચું કહું તો મેં મારી ડાયરીમાં કંઈ લખ્યું જ નથી. છતાંયે મારી ડાયરીના એ કોરા પન્નાઓમાં રહેલા એ વણઉકેલ્યા સંબંધોને મારું મન દરરોજ દિવસ-રાત વાંચ્યા કરે છે..!







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ