વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શરણાઈના સૂર


               *શરણાઈના સૂર*


  ઘરના બધા સભ્યો પોતપોતાના કામે વળેલા હતા, ઘરનો ઝાંપો બંધ હતો, એક બે વાર ખખડયો પણ કોઈનું ધ્યાન ગયું નહીં, કદાચ નિયતીએ અવાજ સાંભળ્યો હતો, બારીમાંથી ડોકિયું કર્યું અને પાછી વળી ગઈ. "કોણ હતું?" સાસુ નિલમબેને નિયતીને પૂછ્યું.

"કોઈ માંગવા વાળો હતો, હજી દરવાજે જ ઉભો છે, આટલા વરસાદમાં પણ નીકળી પડે છે શરમ નહીં આવતી હોય?" નિયતી એ જવાબ વાળ્યો.

"તું બારીમાં જા, અને વાસણ ઘસી નાખ, કપડાં હું વીણી લાવી છું, એ બાજુ ધ્યાન ન આપીશ." નિલમબેને નિયતીને આદેશ કર્યો.

        સાસુ વહુ નો આ સંવાદ ચાલી રહ્યો હતો રોહન એનાથી બિલકુલ અજાણ હતો, સાતમ આઠમની રજાઓ પડી એટલે નિયતીને લઈને ઠેઠ સૌરાષ્ટ્રથી ઘરે આવ્યો હતો, સોફા પર શાંતિથી પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ વાંચી રહ્યો હતો અને એના કાને શરણાઈના મધુરા સૂર સંભળાયા, એ બહાર જવા જતો હતો ત્યાં મમ્મીએ મોટેથી કહ્યું,


"પેલો માંગવા વાળો શરણાઈ વગાડે છે, હમણાં તું બહાર જઈશ એટલે પૈસા માંગશે, તું રહેવા દે! આપડે કોઈ બહાર નહી નીકળીએ એટલે જતો રહેશે."


"અરે મમ્મી એવું કઈ હોતું હશે? તું વાડામાં તારૂ કામ કર, હું જોઉં છું." નિલમબેનને જવાબ આપી માનવીની ભવાઈ પુસ્તક સોફા પર ઉલટું મૂકી રોહન બહાર આવ્યો. બહાર નીકળી એણે પેહલા તો ગેટ ખોલ્યો અને એ શરણાઈ વાળા કાકાને  અંદર બોલાવ્યા. શરણાઈ વાળો ગેટમાં દાખલ થયો, રોહન ઘરમાંથી એક જૂની ખુરશી ફળિયામાં લાવ્યો અને એ શરણાઈવાળા કાકા ને બેસવા કહ્યું, પોતે ખાટલો આડો કરી બેઠો, એટલે શરણાઈ વાળા કાકાએ કહ્યું  

      " સાહેબ પાંચ-દસ રૂપિયા આપોતો મહેરબાની બેસવું નથી,"

"તમે શેણાઈ મસ્ત વગાડો છો, મેં તમને ક્યાંક જોયેલા લાગે છે. હમણાં વગાડતા એ સૂરમાં ફરી વગાડો ને?"

     કાકાએ શરણાઈ વગાડી આ શરણાઈના સુર જાણે કે ગીત વાગતું હોય ઝમાને કે રંગ દેખે હજાર....

રોહન ભાવવિભોર થઈ ગયો, તેણે જોયું કે આનંદદાયક શરણાઈ વગાડતા કાકાની આંખોમાં પીડા હતી, અને તે એ પીડા સ્પષ્ટ જોઈ શકતો હતો, તેણે કાકા ને પૂછ્યું " કાકા કેમ આટલા ઉદાસ જણાવ છો? શુ તકલીફ છે."

     " ભાઈ ભીખ માંગવા વાળા ખુશ થોડા હોય? હવે પાંચ દસ રૂપિયા આપો," ચિડાઈ ને પેલા કાકાએ કહ્યું.

"અરે કાકા અકળાઈ નથી જાવ હું જોઈ રહ્યો છું તમે અંદરથી કંઈક દુઃખી દેખાવ છો, મારે તમારા વિશે જાણવું છે, જો તમને કઈ તકલીફ ન હોય તો."

     "ભાઈ જોવો આમતો મારૂ નામ હરજીવન, હરજીવન શેણાઈ વાળો, મારા બાપાએ વારસામાં આ એક શેણાઈ સિવાય કશું આપ્યું નોહતું. એ  શેણાઈ વગાડતા અને તમારા જેવા માણસો કંઈક ને કંઈક આપતા અને એમાંથી અમારૂ ગુજરાન ચાલતું, એ મરી ગયા પછી એ શેણાઈ વગાડવાનું મેં શરૂ કર્યું."


    "હમમ!! મને યાદ આવ્યું તમે જનતા મ્યુઝીક બેન્ડ માં શરણાઈ વગાડતા એજ ને?"

" હા ભાઈ હું એજ! એક દિવસ જનતા બેન્ડ વાળો રાજુ બાકોર ગામે કોઈના વરઘોડાનો ઓર્ડર લેવા આયેલો, ને હું ત્યાં માંગવા નીકળેલો દરેક દરવાજે જઈ ને શેણાઈ વગાડું એટલે, થોડું ઘણું કઈક મળે અને અમારૂ નભે, આ રાજુ એ મને શેણાઈ વગાડતા જોયો એટલે મારી પાસે આવીને  બે ચાર એ જમાનાના ગીતોના સુર વગાડાવી જોયા, પછી મને કહે! બોલો મારા બેન્ડમાં કામ કરશો? એક ઓર્ડરના પાંચસો રૂપિયા આપીશ.' હવે મને પચા ઘર ફરુ તોયે પાંચસો ન મળે, એટલે મેં એને હા કહી દીધી, ત્યાર પછી તો મારૂ સારૂ ચાલતું એટલે આ માંગવાનું પણ છોડી દીધું હતું." આટલું કેહતા હરજીવનની આંખોમાં પાણી આવી ગયું.

      રોહન ઉભો થઇ ઘરમાંથી પાણી લઈ આવ્યો, અને નિયતીને  સરસ આદુવાળી ચા બનાવવાનું કહેતો આવ્યો.

       "લગ્નના ઓર્ડર ચાલતા ત્યાં સુધી તો બધું બરાબર હતું, રાજુ પાસે કામ પણ મળી રહેતું, પણ ભાઈ આ ડી.જે આવી ગયા પછી બેન્ડ વાજા નું બેન્ડ વાગી ગયું, ઓર્ડર ઓછા થઈ ગયા, એટલે હવે રાજુ કમાય અને જરૂર હોય ત્યારેજ બોલાવે, અને હવે મારી ઉંમર થઈ એટલે છેલ્લા બે વર્ષથી તો બિલકુલ બોલાવતો નથી."

      "તો કાકા તમારે આવકનો બીજો કોઈ સ્ત્રોત નહીં ને?."

"અરે ના ભાઈ! મણ દાણા થાય એટલીય જમીન હોત તોયે ઘણું હતું,  પણ એતો બાપા પાસે હોય તો મળે ને? આ પીપોડું હતું તે મળ્યુ, અને રાજુની નોકરી કર્યા પછી ભીખ માંગવા ક્યારેય મન નોહતું થતું,  એટલે શાકભાજી ની લારી નાખી જોઈ, ત્યારે તમારા જેવા શૌકાર લોકો મારી લારીએ શાક લેવા ન આવે, એમને એમ કે અભડાઈ જવાય, એટલે બે હજાર રૂપિયા ભેગા થયેલા એમાંથી લારી નાખી જોઈ પણ ચાલી નહીં, હવે સીઝનમાં બે જણા અમે ટોપલો લઈ અંદુરા(સીતાફળ) વેચવા જઈએ, કેરી વેચીએ પણ આ મુવો કૉરોનો આયો તે એય ધંધો બંધ થઈ જ્યો,

        અને સાહેબ સાચું કહું તો આજેય હું માંગવા નતો નીકળવાનો, પણ પરમ દિવસે જમાઈ મારી છોરી ને મારઝૂડ કરી ને મારે ઘેર મૂકી ગયો છે, અને એ બિચારી બેજીવી છે, હાતમો મહીનો જાય છે, અમારે જ ખાવાની તકલીફ, ત્યાં આની દવાના રૂપિયા ક્યાંથી લાવું? કાલે સરકારી દવાખાને લઈ ગયો તો, તે દાક્તરે કહ્યું! 'ખાનગી દવાખાને જઈ સોનોગ્રાફી કરાઈ આવો,' મેં એમને પુશ્યુ સાહેબ! એના કેટલા રૂપિયા થાય? તો મને કહે પોચસો રૂપિયા થશે, હવે ભાડું ને દવા ને એ બધુ ગણુ તોયે હજાર રૂપિયા ખર્ચો થશે, અને સાહેબ તમારૂ આખું ગામ ફર્યો, બધે બારણે જઈ જઈ ને શેણાઈ વગાડી, પણ આખા ગામમાંથી પચા રૂપિયા ય નથી મળ્યા! અમુક લોકોએ આ જોળીમાં દાણા નાખી આપ્યા છે, જૉળી એકજ છે એટલે ઘઉં એકલા જ લવ છું, મકાઈ લેતો નથી, તો કેટલાક ઘેર એમ કહે કે 'લેવી હોય તો લ્યો નિતો આગળ જાવ'લોકો દરવાજો ય ખોલતા નથી, નખ્ખોદ જજો આ મુવા કૉરોનાનું."

           આટલું કહી હરજીવન રીતસર રડવા લાગ્યો...

રોહને એને શાંત પાડતા કહ્યું "કાકા આ મહામારી ના સમયમાં કોઈ અજાણ્યા ને ઘરે આવવા ના દે એ સમજી શકાય એવી વાત છે, પણ તોયે મદદ તો થઈ શકે, ખેર લ્યો આ ચા પીવો." કેહતા રોહને કાગળના કપમાં ચા હરજીવન પાસે ખસેડી, હરજીવન ચા પીતો હતો ત્યાં રોહન ઘરમા જઇ એક વાટકો ઘઉં ભરી લાવ્યો અને વિસ રૂપિયાની નવી નોટ લઇને આવ્યો, હરજીવનની જોળીમાં ઘઉં નાખ્યા હાથમાં વિસ રૂપિયા આપ્યા, અને કહ્યું "ઘઉં ની જોળી સાચવજો."

        "ભગવાન તમારૂ ભલું કરે, તમારી લીલી વાડી રાખે! તમારા ભંડારો ભરે," આટલું બોલી હરજીવન ત્યાંથી નીકળી ગયો, આ બાજુ રોહન સોફા પર પડેલી માનવીની ભવાઈ વાંચવા બેસી ગયો.

   "દયા નો દાતાર નીકળી પડ્યો છે! વિસ રૂપિયામાં કિલો ભીંડા આવત,"  નિલમબેન ઠપકો આપવા લાગ્યા, રોહન ને પણ ખબર હતી કે તેણે પાંચ દસ મિનિટ સાંભળવું પડશે.

           આ બાજુ રોહને આપેલા વિસ રૂપિયા અને અમુક પરચુરણ બધું મળી એકસો સાડત્રીસ રૂપિયા હરજીવન પાસે થયા હતા, એટલે એ વિચારતો હતો કે હજી પાસેના ગામ માં પણ આંટો મારતો જાઉં, ખભે લટકતી જોળીમાં સાત આઠ કિલો ઘઉં જમા થયા હતા, એટલે એણે પેહલા ગામમાં આવેલી કરમચંદ શેઠ ની દુકાને જઈ ઘઉં વેચી દેવાનું નક્કી કર્યું.

         "શેઠ!ઘઉં...." આટલું બોલે ત્યાં કરમચંદનું મગજ છટક્યું, "ચાર મહિનાથી ઘરાકી નથી, અને આ માંગવા વાળા આવી ગયા, પેલી દોરી બાંધી છે એનાથી દૂર ઉભોરે આ એક બે ઘરાક પતાવી લેવા દે."

   "શેઠ આ ઘઉં વેચવા છે શું ભાવ છે?"

"કેટલા છે?"

"સાત આઠ કિલો જેવા હશે."

   "અત્યારે કોઈ તોલે નહીં, ઉચ્ચક પચાસ રૂપિયા આપે, બોલ આપવા સી?" કરમચંદે કહ્યું.

  "શેઠ વ્યાજબી આપજો."

"જો ભાઈ! મારા સિવાય કોઈ બીજો દુકાન વાળો લેશે પણ નહીં, આપવા હોય તો પેલી તગારીમાં ખાલી કરી દે, અને લે પચા રૂપિયા, અને કશુ લેવું હોય તો બોલ એમાંથી, મરચું મીઠું." આદત મુજબ કરમચંદે કહ્યું.

" ના શેઠ કશું લેવું નથી તગારી અને પચાસ રૂપિયા લાવો."

      નોકર હીરા એ ઘઉં ખાલી કરવા તગારી આપી, અને પચાસની નોટ આપી.

હરજીવન  તગારીમાં ઘઉં ખાલી કરતો હતો ત્યારે તગારીમાં એક કાગળ જેવું પડ્યું, હીરાએ કહ્યું "ભાઈ ઘઉં માં તારૂ કાગળીયું પડ્યું લઈ લે,"

  હરજીવને જોયું તો સફેદ કવર હતું, એણે ખોલી ને જોયું તો અંદર પાંચસો પાંચસો ની બે નોટ હતી.

      એ નોટ છાતી સરસી ચાંપીને હરજીવન ફરી રડી રહ્યો હતો, પણ એ આંસુ ખુશીના હતા.

આ બાજુ રોહન વિસ રૂપિયા માટે નિલમબેન નો ઠપકો સાંભળતા સાંભળતા માનવીની ભવાઈ વાંચી રહ્યો હતો.


        લેખક:- મેહુલજોષી (બોરવાઈ, મહિસાગર)

મો   9979935101

​​090820202170000​

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ