વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહા ખેપાની

 મહા ખેપાની! / જગદીપ ઉપાધ્યાય

 

છેલ્લે દીકરીને રાજકોટ ખાતે સાયન્સમાં ભણાવવાની થતા હું રાજકોટ પાસે વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે આવ્યો. જૂના જમાનાની સ્ટેટ વખતની સરકારી શાળા. આસપાસના પાંત્રીશ ગામના છોકરાઓ ભણવા આવે! ખાનગીકરણના આ જુવાળમાં પણ સંખ્યાની દ્રષ્ટિએ અમારી શાળા જીલ્લાની સૌથી શ્રીમંત શાળા છે.  ને છોકરાઓ? -  ઊંચા ઊંચા, ખભા પર નેપકીન.  હાથમાં ભાર વગરનું દફ્તર. આમેય ભાર વગરના! રમતિયાળ પણ માયાળું. હુ સેમીનારમાં ભાર વગરના ભણતરની વાત થાય ત્યારે હસતો કે અમારે તો ઉલટાનો ભાર રાખવો પડે છે! કેટલાક છોકરાઓ તો શિક્ષક જેવડા લાગે! એમાનો એક પૃથ્વીરાજ!

        કોણે કહ્યુ કે સરકારી સ્કૂલમાં કામ નથી થતું? મારા પ્રયત્નો રંગ લાવ્યા. ગામની, શિક્ષકોની અને છોકરાઓની ચાહના મળી. એમાંય પૃથ્વીરાજનો તો હું રોલ મોડેલ બની ગયો! યુનિફોર્મમાં છૂટ્ટી હોય તે દિવસે પૃથ્વીરાજ જોવા જેવો હોય. મારા જેવો પોલીસ્ટાર ખાદીનો ડ્રેસ, મારા જેવું જ હેન્ડપર્સ, નંબર નહોતા તોય મારા જેવા જ પણ આંખો પર જીરો નંબરના ચશ્મા! છોકરાઓનું માર્કિંગ પણ કેવું હોય છે?  મારે કામકાજમાં સમય ન હોય એટલે હું પહેરીને  ભાગતો એ રીતના પટ્ટી  ચડાવ્યા વગરના પગમાં સેન્ડલ!

      નાના છોકરાઓની ફરિયાદ પણ આવતી કે સાહેબ! તમે કંઇક કામમાં હો કે મિટિંગમાં ગયા હો ત્યારે રિસેસમાં કે ક્યારેક તો તમે પિરિયડમાં હો ત્યારે ચાલુ સ્કૂલે પણ પૃથ્વીરાજ તમારી જેમ જ લોબીમાં ઊભો રહી જાય છે ને મોનિટરીંગ કરવા લાગે છે. એ વાત મારા ધ્યાનમાં હતી!

        એમાં એક ખાનગી બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ બ્લોક ટીચિંગ શિબિરમાં અધ્યાપન તાલીમ લેવા આવ્યા. મે એ લોકો તાસ ફાળવી દીધા. જરૂરી સૂચનાઓ આપી અને હું પોતે અથવા કોઇ પણ વિષય શિક્ષક તેઓના પાઠ ચેક કરવા આવશે તેમ જણાવ્યું. પૃથ્વીરાજને વરસમાં છ–સાત વાર  જન્મ દિવસ આવે. એટલે કે એ દિવસે યુનિફોર્મ ન પહેર્યો હોય! તાલીમાર્થીઓનો પ્રથમ દિવસ અને પૃથ્વીરાજનો દેશી મહિના પ્રમાણે જન્મ દિવસ! હું રાબેતા મુજબ રિસેસ પહેલાનો પિરિયડ લેવા ગયો ને પૃથ્વીરાજ લોબીમાં ઊભો રહી ગયો. પેલા તાલીમાર્થીઓ વર્ગ શોધતા હતા. ને પૃથ્વીરાજે એ બધાને બોલાવ્યા ને તતડાવવાનું શરૂ કર્યું. ‘કેટલી વાર થઇ પિરિયડ બદલાવાનો બેલ પડી ગયાને! તમે બધા શું કરો છો? તૈયારીઓ ઓછી કરો છો તેવી કેટલાક બાળકોની ફરિયાદ આવે છે! બાળકો સાથે પ્રેમથી કામ લેવાનું લેવાનું તેનો ખ્યાલ છે ને! ઠીક છે... આઠમાના વર્ગો જમણી લોબીમાં છે નવમાના વર્ગો ડાબી બાજુએ છે. એસ.એસ.સી અને હાયર સેકન્ડરી ઉપરના માળે છે. ચાલો જલ્દીથી પહોંચો અને કંઇ કામ હોય તો મને કહેજો! રિસેસ પછી હું અહીંયા જ હોઉં છું!’ પેલા તાલીમાર્થીઓ વર્ગમાં ગયા ને ચાલુ પિરિયડે મારી પાસે નાના ધોરણના છોકરાઓ ફરિયાદ લઇને આવ્યા કે પૃથ્વીરાજ અમારા વર્ગમાં છેલ્લી બાકડીએ બેસી ગયો છે અને સવારે તમે કરતા હતા એમ તાલીમ વાળા ટીચરનો લેશન ચેક કરે છે. મારે અગત્યનો મુદ્દો ચાલતો હતો એટલે, ‘તમે જાઓ હું આવું છું’  એમ  કહીને મે પેલા છોકરાઓને તેઓના વર્ગમાં મોકલી દીધા ને મને જવાની ઉત્કંઠા છતા મુદ્દો પૂરો કરવામાં ખ્યાલ ન રહ્યો ને બેલ પડી ગયો.

રિસેસમાં મે પટ્ટાવાળાને પૃથ્વીરાજને બોલાવા મોકલ્યો તો એણે આંટો મારીને ‘દેખાતો ન હોવાનું’  જણાવ્યું. મોટી શાળા એટલે ચાલુ સ્કૂલે તો ખાસ પણ રિસેસમાંયે ઉપર નીચે એમ બન્ને માળે આંટા મારવા પડે કે લોબીમાં જાતે ઊભા રહી મોનિટરીંગ કરવું પડે! મે નીચે લોબીમાં ને મેદાનમાં ચક્કર મારતા નજર નાખી જોઇ પણ ખરેખર પૃથ્વીરાજ ન દેખાયો. હું ઉપરની લોબીમાં ગયો તો લોબી તો ખાલી હતી પણ વર્ગોમાં નજર નાંખવાની ટેવ તે હું ચાલતો ચાલતો છેલ્લા વર્ગ પાસે ગયો તો પૃથ્વીરાજને જોઇને દંગ રહી ગયો.

        દંગ રહી જવાના પ્રસંગ તો મારે અનેક વાર આવ્યા છે.

        નવયુવાન એવા મારી પ્રથમ નોકરી પંચમહાલની આદિવાસી વિસ્તારની વાઘજીપુરની ઉચ્ચતર માધ્યમિક શાળામા. આ વિસ્તારમાં છોકરાઓને નાનપણમાં પરણાવી દેવાનો રીવાજ! તે નવાઇની વાત એ કે વર્ગના તમામ છોકરા પરણેલા અને હું કુંવારો!

શાનત સિંહ નથી આવ્યો? હું હાજરી પૂરતા પૂછું.

એક એના નજીકમાં રહેતો છોકરો બોલે, ‘સા’બ! એ આજે નહીં આવે.’

     ‘કેમ?’      

    ‘એની ઘરવાળીએ ના પાડી છે1’

અને આખો વર્ગ હસી પડે.   આ ભાર વગરનું ભણતર ન થયું?

        પ્રયત્ન કરો તો પરિણામ મળે. મૂળ વાત એ છે કે આપણે પ્રયત્ન જ નથી  કરતા.  ધીરે નાનપણમાં પરણાવી દેવાના આ રીવાજમાં ઘણો સુધારો આવ્યો. છોકરીઓ પણ ભણતી થઇ.  વિચાર માણસને બદલે છે. આ બધાને વિચારો આપવા અમો શિક્ષકો એની જોડે પ્રવૃતિમાં જોડાતા કે રમતો રમતા.

સંવેદના તો આદિવાસી વિસ્તારનો છોકરો હોય કે અમેરિકાનો,  સરખી જ હોય છે! એમનું વિશ્વ નિરાળું હોય છે.

         એક વાર પિરિયડ બદલાતા હું અને મારા મિત્ર મહેશભાઇ પટેલ બાજુ બાજુમાં આવેલા બારમા ધોરણના અ અને બ વર્ગમાં પિરિયડ લેવા ગયા તો હું વર્ગમાં જતા દંગ રહી ગયો! એટલીવારમાં તો મહેશભાઇ એમના વર્ગમાંથી આશ્ચર્યના ભાવો સાથે બહાર આવ્યા અને મને બહાર બોલાવીને કહે, ‘ મારા વર્ગમાં છોકરા – છોકરીઓને શું થઇ ગયું છે! એક સાથે બધા રડે છે!’

મે કહ્યું, ‘મારા વર્ગના છોકરા – છોકરીઓ પણ રડે છે!’

અમે બન્ને મિત્રો મારા વર્ગમાં ગયા અને સાથે રડવાનું કારણ પૂછ્યું તો બધા વધુ રડવા લાગ્યા.

અમે બન્ને છક થઇ ગયા.

એમાંય બાલી તો વળી થોડું હસે ને પાછી હીબકાં ભરતી  રડે!

હે આનંદે રડનારા! તારી લીલાનો કોઇ પાર નથી! મારા સેવા કાળમાં સૌથી પહેલી ફરિયાદ બાલીની આવેલી. એક દિવસ ગુમાનસિંહ આવીને ફરિયાદ કરવા લાગ્યો, ‘સા’બ! આ બાલીને વઢોને! મને બહુ હેરાન કરે છે ને કહે છે, ‘ એલા! તને આટલો બધો ખીજવું છું તોય ખીજાતો કેમ નથી?’ હવે નવાસવા શિક્ષક એવા મને છોકરો છોકરીને હેરાન કરે તો કેમ ખીજાવાય એ આવડતું હતું પણ ઉલટું થાય તો શું?.... આપણે છોકરાઓને ખેપાની કહીએ છીએ પણ મારા અનુભવે છોકરીઓ તો મહાખેપાની હોય છે. અંકુશ ન રાખો તો માથે છાણાં થાપે! આ માત્ર ગુમાનનો નહીં મારો પોતાનો જાત અનુભવ છે.

         મારા વતન બાજુ સાવર કુંડલાની સ્કૂલમાં હું એકત્રીશ – બત્રીશ વર્ષની એમ બહુ નાની વયે આચાર્ય બની ગયેલો. નવા નવા આચાર્ય એવા મારે રાજકોટની  કડવીબાઇ કન્યા વિદ્યાલયમાં એક સેમીનારમાં જવાનું થયું ને એમાં મુખ્ય સમારંભમાં હું બોલવા ઊભો થયો ત્યારે શ્રોતાગણમાં બેઠેલી છોકરીઓ મોઢા આડો રૂમાલ રાખીને હસતી હતી કે આવડા તો આચાર્ય હોતા હશે!

        એ સમયમાં એક દિવસ મારા વિજ્ઞાન શિક્ષક હસુભાઇ મારુ મારી સાથે વિજ્ઞાન મેળાના અયોજનની ચર્ચા કરીને બહાર નીકળતા હતા ને  એક છોકરી પેંડાનું બોક્સ લઇને આવી અને મને કહે, ‘લ્યો સર! આજે મારો જન્મ દિવસ છે!’ મે એને જન્મ દિવસની શુભકામનાઓ આપી ને બોક્સમાંથી એક પેંડો મને આપવાનું કહ્યું. પણ પેલી છોકરીએ , ‘લ્યો ને લ્યો સર!’ કહેતા બહુ આગ્રહ કર્યો. હસુભાઇ જતા જતા કહે, ‘ બિચારી આટલો બધો આગ્રહ કરે છે તો લઇ લો ને સાહેબ! આમેય અમો તો બધા એક વાગ્યે ઘેર જવા નીકળી જઇએ છીએ પણ તમારે તો કામકાજમાં કંઇ નક્કી નહીં. એકાદ બે પેંડા પેટમાં જાય તો પાણી  પીવાય ને ટેકો રહે.’   મે બોક્સ લીધુ ને છોકરી ‘થેક્યું!’ કહેતા નીકળી ગઇ. આમ તો કામકાજમાં ખાવાપીવાનું યાદ ન આવે પણ હસુભાઇના શબ્દો મનમાં ઘૂમરાયાં ‘ એકાદ બે પેંડા પેટમાં જાય તો પાણી  પીવાય ને ટેકો રહે.’  ને મે બોક્સ ખોલ્યું. તો એમાંથી એક ચિઠ્ઠી નીકળી. મે પેંડો હાથમાં લેતા એ ચિઠ્ઠી વાંચી તો પેંડો હાથમાં રહી ગયો ને હું દંગ રહી ગયો. એ મારા પરનો લવ લેટર હતો. ખેરખા શિક્ષકો સાથે કે માથાભારે છોકરાઓ સાથે નીપટતા આવડે પણ આની સાથે કેમ નીપટવું?!  નાનપણમાં દાદીમાં વાર્તા કરતા ‘ હું સિંહથી ન બીઉં, વાઘથી ન બીઉં પણ ટાઢા ટબૂકલાથી બીઉં!’ એ ટાઢું ટબૂકલું તે આ!

          હજુ તો કાંઇ વિચારું એટલામાં મારા બીજા વિજ્ઞાન શિક્ષક હર્ષાબહેન ઓફિસમાં દાખલ થયા! મે ઝટપટ પેંડો બોક્સમાં પાછો મૂકી દીધો અને ચિઠ્ઠી ટેબલના ખાનામાં સરકાવી દીધી, હર્ષાબહેન કહે, ‘ ખાવ ખાવ... સાહેબ! એમ ક્યારેક ખાતું રહેવાય! તમે કોઇ અગત્યનો પરિપત્ર ઉકેલવામાં વ્યસ્ત હતા પણ સોરી! તમને ડીસ્ટર્બ કર્યા. સહેજ જુઓને વિજ્ઞાન મેળા માટે આ પ્રયોગ કેમ રહેશે?.’  એમની સાથે વાત પૂરી થઇ ન થઇ ને શાળાના સુપરવાઇઝર જાનીસાહેબ આવીને શાળાકીય વ્યવસ્થાના એક બે પશ્નો લઇને બેસી ગયા. કોણ જાણે કેમ? રોજ તો શાળા કાર્યક્રમોની ચર્ચા કરનારા જાની સાહેબ મને અચાનક કહે, ‘સાહેબ! ઉચ્ચત્તર વિભાગની છોકરીઓ સાથે હું કડક કામ લઉં!’ એ તો તેણે બરાબર કહ્યું પણ પછી બોલ્યા કે , ‘સાહેબ! છોકરીઓની આ ઉમર નાદાન હોય છે. એ ગમે તેમ ખેંચાય જાય. એ શિક્ષક પ્રત્યે પણ આકર્ષાય તો  શિક્ષકે સચેત રહેવું જોઇએ! ખરુંને?! જાની સાહેબ જાણે કેમ મને ન કહેતા હોય તેવું મને લાગ્યું! આજે તો એણે જવામાં પણ સમય લીધો. એ ગયા ને હું સ્વસ્થ થઇને ટેબલના ખાનામાં હાથ નાખવા જાઉં ત્યાં તો સ્કૂલનો પટ્ટાવાળો ધડામ દઇને ઓફિસમાં આવી ગયો. મે કહ્યું કે, ‘ મે બોલાવ્યો નથી ને કેમ આવ્યો?’ તો પટ્ટાવાળો કહે, ‘ કેમ સાહેબ! તમે કહ્યું નથી કે દિલીપ! તારે નવરું નહીં બેસવાનું! કંઇ કામ ન હોય તો તારે મારી પાસે આવી જવું1 આપણે ઓફિસની તમામ ફાઇલો વ્યવસ્થિત કરી દઇશું કે જેથી કૌઇ પણ કાગળ ફટ દઇને મળી જાય! આજે હું કાર્યાલયના કામમાંથી ફ્રી પડ્યો એટલે તમારી પાસે આવી ગયો.’

હવે કોઇ કર્મચારી સામેથી કામ કરવા માગતો હોય તો ના પણ કેમ પાડવી?’ મે એને ઓફિસનો છેલ્લો કબાટ બતાવતા કહ્યું, ‘એમ કર, પહેલા  આ કબાટ હાથમાં લે. તું પહેલા ફાઇલો કાઢી કબાટ સાફ કરી નાખ પછી આપણે ફાઇલો જોઇ લઇએ.’

પટ્ટાવાળો કહે, ‘નહીં સાહેબ! પહેલા તો તમારા ટેબલનું ખાનું જ હાથમાં લેવું છે. તમે જે અને તે કાગળ આમાં નાખી દો છો તે આ ભંભાખાનું થઇ ગયું છે. તમને ખબર છે ને આખી સ્કૂલ છૂટી ગઇ હોય અને આપણે બે મથતા હોઇએ ત્યારે એક તો ભૂખ લાગી હોય ને ખાનામાંથી કાગળ જડે નહીં! એટલે  પહેલા તો ટેબલનું ખાનું જ...’ એમ કહીને એણે જેમાં ચિઠ્ઠી હતી એ જ ખાનું ધડ દઇને ખેંચ્યું. મને થયું, ‘ માર્યા!’  મારા હોશ ઊડી ગયા!

          બોલો બાલી તો આ છોકરી આગળ કાઈ વિસાતમાં જ  ન ગણાય ને?

          તે દિવસે થોડુ હસી ને પાછી હીબકા ભરતી  બાલીને જોતા મને મનમાં લાઈટ થઇ કે ‘આ જવાબ’  દેશે ને મે બાલીને ઊભી કરી. થોડુ સમજાવી તેને સમૂહમાં રડવાનું કારણ પૂછ્યું. તો સ્પોર્ટ્સ વિરાંગના એવી બાલી આંખો લૂછતા બોલી, ‘કેમ ખબર નઈ? કાલે અમારો સ્કૂલમાં વિદાય સમારંભ છે. તમો સાહેબો અમોને બેસાડીને વારાફરતી  ભાષણ ઠોકશો ને પછી નાસ્તો કરાવી ને હોલ ટિકિટ આપીને હેંડતા કરશો તો અમારે એક બીજાને મળીને રડવું ક્યારે? તે એ કાર્યક્રમ અમો બધાએ અત્યારે ગોઠવી દીધો છે.’  

      મને એ દ્રશ્ય હજુએ નજરે તરવરે છે. તેણે બોર્ડ પર રંગીન અક્ષરે લખેલી આદિલ મન્સૂરીની પંક્તિ ભાવવાહી સ્વરે વાંચેલી,

‘રડી લો  આજ સૌ સબંધોને વીંટળાઇને અહીંયા,

પછી  કોઇને કોઇની  કોઇની  કબર મળે ન મળે !

         પટ્ટાવાળો ટેબલના ખાનામાં હાથ નાખે પહેલા મારું ધ્યાન પેંડાના બોક્સ પર ગયું અને મારી છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઇ. મે કહ્યું, ‘એમ કર દિલીપ! આજે એક છોકરી જન્મ દિવસ હોવાથી પેંડા આપી ગઇ છે તું કાર્યાલયમાં બધાને વહેંચી આવ પછી આપણે સફાઇ કામ હાથમાં લઇએ.’ અને એ ખુશ થાતો થાતો પેંડાનું બોક્સ લઇને ઉપડ્યો. ને મેં વીજળી વેગે ચિઠ્ઠીનો નિકાલ કર્યો. કોઇ કિડનીના દર્દીને ડોક્ટર એમ કહે કે , ‘ વાહ! તમારો રિપોર્ટ તો સાવ નોર્મલ આવ્યો છે!’ અને દર્દીને જેવી રાહત થાય એવી રાહત મેં અનુભવી અને લોબીમાં રાઉન્ડ મારવાને  બહાને ઘડીભર શ્વાસ લેવા ઓફિસની બહાર નીકળ્યો તો અમારા નિષ્ઠાવાન શિક્ષક ભનુભાઇ લેસન ન લાવેલી છોકરીઓને વર્ગની બહાર ઊભી રાખીને વહાલથી ઠપકો આપતા હતા, ‘ જો બેટા!  સ્વાધ્યાયમાં કદી આળસ ન કરાય!’ મે એ ‘ બેટા!’ શબ્દ સાંભળ્યો અને મને જ્ઞાન થયું કે છોકરી સાથે કેમ વર્તન કરાય. અને હું સીધો જ પેલી છોકરીના વર્ગમાં ગયો. એ વર્ગમાં શિક્ષકે પાઠ ભણાવીને છોકરા-છોકરીઓને કેટલાક સવાલોના જવાબ લખવા માટે આપ્યા હતા! એ બધા કેવું લખે છે તે જોવાને બહાને વર્ગમાં આંટો મારતા હું પેલી છોકરી પાસે ગયો ને બોલ્યો, ‘ કેમ બેટા! આવડે છે?’ તે નમ્રતાથી બોલી, ‘ યસ! સર...;  તેને કંઇક અજુકતું કર્યાનું હવે ફીલ થશે એમ ધારી હું પાછો વળ્યો! શું ફીલ થાય? હું સાંભળું એમ મારા ચાળા પાડતી બાજુની છોકરીને ધીમા અવાજે કહેવા લાગી, ‘ આવડે છે ને બેટા? બરાબર લખજે હો બેટા!, ઊંધુ ઘાલીને ભણજે હો બેટા!’ એનો જન્મ દિવસ હતો એટલે મારે ગમ ખાઇ જવા સિવાય છૂટકો નહોતો! 

        કેટલા પ્રસંગો ટાંકુ?

        હું ચલતો ચાલતો છેલ્લા વર્ગ પાસે ગયો તો પૃથ્વીરાજને જોઇને દંગ રહી ગયો. પૃથ્વીરાજ મારી જેમ જ ખુરશીમાં બેસીને દાઢી નીચેની આંગળીઓમાં ખુલ્લી પેન પકડી,  હાથની કોણી ટેબલ પર રાખી, બીજા હાથથી બે તાલીમાર્થી શિક્ષિકાઓની લેશન બુકના પાના ફેરવતો, ‘ આઇ સી... આઇ સી...’ કહેતો, તેમણે  ડ્રો કરેલા પાઠો ચેક કરતો, સૂચનાઓ આપી રહ્યો હતો! આવા છોકરાઓ બહુ ચબરાક હોય છે તેનું ધ્યાન તરત જ મારી સામે ગયું. તે ચહેરા પર  અફસોસના ભાવ લાવે તે પહેલા જ મે તેને ‘ તારુ કામ લેવાનું છે! ‘   એવા ભાવથી મોઢું હલાવતા, મારી પાસે નીચે ઓફિસમાં આવી જવા ઇશારો કર્યો ને હુ પાછો વળ્યો! જૂજ અપવાદોને બાદ કરતા ખાનગી શિક્ષણના હાલ તો જુઓ! અગિયારમીમાં માંડ માંડ પાસ થયેલો છોકરો બેધડક માર્ગદર્શન આપતો હતો ને પેલી બન્ને તાલીમાર્થી શિક્ષિકાઓ પાછળ અદબથી હાથના આંકડા ભીડીને ‘યસ સર!... યસ સર!...’ કહેતી ધ્યાનથી સૂચનાઓ સાંભળી રહી હતી! 

          આ બધા ભાર વગર ભણ્યા ને મે પણ એના આવા તોફાનોને હળવાશથી લીધા! સ્વતંત્ર વિચાર શક્તિ વિકસતા શિક્ષણે ચમત્કૃતિ સર્જી. એટલે જ તો  પૃથ્વીરાજ આજે પી.એસ.આઇ છે. બાલી સ્પોર્ટ ઓફિસર ને પેલી ‘ટાઢુ ટબૂકલું’ સોનુ વિદેશ કમ્પ્યૂટર એન્જિનિયર છે! કદાચ મે આ લોકોને પણ પેલી બી. એડ.ની તાલીમાર્થી બહેનોની જેમ અદબથી પાછળ હાથના આંકડા પકડાવી, શિસ્તના બહાને એના વિસ્મયોને હણી લીધા હોત તો એ બધા કોઇક ખાનગી એકમમાં બે- પાંચ હજાર રૂપરડીમાં વૈતરું કરતા હોત!

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ