વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જડભરત

*જડભરત*


તે પોતાનું ઘર છોડીને વાજતે ગાજતે અરમાનોની પોટલી લઈને સાસરે આવી હતી, એનો હું સાક્ષી.  ગૃહપ્રવેશ વખતે કેવી ગભરાઈ ગયેલી! "જોઉં કેવા સંસ્કાર છે?" કરીને તેના  પગ પર સૌની નજર મંડાયેલી હતી.  પછી તો તે હંમેશા ગંભીર બનવાનો પ્રયત્ન કરતી પણ તેનું રમતિયાળપણું  વારેઘડીએ ડોકાઈ જતું. એની નિખાલસતા સાસરે  બધાને સ્પર્શી ગઈ અને સૌની  લાડકી બની ગઈ. 


"હવે તારું કામમાં ધ્યાન નથી", પ્રથમ બાળકના જન્મ પછી બેવડાયેલી જવાબદારીમાં એ મુરઝાવા લાગી. "કોને સંભાળું?" પગમાં પૈડાં મૂક્યા હોય તેમ તેને આમતેમ દોડતી  હું જોતો રહેતો. ઘૂંટણિયા ભરતું  તેનું  બાળક મને  સ્પર્શી જતું ત્યારે  હું ઝૂમી ઉઠતો.


દિવસ-રાત કે સુખ-દુઃખને ને કોઈ ટોક ખરી?


"ઉંબરો ઓળંગતા ધ્યાન રાખજો, પહેલા પગ બહાર નીકળે એ પ્રમાણે ઠાઠડી ઉંચકજો." આજે મારી નજર પણ એના પગ પર હતી! જવું હતું મારે પણ તેની સાથે, પણ મેં તેને વચન આપ્યું  હતું, ઘરના બધાને સાચવવાનું!


હું ઉંબરો, એક દીકરીના સંબંધને સાચવતો જડભરત બનીને ત્યાં જ ઠોકાઈ રહ્યો.


©️ લેખક - વંદના વાણી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ