વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આઝાદી ફળી

" આઝાદી ફળી "


 લેખન : શૈલેષ પંચાલ.



            સોળ વર્ષની ઉંમરે હાઈસ્કૂલમાં 15 ઓગસ્ટના રોજ " ક્રાંતિકારી " નાટક ભજવતા ત્યારે સૌને ગમી જતું પાત્ર હતું.. ચન્દ્રશેખર આઝાદ.. મોટાભાગે આ રોલ હું પ્લે કરતો.જુસ્સાથી અંગ્રેજો સામે ડાયલોગ્સ બોલવાની મજા આવી જતી.દશ પંદર દિવસ પહેલા મનોમન રિહર્સલ થતું. રાત્રે ઉઘમા પણ આઝાદના જ વિચાર ચાલતાં.કયારેક તો હાલતાં ચાલતાં પણ બોલી જવાતું.. દેશવાસીઓ, આ સમય છે મા ભારતીને અંગ્રેજોની ઝંઝીરોમાંથી મુક્ત કરવાનો...યે જાન જાવે તો જાવે..પર આઝાદી ઘર આવે..



      કિશોર અવસ્થામાં થતો એ થનગનાટ આજેય ફિલ્મની પટ્ટીની માફક યાદ છે એનું રહસ્ય એટલું જ કે દેશપ્રેમ ચરમસીમાએ હતો.અમારા હાઈસ્કૂલમાં એલ.બી.રાઠોડ કરીને એક શિક્ષક કાયમ પેલો શેર સંભળાવતા..


 " જો ભરા નહીં ભાવોસે


        રહેતી જીસમે દેશદાઝ નહીં


    વો નર નહીં, પશુ હે


        જીસમે સ્વદેશકા પ્યાર નહીં "



     એ પછી તો મે જાતે ચોપડાના દશેક પાના ભરીને ક્રાંતિકારી નાટક લખ્યું ને એ ભદ્રાડા હાઈસ્કૂલમાં ભજવાયુ.. એમાં, દેશપ્રેમીઓ એટલાં વધી ગયા કે ન છૂટકે મારે અંગ્રેજ અફસર કિન્ગસફર્ડનો રોલ પ્લે કરવો પડ્યો... જોકે,આ નાટક એક કલાકથી વધારે સમય ચાલે એવી રીતે મે બનાવેલું.એમાં દેશભક્તિના ચાર પાંચ ગીતો પણ એડ કરેલાં. ખુબ જ શાન ઓ શોકતથી એ નાટક અમે ભજવ્યું ને ખુબ ખુબ પ્રસંશા મેળવી.


  

     એ તો થઇ... બચપણની વાત.. પછી અસ્સલ જિંદગી શરૂ થઇ.. નોકરી માટે કરવો પડતો સંઘર્ષ.. મીઠું મીઠું બોલી શોષણ કરતાં ઉપરી અધિકારીઓ.. ધનવાનો તરફથી થતી ઉપેક્ષા.. જીવનની ધરાતલ પરની વાસ્તવિકતા.. જેમ જેમ આ બધામાંથી પસાર થવાનું થયુ ...ફક્ત, એક જ વિચાર આવતો કે આવાં ગુલામો પેદા કરવા માટે આઝાદે બલિદાન આપ્યું હશે..? કચડાયેલા વર્ગના પરસેવા પર પોતાનાં મહેલ ચણતા લોકોને સમાજમાં જે પ્રતિષ્ઠા મળે છે એ જોઈને હું તો હબક જ ખાઈ ગયો.. જે આદર્શો માટે ભગતસિંહ જેવા નવલોહીયા ફાસીએ ચઢ્યા એનું તો ક્યાંય નામોનિશાન જોવા ન મળ્યું.. અહીં તો હતું ભ્રષ્ટાચારના ભોરીન્ગથી ભરખાયેલુ ભારત.. સડી ગયેલો સમાજ.. દુધમાં ને દહીંમાં પગ રાખનાર માલપુવા ખાય...સરેરાશ ઈમાનદાર ઠોકરો ખાય..1947 ની પંદરમી તારીખે આપણે ખરેખર આઝાદી શેમાંથી મેળવી એ સમજવામાં હું ધરાર નિષ્ફળ નીવડ્યો. ગાંધીજીનું રામરાજ્ય તો દૂર દૂર સુધી દેખાયું નહીં... હું ધ્રુજી ગયો.. મારા આદર્શો ધ્વંસ થતાં ગયા.. કહેવાતા મોટા માણસોની વચ્ચે જઈને પણ બેઠો..અરેરે ..બિચારા એ તો અંદરથી ખોખલા નીકળ્યા.. લક્ષ્મી, લાલચ અને પ્રસિધ્ધીની મોહજાળમા અટવાતુ બુધ્ધિનન જોયાં પછી મને વિચાર આવ્યો કે આવી આઝાદી જોઈને આપણાં શહીદોના આત્માઓને કેટલું દુઃખ થતું હશે..!



         ગુલામી વિચારોની પણ હોઈ શકે એ વિચાર મને આવ્યો...લાગ્યું કે સૌ મરીમરીને જીવે છે...પણ, મને આ ઢાંચામાં ફીટ થવું યોગ્ય ન લાગ્યું.. એટલે મે એક 15 ઓગસ્ટના દિવસે એક સંકલ્પ લીધો કે હું વિચારોની ગુલામી નહીં ભોગવું.. કોઈને સારું લગાડવા મીઠું મીઠું બોલીશ નહીં... જીવનમાં કયારેય ખોખલા સંબંધ બાધીશ નહીં...ફોર્માલીટી કદીપણ કરીશ નહીં...સત્ય તરફ જવાથી કંટકો વધી જશે તોપણ એને ફરિયાદ કર્યા વગર અપનાવીશ..ભલે,એ માટે દુનિયાદારીથી ફેકાઈ જવું પડે તો એકલો જીવીશ.. એ સાથે જ અંદરથી સંતોષ થયો.. હાશ, મને આઝાદી ફળી છે..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ