વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાંબાઝ

~ જાંબાઝ 


        “ના બેટા, તું એવું કંઈ નહીં કરે. મારા ધાવણની લાજ રાખજે. કોઈ ગમે તે કહે, આ આપણું વતન છે. વતનથી ગદ્દારી કરીશું તો અલ્લાહ આપણને કદાપિ માફ નહીં કરે.” ફાતિમા બેન યુવાન દિકરા અકરમની વાત સાંભળી ધ્રુજી ઉઠ્યાં હતાં. ઘણી મથામણ પછી એ આટલું પણ સાંભળવા તૈયાર થયો. પણ એની વ્યથાનો ઉકેલ ફાતિમાબેન પાસે પણ ન હતો. 


         “પણ મા, હું કંઈ નથી કરતો, છતા પણ એ આખી ટોળકી થોડા સમયથી કાયમ મને આતંકવાદી કહે છે. સહન શક્તિની પણ એક હદ હોય છે મા. આપણે આ ધરતી પર દિવસમાં પાંચ સમયની નમાઝ પઢીએ છીએ. વારેઘડીએ આ જમીન પર માથું ટેકવીને સજદો કરીએ છીએ. આ માટીથી મને મોહબ્બત છે. દેશ વિરૂધ્ધનું કોઈ કાર્ય હું નહીં કરૂં, એટલો મારો વિશ્વાસ રાખજો, પણ આ લોકોને હું સબક શીખવાડીને રહીશ. એ બોમ્બ ફોડનારા અને આતંક ફેલાવનારા અલ્લાહ જાણે કોણ હશે? કદાચ મુસ્લિમ પણ હોઈ શકે.. પરંતુ એનો અર્થ એ થોડો છે કે દરેક મુસ્લિમ એવા જ હોય? આપણું નામ તો વિના કારણે જ બદનામ થાય છે ને? અરે.. એ ટોળકીનાં કેટલાક તો મારા જિગરી દોસ્ત રહી ચૂક્યા છે. સંતોષ, શિવમ અને અશોકને મેં પર્સનલી સમજાવવાની ઘણી ટ્રાય કરી. પણ હવે એ લોકો મારી સાથે બેસવા પણ નથી ચાહતા! અરે.. કરે કોઈ બીજું ને સજા આપણે ભોગવવાની?”


               ~~~~~~~~


       ઓગણીસ વર્ષનાં અકરમે યુવાનીમાં હજી પગ મૂક્યો હતો. સ્વભાવે તદ્દન ભોળો, નિર્વ્યસની, મળતાવડા અને રમૂજી સ્વભાવને કારણે મિત્ર વર્તુળમાં એ બધાનો માનીતો હતો. ગયા વર્ષે હાઈસ્કૂલ પૂર્ણ કરી અકરમ અબ્બા સાથે વેલ્ડિંગના ધંધામાં જોડાઈ ગયો હતો. હજી થોડા સમય પહેલાં આ એક ખુશહાલ પરિવાર હતો. ત્રણ દિકરીઓની શાદી કરાવી અબ્બા-અમ્મી લગભગ નચિંત થઈ ગયા હતાં. જેમ બને તેમ જલ્દી અકરમની દુલ્હન શોધી એને પણ માંડવે બેસાડીને તેઓ હજ માટે પ્રયાણ કરવાના હતાં. પરંતુ તકદીર હંમેશા વ્યક્તિની ધારણા પ્રમાણે નથી ચાલતી! તકલીફ અને મુસીબત વિના ભાગ્યે જ કોઈ વ્યક્તિનું જીવન પૂર્ણ થાય છે.


    એક દિવસ સવારે નિયત સમયે મન્સુરભાઈ બિસ્તરથી ઉઠ્યા જ નહીં. સદાના ખુશમિજાજ, ઉઠતા બેસતા અલ્લાહની આપેલ જિંદગી વિશે સંતોષ વ્યકત કરતા અબ્બાની રૂહ ઉંઘમાં જ અલ્લાહને પ્યારી થઈ ગઈ. કુમળી વયનાં અકરમ અને વૃદ્ધતાને આરે પહોંચેલા ફાતિમા બેનનાં માથે આભ તૂટી પડ્યું. બહેનો સાસરેથી મારતી ગાડીએ આવી પહોંચી અને અમ્મીને સંભાળી લીધા. બધુ ધીમે ધીમે રાબેતા મુજબ ગોઠવાતું ગયું. ઘર ચલાવવાની જવાબદારી યુવાન અકરમ પર આવી પડી. એક વર્ષ અબ્બાની સાથે કામ કરવાનો અનુભવ એને ઘણો કામ લાગ્યો. એંસી ટકા હિન્દુ ઘરાક ધરાવતી એની ફેબ્રિકેશનની દુકાન ફરી ધમધોકાર ચાલવા લાગી. અબ્બાના મૃત્યુના એ કપરા સમયમાં જૂના ઘરાકો બહુ કામ લાગ્યા હતાં. અકરમ એ સપોર્ટને ક્યારેય ભૂલી શકે તેમ નહોતો. અત્યારે એ જ શરમ એને નડી રહી હતી! 


   શાંત અને ધંધાદારી પ્રજા તરીકે જાણીતા ગુજરાતીઓમાં અચાનક  આતંક છવાઈ ગયો હતો. અમદાવાદમાં એક ઠેકાણે બોમ્બ ફૂટ્યો એ પછી સુરત, વડોદરા જેવા નાના મોટા અનેક શહેરોમાં બિલાડીના ટોપની જેમ બોમ્બ ઉગી નીકળ્યા હતાં. રોજના પાંચ-સાત બોમ્બ મળવાની ખબર છાપામાં આવતી હતી. બોમ્બ ડિફ્યુઝ સ્કવોડનાં જવાનો પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યા હતાં. નિર્દોષ માનવોને મોતને ઘાટ ઉતારી અને ભય ફેલાવી ખુશ થતા નપુસંક આતંકવાદી તત્વો પોતાના અડ્ડામાં આરામ ફરમાવી રહ્યા હતાં અને નિર્દોષ પ્રજા હેરાન થઈ રહી હતી. એ ઓછું હોય તેમ ઈસ્લામ ધર્મના લોકોને આતંકીઓના સહધર્મી હોવાની શંકાને કારણે માનસિક ત્રાસ વેઠવાનો સમય આવ્યો હતો. અકરમ જેવા કેટલાય યુવાનો કટાક્ષનો માર સહન કરી રહ્યા હતાં. કેટલાકથી એ સહન ન થતા હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા. જેને પગલે રાજ્યમાં છૂટાછવાયા કોમી છમકલાની હારમાળા સર્જાઈ હતી, જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી જતી હતી. બોમ્બ મળવાના બંધ થઈ ગયા છતા અફવાઓ ચાલુ રહી હતી. ચોપાનિયાઓમાં પણ હવે બેધડક મુસ્લિમ આતંકવાદનાં શિર્ષક હેઠળ સમાચાર છપાઈ રહ્યા હતાં. પરિણામ સ્વરૂપે નિર્દોષ લોકો નિશાન બની રહ્યા હતાં. ગંદા રાજકારણે બિનસાંપ્રદાયિક સમાજ વ્યવસ્થાને ગંદી કરી લોકોને ધર્મને નામે વિભાજિત કરી નાખ્યા હતાં. એક નાનો વર્ગ નિષ્પક્ષ રહી પરિસ્થિતિનું સાચું વિશ્લેષણ કરી રહ્યો હતો, પરંતુ તેઓનું સાંભળનાર કોઈ ન હતું!


           ~~~~~~~


    છવ્વીસમી જાન્યુઆરી નજીક હતી. નજીકની નગરપાલિકાની શાળામાં દર વર્ષે ધ્વજારોહણનો કાર્યક્રમ ગોઠવાતો તેમ આ વખતે પણ ગોઠવાયો હતો. ધ્વજારોહણ માટે ઉપયોગમાં લેવાતા  થાંભલાના બે પાયા તૂટી ગયા હતાં. સંયોગથી એ વેલ્ડીંગથી જોડવાનું કાર્ય અકરમને મળ્યું હતું. કારણ કે એનું કામ આખા ગામમાં વખણાતું. અકરમને માટે ‘બગાસુ ખાતા પતાસુ મોંમાં આવી ગયું’ હોય તેવું થયું. એને એક ચાન્સ મળી ગયો વિક્રમને સબક શીખવાડવાનો, જે એને સૌથી વધુ ‘આતંકવાદી’ કહી ચીડવતો હતો. વિક્રમ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરતો હતો. ધ્વજ થાંભલા પર ચડાવવાની જવાબદારી છેલ્લા ચાર વર્ષથી વિક્રમ જ સંભાળતો હતો. સોહમ અને હિમાંશુ એને આ કાર્યમાં ખડે પગે મદદ કરતા. એ બંનેએ પણ અકરમને હેરાન કરવામાં કોઈ કસર નહોતી છોડી. સાડા સાત વાગ્યે વિક્રમ ધ્વજ ઉપર ચડાવતો અને આઠ વાગ્યે પ્રોગ્રામ શરૂ થતો. અકરમને આ બધી બાબતોની સંપૂર્ણ જાણકારી હતી. એ પણ દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસનાં ધ્વજારોહણમાં અહોભાવ પૂર્વક ભાગ લેતો, પરંતુ આ વર્ષે એ લોકો માટે થઈ એણે સ્કૂલની બહારથી જ ધ્વજને સલામી આપવાનું નક્કી કર્યુ! 


   સ્કૂલની બહારની દિવાલને અડીને ઝાંડી ઝાંખરા હતાં, ત્યાં લોકોની અવરજવર નહિવત પ્રમાણમાં હતી. જે જતા એ ફક્ત લઘુત્તમ જરૂરીયાત માટે જતા, એ કારણે ત્યાં ગંદવાડ ખૂબ હતો અને ભયાનક દુર્ગંધ આવતી હતી અને ધ્વજવંદન સમયે તો લગભગ આખી વસ્તી સ્કૂલમાં જ હોય. એ લોજીકને ધ્યાનમાં રાખી અકરમે થાંભલાની નીચેનાં ભાગે એકાદ ફૂટ જેટલી જમીન ખોદી ગેલ્વેનાઈઝનો એક જાડો તાર વેલ્ડિંગ કરી નાખ્યો, અને એ તાર જમીનમાં ખોદી દાટતો દાટતો દિવાલ સુધી લઈ જઈ એ જ લેવલમાં કાણું પાડી આરપાર કરી માટીથી ઢાંકી દીધું. એના એક વિશ્વાસુ કારીગર સિવાય આખી સ્કૂલમાં કોઈ ન હતું. ફરીથી એક વાર બધુ ચેક કરી થાંભલાનું બાકી રહેલ કાર્ય પૂર્ણ કરી બજારમાં ઈલેક્ટ્રીકની દુકાને જઈ પ્લાનનું મહત્ત્વપૂર્ણ હથિયાર ખરીદ્યું. એ હથિયાર હતું, પચાસ એમ.એફ.ડીનું એક કેપેસીટર! હા.. એ કોઈ જાનહાનિ કરવાની તરફેણમાં નહોતો. ફક્ત કરંટનાં થોડા ઝાટકાથી વિવેક અને પેલા બેની અક્કલ ઠેકાણે આવી જશે, એવું એની નાદાન બુદ્ધિ કહેતી હતી! 


         ~~~~~~~


     સ્વતંત્રતા દિવસની વહેલી સવારની નમાઝ પઢી એ કેપેસીટરને ચાર્જ કરી દિવાલની પાછળ ઝાડીમાં સંતાઈ ગયો. ત્યાં પહોંચી સૌથી પહેલું કામ સ્કૂલમાં નજર રાખી શકાય એવો છેદ શોધવાનું કર્યુ, નસીબજોગે તારની પાસે જ એક નાનકડો છેદ મળી ગયો. જ્યાંથી થાંભલાની આસપાસનું વર્તુળાકાર દ્રશ્ય થોડી મહેનત કર્યા પછી દેખાતું હતું. પોણા સાત થયા હતાં, હજી પોણો કલાક કાપવાનો બાકી હતો. સવા સાત સુધી થોડી થોડી વારે એ છેદ દ્વારા અંદરનું અવલોકન કરતો રહ્યો. હવે એ સ્થિર બેસીને એકટક અંદર જોઈ રહ્યો હતો. જેવો વિક્રમ ઉપર ચડે એ સમયે કેપેસીટરના છેડા અડાડવાની વાર હતી બસ. કેપેસીટરના છેડા સમય પૂર્વે ભેગા ન થઈ જાય એ માટે તાર પાસે અને પોતાનાથી થોડું દૂર મૂક્યું હતું. અચાનક એને થોડે દૂર ઝાડીમાં સળવળાટ સંભળાયો. એ ચોંક્યો.. જબરદસ્ત ચોંક્યો! કોઈનું પણ આગમન એ પ્લાન ફેલ થવાની નીશાની.. પરંતુ આશ્ચર્યજનક રીતે એ સળવળાટ સ્થિર થઈ ગયો! એણે સચેત થઈ હળવે પગલે અવાજની દિશામાં ડગ ભર્યા.


   એ જ્યાં ઊભો હતો ત્યાંથી વીસ પગલાં દૂર સ્કૂલનો વર્ષો જૂનો એક દરવાજો હતો. એ ઘણા સમયથી બંધ હતો. વપરાશ ન હોવાને કારણે દરવાજાની આસપાસ વેલ અને ઝાડીઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું. એ ગેટનાં એક ખૂણે સળવળાટનું કારણ દ્રશ્યમાન થયું. તે માણસ ટટ્ટાર પોઝિશનમાં ઊભો હતો. એના હાથમાં ગન હતી. ગનનું નાળચું ધ્વજારોહણના થાંભલાની સામે તકાયેલું હતું. ઝાડીની પછવાડેથી એ વ્યક્તિનો એક તરફનો ચહેરો દેખાતો હતો... નામથી એ એને ઓળખતો નહોતો. પરંતુ આ ચહેરો એણે ઘણી વાર જોયો હતો. એ નગરનો એક કુખ્યાત ગુંડો હતો.


     હાથમાં ગન સાથે એ ગુંડાના નિશાન પર કોણ આવશે, એ સમજતા થોડી વાર લાગી અકરમને! પ્રખ્યાત સમાજસેવક અને રાજકારણમાં એક સમયે મોટા માથામાં જેમની ગણતરી થતી, પરંતુ અત્યારે જેમનો સૂર્ય અસ્ત થવાને આરે હતો.. એ મહા માનવ અભિજિત સાહેબ ધ્વજારોહણ માટે આવનાર હતાં. અકરમને તાળો મળી ગયો, ‘ઓહ.. તો એક કાંકરે બે પક્ષી મારવાનો પ્લાન છે! ડૂબતો સૂર્ય જલ્દી ડૂબી જાય, અને રાજ્યમાં કોમી હિંસા ભડકતી રહે.’ એને મન થયું, વિક્રમને સબક શીખવાડવાનો પ્લાન પડતો મૂકી ભાગી છૂટે. આ કાવતરામાં ફસાઈ જવાનો સંપૂર્ણ સંભવ હતો. પરંતુ બીજી સેકન્ડે અભિજિત સરના મહાન સદ્કાર્યોની લિસ્ટ એની નજર સામે તરવરી ઉઠી. જો તેઓ સદ્કર્મી ન હોત તો પણ પોતાની હાજરી હોવા છતા એક નિર્દોષ વ્યક્તિનો જીવ જાય , એ અકરમને મંજૂર નહોતું. હળવા ડગ ભરી એ તાર પાસે પહોંચ્યો. કેપેસીટર હાથમાં લીધું. બંને વાયર એકમેકને અડી ન જાય તેમ થોડા દૂર રાખ્યા. તે ગુંડો સાવચેત ન થઈ જાય એની તકેદારી રાખી એ ઝાડી પાસે આવ્યો. એ વ્યક્તિ એ જ સ્થિતિમાં સ્થિર બેઠો હતો. અર્જુનની જેમ ક્ષણ માત્ર પણ એ પોતાના લક્ષ્યથી હટ્યો નહોતો. ગજબની એકાગ્રતા હતી એની. 


     એક ઉંડો શ્વાસ ફેફસામાં ભરી અકરમ સાવચેતીથી એ તરફ આગળ વધ્યો. પરંતુ એક ચૂક થઈ ગઈ. એનું સંપૂર્ણ ધ્યાન એ વ્યક્તિ તરફ હોવાથી કચરાના થેલાને પગ નીચે આવતા એ રોકી ન શક્યો. ખલ્લાસ.. પેલો વીજળીની ગતિએ આડો ફર્યો. ખતરાનો આભાસ થતા યંત્રવત એની ગન અકરમ તરફ ફરી ગઈ. ઘડીનાં છઠ્ઠા ભાગમાં પરિસ્થિતિનો ક્યાસ કાઢી એ વ્યક્તિએ છાતીનું નિશાન લઈ ગોળી ચલાવી દીધી. ‘પિટ’ના અવાજ સાથે નિશાન ચૂક થઈ ગોળી અકરમનાં પેટમાં ઉતરી ગઈ. પ્રતિક્રિયા રૂપે એના મોઢેથી એક તીણી ચીસ નીકળી અને હાથમાંથી કેપેસીટર ઉછળી સીધું એ સૂકલકડી વ્યકિતની ખુલ્લા શર્ટવાળી છાતી પર પડ્યું. મવાલી-ગુંડા શર્ટનાં અડધાથી વધુ બટન ખુલ્લા જ રાખતા હોય છે. છાતીના ખુલ્લા વાળથી જ એ છીછરાઓની મર્દાનગી સાબિત થાય છે! અકરમને એનો લાભ મળ્યો. નાનકડું કેપેસીટર પોતાનો પાવર બતાવવા લાગ્યું. એ વ્યક્તિ ધ્રૂજવા લાગ્યો. કેપેસીટરનું ચાર્જિંગ પૂર્ણ થયું ત્યાં સુધી અકરમ લથડિયા ખાતો એની પાસે પહોંચી ગયો હતો. એક હાથ પેટ પર દબાવી બીજો હાથ એણે એ વ્યક્તિના ગનવાળા હાથ પર માર્યો. ગન ઉછળીને દૂર જઈ પડી. 

  

    નાનકડા કેપેસીટરના કરંટથી ઝણઝણી ગયેલો એ ગુંડો સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યો હતો. અકરમ પાસે પૂરતો સમય હતો કે એ ગન ઉઠાવી એનું ઢીમ ઢાળી દઈ શકે. પરંતુ એને ગન ચલાવતા આવડતું નહોતું અને એક હાથથી એ ગન ચલાવી શકે તે શક્ય પણ ન હતું. વીસ વર્ષના અકરમને પોતાના બાવડાની તાકાત પર પૂરો વિશ્વાસ હતો. ઉભડક બેસીને એણે પેલાની ગરદન પર હાથનો પંજો મૂક્યો. શ્વાસ પર નિયંત્રણ કરવા મથતો એ મવાલી અકરમના કસાયેલા પંજાનો દબાવ સહન ન કરી શક્યો. એનું માથું પાછળની તરફ નમી ગયું. અકરમ પેટ પર હાથ દબાવી એની પર વધુ ઝૂક્યો. બીજો હાથ એ વ્યક્તિની ગરદન પર જ જકડાયેલ હતો, બલ્કે પંજાનું દબાણ ઓર વધી ગયું. એ વ્યકિતને છતે દિવસે તારા દેખાવા લાગ્યા. માંડ શ્વાસ ટકાવી રાખી એણે એક હાથ શર્ટની નીચે નાખ્યો. ગમે તેમ કરી પેન્ટનાં બક્કલમાં ભરાવેલ તેજ, ધારદાર, નાનકડું ચાકુ બહાર કાઢી એણે અકરમના પેટમાં ઘોંપી દીધું. એક રાડ નીકળી ગઈ અકરમના મોઢેથી. વાર જીવલેણ નહોતો, પરંતુ અણધાર્યો અને ગોળીના જખમની નીચે જ હતો. એ અકલ્પનીય વારથી અકરમ ઢળી પડવો જોઈતો હતો.. પરંતુ એણે ચાકુની પ્રતિક્રિયા રૂપે ફક્ત રાડ જ નાખી હતી. બાકી હતું તેમ પેટ પર દબાવી રાખેલ હાથને પણ એણે એ વ્યક્તિનું ગળું દબાવવામાં શામેલ કર્યો. આશરે વીસ સેકંડમાં એ વ્યકિતનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું. એ મરી ગયો છે એની ખાતરી થઈ પછી જ અકરમે એનું ગળું છોડ્યું, અને એની બાજુમાં જ ઢળી પડ્યો. 


    આખરી ઘડી ગણી રહેલા અકરમની નજર સામે વૃદ્ધ માનો ચહેરો તરવરી રહ્યો. માની ધૂંધળી આવૃતિ પાછળ ગેટની ઝાડીઓ વચ્ચેથી દેશનો તિરંગો રાષ્ટ્રધ્વજ લટકેલો એની નજરે ચડ્યો. એની આંખમાં આંસુ આવી ગયાં. એકસાથે બે માને છોડીને અકાળે જવાનું એને દુઃખ થઈ રહ્યું હતું. આજે પ્રથમ વાર ધ્વજારોહણ પૂર્વે ધ્વજને સલામી આપવા માટે એનો હાથ ઉંચકાયો અને નિસ્તેજ થઈ પડી ગયો. અકરમની જીભ પર આખરી શબ્દો હતાં, “સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા.. લાઈલાહ ઈલ્લલલ્લાહ, મુહમ્મદુર્રસુલુલ્લાહ”


   અકરમની છેલ્લી રાડ શાળા પટાંગણમાં હાજર ઘણા લોકોએ સાંભળી હતી. પરંતુ એ લોકોને અવાજની દિશા શોધતા સમય લાગ્યો હતો. ત્યાં સુધી બંનેનો ખેલ પૂરો થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે ઘટનાસ્થળ પર મોટું ટોળું ભેગું થઈ ગયું. પોલીસને ફોન કરવામાં આવ્યો. પોલીસે આવી ત્વરિત એક્શન લઈ પંચનામું દાખલ કર્યું, ગન, ચાકુ અને કેપેસીટર કબ્જે લેવામાં આવ્યા. કેપેસીટરનો શું ઉપયોગ થયો હતો, એ બાબતે પોલીસ પણ અવઢવમાં પડી ગઈ. ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું, ત્યાં સુધી પોલીસની ટીમ નગરજનોનાં બયાન લઈ રહી હતી. પત્રકારો પણ આવી પહોંચ્યા હતાં.


    બીજે દિવસે દરેક છાપામાં મુખ્ય સમાચાર હતાં, “પ્રખ્યાત સમાજસેવક અભિજિત શર્માજીને મારવા માટેનું ખતરનાક કાવતરું… કાવતરાબાજ અકરમ નામનો મુસ્લિમ યુવાન મોતને ભેટ્યો.. કમલજીત નામનો એક જાંબાઝ દેશભક્ત કાવતરું નિષ્ફળ બનાવવા જતા શહીદ થયો..” છાપું વાંચતા ઢળી પડેલ ફાતિમાબેનનાં છેલ્લા શબ્દો હતાં, “બેટા, તેં મારા ધાવણની લાજ ન રાખી!”


~સમાપ્ત



     

    


    


    

     


    


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ