વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડોબો - નામમાં શું રાખ્યું છે

"ડોબાની હાસ્યકથાઓ"

ભાગ - ૧

ડોબો - નામમાં શું રાખ્યું છે?


આપણી વાત


      છકો-મકો, અડુકિયો- દડુકિયો,બીરબલ વગેરે જેવા અગણિત રમુજી પાત્રોની વાતોથી આપણું બાળપણ ભરાયેલું છે પરંતુ જો હાલના આ વિકસિત અને આધુનિક સમયમાં તેવું જ કોઈ પાત્ર આપણને પાછું મળે તો કેવું? એક નિર્દોષ,ભોળું પાત્ર કે જે કર્મ કરતાં કાંડ કરી બેસે અને તેના કારણે પોતાની જાતને તેમ જ આજુબાજુના લોકોને વિવિધ મુશ્કેલભરી પરિસ્થતિમાં મૂકી દે છે. આ તમામ પરિસ્થિતિઓમાંથી નીકળવા માટે તે પોતાની ચિત્રવિચિત્ર મનમાં વિસ્ફુરેલી યુક્તિઓ વાપરે પણ શું તે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશે ખરું? આ પાત્ર દ્વારા અનુભવાતી પરિસ્થિતિમાં ઉત્પન્ન થતું હાસ્ય ચોક્કસ તમને તમારું બાળપણ યાદ કરાવી દેશે. એક તદ્દન નવું પાત્ર કે જેનું નામ છે "ડોબો". હવે વિચારશો આવું તો કોઈનું નામ હોતું હશે? પરંતુ જેનું હોય તેને જ ખબર પડે કે આ નામ રાખવું કેટલું કઠિન છે. તેથી તો આ પાત્રની પ્રથમ વાર્તા તમારી આગળ રજૂ કરવા જઈ રહ્યો છું જેનું નામ છે "નામમાં શું રાખ્યું છે?"




"નામમાં શું રાખ્યું છે?"




"ડોબા,એ ડોબા ક્યાં મરી ગયો..ભગવાન જાણે આ છોકરાનું શું થશે ક્યારનો બૂમો પાડું છું પણ સાંભળતો જ નથી એક પણ કામ સરખી રીતે કરતો નથી..." ડોબાના માનનીય પિતાશ્રી ચિલમભાઈ સવારના પહોરમાં સાઉથના ગુંડા માફક સફેદ ગંજી નીચે માંડ ઢંકાયેલા માટલા જેવા પેટ પર હાથ ફેરવતા કોઈ ગાંડા ભમરડાની જેમ આખા ઘરનો ચકરાવો લઈ જોરથી બોલી ઉઠ્યા.


"શું થયું? કેમ સવાર સવારમાં આવી હાલતમાં આટા મારી મારા લાડલાને ગમે તેમ બોલો છો?" સ્વચ્છ સુઘડ ભારતીય સાડીમાં સજ્જ ડાહીબેન એટલે કે ડોબાના માતાજી, પોતાના પુત્રનો પક્ષ લેતા રસોડામાંથી બોલ્યા.


     *****

     પપ્પાનું નામ ચિલમભાઈ,મમ્મીનું નામ ડાહી અને છોકરાનું નામ ડોબો? આ બધું શું ચાલી રહ્યું છે આ વાર્તામાં? આ કેવા વિચિત્ર નામ? વિચારમાં પડી ગયાં ને?ઘણા લોકો તો એમ પણ વિચારતા હશે કે ડાહી અને ચિલમ(એક પ્રકારની સિગારેટ જેવી તંબાકુ ફૂંકવાની ભૂંગળી) ભેગા થયા એટલે ડોબો બન્યો.. પરંતુ વાર્તા અહીંયા કંઇક અલગ જ હતી. ડાહીબેન તો ઘણી સ્ત્રીઓનું નામ હશે તેમાં કોઈ વાંધો ના હતો પરંતુ જો તકલીફ અહીંયા હતી તો તે હતી ચિલમભાઈના કુટુંબમાં, કારણ તેમના ત્યાં એવો રિવાજ હતો કે ઘરના વડીલને જે વસ્તુ પ્રિય હોય તે વસ્તુનું નામ પોતાના વારસને તે આપી મૃત્યુ બાદ પણ પોતાનું અસ્તિત્વ ઘરમાં જાળવી રાખે.

ચિલમભાઈના દાદાને તંબાકુનો ભારે શોખ તેઓ હંમેશા પોતાની પાસે ચિલમ રાખતા અને આ જ ચિલમ હવે ડોબાના પપ્પાના નામ આગળ ચોંટી ગઈ હતી. સ્વભાવના સરળ તેમજ પ્રેમાળ એવા ચિલમભાઈની ફક્ત એક જ તકલીફ હતી.તેઓ કોઈ પણ વાત અચાનક જ ભૂલી જતા. આ વાતમાંને વાતમાં તમે ડોબા વિશે વિચારવા લાગ્યા એમ ને? થોડી રાહ જૂઓ આ કુટુંબનું એક પણ સદસ્ય બાકી મુકાય તેમ નથી અને વાત રહી ડોબાની તો તેનું નામ તેના દાદીએ રાખ્યું હતું. ડોબાના દાદી જબરા પ્રાણી પ્રેમી ઉપરાંત ગામડામાં રહેવાનું તેથી દરેક ઘરે ગાય,ભેંસો તો હોય જ. ડોબાના દાદી ક્યારેક ચિલમભાઈને જમવાનું આપવાનું ભૂલી શકે પરંતુ પોતાના ઢોર-ડોબાને નહિ. તેથી જ તેમણે પોતાનો આ વારસો સાચવવા અને પ્રાણી પ્રેમ દર્શાવવા ચિલમભાઈના એકના એક છોકરાનું નામ પાડ્યું "ડોબો"..


        ***


"અરે પણ આ તારો લાડકો ડોબો છે ક્યાં? એને ક્યારનું મે કામ બતાવ્યું હતું તેણે હજુ સુધી નથી કર્યું.."

"આજે તેને કોલેજમાં બોલાવ્યો છે, પરિણામ લેવા માટે ભૂલી ગયા? તે સમગ્ર યુનિસિટીમાં ફસસસ આવ્યો એટલે."

"યુનીસિટી નહિ યુનિવર્સિટી ડાહી અને ફસસ શું હે? પ્રથમ બોલને અંગ્રેજી આવડતું નથી તો પોતાની ભાષા બોલવામાં શાની શરમ આવે છે?"

"હા,હા ખબર છે હવે! એ બધું છોડો એનું શું કામ હતું તમારે?"

"વારુ, એ તો યાદ નથી મને પણ મે કશું કહ્યું હતું એને અને એ કામ કર્યા વગર જતો રહ્યો એટલું ખબર છે.. અને તું ક્યાં હતી હું કેટલી બૂમો પાડતો હતો એને શોધવા બહાર પણ જોઈ આવ્યો અને આ પાડોશીવાળા બેન પણ નકામા છે સવાર સવારમાં હું ડોબાને શોધવા બૂમો પાડતો હતો. હજુ તેમને પૂછ્યું મે કે ક્યાં છે જોયો એને તો મહોં બગાડી ઘરમાં ભાગી ગયા.. બોલો સવાર સવારમાં કોણ આવું કરે?આખો દિવસ બગડશે મારો હવે.."

"તમે આ હાલતમાં બહાર જઈને આવ્યા?" ડાહીબેન રસોડામાંથી નીકળી આશ્ચર્યચકિત થઈ ફાટી આંખે તેમના પતિપરમેશ્વરની આંખોમાં આંખ પરોવી બોલ્યા.

"હા કેમ.. ગંજીમાં શું છે? છોરું શોધવા શેરવાની પહેરીને જવાની હોય કંઇ?"

"હા, પણ કંઇક તો પહેરીને જવાનું હોયને? આ ઇલાસ્ટિક વગરની ફૂલો દોરેલી બે કાણાંવાળી ફાટેલી ચડ્ડી પહેરી થોડી જવાય? નીચે તો જુઓ..."

બીજી જ ક્ષણે ચિલમભાઈના મનમાં ચમકારો થયો નાહવા બેસતી વખતે તેમણે ડોબાને કહ્યું હતું કે મને ધોતી આપતો જજે મારી અને તે આપ્યા વિના જતો રહ્યો... તુરંત જ તે હીરોઈનની જેમ શરમના માર્યા અંદરના ઓરડામાં ભાગ્યા અને ડાહીબેન માથું ધુણાવતા રોજિંદા કામમાં પરોવાઈ ગયા.


****

     આવું જ કંઈક હતું તે લોકોનું રોજીંદુ જીવન ડોબો જ્યાં પણ હાજર હોય ત્યાં કોઈ કાંડ ના થાય તેવું ક્યારેય બન્યું ના હતું. તેના નામ સાથે પનોતી જાણે જીવનસંગિની સમાન બની ગઈ હતી પણ ડોબો એક મસ્ત મૌલા માણસ હતો. જીવનમાં કેટલાય માણસો એવા જોયા હશે કે જે દેખાવે હીરા માફક હોય પરંતુ તેમના વિશે જાણતા જ તેમની વિશે જે છાપ મનમાં બની હોય તે ફસસ.. થઈ જાય. અફસોસ ડોબના કેસમાં આવું જ કંઇક તેના નામના કારણે હતું. અતિ મનમોહક દેખાવ હોવાના કારણે તેને જ્યારે પણ કોઈ છોકરી દ્વારા તેનું નામ પૂછવામાં આવે તો તે કહ્યા વિના જ ત્યાંથી નીકળી જતો કારણ કેટલી છોકરીઓ ફક્ત તેના નામના કારણે તેનાથી દૂર ભાગી ગઈ હતી. આખરે તે લોકોનો પણ શું વાંક? કોઈ તેમને પૂછે કે" તમારા બોયફ્રેન્ડનું નામ શું છે?" તો શું કહેવું?

       આમ તો ડોબામાં નામ પ્રમાણે ગુણ પણ રહેલા હતા તેનું ગાંડપણ વરસાદમાં અચાનક નીકળી આવતા દેડકા સમાન હતું પણ ફરક ખાલી એટલો હતો કે આ વરસાદ ગમે ત્યારે પડી શકે તેમ હતો. આજ સુધી તે કદી ભણવામાં પ્રથમ આવ્યો ના હતો. ક્રમાંકની વાત તો છોડો તે પાસ પણ કૃપા ગુણ ઉપર થતો હતો અને આજે અચાનક જ તે વર્ગમાં નહિ,કોલેજમાં નહિ પરંતુ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો હતો. આ વાત તો હજુ પણ કોઈના ગળે ઉતરી રહી ના હતી બધા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ કેમનું કોઈ લાવી શકે? ચાલો માનીએ કે કોઈ લાવી પણ દે પણ આ ડોબો?આજે સમગ્ર વિદ્યાર્થીઓ ડોબાની રૂઆબભરી ચાલને ફાટી આંખે નિહાળી રહ્યાં હતાં. જે છોકરાના માંબાપે જ તેનું નામ ડોબો રાખ્યું તેને ચીડવવા માટે બીજું કોઈ નામ રાખવાની જરૂર હતી જ નહિ પણ આજે કોઈ તેને ડોબો કહી રહ્યું ના હતું. બેકગ્રાઉન્ડમાં જાણે રાજાશાહી સંગીત વાગી રહ્યું હોય તેમ ડોબો સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં હીરોની જેમ કોલેજમાં એન્ટ્રી લઈ રહ્યો હતો.

"સાહેબ મારું પરિણામ આપો..." છાતી ફુલાવતા ડોબો વિદ્યાર્થીઓની લાઈન ટપવી વર્ગશિક્ષક પાસે જઈને બોલી ઉઠ્યો.

"લાઈનમાં આવ તારું પરિણામમાં કંઇ મોર નથી મૂક્યા.."હસમુખ સાહેબે ડોબાની સામે જોયા વિના જ ધકેલાતા કહ્યું.

"સાહેબ હું પ્રથમ આવ્યો છું. ઇન્ટરનેટ પર જોઈને આવ્યો છું." ડોબાએ છાતી ઠોકીને કહ્યું.

"હે???" જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ સાહેબના ચશ્માં પડી ગયા,ચારેકોર વીજળી ગાજી ઊઠી,પવન જોરથી ફૂંકાવા માંડ્યો જેમાં હસમુખ સાહેબ ભયભીત નજરે બધાના પરિણામ છોડીને ડોબાનું પરિણામ શોધવા બેસી ગયા અને આખરે ખજાનાનો નકશો મળ્યો હોય તેમ ધ્રુજતા હાથે ડોબાનું પરિણામ જોઈ રહયા. બીજી જ ક્ષણે હસમુખ સાહેબ ડોબાનું પરિણામ હાથમાં લઇ બૂમો પાડતા પાડતાં પ્રિન્સિપાલની ઓફિસ તરફ દોડ્યા.

"ડોબો પહેલો આવ્યો છે... ડોબો પહેલો આવ્યો છે..."

  સાહેબનું આ સ્વરૂપ જોઈ બધા વિચારમાં પડી ગયું કે આ ક્યું ગાંડપણ ઉપડ્યું છે પાછું સાહેબને? રસ્તામાં બધાને અથડાતા ફૂટતા આખરે હસમુખ સાહેબ પૂછ્યા વગર સીધા જ પહોંચી ગયા પ્રિન્સિપાલની ઑફિસમાં અને હાંફતા હાંફતા બોલ્યા," સાહેબ પેલો ડોબો યુનિવર્સીટીમાં પ્રથમ આવ્યો છે."

"હસમુખ સાહેબ આ કોઈ રીત છે ઑફિસમાં આવવાની!! ટ્રસ્ટી સાહેબ બેઠા છે જુઓ તો ખરા.." પ્રિન્સીપાલ સાહેબ કડક બનતા બોલ્યા.

"હસમુખ સાહેબ કોઈ વિદ્યાર્થીને ડોબો ના કહેવાય... આ કોઈ રીત છે કોઈ વિશે વાત કરવાની?" ધીરે ધીરે કરતી રોટેટિંગ ચેર ફેરવતા માંડ દેખાય આવા ઠીંગણા કદના ટ્રસ્ટી સાહેબ બોલી ઉઠયા.

"સોરી સર, મને ખબર ના હતી કે તમે આવ્યા છો..."

"એ બધું છોડો તમે કોઈ વિદ્યાર્થીને ડોબો કંઇ રીતે કહી શકો?? તે તમારો વિધાર્થી છે જો તેને કશું નથી આવડતું તો વાંક તમારો છે. તમારાથી કોઈ ભૂલ રહી ગઈ હશે તે ડોબો નથી ડોબા તમે છો..."

"અરે સર, પણ એવું હું નથી કહી રહ્યો.. મારો એ અર્થ ના હતો..."

"ભલે પણ બણ  કશું નહિ.. ટ્રસ્ટી સાહેબને સોરી કહો..." પ્રિન્સીપાલ ટ્રસ્ટીને મસ્કા મારતા બોલી ઉઠ્યા.

"સોરી મને ના કહો. તે છોકરાને તાત્કાલિક મારી આગળ હાજર કરો અને તેની માફી માંગો.."

    ત્યાં જ ડોબો સાહેબની પાછળ પાછળ પોતાનું પરિણામ લેવા આવી પહોંચ્યો પણ ઑફિસમાં રહેલ ગરમ ઉનાળાનું વાતાવરણ જોઈ તે બહાર જ થંભી ગયો. તેને આવેલો જોઈ હસમુખ સાહેબે હાશકારો અનુભવ્યો હવે તે પોતાને સાચા સાબિત કરવાની પરિસ્થતિમાં આવી ગયા હતા. પૈસાના જોરે બનેલા આ બુદ્ધિ વગરના સૂત્તરફેણી જેવા ટ્રસ્ટીની વાતોનો બદલો લેવાનો મોકો તેમને આખરે મળી ગયો.


"સાહેબ આ ડોબો છે.. ડોબા અંદર આવ.." હસમુખ સાહેબ પોતાનો ચક્રવ્યૂહ ઘડતા બોલ્યા.

"હસમુખભાઈ હજુ હમણાં જ તમને મે જણાવ્યું કે કોઈ છોકરા વિશે આવું ના કહેવાય માફી માંગો તેની અત્યારે ને અત્યારે જ.."

"સર પણ તેનું નામ જ ડોબો છે..."

"શું કહ્યું!!! એક શિક્ષક થઈને તમે છોકરાઓના નામ પાડો છો?? શરમની વાત છે પ્રિન્સીપાલ તમારી કોલેજમાં આવા લોકોને તમે રાખ્યા છે!!"

"રાખ્યા છે નહિ સાહેબ હતા.. હસમુખભાઈ કાલથી આવતા નહિ.." પ્રિન્સીપાલ ટ્રસ્ટીની વાતમાં સુર પુરાવતા બોલી ઉઠ્યા.

"અરે પણ તેનું નામ જ ડોબો છે.. હું શું કરું!! તેને પૂછી જૂઓ" હસમુખ સાહેબે હુકમનો એક્કો કાઢતા કહ્યું.

   ડોબા પર ત્રણ જણની બાર આંખો ઘેરાઈ. દરેક આંખ જાણે ચશ્માંમાંથી નીકળીને તેને ખાઈ જવાની હોય તેમ બધા તેને તાકી રહયા હતા.

"હા, સર! હસમુખ સાહેબ સાચા છે મારું નામ ડોબો છે..." કચવાતા મને ડોબો આંખ નીચી રાખી બોલ્યો.

"કેટલો સંસ્કારી તેમ જ હોશિયાર છોકરો છે. સાહેબને બચાવા માટે પોતાને કેવું કહે છે. શાબાશ મારા દીકરા તારા જેવા યુવાનોની આપણા દેશને જરૂર છે. મારા તરફથી તને એક લાખ રૂપિયા ઈનામ.."

"સાચી વાત છે તમારી ટ્રસ્ટી સાહેબ આજે જ આપણે તેનો સન્માન સમારોહ યોજિશું અને સમગ્ર કોલેજ વચ્ચે તેને સન્માનિત કરીશું.."

"અને આ હસમુખભાઈને કાલથી નોકરી પર આવવાની કોઈ જરૂર નથી તમારા જેવા લોકોના કારણે આવા વિદ્યાર્થીઓ આગળ વધી શકતા નથી.. યુ મે ગો નાવ..."

"અરે પણ સાહેબ આ માર્કશીટ વાંચો તેનું નામ ડોબો છે...."

"વ્હોટ નોનસેન્સ!! તમે કંઇ પણ ના બોલશો હવે.. તમે મને એમ કહેશો કે તેના માતા પિતાએ તેનું નામ ડોબો રાખ્યું છે તે હું માની લઈશ?"

"સર, મારા માતા પિતાએ મારું નામ ડોબો જ રાખ્યું છે..." ડોબો ધીરે રહીને બોલી ઉઠ્યો.

"શું!!"ટ્રસ્ટી સાહેબ અને પ્રિન્સીપાલ એક સાથે પરિણામમાં તેનું નામ જોવા તૂટી પડ્યા.

"આટલા હોશિયાર, મહેનતુ છોકરાનું નામ ડોબો.. હે ભગવાન આ કેવી માયા.."

"જોયું ટ્રસ્ટી સાહેબ હું કહેતો જ હતો તેનું નામ જ ડોબો છે તમે માનતા ના હતા અને મને ડોબો કહ્યું..." હસમુખ સાહેબના હાથમાં બાજી આવતા હવે વહી ગયેલી ઈજ્જત તે પાછી આંચકવા લાગ્યા.

"આઇ એમ સો સોરી હસમુખભાઈ મારાથી ભૂલ થઈ ગઈ... તમારી નોકરી પાક્કી અને પગાર પણ હવે બમણો મળશે તમારો વિદ્યાર્થી આખરે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો છે.."

"અરે એતો મારી ફરજ હતી સાહેબ મને ખબર હતી કે આ જરૂર કઈ કરી બતાવશે.." ડોબાની પીઠ થપથપાવી સાહેબ બોલ્યા.

"ડોબા, તારા દરેક વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ છે આટલી બધી શું મહેનત કરી હતી તે અમને પણ જણાવ.." પ્રિન્સીપાલ આખરે ઉત્સુકતા વશ પોતાની વારી આવતા બોલ્યા.

"અરે સાહેબ કશું જ મહેનત ન હતી.." ડોબો ટટ્ટાર ઊભો છાતી કાઢી નજરો ઉંચી રાખી બોલ્યો.

"શું કશું જ મહેનત ના હતી એટલે હું સમજ્યો નહિ.."

"સાહેબ મને જાણવા મળેલું કે પરિક્ષાના આગલા દિવસે હસમુખ સાહેબના ખાનામાં એક ખાખી રંગનું કવર પડેલું હોય છે જેમાં એક દિવસ પહેલા કોઈ પેપર મૂકી જાય છે.. હું રોજ પ્રાથના કરતો અને ભગવાન મને રોજ આખું પેપર તેમાં આપી દેતા એટલે હું પૂરા માર્ક સાથે પાસ થયો.."

"હે!!! તે મારું ખાનું કંઇ રીતે ખોલ્યું?"

"સાહેબ તમે તો તમારા ખાનાની ચાવી આપણા કલાસની યુવિકાને આપી હતી કે"બેબી એમાં તારા માટે ચોકલેટો છે પરિક્ષામાં ખાવા માટે.." એટલે યુવિકા મને મોકલતી ચોકલેટ લેવા.."

"અને તું તે ખાખી ફોલ્ડર કેમનો બંધ કરતો?" ટ્રસ્ટી સાહેબ ગરમ અવાજે બોલ્યા.

"સાહેબ હું ખોલતો ના હતો હસમુખ સાહેબ રોજ તે ફોલ્ડર ખોલી તેને ઘરે પસ્તી માટે લઈ જતા જેથી આગલા દિવસે તે ખોલવામાં વાર ના લાગે પૂછી જુવો તેમને.."

"એટલે તે બધા પેપર ચોરી કરીને લખ્યા છે??"

"ના સાહેબ, ચોરી થોડી કહેવાય મને તો ભગવાને રસ્તો બતાવ્યો હતો એટલા માટે તો મને આ ખાખી પૂંઠાવાળી વાત જાણવા મળી.."

"હસમુખ સાહેબ!!! આ શું કર્યું તમે??"

     હસમુખભાઈના ચહેરા પરથી હમણાં જ મેળવેલ વિજયની ખુશી ગાયબ થઈ ગઈ.

"ડોબા બેટા તું બહાર જા જરા અને યાદ રાખજે આ વાત તું કોઈને નહિ કહે બરાબર..."

"હા, પ્રિન્સિપાલ સાહેબ મારું વચન છે તમને.."


"પ્રિન્સીપાલ સાહેબ તમે તેને બહાર કેમ મોકલ્યો.."

"સાહેબ તેને આ વાત જો કોઈને પણ કહી તો સૌ પ્રથમ આપણી કોલેજનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે અને આ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાનો જશ પણ ધોવાઈ જશે.."

"વાત તો સાચી છે તમારી પણ હવે આ નકામા હસમુખભાઈનું શું કરવું?" ટ્રસ્ટી સાહેબ લાલ-પીળા થતાં બોલી ઉઠયા.

"નોકરી પર કાલથી નહિ આવે બીજું શું..."

"પ્રિન્સીપાલ સર.. મહેરબાની કરી મને નોકરી પરથી ના કાઢશો..."

"તમારા આ બધા કામ પછી તમને લાગે છે કે અમે તમને નોકરી પર રાખીશું?"

"સર અંગ્રેજીના મેડમવાળી વાત મને ખબર છે તમે મને કાઢશો તો હું તે તમારા પત્નીને જણાવી દઈશ.."

"વ્હોટ નોનસેન્સ... પ્રિન્સીપાલ સાહેબ તમે પણ... મારે બધાંને હવે આ કોલેજમાંથી કાઢવા પડશે લાગે.."

"ટ્રસ્ટી સાહેબ પ્લીઝ આવું ના કરશો.."

"શું આવું ના કરશો એક  ડોબો તમારા બધાની પોલ ખોલી ગયો.."

"સાહેબ પ્લીઝ મને પ્રિન્સીપાલ પદેથી ના કાઢો.."

"શું હવે આજીજી કરો છો! કંઇ શરમ જેવું છે? શું બચ્યું છે તમારામાં કે તમને આ પદ માટે હું રાખી શકું!! સાલું બધા ડોબા જ ભર્યા છે.."

"સર, મને પણ તમારી એક વાત ખબર છે..."


​#તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ...



આખરે આ બધી વાતો છોડી મસ્ત મૌલા ડોબો પોતાના પરિણામની વાત ઘરે લઈને ગયો. આજે સમગ્ર સોસાયટીમાં ઉત્સવ બની ગયો હતો. ડોબાનું અવ્વલ પરિણામ જોઈને બધાં લોકો પણ કહેવા લાગ્યા કે "આખરે નામમાં શું રાખ્યું છે...."





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ