વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બારમાસી નું ફૂલ

               " બારમાસી નું ફૂલ"

               "સોગાત એટલે સ્નેહના સરવાળા અને નફરતની બાદબાકી"

               'અન્નપૂર્ણા ભવન'માં સુખી-સંપન્ન દવે પરિવાર રહેતો હતો. આ સંયુક્ત પરિવારમાં સમીરભાઈ ને બે દીકરીઓ અને એક દીકરો. સમીરભાઈની મોટી દીકરી નિશા અમેરિકામાં સ્થાયી થઇ હતી, તેમનો પુત્ર આરવ ધંધો સંભાળતો હતો અને નાની દીકરી અમી અમદાવાદમાં રહેતા એન્જીનીયર અમર જોડે સુખી દાંપત્યજીવન ભોગવી રહી હતી. 'અન્નપૂર્ણા ભવન' બંગલામાં સમીરભાઈ સાથે માતા-પિતા, પુત્રવધુ દિશા,  બે ભાઈ- ભાભી, વિધવા બેન જિગીષા તથા ઘરઘાટી ચિરાગ આનંદથી રહેતા હતા.

               રવિવારની એક સવારે એન.આર.આઈ નિશાબેને  ફોન  ઉપર બ્યુગલ ફૂંક્યું કે, તેઓ પુત્ર સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. બેટી બચાવો, પર્યાવરણ બચાવો, સ્થાપત્ય બચાવો આવા ઘણા અભ્યાન આપણે સાંભળ્યા છે, પરંતુ 'પૈસા બચાવો' અભિયાનમાં નિશા પારંગત હતી. આખા પરિવાર માં તે અલગ હતી, નાનપણથી જ કમળ નો 'ક' લખવાની બદલે કંજુસાઈ નો 'ક' લખતા શીખી હતી!

               પૈસા બચાવવાના ચક્કરમાં નિશાબેને  અમેરિકાથી મુંબઈ પ્લેનની મુસાફરી કરી અને મુંબઈ થી અમદાવાદ ટ્રેનની સફર નક્કી કરી હતી! તેનો પૈસા બચાવવાનો આ નિર્ણય બીજા માટે ત્રાસદાયી હતો. દીકરો આરવ અને જમાઈ અમર નિશાને લેવા રેલવે સ્ટેશન પહોંચી ગયા. પોતાની તથા પુત્ર જય ની એમ ચાર મોટી બેગો તે લાવ્યા હતા, સાથે બે 'હેન્ડ કેરી'  બેગો તો ખરી જ! આરવ તો આટલો બધો સામાન જોઈને રાજીના રેડ થઈ ગયો. તે સપનામાં ખોવાઈ ગયો, તેણે વિચાર્યું, આ વખત તો વિદેશી સામાન બતાવી મિત્ર વર્તુળમાં રોલો પાડી દેવો છે. બેન, હોય તો નિશા જેવી દરિયાદિલ!  સપનામાંથી વાસ્તવિકતામાં આવતા બહુ વાર ના લાગી, જ્યારે કુલીએ આટલા બધા સામાનના ૫૦૦  રૂપિયા માંગ્યા.

નિશા બોલી, " મુંબઈ થી અમદાવાદ ની ટિકિટ ૯૦૦ રૂપિયા અને તારા ૫૦૦ રૂપિયા હોતા હશે!"

કુલી એ કીધું, " આટલા બધા સામાન માટે બે કુલી જોઈએ. ૫૦૦રૂ.  વ્યાજબી છે." બંને કુલીએ , બેગો માથા પર પણ ચડાવી દીધી હતી, પરંતુ નિશાબેને ફરમાન કર્યું , 'We will manage.' બંને કુલીએ માથા પરથી બેગો નીચે પછાડી અને બોલ્યા,  "બેગમાં પથરા ભર્યા છે! "

બંને કુલીઓ મોઢા બગાડીને ચાલતા થયાં.

નિશા બોલી, "અમેરિકામાં  શાંતિ.  ટ્રોલી મળી જાય. અહીં તો લૂંટે છે!"

આરવ બોલ્યો, " છ ડોલર ટ્રોલીના થાય એટલે ભારતના ૫૦૦ રૂપિયા જ થયા ને!"

આ માથાકૂટ ને કારણે તૂટેલા પૈડાવાળી બેગો સરકાવવાની કે ઉપાડવાની જવાબદારી ઘરના બે જુવાનીયાઓ ને માથે આવી પડી. દર વખતની જેમ તૂટેલા પૈડા વાળી બેગ ભારતમાં સસ્તામાં રિપેર થઈ જાય , તેથી લાવવી ફરજિયાત બની ગઇ હતી! પરિણામ એ આવ્યું કે, નિશાબેન બાબા માં મસ્ત, દુનિયા તમાશો જોવામાં વ્યસ્ત અને બે જુવાનીયાઓ બેગ ના ભાર થી ત્રસ્ત.

               વાજતે ગાજતે કાફલો પાર્કિંગમાં પહોંચ્યો. માંડ માંડ સામાન ગોઠવાયો પણ ડેકી તો ખુલ્લી જ રહી. બાકીની બેગો ગાડીના બોનેટ ઉપર પરાણે ધકેલવામાં આવી અને તેની પર જાડા દોરડાનો અત્યાચાર પણ કરવામાં આવ્યો! શાકભાજીની થેલી માં ઉપરની બાજુ કોથમીર લહેરાતી હોય તેમ ગાડી શરૂ થતાં બેગ ના પૈડા હવામાં ચક્કરડિયો ખાવા લાગ્યા. અમરે તો બીજી ટેક્સી કરવાની દરખાસ્ત મુકી પરંતુ મોટીબેને તે દરખાસ્ત વિરોધ પક્ષની જેમ ફગાવી દીધી.

ગાડીમાં પોતાની વિશાળકાય કાયાને લહેરાતી મૂકી નિશાબેન બોલ્યા, " દેશી ગાડીઓમાં લેગ સ્પેસ જ હોતી નથી." સંઘ કાશીએ  પહોંચે એ પહેલા જ આગલા ચાર રસ્તા પર પોલીસે ગાડી રોકાવી અને આરવ ને ડેકી ખુલ્લી રાખવા માટે તથા બોનેટ ઉપર અસલામત રીતે સામાન મુકવા માટે ચલણ પકડાવી દીધું. પાછા નિશાબેન ટહુક્યાં, " અહીં પોલીસ જરાય કોપરેટીવ નથી!" નિશાબેન એટલેથી અટક્યો નહીં રસ્તા પરનો ટ્રાફિક જોઈએ બોલ્યા, " અમદાવાદીઓને  'sensex' ની sence છે, પરંતુ ટ્રાફિકની sense નથી!"

ત્યાં આરવે  લૂઝ  બોલ જોઈને સિક્સર ફટકારી દીધી, "દીદી, ચાર વર્ષ પહેલાં તમને રોંગ સાઈડ સ્કૂટર ચલાવતા અકસ્માત થયેલો અને પગે ફ્રેક્ચર થયેલું.  શિયાળામાં ત્યાં દુખે છે?" નિશાબેને વાત ઉડાડી દીધી અને અમેરિકાની ટ્રાફિક સેન્સનુ  લાંબુ લેક્ચર ચાલુ કર્યું, તે સાંભળતા સાંભળતા બધા ઘરે પહોંચ્યા.

          હજુ તો ગાડીમાંથી બધા ઉતરે એ પહેલાં ઘરના ચતુર નોકર ચિરાગે ધડાક દઈને ડેકીમાંથી બે બેગો ખેંચી કાઢી અને ફટાક દઈને આગળ સરકાવી અને જક્કાસ રીતે ઘરમાં ઘૂસી ગયો! બે જુવાનિયા તો જોતા રહી ગયા. નિશાબેન ને તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. તકનો લાભ લઇ તેમણે આરવ સામે જોયું અને કહ્યું, " You should join gym." માતા તો ભાણિયા ને તેડવા દોડયા પરંતુ નિશાબેને એક હાથથી બ્રેક લગાવી દીધી. એન.આર.આઈ નિશાબેને માતા ને પૂછ્યું, " હાથ ધોયા છે? ધોયા વગર અડો તો ઇન્ફેક્શન થઈ જાય." માતા પાછળ ખસી ગયા અને વાતને ગળી ગયા.

વિધવા ફોઈ  જિગીષા જે સૌથી મજાકિયા હતા, તેમણે ગીત ગણગણવા માંડયું, "ધોયો ધફોયો  મારો સાડલો ભવાની મા, ખોળાનો ખુંદનાર દેજો રે ભવાની માં."

નિશા એ આમાં પણ સાદ પૂરાવ્યો  અને બોલી, "ફોઈ, London bridge Is falling down.. falling down.." એવું ગાવ તો ભાણિયા ને મજા પડશે!

ફોઈ લટકાથી બોલ્યા, "ગગી, ધરતી પર આવી જા. બ્રિજ પડી જશે તો બધા તણાઈ જઈશું."


      હજુ તો કાફલો અંદર પ્રવેશે તે પહેલા અંદરથી નવો પરિવારનો સભ્ય, ગળે પટ્ટો બાંધેલો 'ટોમી' ચિરાગ જોડે દોડતો આવ્યો અને ભસવા માંડ્યો.  નિશા નું સ્વાગત કરવા જ તો!

કુતરા નો પટ્ટો આરવને પકડાવી ચિરાગ અંદર ભાગ્યો અને બે મિનિટમાં બાબા ગાડી લઈને બહાર આવ્યો. નિશાબેન બાબા ગાડી જોઈને બબડ્યા.. so  old fashion!

આરવ ખુશ થઈ ગયો અને બોલ્યો, "વાહ, મસ્ત ઉપાય! બાબો બાબાગાડી માં બેસસે અને અમે દૂરથી વ્હાલ કરીશું!" માતા તો નિશાને જુના પરિધાનમાં જોઈ ચિંતિત થઈ ગઈ અને દીકરી ને પૂછ્યું, "બધુ બરાબર તો છે ને? આવા જુના ગાભા પહેરીને કેમ આવી?"

"બધુ ઓલરાઈટ છે. આતો વિદેશી કપડાં જોઈ અહીં ભારતમાં લોકો લૂંટી લે છે તેથી જુના ગાભા જ પહેરવા સારા."

  " ગગી, પ્લેનમાં પણ લોકો લૂંટે છે? ભાઈ, ભાઈ,  પરદેશમાં જઈ જબરી હોશિયાર થઈ ગઈ!" ફોઈ બોલ્યા.

          પરિવારમાં તો દિવાળીનો માહોલ થઇ ગયો. ઘરમાં જાતજાતની વાનગીઓ બનવા માંડી. ઘર સગાવહાલા થી શોભતું થઈ ગયું. નિશાબેને યાદ કરી કરીને આડોશ-પાડોશ, સગા-વહાલા ને ચોકલેટો વહેચવા માંડી. દાદી બોલ્યા, "મારી ચકુડી બહુ દિલદાર. બધાનું ધ્યાન રાખે." ત્યાં અચાનક આરવનું ધ્યાન ચોકલેટ ખાતા ખાતા રેપર ઉપર ગયું. ચોકલેટની 'એક્સપાયરી ડેટ'  બે મહિના પહેલાની હતી!

તે ભડકી ને બોલ્યો, "દીદી, ચોકલેટ તો બે મહિના પહેલા એક્સ્પાયર થઇ ગઇ છે!"

નિશા એ છણકો કર્યો, " ચીબાવલા, ફ્રીજમાંથી જ લાવી છું. ચાખીને. ચાર -પાંચ મહિના જૂની હોય તોય મીઠાશમાં કોઈ ફેર ના પડે!"

ફોઈ બોલ્યા," મારી નિશુડી તો જબરી નહીં, શબરી છે."

          મુખ્ય રૂમમાં  મોટી મોટી બેગો મહાન તપસ્વી ની જેમ તપ કરતી  ઊભી રહી હતી, તેની તપશ્ચર્યા તોફાની ચિરાગ કચરા વાળતી વખતે જોર થી સાવરણી ફટકારી  ભંગ કરતો હતો. સાત દિવસ પછી સૌની આતુરતાના અંત સાથે મોટી બહેને એક બેગ ખોલી. મુખ્ય રૂમમાં પહેરેલા કપડાંનો ખડકલો થયો! નિશાએ માતાને કહ્યું , "આ કપડાં પહેરેલા છે, પરંતુ અદ્યતન છે! લાગતા વળગતાને આપી દેજો .આ ચીકન ની સાડી  મેં ત્રણ વાર જ પહેરી છે .નાની માસી ને આપી દેજો!"

ફોઇ  વિફર્યા અને બોલ્યા, " અલી, તારી માસી તો અપ ટુ ડેટ હકોબા ની સાડીઓ પહેરે છે. તુ આ પોટલા ક્યા ઊંચકી લાવી? ત્યાં પ્યાલા-બરણી પદ્ધતિ નથી?" ગગી જવાબ આપ્યા વિના ગાયબ થઈ ગઈ. ચતુર ચિરાગે જુના ધોતિયામાં આ લબાચો ભર્યો અને ભોયરામાં મૂકી આવ્યો. બીજી બેગ બીજે દિવસે ખુલી. તેમાં પણ જૂના સ્પ્રે, ઘડિયાળો, વાસણો , ગરમ કપડા, ક્રીમ વગેરે હતા જે પરિવારમાં વહેચાયા! બધા થોડાક જ વાપરેલા હતા! આરવ ના ભાગે જે ગરમ જેકેટ આવ્યું તે જોઈને તે બોલ્યો, "અમદાવાદમાં ક્યાં બરફ વર્ષા થાય છે! આટલું જાડું ગોદડા જેવું સ્વેટર હું ક્યારે પહેરીશ? ત્યાં જ રાખવું હતું ને. ત્યાં  કામમાં આવત!"

હાજર જવાબી નિશા બોલી, " કાશ્મીર કે યુરોપ જાવ તો તાત્કાલિક કામમાં આવી જાય ને?"

જમાઈના ભાગે બે બ્રાન્ડેડ મોંઘા પહેરેલા ટી શર્ટ આવ્યા! ભાભી દિશા ના ભાગે એક પર્સ આવ્યું, જેની ચેઈન રીપેર કરાવવાની હતી! નિશા બોલી, "આ સો ડોલર નું પર્સ છે! બ્રાન્ડેડ. અહીં દસ રૂપિયામાં ચેઇન રિપેર થઈ જશે પછી જોજો ભાભી તમારો વટ!" ટૂંકમાં  જૂનો કચરો ઘરમાં ઠલવાયો! જાણે ભારતના રહેવાસીઓ Recycle ના બ્રાન્ડ એમ્બેસેડર ના હોય! બેગો રીપેરીંગમાં ગઈ અને માતાના બદામ, પિસ્તા ના અભરખા અભરાઈએ ચડી ગયા. બીજી બેગો માં તો મોટાભાગની વસ્તુઓ ભાણીયા  જય માટે જ હતી, જેથી તેને ભારતની કોઈ વસ્તુ ખાવી ના પડે! તોફાની ચિરાગ તેને મળેલો કલરફુલ બર્મુડો પહેરી ફુલ્યો નો તો સમાતો. તેણે તો તેના ગામ માલસરમાં ફોન કરી 'Made in USA'  ચડ્ડા ની પધરામણી અને વધામણી ના સમાચાર ફોટા સાથે મોકલી દીધા! બેન ના જવાના સમયે બેગો મરી-મસાલા, મીઠાઈઓ, દાળ -ચોખા, પાપડ, અથાણા અને ગ્રુહશોભાની  વસ્તુઓથી ભરાઈ ગઈ , ઉભરાઈ ગઈ અને સમેટાઈ ગઈ.

ફોઈએ ટહુકો કર્યો, " ગગી, તારે એક વરસ ની કરિયાણાની નિરાંત." 

નિશાએ પાછો પ્રત્યુત્તર આપ્યો, "આમ તો પટેલ સ્ટોરમાં બધું મળે છે. પણ તમે ભાવથી આપી છે, તો વાપરવી તો પડશે જ ને!"

કાકી એ પગે લાગતી નિશાને આશીર્વાદ આપ્યા કે, " આજ રીતે વસ્તુઓ ની જાળવણી કરજે, સાચવણી કરજે!" પરંતુ  મનમાં બોલ્યા, " અહીં લાવીને પજવણી ના કરતી."

         હજુ તો બેન ગયા અને પડોશી નયનાબેન એન.આર.આઇ આવ્યા. નયનાબેને મિલકતના, બેંકના પોતાના કામો આરવના સ્કૂટર ઉપર ફરીને જ પતાવ્યા! ક્યાંય રીક્ષા કે Uberનો ઉપયોગ કરવાનું ટાળ્યું ! પાકીટમાં કદી પૈસા ખરચવા હાથ ના નાંખ્યો! આશીર્વાદ નો વરસાદ કરતા ગયા અને ચાર-પાંચ ગોદડા જેવા કોટ પકડાવતા ગયા! વધુમાં તેમણે પોતાની જૂની સાડીઓ કબાટમાંથી  કાઢી અને ભાભીને પકડાવી દીધી અને બોલ્યા, "બકા, તારી પહેરવા-ઓઢવાની ઉંમર છે. મારે આ સાડીઓ યુ.એસ.એ.માં કેમ પહેરવી? તું પહેરજે અને મને યાદ કરજે!" આઉટડેટેડ સાડીઓ જોઈ દિશાભાભી બોલ્યા, " એન.આર.આઈ પ્યાલા - બરણીએ  ઘરની પત્તર ઝીકી દીધી છે!"

ચતુર ચિરાગે છેવટે રસ્તો કાઢ્યો અને સાડીઓ વેતરીને ઘરના રસોડામાં મસોતા માં  ઉપયોગ કરવાનો નવતર પ્રયોગ ચાલુ કર્યો. જાડા ગોદડા જેવા કોટો ને ગામડામાં ગોદડા બનાવવા મોકલી દીધા! કેટલાક કપડાના ઝાટકીયા બન્યા! સમજુ માતા જુના કપડાં સગાં સંબંધીઓને આપી તેમના સ્નેહમાં ગાબડું પાડવા માગતી ન હતી.

         હજુ એન.આર.આઈ સીઝન પુર બહાર હતી. નયનાબેન ગયા અને સીમાબેન આવ્યા. શિકાગોના સીમાબેન ની લલચામણી ભાષામાં દિશા ભાભી લપટાયા!

"તમારી પસંદ અફલાતૂન છે. " આવું કહી તેમણે ભાભીને જોડે રાખી, ફરી ફરી ખરીદી પતાવી! રિક્ષા ભાડા ના રૂપિયા બે હજાર જેટલો ચાંદલો દિશા ભાભીને ચોંટાડી,  ડોલર શોપના એક-બે ડિઓડરન્ટ પકડાવી, ડાયમંડના ઝાકઝમાળ સેટ ખરીદી, સીમાબેન શિકાગો જતા રહ્યા. તે પણ , 'થેન્ક યુ'નો  વરસાદ વરસાવી!

         ત્યાં જમાઈ એ અમી જોડે સાસુને કહેવડાવી દીધું કે, 'હું વિદેશી  વસ્તુઓ વાપરતો જ નથી. હું આત્મનિર્ભર છું. નિશા દીદી ને કહી દેજો, મારા માટે કંઈ જ ના લાવે.' આ ફરમાન કરી તેઓ આબાદ રીતે Reuseના વિષચક્રમાંથી બહાર આવી ગયા.

         ફરી બે વર્ષ પછી નિશાબેન આવ્યા. ફરી બેગો ટોચાઈ, અથડાઈ, ગોઠવાઈ અને ઠલવાઈ. આ દરમિયાન અમી ના ઘરે પણ પારણું બંધાયું હતું. અમીના નાના બાળક માટે બેગમાં જુના બાળોતિયા, ગોદડિયો ગેલ કરતા હતા! જૂનું ટેડીબેર પણ પધાર્યું હતું.  જમાઈએ પત્નીને સમજાવ્યું કે, બાળકને જુનાં કપડા નથી પહેરાવવા. દરેક વસ્તુની 'એક્સપાયરી ડેટ' હોય છે."

તેઓ વધુમાં બોલ્યા, " ભેટ ભવ્ય અને દિવ્ય હોવી જોઈએ." આ 'પાસિંગ ધ પાર્સલ' ગેમ માં આપણે  દૂર જ રહેવું સારુ!" નિશાબેન ફરી પાછા બેગો ભરી વિદાય થયા, પાછળ જુનો ડામોચિયો છોડતા ગયા! નિશાબેને  ભેટ-સોગત ની વ્યાખ્યા જ બદલી કાઢી હતી. તેમની દ્રષ્ટિએ ભેટ એટલે, "પ્રેમથી પધરાવો અને પરાણે અપનાવો!"

         પાછો બે વર્ષ પછી નિશાબેને  ફેસબુકમાં છ બે મોટી બેગો સાથે ફોટો અપલોડ કર્યો, "ઇન્ડિયા કોલિંગ!" આ વખતે તેઓ તેમના પતિ દેવ તથા બાબા સાથે  પધારવાના હતા. નિશાની છ બેગોની ઘરમાં પધરામણી થયા પછી ફોઈ બોલ્યા, " ગગી, આ વખત છ પટારા ઊંચકી લાવી!"

ચિરાગે કચરો વાળતા ઝાડુ ફટકાર્યું અને બબડ્યો, " આ બેગો પણ જાડી ચામડીની છે!" સામાન્ય રીતે ઘરમાં શાંત રહેતા કાકા આ વખત બોલ્યા, " અમદાવાદમાં આઇ.આઇ.એમ.માં મેનેજમેન્ટનો કોર્સ કર્યા વગર નિશાએ અમેરિકામાં જબરજસ્ત 'મની મેનેજમેન્ટ' શીખી લીધું છે!"

મોટા જમાઈએ ટાપસી પૂરી, " Value for money  is very important".  કાકા એ સ્મિત સાથે જમાઈના મોઢામાં એક કોપરાપાક નું ચકતું મૂકી દીધું.

         આ વખત એન.આર.આઈ જમાઈના માનમાં સસરાએ ભવ્ય સ્વાગત પાર્ટી રાખી હતી. તેને કારણે નિશાને અનેક ભેટ-સોગાદો મળી હતી. તે ભેટ-સોગાદો જોવા તલપાપડ હતી. પરંતુ  માતા-પિતાએ કહ્યું કે, 'આ બધી ભેટો અમેરિકા જઈને જ ખોલજો. ત્યાં મજા આવશે.' કદાચ માતા-પિતાને બીક હશે કે,  ગિફ્ટની પણ નિશા એક્સચેન્જ ઓફર બહાર ના પાડે !

         અમેરિકા જઈ પતિ-પત્ની ગિફ્ટ જોવા માટે ગોઠવાઈ ગયા. ભાઈ -ભાભીનુ  ખોખુ મોટું હતું. નિશાએ ખોખું ખોલ્યું તો, ઉપર ભાભી નો ડ્રેસ હતો સાથે ભાઈ નો કુરતો પણ હતો.

મોટા જમાઈ બોલ્યા, "તારા ભાઈનું પેકિંગ જબરજસ્ત છે!" ખોખામાં રામદેવના કિચન મસાલા હતા અને મસાલા સાથે એક ચિઠ્ઠી હતી, જે વાંચીને બંને ચમકી ગયા. ચિઠ્ઠીમાં લખ્યું હતું,  "નિશા, આ મસાલા એક મહિનામાં વાપરી કાઢજે. 'એક્સપાયરી ડેટ' નજીક છે." ડ્રેસની વચ્ચેથી ચિઠ્ઠી નીકળી તેમાં લખ્યું હતું," ડ્રેસ પહેરેલો છે . પરંતુ અસલી સિલ્કનો છે. મારા કપડાં તો તને થાય છે. એક્સચેન્જ ઓફર ના ગમે તો પાછા ન લાવતા.  'ગુડવિલ ડોનેશન દુકાન' માં ડોનેટ કરી દેજો."  બીજી કાપલી માં લખાણ હતુ , "કુરતો ૨૬ મી જાન્યુઆરીએ પહેરવા આપ્યો છે. બે વાર પહેરેલો  છે. કામમાં આવી જશે."

મીઠાઈ ના ખોખા ઉપર પણ સ્ટીકર હતું, "દિવાળીની છે તેથી જલ્દી વાપરી કાઢજો."

માતાએ ત્રિફળા, હરડે વગેરે ની ડબ્બીઓ આપેલી, તે પણ લખાણ સાથે "ઓલ્ડ ઇઝ ગોલ્ડ"! એક ખોખામાંથી 'લાફિંગ બુદ્ધા' નીકળ્યા, જે નિશા સામું જોઈ હસતા હતા. એક ખોખામાં નિશાની બહેનપણીએ  ચણિયાચોળી મોકલેલા, તેમાં પણ ચિઠ્ઠી હતી! તેમાં લખેલું હતું,  "ચણિયાચોળી ગામઠી છે. મારા ત્રણ -ચાર વાર પહેલા છે. ગમે તો રાખજો, પહેરજો અને મજા કરજો!" પડોશીએ નિશાએ આપેલું કોટિંગ ઉખડી ગયેલુ 'નોનસ્ટીક પેન' પાછું મોકલેલું. એ કોટિંગ ની વચ્ચે ઉખડી ગયેલી સપાટીમાં નિશાની ભાવવિહીન આંખો નું પ્રતિબિંબ ઝીલાતું હતું. નિશા આગળના ખોખાઓ ખોલી ન શકી પરંતુ તેના બાબા એ બેગ માંથી 'ટેડી બેર' ખેચી કાઢ્યું અને બોલ્યો, " Mom, I was searching these.. તેની સાથે પણ ગુજરાતીમાં કાપલી હતી.  બાબો તો સમજી ના શક્યો પણ તેનું લખાણ હતું,

         "ભેટ તો બારમાસી નું ફૂલ છે.

         બારેમાસ એકબીજાને મળતું રહે."

        

         

         

              

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ