વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તંદૂરી નાઇટ્સ

કોઈ સિંહ શિકાર પાછળ ઘણુંય દોડ્યા પછી પણ શિકાર હાથમાં ન આવે અને વીલા મોઢે ગુફામાં પાછો ફરતો હોય ત્યારે સિંહણને શું જવાબ આપીશ એ વિચારીને મનથી થાકેલો, એના એક એક પગને વારાફરતી આરામ આપવા, પગને બદલે એના પૂંછડાના સહારાથી ચાલી રહ્યો હોય એમ, આંદામાનના ઘટાદાર પહાડી જંગલોમાં ખોવાયેલો થાકી પાકીને સાચો રસ્તો ખોળતો, કાચબો પણ ઓવરટેક કરી જાય એ ઝડપે રેડિયમ સિંઘ ધીમે ધીમે પહાડ ચડી રહ્યો હતો.

કાદવમાં ખરડાયેલા બૂટ, એના ઉપર નામને અનુરૂપ ચમકતી ને એમેઝોનના જંગલોનાં લીલાછમ ઝાડવાઓને શરમાવે એવી લીલી પેન્ટ, સડેલી કોબીમાં ફરતી ઇયળ જેવા આછા લીલા રંગનો શર્ટ અને માથે ટોપી પહેરી હતી. જમીનમાં પડેલી નાનકડી ફાટમાંથી ગમે તેમ નીકળતાં  ઝાડવાની જેમ ટોપીમાંથી મહાપરાણે બહાર નીકળતા આછા ભૂખરા વાળ, ફેવિકોલથી ચીપકાવેલું હોય એવું નાનકડું ચીબું નાક, પાતળી મૂંછવાળો  ચીકણી ત્વચા ધરાવતો રેડિયમ સિંઘ રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે નવો સવો સરકારી કર્મચારી બન્યો હતો અને એની પહેલી જ પોસ્ટીંગ આંદામાનના જંગલોમાં થઈ હતી.

રેડિયમ જ્યારે જન્મ્યો ત્યારે એમના પરિવારના મોભીને એક જ્યોતિષએ કીધેલું કે તમારો દિકરો આ ખાનદાનનું નામ આખા ગુજરાતમાં રોશન કરશે. પણ એના જન્મતાંની સાથે એની માતાનું મૃત્યુ થયું. કેમિકલ વૈજ્ઞાનિક એવા એના પિતાએ એની મૃત પત્ની નિયમાના શબના માથા પર હાથ ફેરવતા ખિસ્સામાંથી પિરિયોડિક ટેબલ કાઢ્યું અને કહ્યું, “નિયમા આ જલદ વ્યક્તિ, તારા ઉરમાંથી જન્મ્યો છે અને તારી મૃત્યુનું કારણ પણ છે એટલે આ ઉરે-નિયમાના (યુરેનિયમના) દિકરાનું નામ આજથી, રેડિયમ સિંઘ”    

પત્નીના મૃત્યુ પછી ગામના શૌચાલયોની જેમ સિંઘ સાહેબ અને રેડિયમના સંબંધો વચ્ચે પણ હંમેશા અંધકાર જ રહ્યો. રેડિયમે ઘણી કોશિશ કરી એમના સંબંધોમાં ચમકાટ કરી અજવાળું લાવવાની પણ એ અસફળ રહ્યો. એક વખત એ જ્યારે એલર્જી ટેસ્ટ કરાવવા ગયો ત્યારે એને જાણ થઈ કે એને પિનટ્સની એલર્જી છે, ત્યારે છેક એને સમજાયું કે એનું અને સિંઘ સાહેબનું કેમ જરા પણ બનતું ન હતું..!!      

આજે આંદામાનના બાંગ મારવા જતા કુકડાને પણ એની જોબમાં અસલામતીની લાગણી થાય એટલી વહેલી સવારે ઉત્સુક રેડિયમ નવી જગ્યા જોવા નીકળી પડ્યો હતો. દુનિયાને ખુદની આંખોથી નિહાળવા જેમ મગફળીના ફોતરામાંથી નીકળેલો નવયુવાન શિંગ થનગનતો હોય એમ આ ચમકતો સિંઘ એટ્લે કે રેડિયમ સિંઘ ઉતાવળા પગલે આંદામાનના જંગલોને ખોળતો હતો. ઉતવાળમાં એને એ ધ્યાન ન રહ્યું કે પોતે તો ચીકણો ન હતો પણ વરસાદમાં પલળેલી માટી જરૂર ચીકણી હતી. ઝડપથી ચાલતા એનો પગ ફસડાયો અને દાબેલી જોઈને જેમ લાળનું ટીપું જીભ પર લપસી આવે એમ લપસતો ફસડાતો નીચે તળેટી તરફ ધસવા લાગ્યો. તળેટીની જમીન સાથે પટકાવાથી એને ખૂબ જ લાગ્યું અને અસહ્ય પીડાને લીધે એ આખો દિવસ ત્યાં જ પડ્યો રહ્યો.  

આજુ બાજુમાં કઈંક ગણ ગણ એવો અવાજ આવતા જિંદગીમાં ક્યારેય નહીં પણ આજે, રેડિયમ ચમકી ઉઠ્યો. આંખ ખોલીને એણે જોયું તો એની પાસે કોઈક આદિજાતિના જંગલી લાગતા હોય એવા પાંચ-છ માણસો ઊભા હતા. ઈન્કમ ટેક્સ ભરવા છતાંય એમનું નાણું તો કાળું નાળું જ કહેવાય એટલા રંગે કાળા, ફટાકડાની કોઠીની જેમ આકાશ તરફ પ્રયાણ કરવા મથતા હોય એમ માથામાં બાંધેલા વાળ અને શરીરના નીચેના ભાગ પર નામ માત્રના બાંધેલા પાંદડા જેને જોઈને રેડિયમે મનોમન ભગવાનનો પાડ માન્યો કે વાતાવરણમાં હવાનું નામોનિશાન નહોતું. એમાંના એકના નાકની ઊભી દાંડી સાથે સરવાળાની નિશાની બને એમ નાકમાંથી હાડકું આડું કરીને સોંસરવું પસાર કરેલું હતું. અને એને જોઈ રેડિયમ ફરી સફાળો ચમકી ઉઠ્યો.  પળવાર જેટલાં સમયમાં બે વાર ચમકવાની ખુશીથી એ નામેરી મનોમન પોતાની પીઠ થાબડી રહ્યો હતો. પણ ત્યાં એને એ ચિંતા પણ થતી હતી કે આ તો પેલા માનવભક્ષી સેન્ટિનલ્સ કે જે ભારતીય હોવા છતાય વર્ષોથી એમના સિવાય અન્ય જાતિને એમના કબીલાના વિસ્તારમાં ઘુસવા નથી દેતા.

એમને જોઈને પીસાયેલા સિંગની જેમ કોકડું વડી, રેડિયમ કરગરીને બોલી ઉઠ્યો, “મને જવા દ્યો, હું લપસવાથી અહી આવી ગયો છું..” એને બોલતો જોઈ બધા બધા જંગલીઓ એકીસાથે બોલી ઉઠ્યા, ”જિંગાલાલા હમ...જિંગાલાલા હમ...હુર્ર..હુર્ર...”.

થોડો ટોન અલગ લાગ્યો પણ એને દરગુજર કરી ઘણી કોશિશો છતાંય ખુદને ન રોકી શકયો અને આગળ બોલી ઉઠ્યો, “હમ બેવફા... હરગિઝ ન થે...” અને જેમ બીજી છોકરીને તાકીને ખુશ થતાં પતિની બાજુમાં અચાનકથી એની પત્ની આવી ચડે એમ અચાનક ક્યાંકથી સણસણતું  તીર રેડિયમના બે પગની વચ્ચે જમીન પર આવી ચડ્યું . રેડિયમના મનમાં અનિચ્છાએ પ્રસન્નતા, નારાજગી અને ગુસ્સો એમ ત્રણ મિશ્ર ભાવો એકીસાથે આવ્યા. એક્દમ સચોટ નિશાન માટે પ્રસન્નતા, આવા ઓલિમ્પિક લેવલના ખેલાડીની સરકાર દ્વારા અવગણના માટે નારાજગી અને સાથે સાથે આટલા સૂરીલા અવાજ પછીય થોડીક ક્ષતિ માટે એકવાર પણ ચેતવ્યા વગર તીર મારવા માટે ગુસ્સો.

હજી રેડિયમ આ મિશ્રિત વિચારોમાં અટવાયેલો હતો ત્યાં એમાંનો એક વ્યક્તિ એકદમથી જમીન પર ચતો સૂઈ ગયો. ક્યારથી ‘ઘૂ ઘૂ’નો અવાજ કરીને માથું ખાઈ ગયેલા ઝાડ પરના ઘૂવડને સૂતે સૂતે પ્રણામ કરતો હોય એમ બંને હાથ અને પગ એકબીજા સાથે જોડીને પેલા ઘુવડની તરફ કર્યા અને રેડિયમને ઈશારો કરીને અનુસરવાનું કીધું અને પછી આંખો બંધ કરી દીધી.

આ દ્રશ્ય જોઈને રેડિયમની આંખોની સામે ખીચોખીચ ભરેલા મેદાનમાં ચૂંટણી જીત્યા પછી હાથથી વિકટરીની સંજ્ઞા કરતા મોદીજી તરવરી ઉઠ્યા.

“ધન્ય છે મોદીજી ને...સાલું સોશિયલ મીડિયાથી આ જંગલીઓને પણ યોગા શીખવી દીધા...વાહ વાહ..”  મનોમન બબડતા બબડતા રેડિયમ વિચારતો હતો કે શું કરવું ત્યાં પેલા તીરવાળા જંગલીએ ખુન્નસથી એની સામે જોયું એટલે ગભરાઈને પેલા જંગલી રામદેવને અનુસરીને રેડિયમે બંને હાથ અને પગ હવામાં જોડીને પીઠના બળે ધનુષ આકારમાં આંખ બંધ કરી એની જેમ જ ચતો સૂઈ ગ્યો.

થોડી જ વારમાં એ રીતે ધ્યાનમગ્ન થઈને રેડિયમને મુક્તિનો અહેસાસ થવા લાગ્યો. ત્યારે જો કે એને ક્યાં ખબર હતી કે એ મુક્તિ નહીં પણ યુક્તિનો અહેસાસ હતો અને એ પણ એની નહીં બીજાની. હાથ પાસે કોઇકના સ્પર્શનો અનુભવ થતાં રેડિયમે આંખો ખોલી, તો જોયું કે બે વ્યક્તિ એક જાડા લાકડા સાથે એના હાથ અને પગ દોરીથી બાંધવા લાગ્યા. જેમ હનુમાનજીને એમની શક્તિની યાદ જાંબવતે દેવડાવી એમ આ જંગલીઓએ એની મૂર્ખામી સાથે એને અવગત કર્યો. રેડિયમે છટપટાઈને હાથ છોડાવવાની ઘણી કોશિશ કરી પણ એના હાથ પગ હવે અંગદના પગ થઈ ગયા હતા કે જે  હલવાનું નામ જ નહોતા લેતા. 

મરણ પામેલ વ્યક્તિને ઠાઠડી પર સ્મશાન લઈ જતાં હોય ત્યારે કેવી લાગણી થાય એનો અહેસાસ હવે રેડિયમને થઈ રહ્યો હતો, ફરક ખાલી એટલો જ હતો કે એને ચારની બદલે બે ખભા પર લઈ જવાતો હતો અને એ પણ લટકાવીને. બીજા કોઈ બોલે કે ના બોલે પણ એના મનમાં “રામ બોલો ભઈ રામ” નું રટણ ચાલુ થઈ ગયું હતું. રેડિયમનું મન પણ ઠાવકાઈથી વાહ વાહ કહેવા લાગ્યું જ્યારે એને વિચાર આવ્યો કે કેટલું સામ્ય છે એની પરિસ્થિતિમાં, ઠાઠડી પર જતાં વ્યક્તિમાં અને ડોલીમાં બેસીને પરણવા જતી છોકરીમાં.

એકાએક રેડિયમની પાછળનો જંગલી એના કાનમાં કઈંક ફૂસફૂસાયો, “કેમ છો?”. રેડિયમને ઇચ્છા તો એવી થઈ કે હાથ-પગ છોડાવીને એને બે-ત્રણ ધોલ મારે અને બાજુમાં ઉડતા આગિયાને રોકેટની વાટ જેવી એની ચોટી પર બેસાડી  એને રોકેટની જેમ હવામાં ઊડાડી દે પણ એના મનના વિચારો, મનમાં જ રહી ગયા.

ઘણીવાર રહીને રેડિયમને આખરે ચમકારો થયો કે આંદામાનના જંગલીઓ તો પોતાની ભાષા બોલે છે તો  તો આ ગુજરાતી ભાષી અહીં ક્યાંથી આવ્યો..?! બસ્સો લોકોની આ જંગલી વસ્તીમાં પણ આપણો એક ગુજરાતી છે એ વિચારીને રેડિયમની હરખપદૂડી છાતી સ્ટુઅર્ટ બિન્નીને આખરે પહેલી મેચ રમતો જોતાં રોજર બિન્નીની છાતીની જેમ ગદગદ થઈને ફૂલાવા ગઈ પણ ઉપરના લાકડાને ભટકાઈને પાછી જેમ હતી એમ બેસીને અંદર સમાઈ ગઈ.

હવે રેડિયમમાં થોડી હિમ્મત આવી અને એક ગુજરાતી કઈ રીતે અહી પહોંચ્યો એ જાણવાની ઉત્સુકતાને રોકી ન શક્યો અને બોલી ઉઠ્યો, “તમે પણ ગુજરાતી?!”

એટ્લે કોઈને સંભળાય નહીં એવી રીતે એ જંગલી બોલી ઉઠ્યો, ”હા. હું હંમેશભાઈ. મારી અહીં કરિયાણાની દુકાન છે.” આ સાંભળીને કલ્પના ચાવલા અવકાશમાં જનાર પહેલી ગુજરાતી બની એના કરતાં ઘણીય વધારે પ્રસન્નતા રેડિયમને આ કરિયાણાવાળાની અહીં પહોંચવાથી થઈ.

એટલામાં રેડિયમને લઈને એ લોકો એમના કબીલામાં પહોંચી આવ્યા. જીતેન્દ્રના જમાનાની જૂની ફિલ્મોમાં હોય એવા મોટા મોટા ઢોલ વાગવા માંડ્યા અને લગાન ફિલ્મમાં વાદળને ઘેરાતાં જોઇને જેમ બધા નાચવા લાગ્યા હતા એમ રેડિયમને આવેલો જોઇને કબીલાના જંગલીઓ નાચવા માંડ્યા. રેડિયમને જીવતો પાણીમાં ગરમ કરવા માટે એને થોડા શાકભાજી સાથે કડાઈ જેવા એક મોટા પાત્રમાં સળગતી આગ પર મૂક્યો.

નાચતો નાચતો એક જંગલી “જિંગાલાલા જિંગાલાલા હુર્ર” કરતો રેડિયમને કઈંક કહી ગયો. રેડિયમે મોઢું હંમેશ તરફ ફેરવીને જોયું તો એણે કહ્યું, “તમારી સાથે નીચે શાકભાજી છે...એને પગેથી હલાવતાં રહેજો...એમને બંને શાકભાજી અને તમે કાચા રહો એ પસંદ નથી.”

રેડિયમનો ગુસ્સો તો સાતમા આસમાને ચડી ગયો કે અને થયું કે અમને સરકારી માણસોને આળસુ કહેતા લોકોને એકવાર આ જંગલી જોડે મુલાકાત કરાવું. ભગતસિંહ બનેલા અજય દેવગનની જેમ મરવાને આધીન થઈ ગયેલો રેડિયમ હવે સમય વ્યતિત કરવા એમનો નાચ અને ગીત સાંભળવા લાગ્યો.

નાચતા જંગલીઓ “તક તાનના.... તક તાનના” બોલતા હતા અને ભાલાની અણી મોઢા તરફ આવે એ રીતે ઊંચા કરતાં હતા.  હવે રેડિયમને પણ ગીત ગમવા લાગ્યું અને કઈંક જાણીતું પણ લાગ્યું. એ પણ ડોલતા ડોલતા ક્યારે “તક તાનના.... તક તાનના” બોલવા લાગ્યો એની રેડિયમ ખુદને ભાન ન રહી. થોડું સાંભળેલું લાગતા એ ગીતની તાલે ડોલવા લાગ્યો. અચાનક આગની ગરમી વધતાં ગીત ગાતો રેડિયમ જોરથી બરાડી ઉઠ્યો “તક તાનના.... તક તાનના...તંદુરી નાઇટ્સ...”

રેડિયમના ડોલવાને લીધે થોડું પાણી બહાર ઢોડાયું કે આગ ઓલવાઈ ગઈ. નાચ-ગાન અચાનક જ બંધ થઈ ગયું. રેડિયમને થયું કે વળી મારાથી અજુગતું થઈ ગયું અને ન બોલવાનું હતું એ બોલાઈ ગયું. તીર લાગવાની બીકે, જેમ કાચબો એના કવચની અંદર સંકોચાઇ જાય એમ રેડિયમ સંકોચાઈને કડાઈની અંદર સમાઈ ગયો.

થોડીવાર પછી પણ માહોલ શાંત જ રહેતા રેડિયમ બહાર નીકળ્યો અને ચારેય તરફ જોયું તો બધા જંગલીઓ એ જ જગ્યાએ ઊભા હતા. ગોળ ફરીને જેવો રેડિયમ પાછો એની જૂની સ્થિતિમાં આવ્યો એટ્લે સામે પેલો નાકના હાડકાંથી સરવાળાની નિશાની કરતા જંગલીને જોયો.

એકાએક પેલાએ રેડિયમને બહાર કાઢ્યો અને બધા જંગલીઓ રેડિયમ અને પેલા હંમેશને એકબીજાની બાજુમાં ઉભાડી એમની ગોળ ગોળ ફરતા  “તક તાનના.... તક તાનના...તંદુરી નાઇટ્સ... તંદુરી નાઇટ્સ...” ગાવા લાગ્યા અને નાચતાં નાચતાં ભાલાની અણી મોઢા તરફ આવે એ રીતે ઊંચા કરવા લાગ્યા. ગીત પત્યા પછી તરત જ બધા જમીન પર છતાં સૂઈને રેડિયમને દંડવત પ્રણામ કરવા લાગ્યા. આ જોઈને રેડિયમને સાક્ષાત ભગવાનના અવતારમાં સજાયેલા અને માથે મુગુટની બદલે ટોપી પહેરેલા હિમેશ રેશમિયાના દર્શન થયા.

હજુ રેડિયમ હિમેશ રેશમિયાને પૂરેપૂરો આભાર મને એ પહેલા બાજુમાં ઉભેલા   હંમેશે રેડિયમને કોણી મારીને એણે બધાની તરફ હાથ ચીંધીને “જોયું આ ગુજરાતીની કમાલ” કહેતો હોય એમ ઠાવકાઈથી હસ્યો. રેડિયમને ત્યારે હંમેશ શું કહેતો હતો એ ન સમજાયું પણ એક વસ્તુ સમજાઈ કે અત્યારે ભગવાનો મોકો સારો છે એટ્લે એ કોઈને પણ ખ્યાલ ન આવે એ રીતે બધાની વચ્ચેથી ભાગી ગયો.

જંગલના રસ્તામાં રેડિયમ ચાલતો જતો હતો ત્યારે વળી એનો મગજ ચમક્યું. “તક તાનના.... તક તાનના...તંદુરી નાઇટ્સ... તંદુરી નાઇટ્સ...” ગીત અને નાચતાં જંગલીઓનો ભાલાની અણી મોઢા તરફ રાખેલ મુદ્રા યાદ આવી અને પેલા કરિયાણાવાળા હંમેશનું રહસ્ય એને આખરે સમજાયું. એણે જ આ જંગલીઓને હિમેશ રેશિમયાના ગીતોનું ઘેલું લગાડી અને પોતાની કરિયાણાની દુકાન એમની વચ્ચે જમાવી. એટલું નહીં પાછો પોતાનું નામ હંમેશ બતાવી, એમનો ભગવાન પણ બનીને બેઠો.  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ