વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

.

 

સિનેમા પ્રત્યેનો મારો પ્રેમ ફિલ્મો જોવાથી આગળ જઈને મને એમના સ્ક્રીનપ્લે વાંચવા સુધી ખેંચી ગયો છે અને મારા પ્રયત્નો રહ્યા છે, કે હું અનપ્રૉડ્યૂસ્ડ ફિલ્મોના સ્ક્રીનપ્લે શોધીને એમના પર ફિલ્મો બને એ પહેલા જ મારાં મનમાં ખુદની એક અનોખી ફિલ્મ ઘડી લઉં! આ સર્જનાત્મક વ્યાયામના ઉપક્રમે થોડાક દિવસો પહેલાં નાઇટ શ્યામલનની એક અનપ્રોડ્યૂસ્ડ સ્ક્રીપ્ટ ‘લેબર ઓફ લવ’ વાંચવાનું બનેલું.

એમ. નાઇટ શ્યામલન એટલે ધ સિક્સ્થ સેન્સ, સ્પ્લિટ અને ગ્લાસ જેવી દમદાર સાઇકોલોજીકલ થ્રીલર બનાવનાર સર્જક. કિંતુ, આ માણસે પ્રેમ અંગેની એક સુંદર અને સરળ વાર્તા પણ જે પ્રભાવક રીતે રજૂ કરી છે, એ જોઈને ખરેખર આશ્ચર્ય થયું હતું.

‘લેબર ઓફ લવ’ એ ફિલ્મ છે, જે ક્લાસિક અને મહાન ‘ફોરેસ્ટ ગમ્પ’ સાથેનાં સહેજ એવાં સામ્ય અને અન્ય બીજા કારણોથી અંગ્રેજીમાં ન બની શકી, પરંતુ હિન્દીમાં આ જ વાર્તા (અધિકૃત રીતે હકો ખરીદાયા પછી) ‘શૂબાઇટ’ નામે બની ચૂકી છે અને એ એકાદ દાયકાથી ડબ્બામાં બંધ પડી છે. એના ડિરેક્ટર છે સુજીત સરકાર, મુખ્ય પાત્ર ભજવ્યું છે અમિતાભે અને ગીત લખ્યા છે અતિ પ્રિય ગુલઝારે. અત્યારે, જૂહી ચતુર્વેદી લિખિત સુજીત સરકારની જ ‘પિકુ’ ફિલ્મ યાદ આવે છે અને દિમાગમાં સહેજ સ્પાર્ક પણ થાય છે, કે ક્યાંક ‘પિકુ’ની વાર્તાનું અંશત: બીજ ‘લેબર ઓફ લવ’માં તો નહીં હોયને?

તો, ‘લેબર ઓફ લવ’ મોરિસ અને ઇલેન નામક દંપતીનાં પાત્રો અને એક અત્યંત સરળ પ્રશ્ન પર આધારિત વાર્તા છે. કોઈને આપણે પ્રેમ કરીએ છીએ, તો એ વાતની અનુભૂતિ સામેની વ્યક્તિને કેવી રીતે કરાવી શકાય? વાર્તાનો કેન્દ્રિય વિચાર એ ભાવાર્થ વ્યક્ત કરે છે કે, ‘પ્રેમ ફક્ત ઠાલા શબ્દોથી નહીં, પણ ક્રિયાઓ અને વર્તન વડે વ્યક્ત થાય છે. ક્યારેક, વ્યક્તિને કોઈ પોતાનાં માટે કશુંક કરે, એ જોવાની જરૂર પડે છે. કેમ કે, વહેલા કે મોડા, એમનો કોરા શબ્દોમાંથી વિશ્વાસ ઊઠી જાય છે.‘

ઇલેન માને છે, કે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ પ્રસંગની રાહ ન જોવાની હોય, પ્રેમ હોવો કે પ્રેમમાં હોવું, એ જ પોતાનામાં એક પ્રસંગ કે એક ઉત્સવ બની રહેવો જોઈએ. પરંતુ મોરિસ ત્યારે તે સમજી શકતો નથી અને જ્યારે તેને એ વાતનું ભાન થાય છે, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તેમ છતાં, ઇલેન સામે એકવાર વાતમાંને વાતમાં તેણે જે કાર્યનો ઉલ્લેખ કરેલો, એ કાર્યને પૂર્ણ કરવાં માટે મોરિસ મક્કમ મનોબળ સાથે ઘર છોડીને નીકળી પડે છે. એ કાર્ય છે, દેશના (અમેરિકાના) એક છેડાથી બીજા છેડા સુધી ચાલીને જવું. આ અત્યંત કપરી યાત્રા છે અને મોરિસ એ બરાબર જાણે પણ છે. તેમ છતાં, તે આ કાર્યમાં અડગ રહે છે અને સારા-નરસા અનુભવોમાંથી પસાર થાય છે. અંતે વાર્તા ચહેરા પર એક સ્મિત પહેરાવીને વિરામ લે છે.

મોરિસનું પાત્ર એવી રીતે લખાયું છે, કે એમાં ટોમ હેંક્સ સિવાય કોઈને ધારી જ નથી શકાતા. પરંતુ એ અંગ્રેજી ફિલ્મ બનવાથી રહી, એટલે આશા રાખીએ, કે અમિતાભનું ‘શૂબાઇટ’ નજીકનાં ભવિષ્યમાં આપણને જોવા મળે.

સ્ક્રીપ્ટનો એક સંવાદ:

પાદરી: મેં મારું સમગ્ર જીવન પ્રેમને સમર્પિત કરીને વિતાવ્યું છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. માનવતા પ્રત્યેનો પ્રેમ. અને હવે તું મારી સામે બેઠો છે, જે પ્રેમ દ્વારા જીવી રહ્યો છે. એમા તરબોળ થઈ રહ્યો છે. એની તાકત અને એનો જાદુ વાપરીને દરેક અડચણને પાર કરી રહ્યો છે. એટલે, જો તું પાગલ હોય, તો હું આશા રાખું છું કે મારું પાગલપણું એટલું તો વિશાળ નથી.

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ