વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંસારે સાધુતા

"સંસારે સાધુતા આવી પેખી ના અન્ય સ્નેહીમાં."


                      - મહેશ પઢારિયા.


*****************************************


'મંગલમુર્તિ મહાપ્રભુ,શ્રી સહજાનંદ સુખરૂપ....'


બરાબર ૪-૪૫ વાગ્યે ,શાળા છૂટવાની થોડીવાર હતી ત્યાં જ મારા મોબાઈલફોનની રીંગટોન રણકી ઉઠી.


' હલ્લો,માસ્તર,ઓલી નાના સોકરાને દૂધ પાવાની ટોટીવાળી એક શીશી લેતો આવજે ને.'


ફોન રીસીવ કરતા જ સામેથી શબ્દોનો મારો શરૂ થયો.


' અલ્યા પણ હવે તારે ઇ શુ કરવી છે?,કે છે કાંઈ નવું આયોજન?'


સામે છેડે જે મિત્ર હતો,એના સંતાનો મોટા થઈ ગયેલા એટલે મેં મજાક કરી.


'અરે ના ભઈ ના ,આ ઓઈલો વાલભાનો ધનો નય? ઇના ઘર પાહે થોડા દિવસ પહેલા એક કુતરી વિયાણી'તી,તે ઇ આજ મરી જઈ, ગલુડિયાની આંખો પણ હજુ નથી ઉઘડી,તે ઇ ને દૂધ પાવા હાટુ ઘનાએ મગાવી સે.તો તું ભુઈલા વગર લેતો આવજે.'કહીને સામેથી ફોન મુકાઈ ગયો.


       પછી તો શાળાએથી ઘેર પહોંચ્યો ત્યાં સુધી  આ વાલભાના ધનાએ જ દિલો દીમાંગનો કબજો લીધો.એ જ નજર સામે તરવરતો રહ્યો.

કોઈ પણ એકવાર એને જુએ,સાંભળે તો એને ભૂલી જ ન શકે એવો આ ઘનો.


અત્યાર સુધી મેં જોયેલા,સાંભળેલા કે વાંચેલા પાત્રો પૈકી કોઈ સાથે ઘનાને સરખાવવાનો પ્રયાસ કરું તો માત્ર 'ભાગલા વ્હોરા' સાથે સરખાવી શકું. ( આ 'ભાગલો વ્હોરો' હું પ્રા.શાળામાં ભણતો ત્યારે ભણવામાં આવતો,શિક્ષક થયા પછી મેં આ પાઠ ભણાવેલો પણ ખરો.આ ચરિત્રનિબંધમાં લેખકે એકાંકી,નિરાધાર, ભાગલા વ્હોરાનો વૃક્ષપ્રેમ વર્ણવ્યો છે.)


મેલા,લઘર-વઘર લૂગડાં,વણ ઓળાયેલા વાળ,બહારના દેખાઈ આવતા દાંત,લંગડાતા પગ અને હાથમાં લાકડાના ડંડા સાથેનો ભીનાવાને ધનો દેખાવમાં સાવ સાધારણ.


ફૈબાએ નામ તો હોંશથી પડેલું ઘનશ્યામ.આમ પણ ગામડા ગામમાં ઘનશ્યામનું ઘનો સહજમાં થઈ જાય,એમાંય આમા તો 'નાણાં વગરનો નાથિયોને નાંણે નાથાલાલ'વાળી કહેવત બરાબર બંધ બેસતી આવે એટલે 'ઘનો' નામ સર્વમાન્ય થઈ ગયેલું.જો કે એનો રંજ એને જરા પણ નહીં.હું કાયમ એમને ઘનાકાકા કહું,એટલે એ મને કહે પણ ખરા:

'ભૈલું તું કાકા નો કેતો હાલ તમતારે!'


એનો દેખાવ,બાહ્ય પ્રતિભામાં કોઈને રસ ન પડે એવું ખરું,પણ એના આંતરિક જીવનમાં ડોકિયું કરનારને,એનામાં રસ પડે જ.એ વાતનો જામીન થવા હું તૈયાર છું!!!


નાનપણમાં જ માં-બાપની છત્રછાયા ગુમાવેલી.ભાઈ-ભાભી મજૂરી અર્થે બહારગામ રહે,બહેનો સાસરે એટલે આ ઘના માટે 'આવાસમાં ઓરડી ને છાયામાં બોરડી' એ જ કડવી વાસ્તવિકતા.

પોતાની જમીન તો નહીં,એટલે મજૂરી કરીને પોતાનું,પેટ પૂરતું મેળવી લે.વધારે મેળવવાની ખેવના પણ નહીં.

જીવનમાં આવી પડેલી કડવી વાસ્તવિકતાને કારણે ઘનાને સંસારની ક્ષણભંગુરતા સમજાણી હશે? કે પછી સંસારના સ્વાર્થીલા સંબંધોની માયાજાળથી અલિપ્ત રહેવાથી મળેલી એકલતામાં,એકાંતમાં કરેલા વિચારો-ચિંતનથી એને "કંઈક" સામજાણુ હશે?...એ ગમે તે હોય પણ ઘનાનું જીવન 'ફિકરની ફાકી કરીને જીવનાર અલમસ્ત,અલગારી ફકીર જેવું'

એનું જીવન-સ્વભાવ જ 'કાણાં કળશિયા'જેવો.કશું ભેગું કરવાનું, સંગ્રહ કરવાનું જ નહીં.


   હું જ્યારે -જ્યારે એને જોવું ત્યારે મને મકરંદ દવેનું પેલું કાવ્ય...


"નોટ ને સિક્કા નાખ નદીમાં ધુળીએ મારગ ચાલ.

  ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ"


યાદ આવ્યાં વિના રહે જ નહીં.

ઘણી વખત આ કાવ્ય,ઘનાને સાંભળવવાનું મન પણ થઈ આવે પણ પછી અંતરમાંથી અવાજ સંભળાય:'ઘનો તો એ કવિતા જીવે છે.કાવ્યનો રસાસ્વાદ તો આપણા જેવા,એ કાવ્ય મુજબ નથી જીવતા એના માટે છે.'એટલે એને કાવ્ય સંભળાવવાનો વિચાર માંડી વાળું.


થોડા સમય પહેલા ગામમાં એક રેઢિયાળ અપંગ  ધણખૂંટ આવી ગયેલો.ગામની દયા પર જ એ નભતો.પણ એ અપંગ એટલે અન્ય રેઢિયાળ ઢોરને પહોંચી ન શકે એટલે ક્યારેક ભૂખ્યો કે અર્ધભૂખ્યો રહે જ.આ બધું ઘનાની નજર બહાર રહે જ નહીં.એ વખતે ઉનાળો એટલે કડબની અછત અને એના ભાવ પણ આસમાને.

ઘનાએ બહારગામ જઇને કડબ ખરીદી.આ અપંગ ધણખૂંટ માટે.પાસે પૈસા તો હતા નહીં એટલે બે મહિના એ ખેડૂતને ત્યાં વાડીએ ચોકિયાત તરીકે રહીંને એણે કડબની કિંમત ચૂકવી.

પેલા ખેડૂતને સાચી વાતની ખબર પડતાં એણે કિંમત ન લેવાની સૌજન્યતા દાખવી પણ કોઈનું મફત લઈને ખેરાત કરે ઇ ઘનો નહીં!!!

પોતાની પગની તકલીફને કારણે ખેતીનું ભારે કામ ન કરી શકે એટલે ઘનાએ ગામને ઝાંપે ,નાનકડી ચાની કેબીન શરૂ કરી.પણ મૂળે જ એ ઓલિયો જીવ .કોઈને વેચાતી ,પૈસા લઇને કો ચા પાવી એ એના સ્વભાવની વિરુદ્ધની બાબત.વટેમાર્ગુઓ,ચોટીલા જતા પદયાત્રીઓ,ગામમાં આવતા બાવા-સાધુ,ભીક્ષુઓ વગેરેને ઘનાની' ફ્રી' ચા સેવાનો લાભ મળે જ.

અરે!ક્યારેક તો માંદા કૂતરાને દૂધ પાઇ દેવાને કારણે કેબીન બંધ રહી હોય એવું પણ બને.


આને કારણે  ચા-ખાંડ અને દૂધનું નામું ચડી જાય .આ રીતે એની 'સેવા'ને કારણે ચડેલું દુકાનનું નામું ગામના સદગૃહસ્થ કાનજીભાઈ પઢારિયાએ ભરેલું ને દૂધનું નામું દુધવાળાને ત્યા ખેતરમાં મજૂરીએ જઇને ઘનાએ ચૂકતે કર્યું.


અંતે પોતાની ચિત્ત-પ્રકૃતિને પ્રતિકૂળ એવો ચાનો ધંધો એણે બંધ કાર્યો ને પાછો લાગ્યો મજુરીએ.


શરૂઆતમાં નોંધ લીધી એમ કુતરી મરી જતા એના નિરાધાર ગલુડિયાનો વણનિમેલો,ધરાહર વાલી એટલે  આ ઘનો!


કોઈ નાનું બાળક મૂકીને માતા મૃત્યુ પામી હોય અને જેમ કુટુંબની અન્ય મહિલાઓ મમતાથી બાળકને સાચવે એમ આ ઘનો ગલુડિયાને સાચવે .ખૂબ જ ધીરજ અને કુમાશથી એ દૂધની શીશી વડે એ સુકુમાર શિશુ શ્વાનને કુત્રિમ સ્તનપાન કરાવેને મોટા કરે..

ઘણી વખત કૂતરાને દૂધ પાઈ દેવાને કારણે ઘનાએ માત્ર 'કાવો' ( દૂધ વિનાનો,માત્ર ચા-ખાંડને પાણીનો ઉકાળો ) જ પીધો હોય એવું બન્યું છે.


ઘનાની સેવા સરવાણી માત્ર  પશુ-પંખીઓ પૂરતી હતી એવું નહીં. દરેક જરૂરિયાતમંદ સુધી એની સેવા વિસ્તરતી.અમારા ગામમાં એક પરપ્રાંતી હિન્દીભાષી સાધુ આવેલા ને પછી રોકાઈ ગયેલા.પ્રસંગોપાત કે અન્ય કારણસર એ કેટલોક સમય બહાર જાય ને વળી પાછા એ ખોલડીયાદ આવી જતા.


આવી જ રીતે એ છેલ્લે,બાજુના ગામ જશાપર હતાને બીમાર પડ્યા.એ પામી ગયેલા કે આ માંદગી છેલ્લી છે.એટલે જશાપરના ગામલોકોને એમણે કહ્યું કે મને ખોલડીયાદ,કાનજીભાઈને ત્યાં મૂકી જાવ.એટલે જશાપરના ગ્રામજનો એમને અમારા ગામના કાનજીભાઈ પઢારિયાને ત્યાં મૂકી ગયા.


આ સાધુ છેલ્લી અવસ્થામાં પણ સ્ત્રીની અવર - જવર વાળા  ગૃહસ્થના ઘરની અંદર પોતાનો ખાટલો રાખવા સહમત નહોતા અને બહાર તો આ સાધુને કેમ રાખવા? ગામના બધા ધર્મસંકટમાં મુકાયા.

આમાંથી પણ રસ્તો કાઢ્યો ઘનાએ જ .ઘનાએ તરત કહ્યું:'કાનભઈ,મારા ઘરે ચ્યાં બૈરું સે.આ મા'રાજને મારા ઘરે જ લઇ જાઉં તો? અને ખરે જ ઘનો સાધુને એના ઘરે લઈ ગયો.પુરી લગનથી એ બીમાર સાધુની સેવા-ચાકરી કરી.

છેલ્લે ઝાડા-પેશાબ બધું પથારીમાં થતું.ભલ-ભલા માણસો સૂગથી કંટાળે એવી અવસ્થામાં પણ ઘનાએ પુરી નિષ્ઠાથી એ સાફસૂફી ,સારવાર,સંભાળ રાખી દસેક દિવસની સેવાનો લાભ આપીને એ સાધુ નિર્વાણ પામ્યા.ઘનાના ઘેરથી જ એમણે મહાપ્રસ્થાન કર્યું.


ઘનાના આવા શ્વેત-ધવલ ચરિત્રસંપન્ન વ્યક્તિત્વને કારણે જ,અગાઉ જેમની નોંધ લીધી છે,એ કાનજીભાઈએ ગામની દરેક દુકાન માલિકોને સૂચના આપી રાખેલી કે ધનો ગમે તે,ગમે તેટલું માગે ઇ આપવું.જો ધનો નામું નહીં ભરે તો પોતે ભરી દેશે.

  

   આવી ઉદારતાભરી છૂટનો ખોટો લાભ,ઘનાએ લીધો નથી.આ વાતનો એકરાર કાનજીભાઈ ઊંડા પરિતોષ સાથે કરે છે.આવો વિશ્વાસ,ઘનાએ પોતાની નેકદીલ વાણી, વર્તનથી સંપાદિત કર્યો છે.


સ્વાર્થ,વેર-ઝેર,મારુ-તારું એ બધા વચ્ચે પીસતા આજના માહોલને,આ ઘના જેવા વ્યક્તિત્વના સ્પર્સથી શીતળતાની દીક્ષા મળતી હશે?...હા,જરૂર મળતી હશે.એટલે જ આટ આટલી બદીઓ વચ્ચે પણ સંસાર શીળો,જીવવા જેવો લાગે છે....આવા વ્યક્તિત્વને વંદન.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ