વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાંબી ગુલામીની એંઠ

"રાષ્ટ્રભાષાની માવજત"

         

                              - મહેશ પઢારિયા.


નાનકડા માનપર ગામ માં આજ અજંપા ભરી સ્થિતી હતી. આ અજંપા નું કારણ આ નાના ગામમાં આવેલો એક પત્ર હતો.


હરજી પટેલ એક નખશીખ ખેડું માણસ. વાર પરબે કે પ્રસંગોપાત હટાણા સિવાય કોઈ દી' શહેર જોયેલું નહીં. એ ભલા ને એમનું કામ ભલું.

એમના ઉપર કોઈ દી' નહીં ને આજ અંગ્રેજીમાં ટપાલ આવી. એક તો પંખીના માળા જેવું નાનું ગામ, ક્યારેક કોઈ પંચાયત કે નિશાળની સરકારી ટપાલો હોય ત્યારે જ ટપાલી આ ગામના માર્ગે ચડતો, બાકી ટપાલીને આ ગામ સાથે ઝાઝી લેવાદેવા નહોતી.


એટલે આજ હરજી પટેલને ત્યાં આવેલી અંગ્રેજી ટપાલે આખા ગામમાં કુતૂહલ જગાવ્યું. બધા એ ટપાલને, કાંઈ નવતર વસ્તુને જોવે એમ જોઈને  મૂકી દીધેલી. થોડું-ઘણું ભણેલાં તરભો ગોર,ને હાટડી માંડી પેટિયું રળતાં શેઠ પાનાચંદ કે બીજા ત્રીજા એ આ ટપાલ નું રહસ્ય ઉકેલવા મથામણ કરી જોઈ, પણ એનું રહસ્ય છેક સાંજ સુધી અકબંધ રહ્યું. હવે આ રહસ્ય ઉકેલવાનું એકમાત્ર આશા કિરણ હતું ગામના માસ્તર મનસુખભાઈ. જોકે ટપાલ આવી ત્યારે જ બધાને મનસુખભાઈ યાદ આવેલા, પણ આજ તો એ તાલુકા મથકે મિટિંગમાં ગયેલા,એટલે છેક સાંજે આઠની બસ પહેલા એ આવે એ શક્ય નહોતું.


માસ્તર ઘેર આવ્યા ત્યારે આ જિજ્ઞાસુ ટોળું એમને ઘેર જમા થયેલું, માસ્તરે આખી સ્થિતિ જાણીને ટપાલ હાથમાં લેતા બબડયા પણ ખરા," આપણા દેશની કોર્ટો, કચેરીઓ, બેંકો જાણે પંચયાસી ટકા લોકો, કે જેના શ્રમ, પરસેવા પર દેશ અડીખમ ઉભો છે - એની ઉપેક્ષા કરીને માત્ર પંદર ટકા અંગ્રેજી ભણેલા લોકો માટે જ ચાલતો હોય, એવો  માહોલ ઊભો થતો જાય છે.એ પણ, હજુ આઝાદીના લડવૈયાઓ આપણી વચ્ચે હૈંયાત છે એટલા ઓછા ગાળામાં જ .માસ્તરે વ્યથાની ઉલટી કરતા કરતાં જ પત્ર ખોલ્યો.


" હે માસ્તર આ ઈંગરેજી એટલે...."

પડોશી તખું ડોસી પ્રશ્ન પૂરો કરે એ પહેલાં જ માસ્તરે જવાબ આપ્યો...


"લાંબી ગુલામીની એંઠ" જવાબમાં માસ્તરે પોતાની સઘળી વ્યથા કાઢી નાખી.


" તે ઇ એંઠને તમે જ ભણાવો છો ને?તખું ડોશીએ માસ્તરને નિશાન બનાવ્યા.


" માડી અંગ્રેજી ભણવું ને અંગ્રેજીમાં દેશનો વહીવટ ચલાવવો એ બેમાં કુવા અને ખાળકુવા જેટલો ફરક છે" માસ્તરે પોતાનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરતાં કહ્યું.


" અને હા આ પત્રમાં બેંકે પોતાની ખેડૂતલક્ષી ધિરાણ નીતિની જાહેરાત કરી છે,બીજું કાંઈ નથી." કહી માસ્તરે પત્રને સંકેલ્યો.

ત્યાં જ એમની નજર,પત્રના મુખ્ય ભાગ પર રાષ્ટ્ર ભાષાની માવજત અને પ્રચાર અર્થે લખાયેલી સૂચના પર પડી....

"આપ હમારે સાથ હિન્દીમે પત્રાચાર કર સકતે હૈ" ને માસ્તરના ભવા વધુ તંગ થયા...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ