વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

*ઈમ્યુનીટીબુસ્ટર*

*ઈમ્યુનીટીબુસ્ટર*


"મિત્રોં.....  લોકડાઉન ખુલ રહા હૈ,અબ આપકી સુરક્ષા આપકે હાથોમેં હૈ. હમે અપની ઈમ્યુનીટી બઢાની હોગી. સાથ હી, હમે આત્મનિર્ભર ભી બનના હોગા." 

મોદીજીનો રાષ્ટ્રજોગ સંદેશ અધવચ્ચે જ છોડીને સરીતા લગભગ દોડતી, અંદરનાં રૂમમાં જતી રહી. અને દરવાજો બંધ કરી દીધો. અરીસામાં પોતાનું નિસ્તેજ પ્રતિબિંબ જોઈને વિચારમાં પડી ગઈ. અને કબાટનો દરવાજો ખોલ્યો. 

લોકડાઉન હવે કદાચ પુરૂ થઈ જશે, એવી માહિતી મળી હતી. અને એટલે જ આજે સરીતા, તેના પતિ સાગર, દિકરો યશ, પુત્રવધુ ખુશી, અને તેનાં બન્ને બાળકો સાથે ટીવીની સામે મોદીજીનું ભાષણ સાંભળવા બેઠા હતા.ત્યાં ચાલુ ભાષણમાં બધા સરીતાનું આવુ વર્તન જોઈને ચોંકી ગયા હતા. પરંતુ સરીતાનાં સ્વભાવને જાણતા હોવાથી સાગરે થોડી વાર માટે રાહ જોવાનું મુનાસિબ માન્યું. જ્યારે અંદર રૂમમાં જઈને સરીતા ભુતકાળમા ભુલી પડી ગઈ હતી. 

          **************

"સરીતાને જોઈનેતો શેર લોહી ચડે." નાનપણથી જ દાદા-દાદી ની દિલ દઈ ને સેવા કરતી હતી સરીતા. અને એટલે જ સરીતા બધાની ખુબ લાડકી હતી. સેવાના સંસ્કાર તો એને ગળથૂથીમાં મળ્યા હતા. અને સરીતાએ એને પ્રેમથી પચાવી લીધા હતા.  એની સુઝબુઝ પણ ગજબની હતી. અને એટલે જ કોઈ પણ વ્યક્તિ એને જોઈને બોલી ઉઠે કે " સરીતાને જોઈને તો શેર લોહી ચડે. " અવારનવાર આ શબ્દો સાંભળીને સરીતા પણ ખુશ થઈ જતી. જોકે એનો અર્થતો એ જાણતી પણ નહોતી. પણ પોતે બીજાને માટે કંઈક હિતકારક કાર્ય કરે છે એમ વિચારીને ખુશ થતી હતી. 

સરીતા, નદી જેવી ઉછળતી, છતાં પણ શાંત વ્યક્તિત્વ ધરાવતી યુવતી. અદભુત દેહ લાલીત્ય ધરાવતી અને પરગજુ સ્વભાવની યુવતી. જે હંમેશા બીજાને મદદ કરવા તત્પર રહેતી. અને એટલે જ તો એ બધા લોકો માટે પ્રિય હતી.  

        સરીતાનાં લગ્ન લેવાયા હતા. મમ્મી, પપ્પા અને ભાઈ બહેન બધા ખુશ હતા. હોય જ ને! દિકરીને સરસ ભર્યા ઘરમાં વિદાય કરવાની છે. જ્યાં તેને સાસુ, સસરા, દાદીસાસુ અને ત્રણ દિયરનો સાથ મળવાનો હતો. લગ્નને માત્ર ત્રણ દિવસની જ વાર હતી. એટલે આજે સાસુજીની ઈચ્છાને માન આપીને આણું બતાવવા માટે સાસરી પક્ષના સંબંધીઓને બોલાવ્યા હતા. સરીતા એ સાદગી અને સુંદરતાનો સમન્વય સાધ્યો હતો.  સ્કાય બ્લ્યુ કલર નાં ચણિયા ચોળી, ઉપર ગુલાબી કલરની સોનેરી ઝરીકામ કરેલી ઓઢણી, એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. બધા બહુજ ખુશ થયા હતા,માત્ર આણું જોઈને જ નહીં, પણ સરીતાને, તેના વિનમ્ર વર્તનને જોઈને . નાનીજી સાસુ (સાસુજી નાં મમ્મી ) તો હરખાતા હૈયે બોલી ઉઠયા કે "સરીતા ને જોઈને તો શેર લોહી ચડે." જોકે આ શબ્દો તો સરીતાએ ઘણા લોકો નાં મોઢેથી સાંભળ્યા હતા. પણ આજની વાત કંઈક અલગ જ હતી. સાસરીપક્ષનાં લોકોને મોઢે દિકરીનાં વખાણ સાંભળીને સરીતાનાં પિતાજી પણ ખૂબ ખુશ થઈ ગયા હતા.  જમ્યા પછી બધા મહેમાનોની વિદાય થઈ અને કરિયાવરનું પેકીંગ થઈ રહ્યું હતુ, ત્યારે સરીતા પપ્પાની બાજુમાં જઈને બેસી ગઈ. પપ્પા પણ જાણે આ ઘડીની  જ રાહ જોતા હતા.સરીતાને માથે હાથ મૂકીને કહ્યું . 

" બેટા જીંદગીભર એક વાતનું ધ્યાન રાખજે કે તારા કોઈ પણ વર્તનને લીધે તારા પતિને કોઈનું કંઈ સાંભળવું ન પડે. મને  તારા ઉપર ભરોસો છે કે તું મને નીચે જોવું પડે એવું તો કરીશ જ નહીં."

અને હમેશાં મા-બાપની વાતને સમર્થન આપીને જીવતી સરીતા એ પણ પપ્પાનો હાથ પકડીને કહી દીધું, " 

     " પપ્પા, તમે જે કહ્યું એનું હું બરાબર ધ્યાન રાખીશ." અને વાતાવરણની સાથે આંખોમાંથી પણ લાગણીઓ વહેવા લાગી. 

      અને સરીતા  ધામધૂમથી પરણીને સાસરે આવી ગઈ. જ્યાં તેનું ખુબ માનપાનથી સ્વાગત થયું. ત્રણેય દિયરોતો જાણે ભાભીના સ્વાગતમાં ઘેલાં બન્યા હતા. સાસુ સસરાની ખુશી પણ વર્તનમાં ઝલકતી હતી. અને દાદીમાને તો જાણે ખુશીનો ખજાનો મળી ગયો હતો. પતિદેવ સાગર, જાણે થનગનતી સરીતાને પોતાના અસ્તિત્વમાં સમાવવા માટે ઉત્સુક હતા. અને આમ, હસી ખુશીનાં માહોલમાં શરૂ થયો સરીતાનો સુખી સંસાર. 

 લગ્નના બીજા દિવસે સવારે સરીતા એ બધા વડીલોને પ્રણામ કર્યા. પણ સાસુજી... પ્રણામ કર્યા એટલે એમણે સરીતાનો હાથ પકડી લેતાં કહ્યું " બેટા સરીતા, મારા દિકરાને તો મારો રહેવા દેશોને?" અને સરીતાએ જ્યારે પ્રેમથી નચિંત રહેવા માટે કહ્યું ત્યારે બધાને તેના સાચા સ્વભાવનો અનુભવ થયો હતો. આ વચન સરીતાએ જીવનભર પાળ્યું હતું, પરંતુ એને માટે તેને ત્યાગ પણ ઘણો કરવો પડ્યો હતો! પણ, જીંદગી છે ચાલ્યા કરે… એવી સમજદારી થી સરીતા ઘરમાં બધા સાથે સુમેળથી રહેતી હતી. સમય આનંદથી વ્યતીત થઈ રહ્યો હતો. 

જે પણ સગા સંબંધી સરીતાને  મળે, બધાનાં  મુખેથી એક જ વાત સાંભળવા મળે, " શું સંસ્કારી વહુ મળી છે! જોઈને શેર લોહી ચડે." 

એક વાર તો સરીતા એ એના સાસુજીને  પુછ્યું પણ ખરૂ,

 " મમ્મીજી, આ શેર લોહી ચડવાનો અર્થ શું થાય?" 

અને સાસુજીએ જે સમજાવ્યું એનો મતલબ એ જ હતો કે " કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય જેને જોવાથી, મળવાથી, કે પછી મેળવવાથી મનને ખુબ ખશી મળે એને માટે 'શેર લોહી ચડે' એવો શબ્દ વપરાય છે. " 

 "  મતલબ કે *ઈમ્યુનીટીબુસ્ટર*.એમ જ અર્થ થયો ને મમ્મીજી? "

" હા બેટા! આમતો એવુંજ કહી શકાય."  

સરીતાને બાળપણથી એક શોખ હતો. તે કોઈને કોઈ વસ્તુનું કલેક્શન કરતી રહેતી.  બચપણમાં રમકડાં, પછી સ્ટોરી બુક્સ ,અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતાં અવનવી ઇમિટેશન જ્વેલરીનો શોખ જાગ્યો હતો. તેની પાસે ઘણી ઇમિટેશન જ્વેલરીનું કલેક્શન હતું જે હવે પોતાની સાથે સાસરે લઈ આવી  હતી. એક વખત ઇમિટેશન જ્વેલરી પહેરીને બહાર જતી વખતે સાસુજીએ ઇશારો કર્યો કે ખોટા દાગીના પહેરવા નહીં. સોનાના દાગીના છે , હવેથી તે પહેરવા. પરંતુ એનું  કલેક્શનતો લિમિટેડ હોય ને! પણ મનોમન કંઈક વિચારીને સરીતાએ ગોલ્ડ જ્વેલરીનું કલેક્શન કરવાનું નક્કી કર્યું. જેના કારણે એને પણ ' શેર લોહી ચડે.'

   પણ સમયનાં વહેણમાં વહેતી જતી સરીતા  સમયાંતરે ત્રણ બાળકોની માતા બની ગઈ. અને જ્વેલરી કલેક્શનનો વિચાર ક્યાં ખોવાઈ ગયો તે ખબર જ ના રહી. મોટી દિકરી  રીમા, નાની દિકરી કિયા, અને એનાથી નાનો દિકરો યશ.સરીતા તેના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ હતી. 

        હમણાં સરીતા થોડી વધારે વ્યસ્ત થઈ ગઈ હતી. તો થાય જ ને! તેના દિયરનાં લગ્ન નક્કી થયા હતા. ઘરમાં તેની દેરાણી રુમઝુમ પગલે આવવાની હતી. અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પહેલા કપડાંની ખરીદી કરી. અને હવે વારો આવ્યો જ્વેલરીની ખરીદીનો. અને સરીતાના મનનાં છાને ખુણે છુપાયેલો જ્વેલરી કલેક્શનનો કીડો સળવળ્યો. તેના માટે પણ એક નવી ડિઝાઈનનો નાનો સેટ લીધો. જેઠાણી જો બનવાની હતી! કલેક્શનમાં એક સેટ એડ થયો એટલે સરીતાને પણ શેર લોહી ચડી ગયું.  ઈમ્યુનીટી બુસ્ટ થઈ ગઈ. 

આ બધી ખરીદી માટે સાસુજીએ પહેલા જ તૈયારી કરી લીધી હતી. જ્યારે પણ પૈસાની સગવડ થાય, ત્યારે સોનાની ગિની લઈ લેતા. પછી ભલે તે એક ગ્રામની જ હોય. જ્યારે જેવી સગવડ હોય એવી ખરીદી કરે. તેમની વિચારસરણી  સોનાની બાબતે અલગ જ હતી. કોઈ પુછે કે, 

" સોનું સસ્તુ ક્યારે કહેવાય?" તો તુરંત જવાબ આપે,

 " જ્યારે તમારી પાસે પૈસાની સગવડ હોય ત્યારે. ભલે પાંચ હજાર રૂપિયાનો ભાવ હોય, તમારી પાસે રૂપિયા હોય તો એ સસ્તુ જ ગણાય. પણ ભાવ માત્ર હજાર રૂપિયા હોય અને તમારી પાસે એટલા રૂપિયા નથી તો શું ફરક પડે છે? " 

અરે! નાનીજી સાસુતો એમ જ કહેતા, " જે સ્ત્રીને એનો પતિ વરસમાં એક વાર એક પીળુ બિસ્કીટ (સો ગ્રામ સોનાનું) અને એક સફેદ રંગની પાટ(એક કિલો ચાંદી )  લઈ આપે એ સ્ત્રી ક્યારેય બિમાર જ નો પડે. એ સ્ત્રીની  ઈમ્યુનીટી વધારવાનો હેવી ડોઝ છે. જેની અસર આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. " (અનુભવ કરી જોવા જેવો ખરો. )     

અને સરીતાના જીવનમાં એક નવો વળાંક આવ્યો.  સસુરજીનો બિઝનેસ એક પાર્ટનરશીપમાં ચાલતો હતો. સાગર પણ એમાં જ જોડાયા હતા. હવે ભાઈઓ પણ મોટા થયા, એટલે  પાર્ટનરશીપ છોડીને અલગ  સ્વતંત્ર બિઝનેસ કરવા માટે તૈયાર થયા. પહેલેથી કાપડની લાઈનનો જ અનુભવ હોવાથી એમાં જ આગળ વધવું એમ નક્કી થયું. અને શરૂ થયું સાગરનું બોમ્બે થી સુરતનું અપ -ડાઉન. બે વર્ષ સુધી આમ ચાલ્યું. પણ પછી ટ્રાવેલીંગથી કંટાળીને સાગરે એક દિવસ ઘરમાં ચર્ચા વિચારણા કરીને એક નિર્ણય લીધો- સુરતમાં વસવાટ કરવાનો.

 સાગર અને સરીતા ત્રણેય બાળકોને લઈને, પોતાના ઘર અને ઘરનાને છોડીને ભારે હૈયે બિઝનેસ માટે સુરત આવી ગયા અને એક નવી શરૂઆત કરી. કાપડ વણવાનાં મશીન ( લુમ્સ) નાખ્યા. અને સમય સરકતો રહ્યો. બિઝનેસ બરાબર સેટ થઈ ગયો. પણ સમય જતાં સમય ક્યાં લાગે છે? સરીતા પણ નવા વાતાવરણમાં સેટ થઈ ગઈ. બાળકો પણ મોટા થયા. મોટી દિકરી રીમાનો દસમો જન્મ દિવસ નજીક આવતો હતો.એટલે એના દાદા  દાદી અને મોટાબા (નાનીજી સાસુ ) બધા સુરત આવ્યા હતા. બીજે દિવસે બપોરના સમયે મોટાબાએ અંદરના રૂમમાંથી સરીતાને બોલાવવા માટે બુમ પાડી. 

      *  *  *  *  *  * 

સરીતાની થોડી વાર રાહ જોયા પછી પણ બહાર આવવાના કોઈ અણસાર દેખાયા નહીં. એટલે સાગરે  રૂમનો દરવાજો ખોલીને  અંદર જોયું, સાગરને તો એમ જ હતું કે દરવાજો ખોલતા જ એમને જોઇને સરીતા રડવા લાગશે. પરંતુ અહીંતો વાતાવરણ કાંઇક અલગ જ હતું. સરીતા દરવાજા તરફ પીઠ ફેરવીને બેઠી હતી. હા! હાથમાં કોઈ ફાઈલ જેવું હતું. 

" શું થયું સરીતા? તુ આમ અચાનક, મોદીજીના ભાષણને પુરુ સાંભળ્યા વગર જ અંદર આવી ગઈ! આમતો સાંજથી બધાને ઉતાવળ કરાવતી હતી. બધાને ફટાફટ જમવા માટે બેસાડી દીધા, તારે મોદીજી નું ભાષણ સાંભળવું હતું એટલે, અને ચાલુ ભાષણને આમ વચ્ચે છોડીને ?  બહાર બધા તારી રાહ જોવે છે." સાગરે ફરિયાદના સૂરે કહ્યું. "અરે! તારા હાથમાં આ ફાઈલ શેની છે? તું કરે છે શું?"  સાગરના અવાજમાં મુંઝવણ વર્તાઇ આવતી હતી. હમણાંથી મેનોપોઝને કારણે સરીતાને મૂડ સ્વીંગ્સ બહુ રહેતા હતા. એમાંય આ લોકડાઉનને કારણે તો મૂડ સ્વીંગ્સમાં ખૂબ વધારો થઈ ગયો હતો. એટલેજ થોડીવાર એકલી છોડ્યા પછી પણ સરીતા બહાર ન આવી તો તેને ચિંતા થવા માંડી હતી. 

" મને હતું જ કે તમે જરૂર અંદર આવશો." સરીતાએ આંખો નચાવતાં કહ્યું.

સાગરના આશ્ચર્ય વચ્ચે સરીતા એકદમ હળવા મૂડમાં હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો ત્યા ફરી સરીતાનો અવાજ સંભળાયો. 


 " તમે મોદીજીને સાંભળ્યા ને! એમણે કહ્યુંને કે ઈમ્યુનીટી પાવર વધારો! પણ સાથે સાથે નીચે આવતી ન્યૂઝ લાઈન જોઈ? સોનાનો ભાવ જોયો? ક્યાં આપણે ત્રણ - ચાર હજાર નાં ભાવે દસ ગ્રામ લીધેલું સોનું, અને ક્યાં આજનો ભાવ! "


સાગરને એ જ સમજાયું નહીં કે કોઈ ફાઈલ લઈને બેસવાથી ઈમ્યુનીટી પાવર કેવી રીતે વધી શકે? પણ એ કાંઈ પણ બોલે, એ પહેલાં જ સરીતાએ તેને ફાઈલ બતાવતા કહ્યુ, " તમને તો ખબર જ છે કે મને સોનાના દાગીના ખરીદીને કે તેના જોવા માત્ર થી બહુ ખુશી મળે છે. મતલબ કે મારો ઈમ્યુનીટી પાવર વધે છે.આ એ જ ફાઈલ છે જેમાં આપણે ખરીદી કરેલા બાધા દાગીનાના બીલ છે. હવે તમે જ કહો, આ બધું જોઈને મારો ઈમ્યુનીટી પાવર કેટલો વધી જશે? બિચ્ચારો કોરોના ! મારાથી ગભરાઈ જશે."


સાગરના મગજમાં ધીરે ધીરે પિક્ચર ક્લીયર થઈ રહ્યું હતું. 


" તમને યાદ છે ને? મોટાબા એ આપણને કેવી રીતે બચત કરીને સોનાના દાગીના લેવાનું શીખવ્યું હતું. અને તમે પણ પુરો સપોર્ટ આપ્યો હતો. તમારા સપોર્ટ વગર તો કાંઈ શક્ય જ નહોતુ. " સરીતાની સાથે સાગર પણ જાણે ભૂતકાળમાં સરી પડ્યો. 

   


   *          *           *

"ક્યાં ગઈ સરીતા ? જરા આમ તો આવ!" નાનીજી સાસુએ અંદરના રૂમમાંથી, રસોડામાં કામ કરી રહેલી સરીતાને  બોલાવવા માટે બુમ પાડી. "આવી ગઈ મોટાબા", કહેતા સરીતા લગભગ દોડતી એમની પાસે પહોંચી ગઈ. "હા મોટાબા, શું થયું? કંઈ જોઈએ છે? ચા પીવી છે તો બનાવી આપુ". કહેતા  એમની લગોલગ બેસી ગઈ. 

   "ના, ના, ચા તો હજી હમણાં જ પીધી, મારે તો તારૂં જ કામ છે. તારી સાથે થોડી વાતો કરવી છે, થોડી શીખામણ આપવાની છે. જો તું મારી વાત માનવા તૈયાર હોય તો ! " 

માર્યા ઠાર, હવે શું ભૂલ થઈ ગઈ? હવે વારો પડી ગયો મારો, સરીતા મનોમન વિચારી રહી હતી, શીખામણનો દોર લાંબો ચાલશેતો સાંજની રસોઈ કરવામાં મોડું થઈ જશે અને તો..... બાપુજીને નહીં ચાલે. પણ આ તો એમના પણ સાસુજી છે એટલે કદાચ... કદાચ વાંધો નહીં આવે. અને એમ વિચારીને એ મોટાબાની બાજુમાં  મનમાં કેટલાય સવાલો સાથે  ચુપચાપ બેસી ગઈ.  આશ્ર્ચર્ય વચ્ચે તેમણે સરીતાના માથા પર હાથ મૂકીને કહ્યું, " જો બેટા, કાલે રીમાનો જન્મ દિવસ છે, કાલે રીમા દસ વર્ષની થઈ જશે. બરાબર?" 

" બરાબર છે મોટાબા,"  એ શું કહેવા માંગે છે એ કંઈ ન સમજી શકતા સરીતા એ માત્ર ટુંકો ને ટચ જવાબ આપ્યો.

 " તને ખબર છે ને કે હવે તારી જવાબદારી વધી જાય છે?" 

"હમમ્. " હજુ પણ જાણે સરીતાને તો માથા ઉપરથી જ જતું હતું, એટલે એવો જ જવાબ આપ્યો. પણ તે ખરેખર ગંભીરતાથી વાત કરી રહ્યા હતા. અને સરીતા  માત્ર તેમની સામે જોઈ રહી હતી. અને મોટાબાએ સરીતાના  હાથમાં પાંચસો રૂપિયાની નોટ મુકતા કહ્યું, "આમાં જે ગાંધીજીની છબી છે ને , એવી હવે તારે એક અલગ પર્સમાં ભેગી કરવાની, અને નોટની  થોકડી ભેગી થઈ જાય એટલે સીધા સોનીને ત્યાં જઈને દિકરી માટે સોનાની ખરીદી કરી લેવાની." 

સરીતાના આશ્ર્ચર્યની કોઈ સીમા નહોતી. એને ખુદની  આંખો પર કે  કાન ઉપર ભરોસો નહોતો આવતો. શું આ એજ મોટાબા છે, જે કોઈ પણ વહુની નજીવી ભુલ માટે પણ માફ નહોતા કરતા! જ્યારે એતો ભાણેજ વહુ છે. પણ આ જ સચ્ચાઈ હતી, અને પ્રેમથી આપેલી એ ગાંધીજીની છબીને સરીતાએ એક અટલ વિશ્વાસ સાથે એક અલગ પર્સ માં મુકી દીધી, એકમાંથી થોકડી કરવા માટે… હવે શરૂઆત તો કરી દીધી પણ આગળ કેવી રીતે વધી શકાય? પણ ઘરના બધા સભ્યો સામે આ વાત થઈ હતી એટલે બધાંને જાણ તો હતી જ, પણ ખાલી ખબર હોવાથી કંઈ કામ થોડું થાય? 

   મોટાબા ને તેમના ઘરે પહોંચી ગયા પછી લગભગ પંદરેક દિવસે સરીતા ઉપર ફોન આવ્યો, " મારી આપેલી શીખ યાદ છે કે નહીં? કેટલી નોટ ભેગી થઈ ગઈ?" એ તો માત્ર સાંભળી રહી હતી, બોલે તો પણ શું બોલે ? કેમ કે  કંઈ  એના બસની વાત તો હતી નહીં. એ પોતે તો એક ગૃહિણી હતી, એટલે કોઈ નોટ આપેતો જ એ વાત શક્ય બને. ત્યારે તો એમ જ વાત કરી ને ફોન મૂકી દીધો. અને ફોન મૂકીને પાસે જ બેઠેલા પતિદેવ સામે જોયું, પરંતુ એમની તો એક જ વાત, હું બેઠો છું ને! કમાણી પણ બરાબર છે તો પછી તું શું કામ ચિંતા કરે છે? અને સરીતાની તો બોલતી જ બંધ થઈ ગઈ. પણ કુદરતનાખેલ પણ અજબ હોય છે. 

            ************

      ટીંગ... ટોંગ..... 

દરવાજાની બેલ વાગી, દરવાજો ખોલીને જોયું તો કમલભાઈ, સાગરના ખાસ મિત્ર આવ્યા હતા. જેને હમેશાં હસતાં રહેતા, નામ પ્રમાણે ખીલેલા કમલ જેવા ચહેરે જોયા હતા. પરંતુ આજેતો જાણે દુનિયાભરનું ટેન્શન એની ઉપર જ હોય , એવા મુરઝાયેલા ચેહરે ઘરમાં આવ્યા. ધીરે ધીરે વાત કરતા ખબર પડી કે ધંધામાં મોટી નુકસાની થઈ હતી. દિકરીના લગ્ન પણ નજીકમાં હોવાથી તે મુંઝવણ અનુભવી રહ્યા હતા. કમાણી સરસ હતી એટલે બધું ટાઈમે થઈ રહેશે એમ માનીને આગળની કંઈ જ તૈયારી કરી નહોતી. પરંતુ હવે સમય બદલાયો હતો. પૈસાની બહુ ભીડ પડી હતી. એટલે થોડો સપોર્ટ મળી જાય ,એ વિશ્વાસ લઈ ને અમારા ઘરે આવ્યા હતા. આખરે તકલીફનાં  સમયમાં જો એક દોસ્ત કામ આવે તો જ એ સાચો મિત્ર કહેવાય. કહેવાય છે ને કે , 

   ' શેરી મિત્ર સો મળે, 

          તાળી મિત્ર અનેક,         

    પણ જેમાં સુખ દુઃખ વારીયે,   

            તે લાખોમાં એક.' 

અને સાગરે પણ મિત્રની તકલીફને સમજીને તેને સહકાર આપીને મુસીબતમાંથી ઉગારી લીધા હતા.અને નિરાશ વદને આવેલા કમલભાઈ ખીલેલા ચહેરે વિદાય થયા. 

       મિત્રના સંજોગો ઉપર થી સાગરને પણ બોધપાઠ મળ્યો હતો. પોતે પણ  સમજી ગયા કે મોટાબાની વાત એકદમ સાચી છે. બચત તો બીજો ભાઈ છે, અને ત્રેવડને ત્રીજોભાઈ કહ્યો છે.  

બસ સરીતાની ગાડી પણ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ. શરૂઆતમાં તો પસ્તી વેચીને કે તેલના ખાલી ડબ્બા વેચતા જે પૈસા આવે, ભલે પછી તે પચાસ, સાઈઠ રૂપિયા જ હોય, (નાનીતો નાની, હતીતો નોટ જ) સીધા અલગ પર્સમા જમા થતાં. અને કહેવત છે ને કે 'પૈસો પૈસાને ખેંચે,' એ કહેવત સરીતા માટે સાચી પડી. 

એક દિવસ સાંજે સાગર ઓફિસેથી ઘરે આવ્યા એટલે સરીતાના  હાથમાં બે હજાર રૂપિયા આપતાં કહ્યું, "આ રૂપિયા લઈને પેલું મોટાબા વાળું પર્સ છે એમાં મુકી દેજે." સરીતા તો ખુશ ખુશ થઈ ગઈ. પતિદેવનો સપોર્ટ જો મળ્યો હતો! એણેતો  પુછીજ લીધુ, "શું વાત છે? આજે અચાનક આમ.." ..      અને સાગરે જવાબ આપતાં કહ્યું કે "આજે યાર્નનો ડુચો વેચ્યો એના બે હજાર રૂપિયા આવ્યા છે. અત્યાર સુધી હું મારા પાકીટમાં રાખતો હતો અને તે ક્યાં વપરાતા એ પણ ખબર નહોતી રહેતી. પણ હવે એ બધા પૈસા હું તને જ આપી દઈશ. તારે ગાંધીજીની છબી ભેગી કરવી છે ને, એટલે." 

અપનીતો નિકલ પડી યાર! સરીતા મનમાં જ મલકાઈ ગઈ. અને આમ ધીરે ધીરે ગાંધીજીની છબી વાળી મોટી નોટમા વધારો થતો રહ્યો.ક્યારેક યાર્નનો ડુચો વેચાયો હોય, તો ક્યારેક  મશીનરીનો કોઈ ભંગાર. અને એ બધો લાભ સરીતાને થતો હતો. 

        લગભગ છ - આઠ મહિના પછી દિવાળી આવતી હતી એટલે સરીતા તો એ પર્સ કાઢીને બેઠી, અને જોયું તો પર્સમાં નોટની થોકડી થઈ ગઈ હતી. હા! સોનીને ત્યાં જઈ શકાય એટલી… ત્યારેતો ભાવ પણ  લગભગ ત્રણ હજાર આસપાસ હતો. અને ખરીદી કરીને આવ્યા પછી  મોટાબાને ફોન કરીને સરીતાએ ખરીદી કર્યાની વાત હરખાતા હૈયે કરી. તે પણ સાંભળી ને  ખુશ થઈ ગયા. ને આશિર્વાદ સાથે આ રીતને જીંદગીભર ચાલુ રાખવાની શીખ પણ આપી. અને ખરેખર આજના દિવસે પણ એ રીત યથાવત જ રહી છે. અને એવી જ રીતે બધા પ્રસંગો પાર પડી ગયા. પણ એટલે કંઈ એ બધુ છોડી થોડું દેવાય? હવે તો એ આદત બની ગઈ હતી. કોઈ પણ આદત છોડવી બહુ મુશ્કેલ હોય છે. ઈમ્યુનીટીને વધારવાની હોય, ઘટાડવાની નહીં. 


સાગરને કદાચ સરીતાના મૂડ સ્વીંગ્સનો ઈલાજ મળી ગયો હતો. એણે ફરી એટલાજ પ્રેમથી કહ્યું, 

      "  હા સરીતા, તારી વાત સાચી છે. આ રીતને તો જાળવી જ રાખવી જોઈએ. સાગરે પ્રેમથી સરીતાનો હાથ પકડતાં કહ્યું. 

" જેમ મોટાબાએ તને શીખવ્યું એમ તારે હવે ખુશીને બધું સમજાવી દેવાનું, એટલે બચતની પરંપરા જળવાઈ રહે અને તમારો ઈમ્યુનીટી પાવર પણ જળવાઈ રહે." 

    સરીતાએ બીજે દિવસે અંદરની રૂમમાંથી, રસોડામાં કામ કરી રહેલી ખુશીને અદ્લ મોટા બા ની જેમ જ બૂમ પાડીને બોલાવી. ખુશી લગભગ દોડતી, "આવુ ... મમ્મી, બોલો શું કામ છે? કાંઈ જોઈએ છે?" કહેતી મમ્મીની પાસે પહોંચી ગઈ. અને સરીતાએ, પોતાના હાથમાં રાખેલું સ્પેશ્યલ પર્સ પોતાની પુત્રવધુ ખુશીને, ગાંધીજીની છબી વાળી નોટ નાંખીને થોકડી ભેગી કરવા માટે આપી દીધું. અને હવે ઈમ્યુનીટી માત્ર સરીતાની જ નહીં, પણ સાથે સાથે ખુશી ની પણ વધવા લાગી હતી. કારણ કે જો ઘરની લક્ષ્મી સ્ટ્રૉંગ હોય તો જ પરિવાર મજબૂત રહેને? 

       


અલકા કોઠારી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ