વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા પાકિસ્તાન પ્રવાસની પીડા

"મારા પાકિસ્તાન પ્રવાસની પીડા"


                - મહેશ પઢારિયા.


બાપુ ની સમાધિ રાજઘાટની વંદના કરીને હું દિલ્હીથી સમજોતા એક્સપ્રેસમાં પાકિસ્તાન જઈ રહ્યો છું, ત્યારે સ્મૃતિપટ પર વારંવાર આ સંવાદ ઉપસી આવે છે.


" જો મને તક મળે તો હું પાકિસ્તાનનો પ્રવાસ કરવા ઈચ્છું છું."


"કેમ, સા'બ તમે અમેરિકા, ઇંગ્લેન્ડ નહીં ને પાકિસ્તાન જવા ઇચ્છો છો?"


" બસ, મારે, ત્યાં આપણી પ્રાચીન શિક્ષણની ધરોહર સમી તક્ષશિલા વિદ્યાપીઠ જોવી છે, ભગતસિંહ જે કોલેજમાં ભણેલા એ 'લાહોર નેશનલ કોલેજ' ના દર્શન કરવા છે, જેના તટે 'પૂર્ણ સ્વરાજ'નો ઐતિહાસિક ઠરાવ પસાર થયો એ રાવીનદીની લહેરો માણવી છે, આપણી પ્રાચીન સભ્યતાના નગરો 'હડપ્પા,મોહેં-જો-દડો અને મેહરગઢમાં એક આખો દિવસ ખોવાઈ જવું છે.- આ સિવાય પણ ઘણું બધું. કેમકે ભલે ને થોડાક સ્વાર્થી રાજનેતાઓએ એક લકીર ખેંચીને અલગ દેશ ઊભો કરી દીધો પણ સંસ્કૃતિ તો બંને દેશની એક જ છે. મારે જોવું છે કે પાકિસ્તાનમાં ફરતી વખતે એ મુલક મને પરાયો લાગે છે કે નહીં?


"સા'બ તમને એવી તક મળે એવી શુભેચ્છાઓ"


ઉપરનો સંવાદ મારી શાળાના ધોરણ આઠના ઇતિહાસમાં 'આઝાદી અને ત્યાર પછી...' એકમમાં ભારત - પાકિસ્તાનનું વિભાજન ભણાવ્યા પછી પ્રતિવર્ષ અનાયાસે થઈ જતો. મેં ઘણી વખત મારા મિત્રો સામેં પણ મારી આ ઈચ્છા વ્યક્ત કરેલી. વિદ્યાર્થીઓ અને મિત્રોની શુભેચ્છાઓથી આજ મારી ઇચ્છાપૂર્તિ થઈ. હું દિલ્હીથી સમજોતા એક્સપ્રેસ દ્વારા પહોંચ્યો પાકિસ્તાન.


લાહોરની ધરતી પર પગ મૂકતાં જ મારી અંદર નો ઇતિહાસનો વિદ્યાર્થી અને શિક્ષક બંને એક સાથે આળસ મરડીને બેઠા થયા. પ્રથમ તો લાહોરની નેશનલ કોલેજ જોવા ગયો. આ કોલેજ જોતાં જ પ્રાતઃસ્મરણીય 'પંજાબ કેસરી' લાલા લજપતરાયનું પુણ્યસ્મરણ થયું. એમણે જ રાષ્ટ્રવાદી યુવાનો તૈયાર  તૈયાર કરવા આ કોલેજ ઊભી કરેલી. સાથે સાથે લાહોરમાં જ 'સાયમન કમિશન'નો વિરોધ કરતા સરઘસ પરના પોલીસ લાઠીચાર્જ દરમ્યાન એમના થયેલા અવસાનના સ્મરણથી મન વ્યગ્રતાથી ભરાઈ ગયું. ભારતના સર્વમાન્ય, સર્વ સન્માનિત નેતા ઉપર વિદેશી સરકારની રાક્ષસી તાકાત તૂટી પડી. લાલાજીની હત્યા, એ ખરેખર ભારતનું રાષ્ટ્રીય અપમાન હતું. લાલાજીના અવસાને ભગતસિંહ જેવા યુવાનોને બેબાકળા બનાવ્યા અને આ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા ભગતસિંહ અને તેમના મિત્રોએ પોલીસ અફસર સૉડર્સની હત્યા કરી. સ્વાભિમાની યુવાનોની ચરણ રજ મસ્તકે ચડાવી ત્યારે, એ સમયને બદલે આટલા મોડા  જન્મવાનો પારાવાર અફસોસ હતો. આ ભૂમિની વંદના કરીને મન હજુ તૃપ્ત નહોતું થયું. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વીરજવાનોની ચરણ ધૂલી માં આળોટવાનું મન થઈ આવ્યું. નૈમિષારણ્યની પુણ્યભૂમિમાં આળોટતા પેલા નોળિયાનું અડધું અંગ સોનાનું થયેલું, પણ મારુ દિલો દિમાગ પૂરેપૂરી સોનેરી સુવાસથી ભરાઈ ગયું. મારા શરીર સાથે ચોંટેલી આ ભૂમિની રજ, એ તો આ પ્રવાસમાં મને સાંપડેલી મોંઘી મિરાત હતી.


ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ હજુ મારા દિલોદિમાગનો કબજો છોડવા તૈયાર ન હતા. એટલે હવે હું રવાના થયો 'સેન્ટ્રલ જેલ' કે જ્યા આ નરકેસરી ઓને રાખવામાં આવેલા અને ફાંસીએ ચડાવેલા.


નેશનલ કોલેજ કરતાં પણ આ સ્થળ મને વધુ પાવનકારી લાગ્યું. મને સ્મરણ થયું ભગતસિંહ અને તેમના મિત્રોએ કરેલી 'ભૂખ હડતાળ'નું, મહાત્મા ગાંધીના ઉપવાસની વંદનામાં ભગતસિંહ અને એમના મિત્રોનું આ ઉપવાસ આંદોલન ભૂલાયુ છે. એની  જેટલી વંદના થવી જોઈએ એટલી થઈ નથી. ભગતસિંહના અન્ય પરાક્રમો,શહીદીવિશે જેટલું આપણે જાણીએ છીએ તેટલું તેમના ઉપવાસ આંદોલન વિશે આપણે જાણતા નથી. જેલમાં ભારતીય કેદીઓને થતા અન્યાયો સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામી ને ભગતસિંહે બહુ મોટું પરાક્રમ કરેલું. આ ઉપવાસ આંદોલન તોડવા અંગ્રેજ સરકારે પોતાની હતી એટલી બધી તાકાત કામે લગાડેલી, પણ આ ટેકીલા યુવાનો સામે વ્યર્થ પુરવાર થઈ. છેવટે ડોક્ટરોની મદદથી સરકારે નળી વાટે દૂધ આ યુવાનોના પેટમાં ઠાલવવાનો હીનપ્રયાસ પણ કરેલો અને અંતે વિશ્વવ્યાપી હકૂમતની રાક્ષસી તાકત ભારતના સપૂતોની દિવ્ય તાકાત સામે ઝૂકી ગયેલી.

મારે મન ભગતસિંહ અને તેમના સાથીદારોની આ લડત એમની વીરતાની ચરમસીમા હતી. કૃતજ્ઞતાપૂર્વક વધસ્તંભની વંદના કરતી વખતે કોઈ ખ્રિસ્તી મિત્રને વધસ્થાન પર લટકેલા 'પ્રભુપુત્ર' ઈશુના દર્શન વખતે જે ભાવ હોય એ ભાવે મારા હૃદયનો કબજો લીધો. ત્યારે સૂર્યનારાયણ પણ અસ્તાચળે જવા ઉતાવળા થયા હતા.


રાત્રે સ્વપ્નમાં પણ આ જ દ્રશ્યો ભજવાતા રહ્યા. બીજા દિવસના મંગળ પ્રભાતે રાવી નદીના તટે 'મોર્નિંગ વૉક' પર નીકળવાનું થયું. આ એ જ કિનારો હતો  કે જ્યાં યુવાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 'પૂર્ણ સ્વરાજ્ય' નો ઐતિહાસિક ઠરાવ પસાર કરીને, 26મી જાન્યુઆરી ૧૯૩૦ના રોજ સ્વતંત્રતાના સોગંધ ખાધેલા. આ ઐતિહાસિક યાદમાં જ સ્વતંત્ર ભારતે પોતાનું બંધારણ વહેલું તૈયાર થઈ ગયેલું હોવા છતાં 26મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં મૂક્યું. આ ઐતિહાસિક ઠરાવની સાક્ષી બનેલી રાવીનદી મને ગંગા તુલ્ય પવિત્ર ભાષી. સાથે સાથે આજે, મારી પોતાની જ લાગતી ભૂમિ પર એક વિદેશી તરીકે ફરી રહ્યો હતો એના મૂળમાં જે હતો તે 'અલગ પાકિસ્તાન'ની માગણી નો ઠરાવ પણ મુસ્લિમ લીગે અહીં જ પસાર કરેલો. એ કડવી વાસ્તવિકતાના કડવા ઘૂંટથી મન ખિન્ન થયું.


આવી વરવી વાસ્તવિકતાના ઘૂંટ સાથે લાહોર છોડ્યું. સ્થાનિક પરિવહનથી હવે હું રવાના થયો તક્ષશિલા જવા માટે. તક્ષશિલા જોવા માટે પાકિસ્તાનની પ્રશાસન દ્વારા ફી નક્કી કરેલી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓને વધુ ફી ચૂકવવાની હતી. મારે સ્વાભાવિક રીતે જ વિદેશી પ્રવાસીઓનો દર ચૂકવવાનો હતો. પોતાના જ પૂર્વજોએ ઊભી કરેલી વિરાસત જોવા વિદેશી ફી દર ચૂકવતા મેં ચામડી ઉતાર પીડા અનુભવી. આ પીડામાંથી સવાલો ઉઠયા....


-  સીમાડા ની ચૂંથાચૂંથ કરતા ગીધ જેવા થોડા  રાજનીતિજ્ઞોને બે પ્રાન્ત વચ્ચે સરહદની લકીર ખેંચવાની સત્તા કોણે આપેલી?


-  શું થોડાક આવા લોકોને આખા હિન્દુસ્તાનની પ્રજા વતી આવો નિર્ણય લેવાનો અધિકાર હતો?


- જે હકુમતે આ નિર્ણય સ્વીકાર્યો તે  શું સામાન્ય ચૂંટણી દ્વારા ચૂંટાઈને, ભારતીય પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી હકુમત હતી?


આ લકીર ખેંચવામાં જેનો બહુ મોટો ફાળો છે તે મુસ્લિમ લીગને તો વચગાળાની ચૂંટણીઓમાં જ ભારતીય મુસ્લિમ પ્રજાએ પણ જાકારો આપેલો તો શું એને ધરાહાર ભારતીય મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર હતો?


આ અને આવા અનેક પ્રશ્નો અનુત્તર રહેવા જ સર્જાયેલા છે, એની પૂરેપૂરી ખબર હોવા છતાં હું આદતથી મજબુર છું. એટલે એ પ્રશ્નો અટકવાનું નામ નથી લેતા!


ટૂંકમાં તક્ષશિલા વિદ્યાપીઠના દ્વારે એક ભારતીય શિક્ષકે અનુભવેલી વેદના શબ્દાતીત હતી. હું એવું ઈચ્છું કે ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાની શિક્ષક પણ આવી જ પીડા અનુભવે અને સરહદની બંને બાજુએથી આ પીડાદાયક લકીર ભૂંસવા બંને બાજુના શિક્ષકો મથીએ.


  આવી જ પીડા હડપ્પા ને મોહે- જો-ડેરોની પ્રવેશ ફી ચૂકવતી વખતે પણ અનુભવી. પશ્ચિમી સભ્યતાની હજુ આંખ જ ઊઘડેલી, એટલી એ અલ્પવિકસિત, શિશુ અવસ્થામાં હતી. ત્યારે પાંચ હજાર વર્ષ પૂર્વે આપણા પૂર્વજોએ ઈટ,ચૂનાના પાક્કા મહાલયોથી શોભતા ભવ્ય અને દિવ્ય નગરોનું આયોજન કરેલું. નિષ્ણાતોના મત મુજબ ખૂણાઓનું માપન કરવું એ મનુષ્યની પૂર્ણ વિકસિત, પરિપક્વ બુદ્ધિનું લક્ષણ છે. આ નગરોમાં આવા ભૂમિતિ ના પાયાના ખ્યાલો નું સંપૂર્ણ દર્શન થાય છે. પરંતુ આપણી કમનસીબી તો જુઓ! એ જ પશ્ચિમી પ્રજાની 'ભાગલા પાડો ને રાજ કરો'ની નીતિ માં, ભવ્ય પરંપરાના સંતાનો- આપણે ફસાયા અને આપણી સભ્યતાએ ક્યારેય નહીં શીખવેલું એવું 'મારો કાપો'નું  વરવું નાટક ભજવ્યું અને એનું પરિણામ એ હતું કે મારા જ પૂર્વજોએ જે મહાલયો ઉભા કરેલા તેના ભગ્ન અવશેષો પાસે હું એક વિદેશી પ્રવાસી તરીકે ઉભો હતો!


કૃષિ અને ગોપસંસ્કૃતિના આદ્યસ્થાન મેહરગઢમાં પણ આ પીડા ચરમસીમાએ રહી.


આ બધી પીડાને હૃદયમાં સંકોરીને આવ્યો કરાચી. કરાચી ના ઘડતર અને ચણતરમાં ગુજરાતીઓનું બહુ મોટું યોગદાન રહ્યું છે, એવું મેં વાંચેલું ને સાંભળેલું પણ  આજે નજરે જોયું. હજુ આજે પણ અહીં 'ખુશ્બુ ગુજરાતકી' મહેસૂસ કરી શકાય છે. ૨૦૦૧ની વસતિ ગણતરી મેં જે વિસ્તારમાં કરેલી એમાં ઘણાના જન્મ કરાચીમાં થયેલ હતા,એનું સ્મરણ થઈ આવ્યું. આપણા જાણીતા શિક્ષણવિદ શ્રી મનસુખ જોબનપુત્રાએ ઊભી કરેલી માંગરોળની 'શારદાગ્રામ' સંસ્થા એક સમયે અહીં કરાચીમાં 'શારદા મંદિર' તરીકે ધબકતી હતી એનું પાવન સ્મરણ થયું. ગુજરાતીના પ્રથમ પ્રોફેસર ડોલરરાય માંકડે અહીંની કોલેજમાં ઊચ્ચ શિક્ષણ લીધું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ 'વાઇસ ચાન્સલેસર' બનેલા. આવા કેટલાક પુણ્ય સ્મરણોએ અગાઉની પીડાનું થોડું સમન કર્યું.


હવે અહીં પાકિસ્તાન આવ્યો છું, તો મહંમદ અલી ઝીણાની મઝાર પર જવું કે નહીં? એ વિચારોમાં ગરકાવ થયો. ઝીણા મૂળે તો ગુજરાતી. એમની છેલ્લી અવસ્થામાં એમણે લાપસી ખાવાની ઈચ્છા પોતાની બહેન પાસે વ્યક્ત કરેલી.  'દુનિયાના યાદગાર પ્રવચનો'( સંપાદક:સુરેશ દલાલ,મહેશ દવે.પ્રકાશક:ઈમેજ પબ્લિકેશન્સ પ્રા.લિ.-મુંબઇ,અમદાવાદ ) પુસ્તકમાં પાકિસ્તાની પાર્લામેન્ટમાં ઝીણાએ આપેલું પ્રથમ પ્રવચન મેં વાંચેલું, એમાં એમણે પાકિસ્તાનને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવવાની મહેચ્છા વ્યક્ત કરેલી. એ વાંચતાં એમની પ્રત્યે આદર પણ થયેલો. તેમનું ગુજરાતીપણુ, તેમના પ્રત્યેનો ઉપર મુજબનો આદર, મારી ઉદાર ધાર્મિક વિચારધારા મને ઝીણાની મઝાર બાજુ ખેંચતા હતા. તો વિભાજન માટે સૌથી વધુ જવાબદાર ઝીણા હતા. હું એવું સ્પષ્ટ માનું છું કે જો ગાંધીજી ન જન્મ્યા હોત તો પણ વહેલી કે મોડી ભારતને આઝાદી તો મળેત જ, પણ જો ઝીણા ન જન્મ્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત તે પાકું. વર્તમાન સીમાવર્તી સમસ્યાઓ અને તેના લીધે દેશમાં ઊભા થતાં તરંગોના મુળમાં ઝીણાની અલગ પાકિસ્તાનની જીદ જવાબદાર હતી. એવું સ્પષ્ટ લાગતા એમની મઝાર પર જવાનું ઇરાદાપૂર્વક ટાળ્યું.  વિધિની વક્રતા તો જુઓ!! જે ક્યારેય મસ્જીદમાં ગયા નહોતા, ઈસ્લામેં જે વર્જ્ય ગણ્યું છે એવું ડુક્કરનું માંસ જેમણે પ્રિય હતું, જેઓ શરાબ સેવન કરતા, ટૂંકમાં ઇસ્લામ સાથે જેને સ્નાન સૂતકનો પણ સંબંધ નહોતો એવા ઝીણાએ ઇસ્લામના નામે અલગ રાષ્ટ્ર માગ્યું અને એને મળી પણ ગયું. જ્યારે ગાંધી એટલે હિંદુ ધર્મ પોતાના સંત પાસે જે આદર્શો ની અપેક્ષા રાખે છે તે તમામ ગાંધીમાં મૂર્તિમંત થતા જોવા મળે, એવા ઉત્તમ સાધુશ્રેષ્ઠ મહાત્મા. હિન્દુપરંપરાના બે શાશ્વત મૂલ્યો સત્ય અને અહિંસાની સાંગોપાંગ ઉપાસના કરનાર ગાંધીને ગોળી મળી. આ ઘટનાને હું નિયતિનું અષ્ટહાસ્ય ગણું છું.


મહાભારત કાળે પણ દુર્યોધનની હઠે હસ્તિનાપુર રાજ્યનું વિભાજન કરાવેલું. વિભાજન પછી પણ દુર્યોધન શાંતિ કે સુખ ન પામી શક્યો. પાકિસ્તાનની હાલત પણ આવી જ છે.


મઝાર પર જવાનું માંડી વાળી ને હવે કયાં કયાં સ્થળે, કેવી રીતે જવું એ આયોજન કરતો હતો, ત્યાં જ સૌમ્ય શબ્દો મારા કાને પડ્યા... "ઉઠો,આજે  શનિવાર છે એટલે તમારે સવારે સ્કૂલે જવાનું છે."

આ શબ્દોથી મારી આંખ ખૂલી. જોયું તો હું મારા રૂમમાં, પલંગ પર છું.પત્ની ગીતા, મારે સ્કૂલે જવાનું મોડું ન થાય- એ સહજ ચિંતા સાથે જગાડી રહી હતી.


"અરે! તું પણ.. મારે તો હજુ ગુરુનાનક દેવની જન્મભૂમિ, ભગતસિંહની જન્મભૂમિ, હિંગળાજ માતા, પેશાવર વગેરેના દર્શન કરવા જવાનું હતું. તે મારી યાત્રા અટકાવી દીધી."


ગીતા તો સામુ જોઇ રહી કે' આ શું ઊંઘમાં તો નથી બબડતાને!!!


ગીતાને એના વિસ્મય સાથે છોડીને, હું મારી પ્રાતઃક્રિયામાં પરોવાયો!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ