વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વીકૃતિ… સાડીસાત વાર!

     સ્વીકૃતિ… સાડીસાત વાર! 


 એક દૂસરેસે કરતે હૈ પ્યાર હમ......        એક દૂસરે કે લિયે બેકરાર હમ....   એક દૂસરે કે વાસતે મરના પડે તો…  હૈ તૈયાર હમ..... 

 

બોરીવલીનાં પોશ એરિયામાં આવેલી બિલ્ડીંગનાં સત્તરમાં માળે રહેતી હિનાનાં મોબાઇલ ફોન પર રીંગ વાગી. હજુ તો વામકુક્ષી કરીને ઉઠી જ હતી અને સ્પેશિયલ વ્યક્તિ માટેની સ્પેશિયલ રીંગ સાંભળીને હિના વિચારમાં પડી ગઈ. સોનિયાનો ફોન અત્યારે? (સોનિયા અને સંજય, હિનાના દિકરો અને પુત્રવધુ, જે પોલેન્ડમા રહે છે. ) શું થયું હશે, બધું બરાબર તો હશેને? જનરલી તો રાત્રે જ વિડિયો કોલ આવે છે. પણ વિચારનાં વાવાઝોડામાંથી બહાર નીકળીને  હિનાએ જલ્દીથી ફોન ઉપાડ્યો. 

" હા, બેટા બોલ, તારો ફોન અત્યારે, શું વાત છે! બધું બરાબર છે ને?" જાણે એક શ્વાસે હિના બોલી રહી હતી. 


" હા, મમ્મીજી , ઓલ રાઈટ.. એક્ચ્યુઅલી આઇ હેવ અ ગુડ ન્યુઝ ફોર યુ. એન્ડ આઇ કુડન્ટ વેઇટ ટીલ નાઈટ. " 

સોનિયાના અવાજમાં ભારોભાર ઉત્સાહ છલકાઇ રહ્યો હતો. 

"ગુડ ન્યુઝ? શું તમે બન્ને ઈન્ડિયા આવો છો? ક્યારે? જલ્દી બોલ બેટા." હિનાના બોલવામાં અધિરાઈ સ્પષ્ટ દેખાતી હતી. 

" મમ્મી, આઈ ડોન્ટ નો હાઉ ટુ સે? બટ તમે વેરી હેપ્પી થઈ જશો."થોડી લજજા અને સંકોચ સાથે સોનિયાએ  કહ્યું. 

" હા, તો હવે કહીજ દે, જલ્દી થી  "

"હંમ્..... લીસન મમ્મી, તમે.... સેવન મંથ્સ  પછી .... દાદી બનવાના છો. "

" વ્હોટ...... રીયલી? સોનિયા તે તો મને મારી જીંદગીના સૌથી બેસ્ટ ગુડ ન્યૂઝ આપ્યા છે. હું હમણાં જ તારા પપ્પાને પણ કહી દઉં છું. તારી તબિયત નું બરાબર ધ્યાન રાખજે. અને હા! હું તને રાત્રે વિડિયો કોલ કરીશ. " 

હજુ વાત વધારે લાંબી ચાલે એ પહેલાં દરવાજાની બેલ વાગી અને હિનાને કમને ફોન કટ કરવો પડ્યો. રગ રગમાં વહેતી ખુશી પર કંટ્રોલ કરી તે દરવાજો ખોલવા ગઈ. 

         દરવાજો ખોલીને જોયુંતો, સામે તેના પતિ હરેશ ઉભા હતા. મનમાં છલકાતી ખુશીને કારણે ઘેલી થયેલી હિના દરવાજા પાસે જ હરેશને માનો વળગી જ પડી. 

" અરે! અરે! હિના શું વાત છે? મને અંદરતો આવી જવા દે. આટલી અધિરાઈ તો આપણે ન્યુ મેરીડ હતા ત્યારે પણ નથી જોઈ. અને આજે આમ, અચાનક! શું આજે એ દિવસો યાદ આવી ગયા? " હરેશ આશ્ર્ચર્ય થી બોલી ઉઠ્યો. 

 "  ના ના હવે, તમે પણ કેવી વાત કરો છો?" હિના મીઠું મલકી ગઈ. 

"વાત જ કૈંક એવી છે કે તમે સાંભળશોને તો તમે પણ,... અરે પણ તમે અત્યારે ઘરે? શું થયું? તબિયત તો સારી છે ને?" હિનાનાં હૈયામાં ઉછળી રહેલી ખુશીનું સ્થાન ચિંતાએ લઈ લીધુ. અને તે હરેશની સામે જોઈ રહી. 

" અરે નહીં, કાંઈ નથી. બધું જ બરાબર છે. પણ હા! જો તું મને ડેઈલી આવી રીતે આવકારવા આવે ને, તો હું રોજ વહેલો આવી જાવ, બોલો મેડમ, તો ડિલ ફાઈનલ? "  કહેતા હરેશ ઘરમાં આવીને, હિનાનો હાથ પકડી સોફા ઉપર બેસી ગયો. "ધત્.. " હિના હળવેથી હાથ છોડાવી રસોડામાં જતી રહી. બીજી જ મિનિટે ઠંડા પાણીનો જગ અને ગ્લાસ સાથે પાછી આવી. 

  " મસ્તી છોડો, અને મારી વાતનો જવાબ આપો. કેમ આજે વહેલા આવી ગયા?" હિનાએ ગ્લાસમાં પાણી ભરતાં પૂછ્યું. 

  "ખાસ કાંઈ નથી, પણ સંજયનાં બે-ત્રણ વાર ફોન આવ્યાને કટ થઈ ગયા. કદાચ કોઈ કામ હોય! અને હું કાંદિવલી એક ક્લાયન્ટને મળવા ગયો હતો. મીટિંગ પુરી થઇ  એટલે સીધો ઘરે જ આવી ગયો. પણ તને આટલી ખુશતો ક્યારેય જોઈ નથી! નાવ યોર ટર્ન મેમ, જલ્દી થી બોલો. પછી આપણે સંજયને ફોન કરી લઈએ."પાણી પીતા પીતા જ હરેશે વાત કરી.પણ હિના વિચારમાં પડી ગઈ. સંજય અને સોનિયા, બન્નેનાં અલગ અલગ ફોન? આટલા સરસ ન્યુઝ માટે? એવું કેમ? આમતો હંમેશા રાત્રે જ વિડિયો કોલ આવે છે, અને બન્ને સાથે જ હોય છે, તો પછી આજે! હિના હજુ  વિચારમાં વધારે ડૂબે એ પહેલાતો હરેશે સંજયની સાથે ફોન પર વાત ચાલું કરી દીધી હતી. 

   " હા બેટા બોલો, શું વાત છે? તારા ફોન વારંવાર કટ થઈ જતાં હતાં." 

   " પપ્પા, કેમ છો તમે ? મમ્મી ,ઝીલ બધા ઓલરાઈટ? અહીંયા પણ ઓલ ઈઝ વેલ. બટ પપ્પા, આજે સોનિયાનાં રીપોર્ટ કરાવ્યા હતા એ આવી ગયા છે. આઇ આસ્ક્ડ હર અબાઉટ રીપોર્ટ્સ બટ શી સેઈડ શી ઈઝ ગોઈંગ ટુ ગીવ અસ ઓલ અ સરપ્રાઇઝ. વિલ કોલ એટ નાઇટ. ઓકે! બાય બાય પપ્પા. અત્યારે થોડો બીઝી છું. તો રાત્રે બધા ને સાથે બેસવાનું સોનિયાએ કહ્યું છે." ફોન મુકીને  હરેશે હિનાને વાત કરી. અને અત્યાર સુધી મૌન રહેલી હિનાનાં હોઠ પર હાસ્ય છવાઈ ગયું અને મનમાં સમજી ગઈ હતી કે સોનિયા તરફ થી તેને મળેલા ગુડ ન્યુઝ, એક બીગ સરપ્રાઇઝ છે. જેની સંજયને પણ ખબર નથી. અને તે રસોઈ બનાવવા માટે જતી રહી. હરેશ આજે વહેલા આવી ગયા હતાને! રસોઈ બનાવતા તે વિચારોમાં ખોવાઈ ગઈ. 

                 *****

હિના, તેના પતિ હરેશ, દિકરો સંજય, અને દિકરી ઝીલ સાથે સુખી સંસારને માણતી હતી. પતિનો બિઝનેસ ખુબ સરસ ચાલતો હતો. બાળકો પણ ભણવામાં હોશિયાર હતા.સંજય આઈ ટી એન્જીનીયર બનવાનાં સપના જોતો હતો. ત્યારે જ હરેશે કહ્યું હતું., 

" સંજય, આપણો આટલો સરસ બિઝનેસ છે. તું એને જ સંભાળી લેજે, અને તારી ઇચ્છા મુજબ વિસ્તારજે." પણ સંજય જેનું નામ! તેને બાપ કમાઈ કરતા આપ કમાઈમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. અને સંજયે તેના પિતાજીને વિવેક પૂર્વક પોતાના મનની વાત કરી હતી. અને શરૂ થઈ તેની એક અલગ યાત્રા. 

     તેને સીંગાપોરની કોલેજમાં સરળતાથી પ્રવેશ મળી ગયો. અને સાથે સાથે સોનિયાનાં મનમાં પણ. સોનિયા, જે પોલેન્ડથી સીંગાપોરની કોલેજમાં સ્કીન સ્પેશિયાલિસ્ટનું એજ્યુકેશન લેવા માટે આવી હતી. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. સોનિયાને જુઓતો દેખાવમાં કાચની પુતળી,  પરીકથામાં આવતી પરી, અને સ્વર્ગની અપ્સરાઓ પણ ઝાંખી પડે એવી સુંદર.

       પણ બન્ને જાણે એક બીજા માટે જ બન્યા હતા. પ્રેમમાં ન તો શહેરના સિમાડા નડ્યા, કે ન તો દેશની સરહદો વચ્ચે આવી, ભાષાનો  ભેદ પણ ભુલાઈ ગયો હતો. બસ, બંને એક બીજામાં ઓગળીને ઓતપ્રોત થઈ ગયા હતા.  બન્નેનું એજ્યુકેશન પૂર્ણ થતા છુટા પડવાનો સમય આવી ગયો. સાથે જીવવા મરવાનાં કોલ આપી બન્ને પોતપોતાના દેશમાં પાછા ફર્યા. 

    

   સંજયને ખુબ સરસ જોબ મળી ગઈ. તેના બધા ક્લાયન્ટ પરદેશનાં જ હતા. તેમાં એક  ક્લાયન્ટ તો પોલેન્ડનો જ હતો. કહેવાય છે ને કે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુને મેળવવાની ઇચ્છા રાખો તો કુદરત પણ તમને જરૂર સાથ આપે છે. અને સંજય માટે પણ આ વાત સાચી પડી. તેનું કામ અને ધગશ જોઈને પોલેન્ડનાં ક્લાયન્ટે તેને પોલેન્ડ આવીને તેનો બિઝનેસ સંભાળવાની ઓફર આપી. પરંતુ આપકમાઈમાં માનનારા સંજયને એ વાત માન્ય નહોતી. પણ છેવટે નક્કી કરવામાં આવ્યું કે સંજય એક વર્ષ માટે તેની ઓફિસમાં પોતાના કામ સાથે તેને કામમાં હેલ્પ કરશે. 

   સંજય કમાતો થઈ ગયો હતો એટલે મમ્મી પપ્પાએ તેના લગ્ન કરવા માટે વાત કરી. અને અત્યાર સુધી મૌન રહેલા દિકરાએ પોતાની પ્રેમ કહાનીને વાચા આપી. સીંગાપોરમાં મળેલી પોલેન્ડની પરી સોનિયા સાથે વિડિયો કોલ પર મુલાકાત કરાવી. 

   સૌંદર્ય સામ્રાજ્ઞી સોનિયાને જોયા પછીતો ઘરમાં બધા માનો થોડી વાર માટે ચુપ થઈ ગયા હતા.  "શું તે આપણી સાથે બધી રીતે અનુકૂળ થઈ શકશે ખરી?" એવા હિનાનાં સવાલનાં જવાબ મેળવવા માટે  સંજયે ફરી એક વાર વિડિયો કોલ કરી હિના અને સોનિયાને એકલા રહેવા દીધા. 

   સંજય સાથેનાં લગભગ ચારેક વર્ષનાં સાથમાં  રોજ થતી વાતોને લઈને સોનિયા થોડું ઘણું ગુજરાતી બોલતા શીખી ગઈ હતી. અને શરૂ થઈ હિના તરફ થી સોનિયાને પ્રશ્નોની તડાફડી. 

 અલગ અલગ રીતે પુછવામાં આવેલા સવાલનાં સંતોષકારક જવાબ મળ્યા પછી છેલ્લે એક સવાલ -  

"શું તું ઈન્ડિયન કલ્ચરને અપનાવી લઈશ? અને જૈન ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરી શકીશ? " 

અને સોનિયાએ પણ  પ્રેમ પુર્વક, વિનયપૂર્વક છતાં મક્કમતાથી જવાબ આપ્યો, 

" હા! આન્ટી, મને જૈનીઝમની  થોડી ખબર છે. આઈ વીલ ટ્રાઈ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યુ  જસ્ટ, પ્લીઝ એક્સેપ્ટ મી." અને ખરેખર સાચા પ્રેમની જીત થઈ. સંજયને પોલેન્ડ જવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ. પણ કસોટી હજુ બાકી હતી. પોલેન્ડમાં સોનિયાનાં મમ્મી - પપ્પા હતા. જેની રજા પણ એટલી જ જરૂરી હતી. પરંતુ સંજયમાં છલકતું ઈન્ડિયન કલ્ચર અને બન્નેનો અતુટ પ્રેમ જોઈને તેમણે પણ સ્વિક્રુતી આપી દીધી.અને એક દિવસ ત્યાંનાં કાયદા મુજબ બન્નેએ વડીલોની સહમતિથી કોર્ટ મેરેજ કર્યા.

 પરંતુ સોનિયાની અને તેના પેરેન્ટસની એક જ વાત, "વી વૉન્ટ ટુ ડુ ઈન્ડિયન મેરેજ." અને શરૂ થઈ ઈન્ડિયામાં, હિનાનાં ઘરે વહાલા દિકરાના લગ્નની તૈયારીઓ.

         ઈચ્છા તો સારી હતી ઈન્ડિયન મેરેજ કરવાની, પણ તેની રીતથી તેઓ તદ્દન અજાણ હતા. આથી સંજયની સલાહ માનીને કેટલીય ફેમિલી લાઈફની ફિલ્મો જોઈ લીધી. અને લગ્નનો દિવસ નજીક આવતા ઈન્ડિયામાં આગમન કર્યું. 

    મુવીમાં જોયેલા મેરેજ ફંક્શન અને દરેક ફેમિલીનાં રીત રિવાજમાં બહુ ફરક હોય છે. અને પોતાના ફેમિલીની રીત સમજાવવી બહુ જરૂરી હોય છે. એટલે ખુબ વિચાર વિમર્શ કર્યા પછી સંજય અને સોનિયાને જ મેરેજ વીધીનું રિહર્સલ કરાવવાનું નક્કી કર્યું. 

      અને શરૂ થયું મેરેજ ફંક્શન માટેનું રિહર્સલ. મંડપ મૂહૂર્ત થી લઈને કન્યા વિદાય સુધીનાં દરેક પ્રસંગનું ઝીણવટ પૂર્વકની સમજ આપે તેવુ રિહર્સલ.

         જેમાં ડ્રેસીઝ,ઓર્નામેન્ટસ, મેક-અપ, બાજોઠ કે ચેર પર કેવી રીતે બેસવું, જાનૈયાઓનુ સ્વાગત કરવું, જમાઈરાજને પોંખવાની રીત, પોંખતી વખતે જમાઇનું નાક ખેંચવાની પ્રથા, વર-કન્યાને હાર પહેરાવવાની રીત, ભાઈ દ્વારા હોમવામાં આવતા જવ તલ, મંગળસૂત્ર અને સિંદુર પુરવાની રીત, બધાનું કંમ્પલીટ રિહર્સલ . સતત ચાર વખત કંપ્લીટ રિહર્સલ કરાવ્યું. અને દરેક વખતે ઝીલ મજાક કરતી રહેતી, 

"ભાઈ આજે બીજી વાર મેરેજ થયા,"

    "આજે ત્રીજી વાર ભાભી સાથે ફેરા ફર્યાં,"

  " આજે ચોથી વખત સાસુજીએ નાક ખેંચવાની કોશિશ કરી." 

અને "આજે પાંચમી વખત વડીલોનાં આશિર્વાદ લીધા." 

"એક વારતો તમે પોલેન્ડમાં કોર્ટ મેરેજ કરી લીધા છે." 

 

 અને આટલા રિહર્સલ પછી, રિયલ મેરેજ  સગા સંબંધીઓની હાજરીમાં, અગ્નિની સાક્ષીએ ધામધૂમથી  થયા. અને સોનિયાનું સસુરાલમાં, વિધિવત્ શાનદાર રીતે સ્વાગત થયું.  હિના અને હરેશ બન્નેનાં ચહેરા પર ખુશી ઝળકી રહી હતી. જ્યારે ઝીલને તો માનો, ભાભીનાં રૂપમાં પરમેનન્ટ ફ્રેન્ડ મળી ગઈ હતી. સોનિયાનાં પેરેન્ટસની ખુશી પણ અસીમ હતી. દિકરીને આટલું લવલી ફેમિલી મળ્યું હતું. બધા બહુ જ ખુશ હતા. ખરેખરતો જે યુવતી પરણીને સાસરે આવે, તે જ સાસરી પક્ષના દેશ, વેશ, અને રીત રિવાજ ને અપનાવી લે છે. પરંતુ અહીંતો કૈક વિશેષ બન્યું હતું. માત્ર સોનિયાએ જ નહીં, તેના પેરેન્ટસે પણ બધુ પ્રેમ થી સ્વીકારી લીધું હતું. સોનિયાનાં પેરેન્ટસ મેરેજ પછી થોડા દિવસ મુમ્બઈમાં રોકાયા હતા. 

  ૨૬મી જાન્યુઆરીનાં રોજ સવારે સોસાયટીમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.જેના માટે વાત કરવા સોસાયટીનાં સેક્રેટરી રમેશભાઈ, હરેશભાઈ (પ્રમુખ ) ને મળવા આવ્યા હતા. (અને પરદેશી વેવાઈને જોઈ મનોમન કૈંક નક્કી કરી લીધું.) 

 " આવો, આવો રમેશ ભાઈ, બેસો. કેમછો? મજામાં?" હરેશ ભાઈએ આંગણે આવેલા મહેમાનને મીઠો આવકાર આપ્યો. 

   " બસ, હરેશભાઈ એકદમ મજામાં છું. આવતીકાલે સવારે સોસાયટીમાં ધ્વજ વંદનના કાર્યક્રમ અંતર્ગત એક વાત કરવી છે." સોફા પર બેસતા રમેશભાઈ બોલ્યા. 

    "હા, હા બોલોને! શું વાત છે? " હરેશ ભાઈએ પ્રેમથી  પુછ્યું. 

   " હરેશભાઈ, આ માત્ર મારી જ નહીં પણ સોસાયટીનાં બધા જ મેમ્બરની ઈચ્છા છે કે આ વખતે ધ્વજ વંદનમાં, તમારા નવા વેવાઈને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવું. જો તેમની સ્વિક્રુતી હોયતો."

  હરેશભાઈએ વેવાઈને પ્રેમપુર્વક પુછતાં તેમણે પણ આનંદથી આમંત્રણનો સ્વિકાર કર્યો. 

સોસાયટીનાં સેક્રેટરી તરફ થી વેવાઈનાં હાથમાં નાનકડો રાષ્ટ્ર ધ્વજ આપ્યો હતો. ધ્વજ વંદનના કાર્યક્રમમાં ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લઈને ઈન્ડિયન કલ્ચરને દિલથી સ્વીકારી લીધું હતું. અને બધાના આગ્રહને માન આપીને જે રીતે ભાવ વિભોર બનીને 'બે શબ્દો ' કહ્યા, "આઈ એપ્રિશીયેટ માય સેલ્ફ ફોર પાર્ટીસિપેટીંગ ઈન ફ્લૅગ સેરિમની ઈન ઈન્ડિયા. ઇટ વોઝ એ ગ્રેટ ડે ઈન માય લાઈફ. આઈ એન્જોય વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા. ધ ફ્રિડમ ઓફ ઇન્ડિયા." 

અને આટલું બોલતા એમની આંખોમાંથી ખુશીનાં આંસુ છલકાય ગયા હતા. અને ભેટમાં મળેલો ધ્વજ પોતાની સાથે પોલેન્ડ લઈ ગયા, એક અમુલ્ય ગીફ્ટ સમજી ને. 

     સારા સમયને જતા ક્યાં વાર લાગે છે? એમ જ આનંદથી પુરા પરિવાર સાથે હરતા ફરતા, મુંબઈ નગરીને નિહાળી, સગા સંબંધી, મિત્રવર્ગને મળીને, પાછા પોલેન્ડ જવાનો દિવસ નજીક આવી ગયો. ફરી પાછું પુનરાવર્તન થયું. મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે બોમ્બેની કોર્ટમાં સહી સીક્કા થયા.  હવે ઝીલ થી રહેવાયુ જ નહીં. અને બોલી ગઈ,

     " ભાઈ, આપણે સપ્તપદીનાં સાત ફેરા હોય છે , અને સાત જન્મનો સંગાથ ગણાય છે ....... પરંતુ તમારા તો મેરેજ સાત વાર થયા છે. (ભલે ને રિહર્સલ હોય) તો તમારો બન્ને નો સાથ કેટલા જન્મનો છે? "

 " અને હા, ભાઈ બીજી બધી વાતો પછી, મને મારા એક ક્વેશ્ચનનો રાઈટ આન્સર આપજો. અમારે તમને એનિવર્સરી એક વર્ષમાં કેટલી વાર વીશ કરવાની?" અને ઝીલનાં આ ક્વેશ્ચનથી બધાં ખડખડાટ હસી પડ્યા. 

  અત્યંત લાગણી સભર, પરંતુ આનંદિત વાતાવરણ વચ્ચે સંજય, સોનિયા, અને તેના પેરેન્ટસ અગણિત યાદોને લઈ પોલેન્ડ પહોંચી ગયા. સોનિયાએ ઘણી બધી ગુજરાતી વાનગીઓ બનાવતા શીખી લીધી છે, અને ગુજરાતી ભાષા પણ ઘણા સારા પ્રમાણમાં બોલી અને સમજી શકે છે. 

   બે-ત્રણ દિવસથી સોનિયાને હેલ્થ પ્રોબ્લેમ હતો. સવારે ફેમિલી ડોક્ટર પાસે જઈને ચેક-અપ કરાવવાથી જે ન્યૂઝ મળ્યા હતા તે પોતાના મધર ઈન લો ને કહેવા માટે સોનિયાએ હિનાનાં ફોન પર અર્લી ઇવનિંગ ફોન કર્યો હતો. 

                  *****

        "મમ્મી, મમ્મી તારૂ ધ્યાન ક્યાં છે, હું ક્યારની તને બોલાવું છું. આપણે જલ્દીથી જમી લઈએ. પપ્પા કહે છે કે આજે રાત્રે ભાભી તરફથી બધા માટે સ્પેશિયલ સરપ્રાઇઝ છે, કેન યુ ગેસ ઈટ? ઝીલે એની મમ્મીને વિચાર વમળમાં વહેતી અટકાવીને પુછ્યું. 

   " આઈ ડોન્ટ નો બેટા, પણ જે હશે તે બે કલાકમાં ખબર પડી જશે. તો ચાલો જલ્દી થી જમી લઈએ." હિનાએ મલકાઈને કહ્યું.પણ જમતા પહેલા તેણે કોઈ વ્યક્તિને  ફોન કરીને, ઘરનું એડ્રેસ લખાવી દીધું. ખબર નહીં કોણ હશે? પરંતુ  જમી લેવાની ઉતાવળમાં કોઈ એ કંઈ  પુછ્યું નહીં.  સમય થતાં હિના, હરેશ અને ઝીલ ત્રણેય જણા લેપટોપ લઈને બેસી ગયા. ત્યાં જ ફોનની રીંગ રણકી ઉઠી. અને લેપટોપ પર સોનિયાનો ચહેરો ચમકવા લાગ્યો. હિના અને સોનિયાની નજર મળી અને કેટલીય વાતો વગર બોલ્યે થઈ ગઈ. 

   હરેશભાઈની ધીરજ ખુટી ગઈ અને પુછી જ લીધું, 

" વોટ હેપન બેટા? આર યુ ઓકે?વ્હોટ ડીડ ધ ડોક્ટર સે? વી આર લીટલબીટ વરીડ… એન્ડ યસ,  વેઇટિંગ ફોર યોર સ્પેશિયલ સરપ્રાઇઝ." સસુરજીની અધિરાઈ જોઈને સોનિયા હસવા લાગી. 

  સંજયને તો જાણે કંઈ સમજાતું જ નહોતું.  

   અને સોનિયાએ નજર નીચે રાખી ને, સંજયનો હાથ પ્રેમથી પકડીને કહ્યું. 

" પપ્પા, મમ્મી વી આર ગોઈંગ ટુ બી પેરેન્ટસ એન્ડ યુ, ગ્રાન્ડ-પેરેન્ટસ. એન્ડ ઝીલ, સમવન ઈઝ કમીંગ ટુ કોલ યુ આન્ટ."

  " વ્હૉટ! રીયલી? જાણે બન્ને બાજુ ખુશીનો બોંબ બ્લાસ્ટ થયો, અને બધા એક સાથે ખુશીથી ઉછળી પડ્યા. ત્યારે જ ડોરબેલ વાગી એટલે હિના દોડીને ડિલિવરી બોય પાસેથી પોતે ઓર્ડર કરેલી કેક લઈ આવી. કેક કટીંગ કરીને ગુડ ન્યુઝનું સેલિબ્રેશન 

કર્યું. બધા મનમાં બોલી રહ્યા હતા. 

"એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ......" 

   

આજે પણ જ્યારે હિનાનાં ઘરે 'વેવાઈ'નો વિડિયો કોલ  આવે, ત્યારે વેવાઈ અને વેવાણ બન્ને ઈન્ડિયન ડ્રેસમાં સજ્જ થઈ ઈન્ડિયન ફ્લૅગ હાથમાં લઈને જ બેસે છે. અને વાતની શરૂઆત પણ " જયહિંદ અને જયજીનેન્દ્ર" થી જ થાય છે. આ રીત જ દર્શાવે છે, તેમણે અપનાવેલ ઈન્ડિયન કલ્ચર, અને જૈન સંસ્કૃતિનાં સંસ્કારને ઉજાગર કરવાની ફિલિંગ્સ. આજે બન્ને ફેમિલી ખુબ આતુરતાથી નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે. 

   સંજય અને સોનિયાનાં હોઠ પર તો જાણે એક જ ગીત ( હા! ઈન્ડિયન મુવી નું ) રમી રહ્યું છે. 

  " હમને જો દેખે સપને, 

        સચ હો ગયે વો અપને...

        "ઓ મેરે સાજના..... 

           દિન આ ગયે હૈ પ્યાર કે... "


           ..... અલકા કોઠારી.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ