વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમ્રાટ અશોકના નવરત્નો

“અશોકના નવરત્નો”

શું આ સત્ય છે ? શું આ હજુ છે ? શું આજે પણ એ એટલોજ પ્રભાવ ધરાવે છે ? કોણ છે અને ક્યાં છે આ લોકો ?

ઈસ્વીસન પૂર્વે ૨૭૦ ની વાત છે - મહાન અને દુનિયાનો સહુથી ક્રૂર શાસક - જી હા - ઘણા લોકોને નવાઈ લાગશે પરંતુ એક ક્રૂર શાસક કે જે હજારો લાખો લોકોને મારી ચુક્યો છે અને છતાં આ વાતની ઈતિહાસમાં ઓછી નોંધ લેવાઈ છે. ભારતવર્ષે કોઈદિવસ આટલો પ્રચંડ - પરાક્રમી અને સબળ સાશક જોયો નથી ! એ છે મૌર્ય શિરમોર મહાન અશોક રાજા !

એક જીદ્દી, ખૂંખાર અને વોર મશીન જેને કહેવાય એવો એનો ઉછેર થયો છે અને એવો જ એ બન્યો છે. લગભગ ઉંચી કદ કાઠી, વિશાળ ભુજાઓ અને પ્રભાવશાળી ચહેરો કદાચ ધરાવે છે. એની પડછંદ કાયા અને ભારે અવાજથી શત્રુઓ તો ઠીક પણ મિત્રો પણ ધ્રુજે છે ! એ સર્શાક્તિમાન છે, એ મૌર્ય રાજનો એક અતિ શક્તિશાળી મહારાજ છે !

અનેક યુદ્ધ જીતી ચુકેલા મહાન રાજાને એક નાનકડું પણ સક્ષમ રાજ્ય પડકારે છે અથવા તો દાદ દેતું નથી ! એ છે કલિંગ ! (અત્યારના ભારતવર્ષનું ઓડીશા રાજ્ય) હા, કલિંગ કે જે ઇતિહાસમાં અમર થઇ ગયું. એના લોકો પરાક્રમી છે, વિદેશી માલિકી એમને પસંદ નથી. અશોકરાજાના મહાન અને ભવ્ય સૈન્ય આગળ એમની કશી વિસાત નથી પરંતુ દેશપ્રેમને એ લોકો જાનથી પણ વધુ પ્રેમ કરે છે અને બાથ ભીડે છે.

આકાશમાં વાદળો ઘેરાઈ ગયા છે પરંતુ એમાં કાળા ની જગ્યાએ લાલ રંગ પૂરેલો હોય એવું લાગે છે ! ગીધડાઓના ટોળા ના ટોળા મંડરાઈ રહ્યા છે. આખી રણભૂમિ લોહીયાળ છે. ક્ષત-વિક્ષત અંગો અહી તહી પડેલા છે. એક જુગુપ્સાપ્રેરક અને અત્યંત બિહામણું દ્રશ્ય રચાયું છે.

રણભૂમીથી લગભગ ૫ કિલોમીટર જેવી દુરીએ હલચલ મચી છે ! મહાન સમ્રાટ આવી રહ્યા છે. એમની આગતા સ્વાગતા માટે તૈયારી ચાલી રહી છે. એક વિશાળ રથમાંથી એ ચક્રવર્તી ઉતરે છે. રથ નીચે પગ મુકતાજ સૈનિકોની લાંબી કતાર નીચે સુઈ જાય છે અને એમની પીઠ ઉપરથી  ચાલતો ચાલતો આ મહાન રાજા એના તંબુમાં જાય છે. સમ્રાટ પોતાની પીઠ ઉપર ચાલે એ એક અત્યંત ગર્વની બાબત દરેક સૈનિક માટે હતી અને સહુ આ લાભ લેવા પડાપડી કરતા !

એક વિશાળ તંબુની અંદર એક સોના જડિત સિંહાસન પર શ્રી અશોક બિરાજે છે ! મૂછો પર તાવ દે છે અને સૂચક નજરે એના સેનાપતિ સામે જુવે છે.

સેનાપતિ માથું જુકાવીને નમન કરે છે અને એક બહોળું સ્મિત આપે છે. અશોકરાજા સમજી જાય છે અને ખડખડાટ હસી પડે છે ! તંબુઓની કાપડની દીવાલો એના હાસ્યના પડઘા પાડે છે. ખૂણામાં પ્રજ્જવલિત મશાલો પણ આ ભયાનક હાસ્યથી જાણે ડરી ગઈ હોય એમ આમ તેમ ફરકી ઉઠે છે અને બહાર ઉભેલા સૈનિકો ધ્રુજી ઉઠે છે. મહાન અશોક આજે બહુ ખુશ છે. જલ્દી જ એ પ્રણાલિકા મુજબ રણભૂમિમાં જશે.

*

 

મહેલનો એ ખૂણો અજાણ્યો હતો ! અરે સમ્રાટના ખાસ અને જાણીતા વ્યક્તિઓ કે રાણીઓને પણ એની જાણ નહોતી. લગભગ ૪૦ ફૂટ બાય ૬૦ ફૂટનો એ મહેલના એક છુપા ભોયરામાં આવેલો રૂમ હતો. કોઈ બારી પણ નહિ, બસ એક આવવા માટેનો નાનકડો દરવાજો કે જે મહેલમાંથી એક છુપી જગ્યાએ થી આવતો હતો અને જવા માટે બીજી બાજુ એક નાનકડો રસ્તો કે જેમાં જુકીને જ જવું પડે અને એને બંધ કરી દો તો કોઈને ખબર પણ ના પડે કે અહી કોઈ દરવાજો છે !

બંધિયાર હાલતને લઈને લગભગ અવાવરું થઇ ગયેલા એ કમરામાંથી વિચિત્ર વાસ આવતી. બળેલી મશાલો ચારેકોર લગાવેલી દેખાતી. ક્યારેક જ ઉપયોગમાં એ લેવાતો. ક્યારેક જ...અને આજે એ દિવસ હતો !

કમરામાં બધી જ મશાલો સળગતી હતી અને વચ્ચો વચ્ચ મુકેલા એક અગ્નિકૂંડમાં અગ્નિ પ્રજ્જવલિત હતો અને એની આજુબાજુ ઉભેલા લોકોનો પડછાયો એ દીવાલ પર પાડતો હતો. માથેથી પગ ઢંકાઈ જાય એવા લાંબા કાળા ગાઉન જેવા પહેરવેશ પહેરેલ નવ જણા ત્યાં ઉભા હતા. મોઢા ઉપર પણ કપડું. કોઈ કોઈનો ચહેરો જોઈ ના શકે ! નવે નવ જણા હાથ આગળ બાંધીને માથું નીચે નમાવીને ઉભા હતા. કોઈ એક બીજા સાથે વાત પણ કરતુ નહોતું કે એકબીજાની ઓળખાણ કરવાની પણ દરકાર કરતુ નહોતું.

વચ્ચે રહેલા અગ્નિકૂંડની આજુબાજુ નવ હાથીદાંતમાંથી નકશી કરેલા અત્યંત મુલ્યવાન એવા લગભગ ૪ ફૂટ ઊંચા સ્ટેન્ડ હતા અને દરેક નવ સ્ટેન્ડ ઉપર એક એક દળદાર પુસ્તક મુકેલું હતું. પ્રાચીન લીપીમાં એમાં કૈંક લખેલું હતું કે જે અત્યંત મુલ્યવાન હતું !

અચાનક એક ખખડાટ થયો અને સહુ સાવધ થઇ ગયા ! એ આવી પહોંચ્યા હતા.

*

અશોકને દયા આવી ગઈ જ્યારે એણે એક લગભગ ૧૫ વર્ષના સૈનિકને કણસતો જોયો. મૂછો પણ નહોતી ફૂટી એવી જવાની અને એ નીચે પડ્યો પડ્યો કણસતો હતો. એનો એક હાથ દૂર કપાઈને ક્યાંક પડ્યો હતો અને એના પેટમાંથી લોહી વહી રહ્યું હતું. અશોકે સાથે ઉભેલા સેનાપતિને ઈશારો કરીને પાણી મંગાવ્યું. એ ઘૂંટણ પર બેસી પડ્યો અને પાણીનો પ્યાલો એણે હળવેથી એ પીડાથી ધીરે ધીરે કણસતા યુવાને ધર્યો. યુવાને થોડી ક્ષણો એની સામે જોયું અને પછી એની આંખોમાં અંગારા વરસવા લાગ્યા. એ જમીન પર જોરથી થૂંક્યો, લોહી મિશ્રિત થૂંક એના મોઢામાંથી નીચે પડ્યું. અશોક પહેલીવાર જીંદગીમાં વ્હાલથી આ નવયુવાનને જોઈ રહ્યો. મનોમન એના જુસ્સા અને દેશપ્રેમને સલામ કરી રહ્યો. એણે એ પાણી એક તરફ ઢોળી દીધું, એ નવયુવાનનું માથું પકડ્યું અને પોતાના કમરે રહેલી ધારદાર કટાર કાઢીને એના ગળા પર ફેરવી દીધી. એ એને પીડામાંથી મુક્તિ આપવા માંગતો હતો. યુવાનના ગળામાંથી લોહીની ધાર નીકળી અને એનો શ્વાસ થંભી ગયો. અશોકની આજુબાજુ રહેલા સિપાહીઓએ જયજયકાર કર્યો પરંતુ એ નહોતા જાણતા કે એક અનેરું તોફાન શરુ થઇ ગયું હતું. એક મહાન સમ્રાટના હૃદયમાં કૈંક થઇ રહ્યું હતું. એની આંખોના ખૂણા ભીના થઇ રહ્યા હતા. જાણેકે વર્ષોથી ઘૂઘવતો વિશાળ અને અફાટ સમુદ્ર આજે શાંત થઇ રહ્યો હતો !

*

“બુદ્ધમ શરણમ : ગચ્છામી...” એક સુમધુર અને હૃદય અને મનને શાંત કરે એવો અવાજ રાજાના કાને પડ્યો અને સમ્રાટે તરત જ એ બૌદ્ધ સાધુને અંદર માનપૂર્વક બોલાવવાનો ઈશારો કર્યો ! આ એક પરિવર્તન થવા જઈ રહ્યું હતું, માત્ર એક સમ્રાટના હૃદયનું જ નહિ પરંતુ માનવઈતિહાસનું પણ ! ઘણું બધું બદલાઈ જવાનું હતું. એક ક્રૂર શાસક હવે એક ધર્મપ્રેમી અને મહાન વિચારક બની જવાનો હતો ! ભારતીય ઉપખંડમાં અને આખી દુનિયામાં અશોકસમ્રાટના દૂતો ફરી વળવાના હતા અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાના હતા ! હા એ જ ધર્મ કે જે અહિંસા અને શાંતિનો ઉપદેશ આપતો હતો. જેનું અનુસરણ ક્યારેય જીંદગીમાં પણ અશોક સમ્રાટે કર્યું નહોતું ! મહાન મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય ના પ્રપોત્ર, બિંદુસાર રાજાના પુત્ર એવા મહાન સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થઇ જવાનું હતું !

*

કલિંગના યુદ્ધ પછી અને બૌદ્ધ સાધુઓના સંપર્કમાં આવ્યા પછી મહાન રાજાનું હૃદય પરિવર્તન થઇ ગયું. વીનાકારણ હિંસા અને દંડને બંધ કરવામાં આવ્યા અને દેશની –પોતાના મહાન શાસનની પ્રગતિ થાય અને મહાન બૌદ્ધ ધર્મનો પ્રચાર થાય એ હેતુ સમ્રાટ અશોકે તાત્ત્કાલિક પગલા લેવાના શરુ કર્યા. એક કામ હજુ બાકી હતું ! એક અદ્ભુત અને અનેરી વસ્તુની જતન કરવાનું અને એને ખોટા હાથોમાં જતી રોકવાનું !

*

“હે મહાન રક્ષકો, આજે સમય આવી ગયો છે કે વર્ષોના વર્ષો સુધી અર્જિત કરેલું જ્ઞાન ખોટા હાથોમાં ના જાય એના માટે પ્રયત્ન કરવાનો. આ જ્ઞાન એવું છે કે સદીઓ ની સદીઓ સુધી માનવજાતને મદદ કરશે, આગળ વધવામાં, વિકાસ સાધવામાં મદદ કરશે પરંતુ જો એનો સાચો ઉપયોગ કરાય તો જ. આ સામે પડેલા નવ પુસ્તકોમાં એ વિસ્ફોટક માહિતી ભરેલી છે કે જેના ઉપયોગથી કલ્યાણ પણ થાય અને દુરુપયોગથી સર્વનાશ પણ ! હે મહાન દૂતો, તમે સહુ સક્ષમ છો અને જાણકાર છો પોતપોતાના વિષયોમાં. અહી રહેલું એક એક પુસ્તક લઇ જાવ અને દુનિયાના ખૂણેખૂણામાં ખોવાઈ જાવ અને જ્ઞાનનો પ્રસાર કરો. પરંતુ યાદ રાખજો કે આ જ્ઞાન કોઈ ખોટા હાથોમાં ના પડવું જોઈએ. તમે સહુ એકબીજાને જાણતા નથી અને એકબીજાના મુખ પણ તમે જોયા નથી. આજ પછી મારી સાથે શપથ લો કે આ જ્ઞાનને હમેશા તમારી સાથે જ રાખશો અને તમારી આવનારી પેઢીઓ એને સાચવે અને યોગ્ય હાથોમાં સ્થળાંતર કરતી રહે એ જોજો. મિત્રો, હું સમ્રાટ અશોક તમને હુકમ અને વિનંતી બંને કરું છું કે માનવજાત જયારે જયારે એવી અડચણોનો સામનો કરે કે એમને કોઈ માર્ગ ના સુજે ત્યારે ત્યારે તમે બહાર આવજો અને આ જ્ઞાન થકી એમને મદદ કરજો, ફરીથી પુનઃ સ્થાપિત કરવા અને ઘર્મની સ્થાપના માટે આગળ આવજો. શું તમે તૈયાર છો પ્રતિજ્ઞા લેવા ?” મહાન અશોકરજાનો અવાજ બંધ રૂમમાં પડઘાઈ રહ્યો હતો અને સામે ઉભેલા નવ વ્યક્તિઓએ હકારમાં માથું હલાવ્યું અને સમ્રાટ અશોકની પાસે ઉભા રહીને વચ્ચે પ્રજ્જવલિત અગ્નિકૂંડની આગ ઉપર જમણો હાથ મુકીને પ્રતિજ્ઞા લીધી કે પ્રાણના જોખમે પણ એ લોકો આ મહાન સાહિત્યનું, જ્ઞાનનું રક્ષણ કરશે અને જયારે જયારે પૃથ્વી ઉપર માનવજાતને આ જ્ઞાનની જરૂર પડશે ત્યારે ત્યારે એ લોકો આગળ આવશે, એમની વર્તમાન પેઢી આગળ આવશે અને આ જ્ઞાનનો લાભ માનવજાતને આપશે. આ નવ સિક્રેટ લોકોની સોસાયટી સદીઓ, પેઢીઓ સુધી આ જ્ઞાનને સાચવી રાખવાની હતી અને એને અજાણ્યા અને લાલચી હાથોમાં જતા રોકી રાખવાની હતી.

નવ સાધુઓ કે જેમના મુખ સદંતર ઢંકાયેલા હતા અને માથે મુંડન કરાયેલું હતું એ હાથમાં લાકડાનો દંડ લઈને અલગ અલગ દિશા તરફ પ્રયાણ કરી ગયા. એમના સામાનમાં એક અમૂલ્ય અને દુર્લભ જ્ઞાનનો ખજાનો પણ હતો કે જે હવે કાયમ માટે સચવાઈ રહેવાનો હતો. મહેલાના ઝરોખામાં ઉભા રહીને એમને જતા જોઈ સમ્રાટ અશોકના હૃદયમાં ઠંડક પ્રસરી ગઈ. હવે ઈતિહાસ કદાચ એને એક માત્ર ક્રૂર શાસક જ નહિ પરંતુ એક ધર્મ પ્રચારક અને એક જ્ઞાનની અદ્ભુત સરવાણીના પ્રણેતા તરીકે પણ ઓળખશે.

*

સદીઓ વીતી ગઈ, હજારો પેઢીઓ આવી ગઈ અત્યાર સુધીમાં, એ અમૂલ્ય પુસ્તકો એક હાથથી બીજા હાથ, એક પેઢીથી બીજી પેઢી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહ્યા. એક પ્રતિજ્ઞા, એક વચન એ નવ લોકોને અને એમની આવનારી પેઢીઓને બાંધી રહ્યું. એ લોકો દુનિયામાં અલગ અલગ જગ્યાએ ફરી વળ્યા, ધર્મ પ્રચારક બન્યા, જ્ઞાનનો વ્યાપ કર્યો અને સમયે સમયે ભારતવર્ષને જ્યારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે એ પુસ્તક થકી જે અમૂલ્ય જ્ઞાન વહેંચવાનું થયું એ પ્રસાર પણ કર્યો. અત્યન ગુપ્ત અને છુપી રીતે. ક્યાં છે એ લોકો, કોણ છે એ લોકો, શું એ એકબીજાને ઓળખે છે ? શું એ જાણે છે એક બીજા વિષે ? કેવીરીતે એ લોકો છુપી મદદ કરે છે ? શું ભારતીય ગુપ્તચર સંસ્થા રો કે અન્ય લોકો એના વિષે જાણે છે ? શું ઈસરોના વૈજ્ઞાનિકો એનો લાભ લે છે ? શું નાસા (અમેરિકાની સ્પેસ એજન્સી) એના વિષે જાણે છે ? એ કોઈ ખોટા હાથોમાં જતી રહી છે ? ઈતિહાસના ગર્ભમાં આ સવાલો કાયમ માટે છુપાઈ જવાના છે ! પરંતુ એ જો છે તો એના અમૂલ્ય જ્ઞાનનો વારસો આગળ વધી રહ્યો છે ! હોઈ શકે કે એના વારસદારો આપની આસપાસ હોય, આપને એ જ્ઞાનનો લાભ આપતા હોય, પરંતુ એક વાત નક્કી છે કે જયારે જયારે માનવજાત સંકટમાં મુકાશે ત્યારે ત્યારે એ લોકો ઉભા થશે જ અને એમના અમૂલ્ય જ્ઞાનનો લાભ અચૂક વહેચશે જ ! આવા કોરોનાના સંકટ સમયે જ્યારે આખી માનવજાતનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે ત્યારે શક્ય છે કે એમાંથી એક વ્યક્તિ આગળ આવીને એ પુસ્તકમાં રહેલા અદ્ભુત જ્ઞાનનો ખજાનો ખોલશે અને માનવજાત ફરીથી આગળ વધી જશે ! શું હતું એ પુસ્તકોમાં ? ચાલો જાણીએ :

નવ પુસ્તકોના નામ અને એની અંદર રહેલી માહિતી વિષે :

૧. પ્રોપગાન્ડા – પ્રચાર – પ્રથમ પુસ્તકમાં પ્રચાર અને માનસિક યુદ્ધની નીતિ વિષે લખેલું હતું. એક પણ શાસ્ત્ર ઉપાડ્યા વિના યુદ્ધ કેવી રીતે લડાય, માસ હિપ્નોટીઝમ કેવી રીતે કરાય અને આખીને આખી વ્યવસ્થા કે સામ્રાજ્યોને કેવી રીતે ઉથલી પડાય એની વાત એમાં છે.

૨. ફીઝીયોલોજી –શરીરવિજ્ઞાન- કોઈ વ્યક્તિને માત્ર અમુક જગ્યાએ સ્પર્શ કરીને કેવી રીતે મારી શકાય કે કાયમ માટે પેરેલાઈઝ કરી શકાય એની વિષે વિસ્તૃત માહિતી એમાં આપેલી છે ! 

૩. માઈક્રોબાયોલોજી – ત્રીજા પુસ્તકમાં માઈક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી વિષે વાત કરવામાં આવી છે. એમાં દૈવીય અમૃત વિષે પણ વાત કરી છે કે જેના સેવનથી વ્યક્તિ હજારો વર્ષો જીવિત રહી શકે છે !

૪. રસાયણશાસ્ત્ર- ચોથું પુસ્તક રસાયણશાસ્ત્રના પ્રયોગો અને પરિણામોની વિષે છે. દુષ્કાળના સમયમાં કે કુદરતી આફતોમાં રાજ્યો અને મંદિરો રસાયણશાસ્ત્રના ઉપયોગથી સોનું અર્જિત કરીને સહુને મદદ કરી શકે છે. સોનું કરી રીતે પ્રાપ્ત કરવું (ઉત્પન્ન કરવું) એની વિધિ એમાં છે !

૫. સંદેશાવ્યવહાર- પાંચમા પુસ્તકમાં સંદેશાવ્યવહારના તમામ સાધનો વિષે માહિતી આપવામાં આવી હતી. પૃથ્વી ઉપર રહેતા કોઈપણ વ્યક્તિ સાથે ટેલીપથી થી અને હા, પૃથ્વીની બહાર અંતરીક્ષમાં રહેતા લોકો (કદાચ એલિયનસ) સાથે કેવી રીતે સંદેશાવ્યવહાર કરવો એની માહિતી આમાં હતી. કહેવાય છે કે આ માહિતીનો ઉપયોગ કરીને આ નવ સાધુઓ કે રક્ષકો એકબીજા સાથે પણ સંપર્કમાં રહેતા હતા.

૬. ગુરુત્વાકર્ષણ- છઠ્ઠા પુસ્તકમાં ગુરુત્વાકર્ષણના રહસ્યોની શોધ કરવામાં આવી હતી અને ગુરુત્વાકર્ષણ વિરોધી, "વિમાન" તરીકે ઓળખાતી ઉડતી મશીન કેવી રીતે બનાવવી તે અંગેની સૂચનાઓ હતી.

૭. કોસ્મોલોજી- સાતમું પુસ્તક કોસ્મોલોજી અને બ્રહ્માંડ સાથે સંબંધિત તમામ વસ્તુઓ વિષે માહિતી આપે છે અને માનવજાતે કદી વિચારેલું ના હોય એવા રહસ્યોનો ઉલ્લેખ કરે છે અને એના વિષે આગળ સમાધાન પણ આપે છે !

૮. પ્રકાશ – આઠમું પુસ્તક લાઈટ (પ્રકાશ)ના ગુણધર્મો જેવાકે પ્રકાશની ગતિ અને તેને શાસ્ત્ર તરીકે વાપરવાની અને તેની ગતિ કેવી રીતે બદલી શકાય એના વિષે માહિતી આપે છે !

૯. આખરી પુસ્તક છે સોશિયોલોજી-સમાજશાસ્ત્ર – આ પુસ્તકમાં માનવસમાજની ઉત્ક્રાંતિ માટેના નિયમો, અને તેના અંતિમ પતનની આગાહી માટેના માધ્યમો વિશેની જાણકારી સામેલ છે ! આમ એક આખી સંપૂર્ણ સાસ્કૃતિને પોષવી, ઉભી કરવી અને તેનો જરૂર પડે તો નાશ કેવી રીતે કરવો એની સંપૂર્ણ માહિતી એમાં છે !

તો મિત્રો આપે જોયું કે આ અદ્ભુત જ્ઞાન કેટલું દુર્લભ છે અને જો એ કોઈ ખોટા હાથોમાં પડે તો કેવો અનર્થ સર્જાય !

આ વાત સાચી છે કે ખોટી એ પુરવાર કરવું બહુ મુશ્કેલ છે. ઇતિહાસમાં અશોક અને એના નવરત્નો વિષે અછડતી માહિતી છે. અંગ્રેજ લેખક ટાલબોટ મુંડીએ ૧૯૨૩માં એક ફિક્શન નોવેલ લખી હતી અને એમાં આના વિષે માહતી આપે હતી (The Nine Unknown Men). ભારતના પાંચ વર્ષોના પ્રવાસ દરમિયાન એ લેખકને આવા ગ્રુપ અને આવા એક મહાન સિક્રેટ વિષે માહતી મળી હતી. ઘણા સાહિત્યકારો એ કદાચ આ માહિતીને તોડી મરોડીને ફિક્શન પણ લખ્યું હશે પરંતુ દુનિયામાં અમુક એવા બનાવો થઇ ચુક્યા છે કે જેમાં માનવજાતને અચાનક જ અને ક્યાંકથી એકદમ માહતીની સ્ત્રોત મળી આવ્યો છે. કોઈ વિચક્ષણ મગજની વ્યક્તિ દ્વારા કે કે કોઈ અન્ય સ્ત્રોત દ્વારા ! હોઈ શકે કે આ સોસાયટી હજુ હોય અને એના વારસદારો આજે પણ એ પુસ્તકોમાં છુપાયેલું અમૂલ્ય જ્ઞાન ધરાવતા હોય અને એને સમય આવે વહેંચતા હોય ! આખરે માનવજાત રહેશે તો જ એ જ્ઞાન રહેશે અને એનો ઉપયોગ થશે. કદાચ કોઈ દુર સુદૂરના ગ્રહવાસીઓ પણ એવું ઈચ્છતા હોય કે માનવજાત –એમના માનસ સંતાનો કદિ નામશેષ ના થાય અને પ્રગતિ કરતા રહે ! જોઈએ છે શું થાય છે.

યુરોપમાં રાતોરાત થતા ખેતરોના ક્રોપ સર્કલ અને એના ઉપર આપોઆપ છપાઈ જતી કે સર્જાઈ જતી રહસ્યમય આકૃતિઓ પણ કૈંક કહેવા માંગે છે. કોઈ ઉકેલી શકે છે એને ? એના વિષે ફરી ક્યારેક. આભાર મિત્રો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ