વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડોકિયું

ડોકિયું      

-રાકેશ ઠક્કર

        અનિતા તેના ફળિયામાં જ નહીં આખા ગામમાં જાણીતી હતી. એનું કારણ તેણે અભ્યાસ, નોકરી કે કોઇ કલામાં મેળવેલી સિધ્ધિ ન હતી. અનિતા પોતાના સ્વભાવને કારણે ઓળખાતી હતી. તેનો સ્વભાવ બધાની જાણકારી રાખવાનો હતો. દરેકના ઘરની વાત જાણવાની તેની ઉત્સુક્તા ઘણાને 'જાસૂસી' પ્રકારની લાગતી હતી. પણ અનિતાના મનમાં તો એવું જ રહ્યું છે કે તે સૌની સાથે હળીભળીને રહે છે. લોકોના સુખદુ:ખ વહેંચે છે. હજુ બપોર પડી નથી કે અનિતા નીકળી પડી નથી. તેનું એક જ કામ રહેતું. લોકોના ઘરમાં ડોકિયું કરવું. અલબત્ત એ ચોરીછુપીથી નહીં પણ સામે ચાલીને ડોકિયું કરતી હતી. ગઇકાલની જ વાત લ્યોને.

        સીતાબેનના ઘરમાં એમની વહુના શ્રીમંતનો પ્રસંગ આવવાનો છે. સીતાબેન માટે આ પહેલો છે. એ પરંપરા જાણતા હતા પણ બધી ચીજવસ્તુઓ ક્યાંથી ખરીદવી અને કેવા પ્રકારની લેવી એની આજના જમાના પ્રમાણે ખબર ન હતી. એમની વહુ સરિતા ઘરરખ્ખુ હતી. ઘરની બહાર ભાગ્યે જ નીકળતી. સીતાબેન એટલું કામ સોંપતા કે સરિતા પોતાની જવાબદારીમાંથી ફુરસદ મેળવી શકતી નહીં. અનિતા પહોંચી ત્યારે સીતાબેન નિરાંતે બેઠેલા પણ તેમના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયેલા હતા. અનિતાની નજરમાંથી એ વાત છટકી શકી નહીં. તે બોલી:"કાકી, શું ચિંતામાં છો? હજુ વધારે દુબળા થવું છે?"

        "અનિતા, તું મારી ઠેકડી ઉડાડે છે કે મદદ કરવા કહે છે? હું આખો દિવસ બેઠી રહીને શરીર વધી રહ્યાની ચિંતા કરતી નથી. આ સરિતાના શ્રીમંતના પ્રસંગને કેમ ઉકેલવો એનું આયોજન વિચારી રહી છું." સીતાબેન તપખીર સૂંઘતા બોલ્યા.

        "એમાં શું મોટી વાત છે, કાકી?" કહી અનિતાએ એમને કઇ જગ્યાએથી વસ્તુઓ ખરીદવી એની જ નહીં કોને, કેવો અને કેટલો વ્યવહાર કરવો એની બધી જ માહિતી ઠાલવી દીધી.

        "અનિતા, તું તો જ્ઞાનનો ભંડાર છે. હું તો અમથી ચિંતા કરતી હતી. છોકરાને રાતે આવવા દે. બધું કામ સોંપી દઉં છું. બોલ બીજા શું સમાચાર છે?" સીતાબેન માથા પરનો ભાર ઉતરી ગયો હોય એમ ખુરશીમાં વધારે ફેલાઇને બોલ્યા.

        "ખબર તો બહુ સારા નથી..." બોલતાં અનિતા સહેજ અટકી. પછી સીતાબેનના ચહેરા પર વધેલી ઉત્સુક્તા જોઇ આગળ બોલી:"કાકી, આ પેલા વડ ફળિયાના લીનાકાકી નહીં? એમના વરની તબિયત નરમ-ગરમ ચાલ્યા કરે છે. લીનાબેન તો માનતા માનીને બેઠા છે. ગંભીર બીમારીમાં ડૉક્ટરી સારવાર સાથે માની માનતા કોઇ ચમત્કાર કરે તો સારું એવી પ્રાર્થના કરે છે..."

        "ભગવાન કરે એનો વર જલદી સારો થઇ જાય. તે અલી, તું આજે વહેલી પરવારી ગઇ કે શું?" કહી સીતાબેન એના વિશે પૂછવા લાગ્યા.

        "હા, આજે રસોઇમાં છુટ્ટી હતી. મારે ઉપવાસ છે. નીલુડીને કોલેજની બહેનપણીઓ સાથે બહાર નાસ્તા-પાણીનો પ્રોગ્રામ છે. અને એના પપ્પા તો તમે જાણો છો! કહે કે આજે હું ઓફિસની કેન્ટિનમાં જમી લઇશ. તારે ગામમાં બે ઘર વધારે ફરવા મળશે! એટલે મારે તો નિરાંત થઇ ગઇ...!" અનિતાએ પોતાના ઘરની વાત સાથે આસપાસના પડોશીઓના ઘરની રસોઇની માહિતી પણ સીતાબેનને પીરસી દીધી.

        અડધો કલાક થયો એટલે સીતાબેન બગાસા ખાવા લાગ્યા. અનિતા ઇશારો સમજી ગઇ હોય એમ 'ચલક ચલાણી આ ઘેર ધાણી પેલે ઘેર ધાણી' ની રમત રમતી હોય એમ બીજાના ઘરે પહોંચી. એ પહોંચી શકુંતલાબેનના ઘરે. ત્યાં એમના ઘરમાં દરવાજામાંથી ડોકિયું કરીને જોઇ લીધું કે શકુંતલાબેન છે કે નહીં? ઘરમાં શકુંતલાબેન દેખાયા નહીં એટલે અનિતા સીધી જ રસોડામાં ઘૂસી ગઇ. શિલ્પા સાથે એને સારું બનતું હતું. શિલ્પા શકુંતલા સાસુની તેના દિલની ભડાશ કાઢતી રહેતી. એને જોઇ શિલ્પા બોલી:"આવ અલી! આ ચૂલાની આગ પણ સારી કે રસોઇ બને પછી ઠરી જાય! મારા દિલમાં આ ક્યાં સુધી સળગતું રહેશે?"

        "લે વળી! આજે શું નવી રામાયણ થઇ ગઇ?" અનિતા રોટલા ટીપતી શિલ્પાની સામે ઊભડક પગે બેસીને બોલી.

        "રામાયણ નહીં મહાભારત થયું છે. સાસુમા રીસાઇને એમના ભાઇને ત્યાં જતા રહ્યા છે. સાંજે વિરેશ આવશે એટલે વધારે ધમાલ થશે..."

        "આમ ચૂલામાં લાકડા જ સંકોરતી રહીશ કે આખી વાત કરીશ બેન તું?" શિલ્પાએ ધરેલા ગ્લાસમાંથી ઊંચા મોંએ પાણી પીતી અનિતાએ કહ્યું.

        "અરે, મેં બળ્યું એમ કહ્યું કે મારે બે સાડી ખરીદવી છે. તો કહે કે ઘરમાં પોતા મારવાના પૂરતા કપડાં નથી ને રાજરાણીને સાડીઓ પહેરી મહાલવું છે. તું જ કહેને શિલ્પા? લગન કરીને આવીને બે વર્ષ થયા તોય એકેય નવી સાડી લીધી છે? પેલી જિગ્ના તો વર્ષે પાંચ સાડી લાવે છે. એનો વર કંઇ બહુ કમાતો નથી. બે નહીં તો એક તો હું લઇ શકું ને? તો સાસુજી કહે કે આ સાલ પાક ઓછો થયો છે તો આવતા વર્ષે લેજે. પણ હું જીદે ચઢી અને એ ઝઘડીને જતા રહ્યા છે..." શિલ્પા માથું કૂટતી બોલી.

        "અલી! તે આકાશ ક્યાં તૂટી પડ્યું છે? તું તારી લગનની પેટી કાઢને. તેં જ તો મને એક વખત બતાવી હતી. એમાં હજુ ઘણી એવી પિયરની સાડી છે જે તેં હજુ પહેરી નથી." અનિતા સમજાવતાં બોલી.

        "એ તો મારી માએ આપી છે. મારા વરની પણ ફરજ ખરી કે નહીં?"

        "શિલ્પા એ તો આખી જિંદગી ફરજ બજાવશે. તું જ વિચારને... એ સાડીઓની હજુ ફેશન ચાલે છે. બે વર્ષ પછી તું એને પહેરીશ તો જૂના જમાનાની ગણાશે. એ સાડી ફાડીને પછી તારે ખેતરે ખાવાનું મોકલવાના ભાણા માટે કે પોતા મારવાના કામમાં લેવી પડશે. એના કરતાં હમણાં જ પહેરી ફાડને."

        "લે, આ તો મને સૂઝ્યું જ નહીં. ચાલ મને રોટલા ટીપવામાં મદદ કર. હું રસોઇ બનાવીને સાસુમાને એમના ભાઇના ઘરેથી મનાવીને લઇ આવું. તારા ભાઇ ઘરે આવે ત્યાં સુધી ઘીના ઠામમં ઘી પડી રહેશે."

        શિલ્પાનું ગુંચવાયેલું કોકડું ઉકેલાઇ ગયું એ જોઇ અનિતાના દિલમાં ટાઢક થઇ ગઇ.

        બપોરથી સાંજ સુધી કેટલાય ફળિયામાં અનિતા ફરી વળતી. કેટલીય સ્ત્રીઓ સાથે એને સગાંસંબંધી હોય એવી મિત્રતા થઇ ગઇ હતી. એમાં ઉંમરનો કોઇ બાધ ન હતો. એમાં સત્તર વર્ષની શાલુ પણ હોય અને સીત્તેરના શારદાકાકી પણ હોય. કેટલીક સ્ત્રીઓ એને 'પંચાયત' કરનારી તરીકે ઓળખતી હતી અને પોતાના ઘરે આવવા દેતી નહીં. તેનાથી અંતર જ રાખતી. તે એવો આક્ષેપ કરતી કે 'તારી મારી' કરીને અનિતા કેટલાકના ઘરમાં આગ લગાવવાનું કામ કરે છે. અનિતા પણ એમના ઘરે જવાનું ટાળતી. એ જાણતી હતી કે એ બધી એનાથી બળે છે. અનિતા આવી બલાઓથી દૂર રહેવામાં જ પોતાનું ભલું સમજતી.

        અનિતાને આજે થોડું વધારે મોડું થઇ ગયું. મોડી સાંજે તે ઘરે પહોંચી ત્યારે પ્રકાશભાઇ આવી ગયા હતા. નીલુડી દેખાતી ન હતી. અનિતા આવી એટલે પ્રકાશભાઇએ પહેલો જ સવાલ કર્યો:"નીલુડી હજુ આવી નથી? કેટલા વાગ્યા છે?"

        "એને તો આજે કોલેજમાં કંઇ પ્રોગ્રામ હતો ને?"

        "તેં શું કામ જવા દીધી? મેં ના પાડી છે ને કે વગર કારણે છોકરીનું બહાર રહેવું યોગ્ય નથી. જમાનો ખરાબ છે. અને તેં મનુભાઇના છોકરાની એને વાત કરી હતી એનો શું જવાબ આપ્યો?"

        "તમે પાણી તો પીઓ. શું ઉતાવળ છે?"

        "તને કોઇ ઉતાવળ નથી. તારે ગામમાં ગપ્પાં મારવા નીકળી જવું છે. ઘરમાં શું ચાલે છે એ જોતી નથી. એકની એક છોકરી છે. ક્યાંક કોઇ અલેલ ટપ્પુ સાથે ભાગી ગઇ તો શું મોં બતાવીશું. અને મને એના લક્ષણ સારા દેખાતા નથી. ઘણી વખત કોલેજથી મોડી આવે છે અને રજાના દિવસોમાં પણ બહેનપણીઓ સાથે રખડવા જતી રહે છે. આ છેલ્લી પરીક્ષા પતે એટલે મારે એને પરણાવી દેવી છે. દરેક માગા એ ઠુકરાવી રહી છે પણ એને કહેજે કે હવે જો નાટક કરીશ તો હું મારી રીતે એનું નક્કી કરી દઇશ. પછી કંઇ ચાલશે નહીં..."

        "ભઇસાબ! તમે તો બહુ ઉતાવળા. રોજ આવી વાત કરો છો. વધારે માંગા આવે છે એમાં તમે ખુશ થાવ છો પણ છોકરાના દેખાવ અને ભણતર જોવાના કે નહીં? ખાલી પૈસો જોઇને છોકરીને કોઇ અજાણ્યા ખૂંટે પ્રાણીની જેમ બાંધી દેવાની? મનુભાઇના છોકરાનો ફોટો તમે જોયો છે ને? એ કેટલો જાડો છે? ખાતાપીતા ઘરનો છોકરો છે પણ આપણી છોકરી સાથે જોડી તો જામવી જોઇએ ને? સૌથી મોટી વાત છે બંનેની સમજ સરખી હોવી જોઇએ. એકબીજાને અનુકૂળ થવાની લાગણી હોવી જોઇએ. લગ્નજીવનના ગાડાના બંને પૈડાં સરખા હોવા જોઇએ."

        "તારું આ બધું જ્ઞાન બપોરે તારી બહેનપણીઓને જઇને વહેંચજે. બહુ ભાવુક થવાની જરૂર નથી. તું નીલુડી પર ધ્યાન આપી રહી નથી. જો...બહાર રાતના અંધારા ઉતરી આવ્યા છે. હજુ સુધી આવી નથી. બહુ ફાટી ગઇ છે. હું એનું કોલેજ જવાનું જ બંધ કરાવી દેવાનો છું. આવે એટલે કહી દેજે કે મેં જે સાત-આઠ છોકરાના ફોટા આપ્યા છે એમાંથી કોઇને પસંદ કરી લે. નહીંતર હું જ નક્કી કરી દઇશ."

        પ્રકાશભાઇ સામે વધારે બોલવાનું ટાળી અનિતા રસોઇ બનાવવા લાગી.

        રાત પડી પણ નીલા આવી નહીં. પ્રકાશભાઇ ઊંચાનીચા થઇ રહ્યા હતા. તેમનો નીલા માટેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ત્યાં નીલાની બહેનપણી અંકિતા દોડતી આવી. ઘરમાં આવી દરવાજો આડો કરતાં ધીમેથી બોલી:"કાકી...કાકી...નીલુડી ભાગી ગઇ. કોલેજના ધારેશ સાથે..."

        પ્રકાશભાઇના માથે તો જાણે પહાડ તૂટી પડ્યો:"હે ભગવાન! જોઇ લીધું ને અનિતા તારી બેદરકારીનું પરિણામ? ગામ આખાની વાતો જાણવા દોડતી હતી. તારી જ છોકરી વિશે તને ખબર ના પડી. ના જાણે કેટલા વખતથી છનુંછપનું ચક્કર ચાલતું હશે? ઘરમાં ડોકિયું કરવાની આદત જ નથી ને? બીજી કોઇ મા હોય તો ચોરીછૂપી છોકરીની હિલચાલ પર નજર રાખે. આખા ગામની હિલચાલ પર નજર રાખવામાંથી નવરી પડે તો વિચાર આવે ને? અને અંકિતા તનેય ખબર ન હતી? તું તો એની ખાસ છે..."

        "અંકલ, છેલ્લા થોડા સમયથી એ અમારી સાથે બહુ બોલતી ન હતી. આ તો ધારેશની બહેન મળી એણે જ મને સમાચાર આપ્યા કે ભાઇ પેલી નીલા સાથે જતો રહ્યો છે. અને લગ્ન પણ કરી લીધા છે. અમે એને શોધીએ છીએ. તું અંકિતાના ઘરે સમાચાર પહોંચાડી દે. તમે જ કહો હું શું કરું?" અંકિતા ગભરાતાં બોલી.

        "હું હવે કોઇને શું કહેવાનો હતો?" કહી પ્રકાશભાઇ માથું કૂટવા લાગ્યા.

        અનિતા આશ્વાસન આપતી હોય એમ બોલી:"તમે ચિંતા ના કરો. બધું સારું થશે. મને થોડો ખ્યાલ છે ધારેશ વિશે. એક-બે વખત નીલુડી કહેતી હતી કે ધારેશ કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને રાજ્ય કક્ષાએ પણ રમે છે. પ્રતિભાશાળી છોકરો છે."

        "તું તો તારી છોકરીનું ખેંચવાની જ ને? હવે થાય પણ શું? સમાજમાં નામ થોડું ખરાબ થવા દેવાય? અરે! અંકિતા, જા તારી બહેનપણીને કહેજે કે અમે એની પસંદગીના છોકરા માટે રાજી છે. અને અનિતા, હું ભીખાભાઇને જરા મળીને આવું છું. તું રસોઇ પીરસવાની તૈયારી કર..." બોલતા પ્રકાશભાઇ ઘરની બહાર નીકળી ગયા.

        અનિતા અંકિતાની સામે જોઇને હસી. અનિતાને ખબર હતી કે પોતાના ખાસ મિત્ર ભીખાભાઇ સાથે તે હળવા થવા ગયા છે.

        "કાકી, તમે બહુ મોટું કામ કર્યું. કાકાને પહેલાં કહ્યું હોત તો માન્યા જ ના હોત. બંનેની શું જોડી જામે છે! અને ધારેશ તો ખરેખર સંસ્કારી છોકરો છે. તેણે તો પહેલાં ચોખ્ખી જ ના પાડી દીધી હતી. પણ આ અત્યારે એક નાટક છે એમ કહ્યું ત્યારે તૈયાર થઇ ગયો. આપણી નીલુડીને પામવા આટલું તો કરવું પડે ને એણે! પ્રકાશકાકા લાકડે માકડુંની જેમ નીલુડીને કોઇની સાથે વળગાડી ના દે એટલે આપણે બધી તપાસ કરીને જ નીલુડીને સંમતિ આપી હતી ને!" અંકિતાના સ્વરમાં ખુશાલી હતી.

        "હા બેટા, હું તારા કાકા સામે જાણી જોઇને નીલુડી બાબતે આંખા આડા કાન કરતી હોવાનું નાટક કરતી હતી. હું ગામની ખબર રાખું તો મારા ઘરની ના રાખું? આખા ગામને ખુશ અને સુખી રાખવા મથું તો મારી દીકરી માટે વિચારતી ના હોય એવું બને ખરું?!" કહી અનિતા અંકિતાને એવી રીતે ભેટી પડી જાણે એ નીલા જ છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ