વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંસ્કારોનો દેશ

માજી ખાટલે બેઠાં- બેઠાં હુક્કો પીતાં હતાં, ત્યાં વહુ ઘરના કામકાજમાં લીન હતી. વારંવાર કામ કરતાં એનો પલ્લું સરકી જતો. સરખો કરી કામ કર્યાં કરતી. જ્યાં-જ્યાં વહુનાં હાથ ફરતાં ત્યાં-ત્યાં એમની નજર ફરતી. એટલામાં વહુને અવાજ કર્યો, “વહુ, તમે આજે સવારે પગે લાગવાનું ભૂલી ગયા?”


“અરે… હા, માજી હું ભૂલી જ ગઈ. આટલા બધાં કામમાં મારા મગજમાંથી નીકળી ગયું.” 


“વહુ, આમ ભૂલો એ ન ચાલે. આપણો આ સંસ્કારોનો દેશ છે. અહીંયા પરંપરા વધુ મહત્વની છે. આજકાલ પલ્લું પણ વારંવાર પડી જાય છે. સાચવો, વહુ તરીકે આ ઘરની મર્યાદા તમારે જાળવી જોઈએ.”માજીએ હુકમ કરતાં હોય એ છટામાં કહ્યું.


 “જી, માજી.” મોઢું નીચું રાખી જવાબ આપ્યો.


          એ જ વખત દરવાજે ટકોરા પડ્યાં. વહુએ દરવાજો ખોલ્યો, સામે પોલીસ ઉભેલી હતી. પોલીસને જોઈ માજી દોડી આવ્યા.


“આ અહીંયા રહે છે?” મોબાઈલમાંથી ફોટો કાઢી પોલીસે બતાવતાં કહ્યું.


“હા, મારો નાનો દીકરો છે.”


“એને બોલાવો, કોલેજમાં છોકરીની છેડતી કરવામાં, એના સામે ફરિયાદ છે.”


“ના હોય, મારા દીકરાએ નહિ કર્યું હોય. ખોટો આરોપ મુક્યો હશે.”


“કોઈ ભૂલ નથી. સીસીટીવીના ફૂટેજમાં ચોખ્ખું દેખાય છે. ”


“અરે, સાહેબ એનાથી ભૂલ થઈ ગઈ હશે. નાનો છે. અમથી મજાક કરી હશે. માફ કરી દો.” માજી આજીજી કરવા લાગ્યા.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ