વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હરિયો અને બા

વાર્તા :- હરિયો અને બા

 લેખક :- કાર્તિક ગોહિલ (સાગર)


                        


“ સાયકલ આપશો , બા ? ..... ”

“ કોણ ? ”  અંદરથી બા બોલી અને બહાર આવીને જોયું તો એક અજાણ્યો છોકરો ડેલીએ ઉભો હતો, બા તેની સામે જોતી જ રહી ગઈ.........

      “ બા, મારે જરા મારી માં ને લઈને અહીં દવાખાને જવું છે.... પેલી સાયકલ આપશો ? થોડીવાર માટે.... બસ હું તેને સારી કરીને પાછી આપી જઈશ. ”

      આટલું સંભાળતા જ બા રડવા લાગી, પેલા છોકરાને હૈયે ચાંપી દીધો ... “ બેટા, આ સાયકલ હું કોઈને નહિ આપું....કોઈને નહિ ....”

      “ કેમ ? ”

      “ અરે બેટા , તને શું કહેવું ? ”

      બા ને વર્ષો પહેલાની બધી ઘટના મગજમાં ફરી વળી, બધા ચિત્રો આંખો સામેથી પસાર થયા.

     હરિયાને સાયકલનો ભારે શોખ ....... સાયકલ ચલાવવી બહુ ગમે, પણ.......ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ ....બે ટંક ખાવાના પણ સાસા પડતા હોય ને એમાં સાયકલ કેમ લેવી ?

     “ બા, મારે સાયકલ લેવી છે....”

     “ હા, હરિયા, તું સાયકલ લેજે, પણ આ પેલું કરીયાણાનું બિલ ચૂકવી દઉં, ગજાભૈને બે વરહનું બિલ નથી આપ્યું,ભાઈ .....”

      “ પણ બા, તું રોજ હાલતા જા અને આવે, એક સાયકલ હોય તો તને બેહાડીને બધે લઈ જાવ ....”

      હરિયાની નિશાળ ખાસ્સી દુર આવેલી, ચાલતા-ચાલતા એકાદ કલાક જેવું થાય, એ તો હરિયો ચાલે એટલે હો , બાકી આપણી જેવાને તો બે કલાક લાગે......

      ગમે તેમ થાય હરિયાએ મનમાં ઠાંસી લીધું કંઇ પણ કરીને સાયકલ તો લેવી જ છે...... સાલું બા ને દવાખાને લઈ જવામાં બહુ તકલીફ પડતી. રીક્ષાવાળો મળે નહિ, અને મળે તો તેટલું ભાડું ન મળે....... તેથી બાજુવાળા રમણીક સાયકલવાળાની સાયકલ બે રૂપિયામાં ભાડેથી લઈને બા ને દવાખાને લઈ જાય, અને કાંઇ કામ-કાજ હોય તો તે પણ પતાવી આવે....

          ગામમાં એક વખત દોડની હરીફાઈ યોજાવાની હતી, તેમાં પહેલો આવનાર ને ઈનામમાં સાયકલ........

          “ બા, ગામમાં દોડ કરવાની છે, હું તેમાં રહું કે ? ”

          “ હરિયા, આખો દિવસ તો દોડે છો , હવે કેટલું દોડીશ? ”

          “ બા , પણ હવે સાયકલ તો લેવી જ છે, પહેલા ને સાયકલ છે બા, ..... ”

          હરિયો ખુશખુશાલ દેખાતો હતો, બા પણ તેને જોઇને ખુશ હતી..... હરિયો આખા ગામમાં એક જ વાત કરતો હતો કે ગામમાં દોડની સ્પર્ધામાં પહેલો આવીને સાયકલ જીતવી છે ..... ગામમાં નાચતો- કૂદતો આમ-તેમ ઠેકડા મારે , જે મળે તેને હરીફાઈના સમાચાર આપે કે, હરીફાઈમાં રહેજો હો , સાયકલ મળવાની છે ... સાયકલ ....

          નિશાળમાં જઈને બધા જ માસ્તરોને અને છોકરાઓને  કહી દીધું કે અમારા ગામમાં હરીફાઈ છે દોડવાની અને તમે બધા આવજો હો ..... જોવા આવજો ......એમાં હું દોડવાનો છું, અને પહેલો આવીને સાયકલ જીતવાનો છું સાયકલ .......

          આખા ગામમાં ધમાલ મચાવી દીધી હરિયાએ ... અને હરિયો સપના જોવા લાગ્યો સાયકલના ... કે... હું સાયકલ જીતીને આવીશ એટલે પહેલા નાળીયેર વધેરીશ હનુમાનજીએ .... પછી બા ને લઈને માતાએ દર્શન કરવા લઈ જઈશ ..... સાયકલને હાર પહેરાવીશ અને હા ચુંદડી પણ .......સાયકલના પંખાની પાછળ લખાવીશ ‘ બા ના આશીર્વાદ ’ ...... પછી હું દરરોજ સાયકલ લઈને નિશાળે જઈશ .... સાહેબનું પણ કઈ કામ પડશે તો ઝટ દઈને સાયકલ લઈને જઈશ , બા ને પણ દવાખાને લઈ જઈશ ,   આમ કેટકેટલીય તમન્નાઓ હરિયાના મગજમાંથી પસાર થઈ ગઈ, એક અનેરા આનંદની લહેરખી વીતી ગઈ ......

          હરીફાઈ નજીક આવતી ગઈ ને હરિયો વધુ ને વધુ હરખાતો ગયો.

          “ હરિયા, ઉઠ, આજે તારે દોડવાનું છે ”

બસ આટલું કાને પડતા જ હરિયો બેઠો થઈ ગયો ને, ફટાફટ તૈયાર થવા લાગ્યો , બા ને પગે લાગ્યો, અને બા એ કપાળે ચાંલ્લો કર્યો, ગોળ ખવડાવ્યો, હરિયો ઝડપથી પહોંચ્યો ગામના પાદરમાં આવેલા વિશાળ મેદાનમાં ..... બધા જ આવી ગયા હતા , બસ હરીફાઈ શરુ જ થવાની હતી, હરિયો તો બધાની સામે જોતો જ રહી ગયો ........ ઘડીભેર તો તેને થયું કે સાલું આટલા બધામાં હું કેવી રીતે પહેલો આવીશ ? ” પણ ત્યાં પડેલી નવી-નક્કોર સાયકલ જોઈ અને બા નો ચહેરો યાદ આવ્યો. નવી સ્ફૂર્તિ, તાજગી, અને ઉત્સાહ ચઢ્યો, દરેક ભાગ લેનારના નામ બોલાયા ... બધા ગોઠવાઈ ગયા .....

          “ એક ........... બે ............. ત્રણ .............”

          બધા જ દોડ્યા ઘોડાના વેગે ...... હરિયો પણ દોડ્યો પવન વેગે ...... દોડતો જાય ને બા યાદ આવતી જાય તેમ વધુ દોડે ............ બધાને પાછળ રાખી દીધા .....

           “ હરિયા .......જો પહેલો આવ્યો એટલે યાદ રાખજે હો....”  ચાલુ દોડમાં સરપંચનો છોકરાએ હરિયાને ધમકી મારી .

           “ મારે તો સાયકલ જીતવી છે, તેના માટે જે કરવું પડે તે કરીશ , મારી જાન પણ ગુમાવી દઈશ , તારે જે કરવું હોય તે કરી લેજે ”

          હરિયો તો પવન વેગે દોડ્યો, અને હવે એક જ મિનિટની વાર ....... અને હરિયો બા ને યાદ કરીને જોર લગાવીને દોડ્યો, થોડા ચક્કર ચડ્યા, અંધારા આવ્યા, પણ હરિયા ને બા યાદ આવ્યા, અને અચાનક હરિયો પડી ગયો,............ પણ આ શું? ”

....... હરિયો બરાબર વિજેતારેખાની ઉપર જ પડ્યો અને માત્ર ત્રણ સેકન્ડના ફેરથી જીતી ગયો હરિયો.........

          પણ હરિયો હજુ ત્યાં જ પડ્યો હતો, સ્પર્ધાના આયોજકો અને બધા દોડ્યા, અને ત્યાંના ડોકટરે તાત્કાલિક સારવાર શરુ કરી દીધી.......

          “ હરિયા....... હરિયા...... શું થયું ? ... હરિયા .... ઉભો થા ....હરિયા ..... આ તારી બા ની સામે જો હરિયા .... તું સાયકલ જીતી ગયો હરિયા....”   બા તો ફાડી-ફાડીને રડવા લાગી.

          ડોકટરે આશ્વાસન આપ્યું, "બા ચિંતા ના કરતા, બસ,વધારે જોર કરવાથી ચક્કર આવતા પડી ગયો છે .... અને મગજ પર થોડું નુકસાન થયું છે , ચિંતા ના કરો....... "

           બા ને ચિંતા કરવાની જરૂર નથી...... એવું ડોક્ટર કહે પણ બા કંઇ થોડી બેસે, તેને તો બસ જે કંઇ હતું તે આ હરિયો જ ........ તેનું બીજું કોણ હતું !!!!!!.............

           “ બા, હરિયો...........” ડોક્ટર બોલ્યા .

           “ શું? .......... શું થયું?......... શું થયું મારા હરિયાને ?........... બોલો .............અરે  સાહેબ મારો જીવ ચાલ્યો જશે.........”

          ડોક્ટર કંઇ જ બોલતા નથી, બા તો ત્યાં ને ત્યાં જ પડી ગઈ અને હરિયાનો નાદ આખા દવાખાનામાં ફેલાવી દીધો........

          આટલી યાદો તાજી થતા જ બા તો પેલા ડેલીએ ઉભેલા છોકરાને ભેટી પડી , બા ને તો તેમાં હરિયો જ દેખાણો........ “ હરિયા .... હરિયા...... તું સાયકલ લેવા આવ્યો ?...... આ લે...... આ લે....... તારી સાયકલ..... ચલાવ.....ચલાવ હો.......લઈ જા.....હો ....લઇ જા.........તારી બા ને દવાખાને લઇ જા ......હો ....જા....”

          આટલું બોલતા જ બા ઢળી પડી અને પેલો ડેલીએ આવેલો છોકરો બધુ જોતો જ રહી ગયો , તેને કંઇ સમજાયું જ નહિ, પણ બા ને પોતાનો હરિયો સાયકલ લેવા આવ્યો તેવું જ લાગ્યું ને બા એ જ ક્ષણે ઢળી પડી , પેલો છોકરો તે સાયકલની સામે જોતો જ રહી ગયો............



                         -----------------

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ