વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લોકડાઉન

લોકડાઉન ( ટુંકી વાર્તા )

નિલય.. હવે તો હું આ લોકડાઉનથી બહુ જ કંટાળી ગઈ છું, ક્યાં સુધી આપણે આમ ઘરમાં ભરાઈ રહેવું પડશે.

સતત 51 દિવસ સુધી લોકડાઉનને કારણે પરાણે ઘરમાં બેસી રહેવાને કારણે અકળામણ અનુભવી રહેલી નિવા પોતાનો બળાપો પતિ સમક્ષ ઠાલવતા બોલી.

જો કે નિવાની આ અકળામણની નિલય પર કોઈ અસર ન થઈ, તે તો નિરાંતે સોફા પર આડો પડીને ટીવી જોવામાં મગ્ન હતો, કારણ કે તેને તો પ્રથમ વાર ઓફિસમાંથી આટલો લાંબો અવકાશ મળ્યો હતો એટલે એ તો આરામથી લોકડાઉન માણી રહ્યો હતો.

નિવા અને નિલય બંને જોબ કરતાં  હતાં અને તેમના 8 વર્ષના પુત્ર નિર્મિત સાથે સુરતમાં રહેતાં હતા અને તેમની સાથે એક અન્ય જીવ પણ સામેલ હતો અને તેનુ નામ મિકુ હતુ. મિકુ છેલ્લા પાંચ વર્ષથી તેમની સાથે જ રહેતો હતો જેથી તે નિર્મિતને બહુ જ વહાલો હતો.લોકડાઉનના આ સમયગાળામાં તે મિકુ સાથે જ પોતાનો મોટાભાગનો સમય પસાર કરતો હતો, કારણ કે મિકુ પણ ઘરમાં બોલાતા શબ્દો તથા નામો સારી રીતે બોલતા શીખી ગયો હતો. 

આજે જ્યારે નિવા પોતાનો બળાપો ઠાલવી રહી હતી ત્યારે   તેના શબ્દો કાને પડતાં જ મિકુ પણ લોકડાઉન- લોકડાઉન એવું બોલવા લાગ્યો તેને આમ બોલતાં સાંભળીને નિર્મિત તેની મમ્મીને પુછી રહ્યો કે મિકુનું લોકડાઉન કેટલા સમય સુધી ચાલશે? એને પાંજરામાં કંટાળો નહિ આવતો હોય?

નિર્મિતના આવા સવાલથી નિવા અને નિલય ચોંકી ગયા અને બંને તેની પાસે દોડી આવ્યા અને ત્રણેય જણાએ એકમેકને મુક સંમતિ આપી ને  મિકુના પિંજરાનો દરવાજો ખોલી દીધો.

પાંજરામાંથી મુક્ત થતાં જ મિકુ નિર્મિતના ખભા પર બેસી ગયો અને બાદમાં લોકડાઉન - લોકડાઉન એમ બોલતા બોલતા ખુલ્લી બારીમાંથી મુક્ત ગગનમાં વિહરવા માટે ઉડી ગયો. આ જોઈને ત્રણેયના ચહેરા પર અનેરો સંતોષ ફરી વળ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ