વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવનસંધ્યા

"જીવન સંધ્યા" ( લઘુકથા )


            - મહેશ પઢારિયા


"અરે! ધનજી તું બળદ સાથે અહીં?"


શહેરની સડક પર 'મોર્નિંગ વોક' પર નીકળેલા, મૂળ મથુર પણ એફીડેવીટ દ્વારા થયેલા મયંકે પોતાના ગામના જ,  પોતાના પ્રાથમિક શાળાના સહાધ્યાયી ધનજીને બળદ લઈને જતો જોઇને પૂછયું.


" આ બે દિ' પે'લા જ આને માઝણમાં મૂકી જ્યો તો',  તે આજ પાસો લેવા આઇવો 'તો.


ધનજી એ વિગત આપતાં કહ્યું.


" પણ કેમ, મૂકીને પાછો લેવા આવવું પડ્યું"?


મયંકને ઘરડા બળદને પાછો લઈ જવા નો કોયડો ન સમજાયો, એટલે એણે પૂછ્યું.


"આ બે દી' તો અમારા રાંઈધા ધાન રઝળ્યા સે,  આ બળદ અમારા ઘેર જ જનમેલો ને આખું આયખું બૌ કામ કરી દીધું. ઇના વગર ઘરના કોઈને હોરવ્યુ જ નય. અટલે આજ તો તારી ભાભીએ મને વે'લો જગાડીને કીધું કે જાવ બળદને પાસો લી'આવો. મને પણ ઠીક લાઇગુ. હશે બચારો પડ્યો રહેશે થોડા રાડા કઇડીને. ભગવાન ઇના ભાઈગનું આપી રે'સે. હાઇલ તારે,  તડકો તપે ઇ પે'લા જ ઘરે પહોંચી જવું તો હારું."


કહીને બળદને ડચકારતો ધનજી ઝડપભેર મયંકને પાછળ મૂકીને હાલતો થયો.


ધનજી તો ગયો પણ મયંકને વિચારના વમળમાં નાખતો ગયો. મયંકને થોડા દિવસ પૂર્વેનો, પોતે પોતાના બાપ રામજીભાને વૃદ્ધાશ્રમ માં મુકવા ગયેલો તે પ્રસંગ યાદ આવી ગયો. આ સાથે જ મયંક પોતાની ને ધનજીની સરખામણી પણ મનોમન કરી રહ્યો. ક્યાં ધનજી કે જે પોતાને કામ કરીને દીધું એ જાનવર ને પણ ભુલવા કે છોડવા તૈયાર નથી અને ક્યાં હું પોતે કે  જે બાપે યુવાનીમાં ઘરભંગ થયા છતાં દીકરા ખાતર બીજું 'ઘર' નહોતું કર્યું. ઘણી મુશ્કેલીઓ વેઠીને પોતાને એન્જિનિયર બનાવેલો. એટલું જ નહીં પણ મોર્ડન દીકરાવહુને ગામડે નહોતું ફાવતું એટલે ખેતર વેચીને પણ અહીં શહેરમાં બંગલો પણ લાવી આપેલો. એ જ બાપ ને 'હુંતો - હુંતી'ની પ્રાઇવસી માં વિઘ્ન રૂપ ગણીને પોતે વૃદ્ધાશ્રમમાં.......


મયંકને પોતાની જાત પર એટલી ધૃણા ઉપજી કે એણે આગળ વિચારવાનું માંડી વાળ્યુ. પણ આજે જ બાપાને પાછા ઘેર લાવવાના દ્રઢ નિશ્ચય સાથે ઘર તરફ પાછો ફર્યો. ઝટપટ તૈયાર થઈને એ શહેરથી દૂર આવેલા 'જીવન સંધ્યા' વૃદ્ધાશ્રમ પહોંચ્યો. ત્યારે આખો  જીવનસંધ્યા પરિવાર રામજીભાવાળા રૂમમાં એકઠો થયેલો હતો.


ભીડમાંથી કોઈ બોલ્યું પણ ખરું "લો ટાણાસર એમનો દીકરો પણ આવી ગયો.


ભીડને વીંધીને મયંક જ્યારે રામજીભા પાસે પહોંચ્યો ત્યારે ગંગાજળના તાજા ઉતરેલા રેલા અને તુલસીપત્ર ડોસાના બોખાસ્મિતને શોભાવી રહ્યા હતા...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ