વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેનિલા જિંદગી

વેનિલા – જિંદગી

 

‘મારે હેપ્પીનેસ સ્પેશ્યલ જ...!’

‘મારે તો યમ્મી કસાટા...’

‘મારે ફેન્ટાસ્ટીક ફ્યુઝન’

‘મારે બીચ બટરસ્કોચ...!’

આઠ જણાના પરિવારમાં એક પછી એક આઇસ્ક્રીમના ઓર્ડર્સ લખાઇ રહ્યા હતા.

હેપ્પીનેસ ફ્લેવર્સ પાર્લરના આઇસ્ક્રીમ શહેરમાં ખૂબ જ ફેમસ હતા. પ્રેમી પંખીડા હોય કે સ્વાદના શોખીન દરેકના હૈયામાં પ્રેમની ઠંડક પ્રસરાવી દે તેવી અલગ અલગ વેરાઇટીઝ અદભૂત હતી. અનેક લોકો તો જાણે તેના વિવિધ આઇસ્ક્રીમના વ્યસની બની ગયા હોય તેમ સમયાંતરે તેની સ્પેશ્યલ ફ્લેવરનો ટેસ્ટ અચૂક લેવા આવતા. ક્યાંય ન જોયા હોય તેવા આઇસ્ક્રીમની ઘણીબધી વેરાઇટી અને સાથે આહલાદક સ્વાદ આ પાર્લરની આગવી ઓળખ હતી.

ગોયાણી પરિવારના બધા સભ્યો આજે આઇસ્ક્રીમની મજા માણવા પોતપોતાની ખુરશીમાં ગોઠવાઇ ગયા હતા અને સામે ઉભેલા વેઇટરને એક પછી એક પોતાની પસંદગીના ફ્લેવરના ઓર્ડર આપી રહ્યા હતા.

‘પપ્પા તમારે...?’ વિનિતાએ પપ્પા સામે જોયું.

‘મને તો ગમે તે ફાવશે...!!’

‘તો’ય તમારી ખાસ પસંદ?’

મનુલાલે મેનુમાં માથુ ઘુસાડ્યું માથુ ખંજવાળીને કહ્યુ, ‘કાજુદ્રાક્ષ...!’

‘પપ્પા તમને નથી લાગતું કે તમે વધુ ઓલ્ડ ફેશનનો અને ઓલ્ડ ટેસ્ટનો આઇસ્ક્રીમ મંગાવી રહ્યા છો?’ વિનિતાએ પપ્પાની પસંદ પર કોમેન્ટ કરી તો બાજુમાં બેસેલા કશ્યપે એક કતરાતી નજર વિનિતા પર ફેંકી.

‘હા... બેટા...! અમારા સમયે આ એક જ ફ્લેવર ફેમસ હતી... હવે નવી પેઢીના નવા ટેસ્ટ અમને ક્યાં ફાવે ?’

આ સમયે કશ્યપની તીખી નજર ફરી એકવાર વિનિતા પર મંડરાઇ અને વિનિતાએ વધુ વિચાર્યા વિના કાજુદ્રાક્ષનો ઓર્ડર લખાવી દીધો.

‘અને મમ્મી તમારે..?’

મમ્મી તો વૈભવી એસી પાર્લરની આજુબાજુની દિવાલ પર લાગેલા રંગબેરંગી આઇસ્ક્રીમના ફોટા પર નજર ફેરવી રહી હતી. તેનું ધ્યાન વિનિતા તરફ નહોતું એટલે તેની બાજુમાં બેસેલા મનુલાલે કહી દીધું, ‘એને તો વેનિલા જ હોં... એને કોઇ ફ્લેવર ફાવતી જ નથી.’

‘પણ મમ્મીને તો પસંદ કરવા દો’ને પપ્પા...!!’ વિનિતાએ ફરી પપ્પાના ઓર્ડરની સામે તરત જ રીએક્શન આપ્યું જે કશ્યપને ન ગમ્યું એટલે કશ્યપની નજર વધુ તીખી બની અને શબ્દો પણ નીકળ્યા, ‘વિનિતા, મમ્મીને તો કોઇપણ ફ્લેવર્સ નહી ભાવે. તું તારો ઓર્ડર લખાવી દે.’ વિનિતા કશ્યપના શબ્દો અને તેની નારાજગી સમજી ગઇ એટલે તેને પોતાનો મનભાવતો  ‘હેપ્પીનેસ કપલ કપ્સ’નો ઓર્ડર લખાવીને ચુપ થઇ ગઇ.

હેપ્પીનેસ કપલ કપ પણ આ આઇસ્ક્રીમ પાર્લરની ખાસીયત હતી. કપલ માટે તે સ્પેશ્યલ હતો અને અલગથી સર્વ થતો હતો....  સ્ટ્રોબરી પિન્ક સ્કુપ અને વેનિલા સ્કુપ પર ડ્રાયફ્રુટસ, જેમ્સ, ચેરી અને રંગબેરંગી ટોપીંગ…. વળી, તે સ્પેશ્યલ કપલ સ્પૂન સાથે જ આપવામાં આવતો હતો.

કશ્યપ અને વિનિતાની પ્રથમ મેરેજ એનીવર્સરી હતી એટલે બધા એકસાથે આઇસ્ક્રીમ પાર્ટીમાં જોડાયા હતા.  

બધાના ઓર્ડર્સ ધીરે ધીરે સર્વ થવા લાગ્યા અને દરેકને પોતપોતાનો મનપસંદ ટેસ્ટ મળતા તેના સ્વાદમાં બધા ખોવાઇ ગયા.

મનુલાલે તો કાજુદ્રાક્ષનો કપ હાથમાં આવતા જ મોટી મોટી ચમચી ભરીને હોઇયા કરવાની શરૂઆત કરી દીધી હતી. આમ પણ તેમને નાસ્તો હોય કે જમવાનું  ફટાફટ પતાવી દેવાની જ આદત હતી. બાજુમાં બેસેલા રમાબેન તો થોડીવાર તેમને જોઇ જ રહ્યા. ‘એક ચમચી ટેસ્ટ તો કર...!!’ એવું તો તેમને આખી જિંદગીમાં ક્યારેય પૂછ્યું પણ નહોતું તો આજે પણ કોઇ આશા રાખી શકાય તેમ નહોતી.

રમાએ ધીરે ધીરે તેમને પોતાના વેનિલા કપમાંથી એક ચમચી આઇસ્ક્રીમ લીધો... ત્યાં જ કશ્યપ-વિનિતાના સ્પેશ્યલ હેપ્પીનેસ કપલ કપ્સ આવ્યા. દિલ આકારના ગુલાબી અને સફેદ આઇસ્ક્રિમના બે એકમેકની પાસે ગોઠવાયેલા સ્કૂપ તેની ઉપર નાની નાની બે રંગબેરંગી છત્રીઓ અને આઇસ્ક્રીમ ઉપરથી ઠંડી ઠંડી વરાળ નીકળી રહી હતી..

‘કોઇવાર આપણે પણ આવો આઇસ્ક્રીમ ખાવો જોઇએ નહી?’ રમાએ ધીરેથી કોઇને ન સંભળાય તે રીતે કાજુદ્રાક્ષમાં રચ્યાપચ્યા મનુલાલને કહ્યું.

મનુલાલ તો પોતાની સ્પૂન પર ચોટેંલો થોડો કાજુદ્રાક્ષ આઇસ્ક્રીમ ચાટવામાં જ મશગૂલ હતા. રમાની નજર તેમની તરફ મંડરાઇ રહી હતી મનુલાલે પરાણે પ્રતિક્રિયા આપવી પડી. તેમને રમાના આઇસ્ક્રીમ કપ તરફ જોઇને કહ્યું, ‘તેં હજુ આઇસ્ક્રીમ શરૂ પણ નથી કર્યો...? જલ્દી કર નહિતર ઓગળી જશે.’  તેમના મોંમા આઇસ્ક્રીમથી ઠંડક ભલે પ્રસરી હોય પણ શબ્દોમાં લાગણીની કોઇ ભીનાશ રમાને સંભળાઇ નહી એટલે તેને પોતાના વેનિલા આઇસ્ક્રીમ તરફ નજર ફેરવી લીધી.

પોતાનો વેનિલા આઇસ્ક્રીમ પીગળી રહ્યો હતો... જો કે પોતાની જિંદગી પણ આમ વેનિલાની જેમ જ કોઇ ફ્લેવર વગર ધીરે ધીરે ઓગળી જ ગઇ હતી’ને...? પોતાની ઉભરતી જિંદગીમાં સમજણનું ફળ પાકે ત્યારે તો તેના લગ્ન લેવાઇ ગયા હતા. લગ્ન પછી પંદરેક વર્ષ સુધી ગામડામાં ઘરડા સાસુ સસરાને સાચવવાની જવાબદારી અને શહેરમાં નોકરી કરતા મનુલાલ ઉર્ફ મનસુખે તો વહુને શહેરનો સહેજે’ય શોખ નથી તેવી રીતે ગામડે જ રાખી હતી. મોટી ઉંમરે સસરાનું હૃદયરોગથી અવસાન અને પછીના વર્ષે જ સાસુએ પણ વિદાય લીધી ત્યાં સુધી તો રમાની જિંદગીના કેટલાય સ્વાદ તો કરમાઇ ગયા હતા.. બે દિકરાને સાચવવાની જવાબદારી જાણે રમાના એકલા શીરે હોય તેમ જ જિંદગી વિતાવી હતી. બારમા ધોરણ પછી મોટા દિકરાના ભણતર માટે શહેરમાં આવ્યા તો ખરા પણ રમાને તો ઘરની ચાર દિવાલો જ નસીબ હતી. તે દિવાલોની બહાર શહેર હોય કે ગામડું તેનો રમાને ક્યારેય કોઇ ફર્ક નહોતો પડ્યો. આખો દિવસ એકધારી જિંદગીમાં દા’ડા કપાયે જતા હતા.

ઘરનું ઘર ધીરે ધીરે ગોઠવાયું અને ત્યાં મોટા દિકરાના લગ્ન લેવાયા. એને બે દિકરા અને પછી નાના દિકરા કશ્યપના લગ્ન...! સમય ઝડપથી વિતિ રહ્યો હતો અને આખા પરિવારમાં બધા પોતપોતાની મનગમતી ફ્લેવર પ્રમાણે જિંદગી જીવી રહ્યા હતા. રમાને તો ફક્ત બધાની ફ્લેવર સાચવવાની જ હતી અને બધાની ફ્લેવર સાચવતા સાચવતા પોતાની જિંદગી સાવ વેનિલા જેવી જ બની ગઇ હતી.... કોઇપણ ફ્લેવર કે રંગ વગરની...!!

ઓળગતા વેનિલા આઇસ્ક્રીમ કપના એક ખૂણેથી રમાએ રબડી જેવો બની ગયેલો દૂધનો ભાગ ચમચીમાં ભર્યો અને ઘુંટડો ભરીને જીભના ધક્કાથી ગળાની નીચે ઉતાર્યો.

‘તને ક્યારનો’ય કહું છું કે જલ્દી કર નહિતર આઇસ્ક્રીમ ઓગળી જશે... અને એમાં’ય વેનિલા તો જલ્દી ઓગળી જાય..!’ મનુલાલે રમાના ઓગળી રહેલા આઇસ્ક્રીમ તરફ નજર નાખતા કહ્યું.

રમાએ જોયું તો બધા પોતપોતાના મનપસંદ આઇસ્ક્રીમની લિજ્જત માણી રહ્યા હતા. તે અનુભવી રહી હતી કે બધાની જિંદગીનો ટેસ્ટ સાચવવતા સાચવતા પોતાની જિંદગીનો ટેસ્ટ ક્યારે ભૂલાઇ ગયો તેની ખબર જ ન રહી....!  અને તે સમજી ગઇ હતી કે વેનિલા જેવી જિંદગી હોય કે વેનિલા આઇસ્ક્રીમ ઓગળી તો જલ્દી જ જાય છે...!

આ સમયે  જ બીજા કોઇ અજાણ્યા પરિવારના કેટલાક સભ્યો પાર્લરમાં દાખલ થયા.

બધા પોતપોતાના મનપસંદ ફ્લેવર્સના આઇસ્ક્રીમ મંગાવી રહ્યા હતા...અને ત્યારે કોઇકે પૂછ્યું, ‘મમ્મી તારે તો વેનિલા જ ને...??’

પેલી આધેડ સ્ત્રી પાર્લરની દિવાલ પર દોરેલા રંગબેરંગી ચિત્રો જોઇ રહી હતી અને ત્યાં કોઇકે કહી દીધું, ‘મમ્મીને કોઇ બીજી ફ્લેવર ક્યાં ભાવે છે ?’ અને તેની કોઇ સંમતિ વિના જ વેનિલાનો ઓર્ડર પણ અપાઇ ગયો.

રમા અને તે સ્ત્રીની આંખો મળી....!  ક્ષણવારમાં જાણે બન્ને એકબીજાના મનોભાવને પામી ગયા હોય તેમ જોઇ રહ્યા. રમાના હાથમાં લટકતી સ્પૂનમાં ઓગળી રહેલા વેનિલાને જોઇને તે પણ સમજી ગઇ હતી કે આપણી જિંદગીની મનપસંદ ફ્લેવરને ભૂલીને આપણી જિંદગી વેનિલા જેવી ક્યારે બની ગઇ તેની તો ખબર જ ન રહી....!!

 

લેખક

ડૉ. વિષ્ણુ પ્રજાપતિ, કડી          

      

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ