વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનવતાની મીઠાશ

              "  માનવતાની મીઠાશ " 

           

   ‌

        પ્રવાસ એટલે સભ્યતા અને સામ્યતા નું સરવૈયું. પ્રવાસ એટલે સ્વાસ્થ્ય અને સ્વભાવની સાફસૂફી. પ્રવાસ એટલે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમાગમ. પ્રવાસ એટલે સદભાવના અને સહકાર નું સામૈયું . પ્રવાસ તન અને મનને પાવન કરે છે, એવું પોયણી અને પવન માનતા હતા. પવન અને પોયણી એટલે ઉત્સાહ અને ઉમંગથી તરબતર યુગલ. બંનેને ફરવાનો, જોવાનો, માણવાનો અને પામવાનો ખૂબ જ ઉત્સાહ. જેવી રીતે ચોપડીને  બુક સેલ્ફમાં રાખવામાં નહીં પરંતુ વાંચવાની મજા છે, તેવી જ રીતે જિંદગીને એક જગ્યાએ જકડી રાખવામાં નહીં પરંતુ વિવિધ જગ્યાએ વહેતી રાખવામાં મજા છે.

 

      પવન અને પોયણી મધ્યમવર્ગનાં સમજુ દંપતી હતા. તેમણે લગ્ન સાદાઈથી કર્યા પછી ૨૧ દિવસના ભારત પ્રવાસે તેઓ ઉપડી  ગયા. ધીરે ધીરે ચાર પાંચ વર્ષમાં તેમણે ભારત દર્શન ઘણું ખરું કરી લીધું. પછી ધીરે ધીરે તેમણે વિદેશ પ્રવાસ શરુ કર્યા. નેપાળ, સિંગાપુર, મલેશિયા જેવા વિદેશ પ્રવાસ થી તેમનો માનસિક વિકાસ મજબૂત થતો ગયો. વિદેશી સંસ્કૃતિ, ખોરાક, રીતભાત, પરંપરા તથા પર્યાવરણ તેમને વધુ ને વધુ માનવીય તથા શિક્ષિત કરતા ગયા. બંનેએ  યુરોપ પ્રવાસ નું નક્કી કર્યું.  તેમણે યુરોપ પ્રવાસ ની માહિતી એકત્ર કરવા માંડી. જે લોકો પ્રવાસ નથી કરતા તે લોકો  માનસિક પરિભ્રમણ વધુ કરે છે, તેવા ઘણા સગાવ્હાલા તેમને મળવા આવ્યા. જેટલા સગા તેટલી સલાહો તેમને મળવા માંડી.  સગાવ્હાલા એ પોતાની કલ્પનાની દુનિયાને વાસ્તવિક દુનિયામાં વિહાર કરવા  મૂકી દીધી હતી. સગાવ્હાલા એ પરિવાર પ્રેમથી પ્રેરાઇને અનેક ભાષણો આપ્યા. ગોરા લોકો અક્કડ અને ઉદ્ધત હોય છે! અતડા સ્વભાવના હોય છે ! આપણી ઘઉં વર્ણી  પ્રજા માટે રાગ દ્વેષ હોય છે! અંગ્રેજી પ્રજા તો ખૂબ અભિમાની જરાય વાત ના કરે! લંડનમાં સાચવજો ત્યાંની પ્રજા તો માર્ગદર્શન પણ ના આપે! સ્મિત પણ ના આપે!  વિદેશી પ્રજા જરાપણ ભરોસાપાત્ર નથી! આવી  વાતોથી દંપતીને થયું કે, વિદેશ પ્રવાસ આનંદ માટે કરી રહ્યા છીએ પરંતુ અઘરો થઈ પડશે. પછી વિચાર્યું કે, આપણે તો આયોજિત ટૂરમાં જઈએ છીએ. બધા ભારતીયો જ છે. એકબીજાની હૂંફ રહેશે તેથી મુશ્કેલી નહીં પડે. ભારતીય તો માયાળુ , દયાળુ અને પરગજુ હોવાની પુરેપુરી શક્યતા છે!

         

          પ્રવાસની શરૂઆત રંગીન નગરી પેરિસના દર્શનથી થઈ. પ્રથમ દિવસે જ 'સેન' નદીના ધસમસતા પાણીમાં હાઉસ બોટ માં બેસી, ફ્રાન્સના સ્થાપત્યને માણતા પ્રવાસીઓની આંખો ચકાચૌંધ થઈ ગઈ. બપોરે માનવ રચિત એફિલ ટાવર ની મુલાકાત યાદગાર રહી ગઈ. કુદરતી સૌંદર્ય સામે માનવ રચીત સ્થાપત્યો અહીં તાલ થી તાલ મિલાવતા જોવા મળ્યા. પેરિસ નું સૌંદર્ય આંખોથી જ માણવાનું હતું કારણ કે, અહીં અંગ્રેજી ભાષાનું ચલણ સાવ ઓછું હતું તેથી વાતચીતને ખાસ અવકાશ ન હતો. પેરિસની ચકાચૌંધ રોશની નો નજારો રાત્રે કંઈક અલગ જ હતો. રોશનીમાં  સ્નાન કરતા મુસાફરોને દિવસ કે રાત વચ્ચે અંતર જ ન લાગ્યું. પેરિસમાં જાણવા મળ્યું કે, અહીંની પ્રજા સાંજે ઓફિસથી આવી સ્નાન કરી, સીધી ઘરની બહાર નીકળી, સંધ્યાના સલુણા રંગો માણે છે. ઘરમાં બેસી ટી.વી. જોયા નથી કરતી. બીજે દિવસે ફ્રાન્સના પ્રખ્યાત પર્ફ્યુમ ની ખરીદી માટે પ્રવાસીઓ ઉપડ્યા. દુકાનદારે ભારતીય પ્રવાસીઓને જોઈ તૂટક તૂટક અંગ્રેજીમાં રમત રમાડી. તેણે એક ગીત ગાયું, "ઇચક દાના.. બિચકદાના.. દાને ઉપર દાના." પછી પૂછ્યું , "આ ગીતમાં કયા કલાકારો હતા?" પોયણીએ તરત જ જવાબ આપ્યો કે, "રાજ અને નરગીસ". દુકાનદારે તરત જ મોટું પેક 'ડાયના પર્ફ્યુમ' પોયણીને ભેટ આપી દીધું.  દિલથી આપેલી, નાની નહીં પણ મોટી પરફ્યુમની બોટલ ની ભેટથી યુગલ ખુશખુશાલ થઈ ગયું. આ વિદેશી પ્રવાસી છે, એવા કોઈ ભેદભાવ ત્યાં ન હતા. પ્રેમથી આપેલી  ભેટ  પ્રાપ્ત કરી પોયણી અને પવન પ્રસન્નતાથી ઝૂમી ઊઠ્યા. પ્રવાસીઓનો કાફલો ફ્રાન્સ ના પ્રખ્યાત 'લૌવર' મ્યુઝિયમને જોઇ આગળ વધ્યો. 'મોનાલીસા' ના સુંદર સ્મિત ને તેમણે કચકડામાં કંડારી લીધું. પોયણીને પવને કીધું , "તારું સ્મિત કંઈ  'મોનાલીસા' થી કમ નથી ત્યારે  પોયણી સરોવરમાં કમળ ખીલી ઊઠે તેવી રીતે ખીલી ઉઠી."

         

          રસ્તામાં પ્રકૃતિ નો દબદબો જોતા જોતા પ્રવાસીઓ 'ઓસ્ટ્રિયા' પહોંચ્યા. રસ્તામાં પહાડોના પ્રતિબિંબ સરોવરોમાં એવાં ભળી જતા હતા કે કોઇ ભેદરેખા દોરી શકાય તેમ ન હતી. ક્યાં પહાડ ની તળેટી છે?  ક્યાં સરોવરની સપાટી છે? તે નક્કી કરવું મુશ્કેલ હતું. અહીં સમજાયું કે, પ્રકૃતિને તો કોઈ પરિભાષા જ નથી. ફક્ત શાંતિ અને સુગંધ, આશ્ચર્ય અને અનુભૂતિ. રાત્રે એક રેસ્ટોરન્ટમાં ભોજન લેતાં પ્રવાસીઓએ એક વૃદ્ધ દાદાને કોઇ વાજિંત્ર વગાડતા જોયા. બે ત્રણ પ્રવાસી મહિલાઓ વૃદ્ધના વખાણ કરવા, તેમને મળવા ગઈ. વૃદ્ધે તેમને સોનેરી સિક્કો ભેટ આપ્યો. સવારે ખબર પડી કે તે ખરેખર સાચા સોનાના સિક્કા હતા!  આવી દરિયાદિલી અજાણ્યા પ્રવાસીઓ માટે! બધાને આશ્ચર્ય થયું કે, વૃદ્ધ દાદાએ કઈ જ ના વિચાર્યું ! કાળા-ધોળા, મારા-તારા, દેશી-વિદેશી!

         

             પ્રવાસ આગળ વધ્યો. આખા રસ્તામાં પીળા ફૂલોની જાજમ પથરાયેલી જોવા મળતી હતી. બસના ગાઇડે પ્રવાસીઓને એકજૂથ કરવા માટે માઇકમાં કહ્યું કે, 'કોઈ ગીત, કોઈ પ્રસંગ, કોઈ ટુચકો, કોઈ જોક્સ આપણામાંથી કોઈપણ આગળ આવી માઈકમાં રજૂ કરી શકે છે.'  પરંતુ પ્રવાસીઓ પોતાના પરિવારમાં જ મસ્ત હતા. બીજા સામે જોવાનું કે વાત કરવાનું પણ ટાળતા હતા. ફક્ત પોયણીએ આગળ આવી માઇક માં ગીત ગાયું કે, 'હવા કે સાથ સાથ... ઘટાકે  સંગસંગ.. ઓ સાથી ચલ...'  ફક્ત ગુજરાતી પરિવારો એ  તાળીઓ પાડી ને અભિવાદન કર્યું. ટૂંકમાં પ્રવાસી બસમાં ભારતીય પ્રવાસીઓ વચ્ચે પણ રાજ્ય પ્રમાણે જૂથ બંધી હતી!

         

          પછી શરૂ થયો રોમનો  ઐતિહાસિક પ્રવાસ. ભવ્ય સ્થાપત્યો, ભયંકર ટ્રાફિક વચ્ચે બસમાંથી દેખાતા હતા. 'કોલેસયમ' ના તૂટેલા પથ્થરો કંઈ કેટલાય ઇતિહાસની ચાડી ખાતા હતા. પથ્થરો પણ પથ્થર દિલ માણસો વચ્ચે રહી નિઃશબ્દ બની ગયા હતા કારણ એ પણ હોઈ શકે કે, બૂલફાઈટ થી રક્ત રંગીન બનેલી જમીનમાં બીજું શું બોલવું? રસ્તામાં ૭૦% ગાડીઓ સ્ત્રીઓ ચલાવતી બસના કાચ માં થી દેખાતી હતી. પોયણીએ મનમાં વિચાર્યું કે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરવાથી સ્ત્રી સશક્ત બની જતી નથી. તેના માટે  વિચાર, વ્યવહાર અને વાતાવરણ જોઇએ. 'પિસા'ના ઐતિહાસિક ઢળતા મિનારા પાસે પહોંચ્યા ત્યારે પોયણીને  ત્યાંનો રંગીન માસ્ક યાદગીરી માટે ખરીદવાનું મન થયું . તે એક દુકાનમાં પ્રવેશી, ત્યાં ઉભેલી સ્ત્રી એ કહ્યું, "We are closed". સાંજના પાંચ વાગી ગયા હતા તેથી તમામ દુકાનો ધડાધડ બંધ થવા માંડી હતી. પ્રવાસીઓનું ટોળું પણ વેપારીઓને આકર્ષી ન શક્યું! ભારતમાં એવી વિચારસરણી છે કે, 'લક્ષ્મી આંગણે આવી છે તો વધાવી લો' પરંતુ આવું કંઈ ત્યાં ન બન્યું! બંધ એટલે બંધ. ત્યાંની સમયની શિસ્તબધ્ધ પ્રવાસીઓને ચમકાવી   ગઈ.

પવન બોલ્યો, "આ લોકો એવું વિચારે છે કે, ફક્ત પૈસા કમાવા જ અગત્યના નથી. કુટુંબ પણ મહત્વનું છે."  ટૂંકમાં બંધ થતી દુકાનોમાં કામ કરતી વ્યક્તિઓને પોતાના પ્રિયજન પણ યાદ કરતા હોય છે, ઘરે રાહ જોતા હોય છે.

પોયણી બોલી, "ખરી વાત વ્યવસાય સિવાય પણ વ્યક્તિગત જીવન હોય છે. હાલના વર્કકલ્ચરને આમાંથી પદાર્થ પાઠ લેવા જેવો ખરો."

          ખરીદી ન કરી શકનાર પ્રવાસીઓને ટુરિસ્ટ ગાઇડે  આઈસ્ક્રીમ ની મજા કરાવી. ઘણા પ્રવાસીઓ એ જુદા જુદા આઈસ્ક્રીમના ટેસ્ટ કર્યા ત્યારે પવન અને પોયણી એ નોંધ લીધી કે, વેનીલા આઈસ્ક્રીમ દરેક સાથે સરળતાથી ભળી જાય છે. જુદા જુદા  કોમ્બિનેશન કરવામાં તથા ટોપિંગ, મિક્સિંગ અને મેળવણી કરવામાં  તે સૌથી આગળ રહે છે. દૂધમાં સાકર ભળી જાય તેવી રીતે વેનીલા આઇસ્ક્રીમ દરેક માં ભળી જાય છે. અને એવો સંદેશો આપે છે કે, દરેક પરિસ્થિતિમાં પોતાને  શાંત ચિત્તે ભેળવી દો, મેળવી દો અને એના રંગે રંગાઇ જાવ. બસ, પછી મજા મજા જ છે. એવું કહેવાય કે, વેનીલા આઈસ્ક્રીમ એટલે મીઠો, મધુરો, સરળ, ઠંડો અને ખુશમિજાજ. હા, ખિસ્સાને પણ પરવડે તેવો થોડો સસ્તો પણ ખરો.

          જર્મનીના જંગલમાં 'કુકુ કલોક' જોઈ પ્રવાસ સ્વીઝરલેન્ડ તરફ આગળ વધ્યો. જર્મનીમાં નોકરી કરતા રેખાબેન પ્રવાસીઓ સાથે  બસમાં જોડાયા . તેમના સાસુ સસરા આ પ્રવાસમાં મુસાફરી કરી રહ્યા હતા. પોયણીએ તેમની જોડે પરિચય કેળવ્યો. પોયણી  સ્વિઝરલેન્ડની પ્રખ્યાત ચોકલેટો ખરીદવા માંગતી હતી. તેણે રેખાબેનને બ્રાન્ડેડ ચોકલેટ ના નામ ચિઠ્ઠીમાં લખી આપવા વિનંતી કરી. રેખાબેને પાંચ જાણીતી બ્રાન્ડની ચોકલેટ ના નામ પોયણીને લખીને આપી દીધા. પોયણી રાજી થઈ ગઈ કે, દુકાનોમાં ખોટો સમય બગડશે નહીં અને સારી ચોકલેટો ઝડપથી ખરીદવા મળશે . રેખાબેને  વધુમાં જણાવ્યું કે, 'કુપ' નામના સ્ટોરમાંથી ખરીદી કરશો તો સસ્તા ભાવે ચોકલેટો મળશે. પવને બારીમાંથી જોયું કે, સ્વિટ્ઝર્લેન્ડ માં  સાયકલ વીરો માટે અલગ રસ્તા બનાવેલા જોવા મળતા હતા. આનાથી પર્યાવરણની પણ જાળવણી થાય અને સ્વાસ્થ્યની પણ જાળવણી થાય. ખૂબ અદ્ભુત વિચાર અને તેનો અમલ જોવા મળ્યો. જીનીવાને 'પીસ કેપિટલ' કહે છે.  ત્યાં લહેરાતા વિશ્વના રાષ્ટ્ર ધ્વજ 'વસુદેવ કુટુંબકમ' ની ભાવનાની જ્યોત પ્રસરાવે છે અને દર્શાવે છે કે, 'વિશ્વ એક પરિવાર છે'.  સ્વિટ્ઝર્લૅન્ડ વિશ્વને પ્રેમ ,શાંતિ ને સહયોગનો સંદેશ આપે છે. 'Top of the Europ' શિખર ઉપર ભારતીય રેસ્ટોરન્ટ 'હોલીવુડ' નું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. બર્ફીલી ચાદરમા લપેટાયેલા શિખરોનુ સૌંદર્ય ખૂબ સમૃદ્ધ હતું. ફૂલોની ચાદરમાં લપેટાયેલા 'લુસાન' અને 'ઈન્ટરલેકન' માટે શબ્દોની અછત વર્તાય. નોંધનીય બાબત એ હતી કે, સ્વિસ 'રાડો'  કીંમતી ઘડિયાળોએ પ્રવાસીઓને નયન સુખ આપ્યું જ્યારે જર્મનીની 'કૂકૂ કલોકે'  સામાનમાં સ્થાન જમાવ્યું.

         

          'લુસાન' માં  શીતળ લહેરાતી હવામા યુગલ ખોવાઈ ગયું. ત્યાં પોયણીને ચોકલેટ યાદ આવી. તેણે પોતાનું લિસ્ટ કાઢ્યું. આજુબાજુ નજર દોડાવી કે, 'કૂપ' સ્ટોર ક્યાં હશે? રસ્તામાં સફેદ ફ્રોક પહેરેલી એક  ત્યાંની જ રહેવાસી મહિલા પોતાની બાળકી સાથે થતી જોવા મળી. પોયણીને ત્યાંની ભાષા ખબર ન હતી. તેણે પેલી મહિલાને 'કૂપ ' તથા 'ચોકલેટ ' બે જ શબ્દો કીધા. ફક્ત બે શબ્દોમાં જ સફેદ વસ્ત્ર વાળી મહિલા પોયણી શું કહેવા માંગે છે તે સમજી ગઈ.  તેણે ઘડિયાળ જોઈ.  તેણે આંખો ની ભાષા નો ઉપયોગ કરી ઈશારો કર્યો કે, સીધા જાઓ અને જલ્દી જાવ. પોયણી સમજી ગઈ કે , અહીં પણ પાંચ વાગ્યાનો કાયદો લાગે છે!  પછી સફેદ વસ્ત્રધારી મહિલાએ મનમાં કંઈક વિચાર્યું કે, આ પ્રવાસી છે. તેમને  રસ્તો જલ્દી મળશે નહીં. પોતાને પાછળ ફોલો કરવાના ઈશારા સાથે મહિલા બાળકીને ઘસડતી દોડવા લાગી. બાળકીના હાથમાં મોટી  'વેનીલા આઈસ્ક્રીમ' ની સોફ્ટી હતી. બાળકીના હોઠ તથા હોઠની બાજુનો ભાગ વેનીલા આઈસ્ક્રીમ ના સફેદ રંગથી રંગાયેલો હતો. ઘસડાવા ને કારણે બાળકીનો આઇસ્ક્રીમ પ્રસરવા લાગ્યો, પીગળવા  લાગ્યો અને ફ્રોક ઉપર પણ રેલાવા પણ માંડ્યો હતો. ૧૦ મિનિટ ની ભાગદોડ પછી 'કૂપ' સ્ટોર દેખાયો. મહિલા અટકી તેણે ઘડિયાળ બતાવી ને અંદર જવા ઈશારો કર્યો. પોયણીએ સ્મિત સાથે તેને આવજો કહેવા હાથ હલાવ્યા. પોયણી 'થેન્ક્સ 'કહી સ્ટોરમાં દોડી. સ્ટોરમાં કાઉન્ટર ઉપરથી લેડી બોલી, 'ક્લોઝિંગ' ..ફાસ્ટ.. પોયણી  ઝડપથી ટ્રોલી  ખેંચી લાવી અને તેણે ઝડપથી ચોકલેટ નું લિસ્ટ બહાર કાઢ્યું. ઝડપથી તેણે પાંચ બ્રાન્ડની ચોકલેટો ટ્રોલીમાં ભરી દીધી અને બીલ ચૂકવી દીધું. ૧૦ મિનિટમાં ખરીદી પતી ગઈ અને તેઓ બહાર આવી ગયા. જેવા બહાર આવ્યા ત્યાં શટર પડી ગયું. પોયણીએ બહાર નજર દોડાવી પરંતુ સફેદ વસ્ત્ર વાળી મહિલા ત્યાં ન હતી.  ફક્ત વેનીલા આઈસ્ક્રીમનો આખો સ્કૂપ પીગળેલો  તથા રેલાયેલો ત્યાં રસ્તા પર હતો. તેમાંથી  સુંદર મજાનું સફેદ વસ્ત્રધારી સ્ત્રીનું  'સ્મિત' દ્રશ્યમાન થયું. આજુ બાજુ પડેલા વેનીલા આઈસ્ક્રીમ ના ટપકા માંથી  'હેપી' ? એવો સવાલ તેને પૂછવામાં આવતો હોય તેવો તેને ભાસ થયો. પોયણીનું મુખારવિંદ સ્મિતથી તરબતર થઈ ગયું, 'વેનીલા આઇસક્રીમ' ખાધા વગર! ભાષાના કોઈ બંધન આ અજાણ્યા સંબંધને નડ્યા નહિં. મુક ભાષા એકબીજામાં ભળી ગઈ,  મળી ગઈ અને દિલને અડી ગઈ. પોયણીએ એક ચોકલેટનુ રેપર ખોલી કટકો મોંમાં મૂક્યો પરંતુ તેના ગળપણ કરતા  પેલી મહિલાની આંખોમાંથી ટપકતા અમૃતની યાદ તે ચોકલેટને વધુ મીઠી બનાવી ગયું.

        

           પ્રવાસીઓ છેલ્લે  લડંન ગયા.  લંડનના  દર્શન દરમિયાન  કોહિનૂર હીરા ના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી. પોયણીને તે જોવામાં રસ ન હતો કારણ કે , તે જાણતી હતી કે તેમાં સુખ કરતા દુઃખ વધુ મળશે. રાણીના મહેલ પાસે ઉભેલા પુતળા જેવા સૈનિકો ઉપર પણ પોયણીને દયા આવી ગઈ. થેમ્સના કિનારે આવેલા લંડન  બ્રિજના દર્શન કરી પ્રવાસીઓ પાછા પ્લેનમાં ગોઠવાયા. સમગ્ર પ્રવાસ દરમિયાન સાથે રહેલા પ્રવાસીઓ, એક બીજા ના ટેલીફોન નંબર તથા સરનામાની આપ-લે કરવા લાગ્યા. ૨૧ દિવસમાં પરિચય ના કેળવાયો તે હવે ફોનથી કેળવાશે !

         

          પ્રવાસે પોયણીને  બેગ ભરીને યાદો આપી. પોયણી પ્લેનમાં બેઠા બેઠા યુરોપ પ્રવાસ ની યાદો ના સફર પર ઉપડી ગઈ. પવન પણ હજી સ્વીઝરલેન્ડ શીતળ પવન માં વિહરતો હોય તેમ શાંત ચિત્તે બેઠો હતો. પોયણીના મનમાંથી પેલી સફેદ વસ્ત્ર વાળી દેવદૂત  મહિલા ખસી ન હતી. તે વિચારતી હતી, કોણ હતી એ ગોરાવાન વાળી નારી ? શા માટે બાળકીને તેણે ઢસડી ? શા માટે બાળકીનો 'વેનીલા આઈસ્ક્રીમ' તેણે જવા દઈને તેને મદદ કરી? વધુમાં કોના માટે તેણે ઘઉંવર્ણી પોયણીને મદદ કરી? ભારતમાં તો લોકો કહેતા હતા કે, ગોરી પ્રજા કોઈ ને મદદ ના કરે! તો શું આ ચમત્કાર હતો ? તેના મને જ તેને જવાબ આપ્યો, આ માનવતા હતી.  માનવતાને કોઈ રંગ હોતો નથી , સ્વરૂપ હોતું નથી, સ્થળકાળ નડતા નથી. દરેક માટે તે સહજ પણ નથી. દરેકના દિલમાં આ જ્યોત પ્રગટેલી જરૂર હોય છે. ક્યાંક વધુ પ્રજવલિત હોય છે.  ક્યાંક બુઝાઈ ગઈ હોય છે."  અજાણી સ્ત્રી ની માનવતાની મહેક હજુ પણ પવન અને પોયણી ની આજુબાજુ ફરતી હતી અને તેમને સંમોહિત કરતી હતી.

          આવા વિચારોના વમળમાં ખોવાયેલા યુગલ ને  એરહોસ્ટેસે ડિસ્ટર્બ કયૉ. એર હોસ્ટેસની ટ્રે માં લન્ડન ના પ્રખ્યાત આઈસ્ક્રીમના ના કપ હતા. એર હોસ્ટેસે પૂછ્યું, " કઈ ફ્લેવર? સ્ટ્રોબેરી? ચોકલેટ ચિપ્સ? " યુગલ  એકીસાથે  સ્મિત આપી કહ્યું, "વેનીલા આઈસ્ક્રીમ."

         

         

         

         

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ