વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિવમંદિર



       "એય, ચાલને જલ્દી,  તું શું કરી રહી છે? તૈયાર થવામાં આટલી બઘી વાર કરે! તારે સ્કૂલે જઈને આ બધો સાજ-શણગાર કોણે બતાવો છે? "  ખભા પર બેગ લઈને હેતલના રૂમમાં આમ તેમ ઝડપથી ચાલતાં ચાલતાં નયના અકળાઈને બોલી.


      હેતલે અરીસામાં જોતાં જોતાં  તીણા પણ મીઠા અવાજે

એને જવાબ આપતા કહ્યું કે,  "લે નયના, તું તો કેવી વાતો કરે છે! સાજ-શણગાર કરીએ તો એ કોઈને બતાવા માટે જ થોડી હોય! આમ પણ મારા સાજ-શણગાર કરવાથી ફેર શું પડે? ક્લાસનાં બધા છોકરાઓ તને જ તો જુવે છે." 


       " ચાલ, ચાલ, આ બધા નાટક રહેવા દે અને જલ્દી કર, બાકી સર ક્લાસમાં બેસવા નહીં દે." નયનાએ ઘડિયાળમાં જોતાં જોતાં એને કહ્યું.

          

                                     ●◆●


          આ વાતચીત હતી નાનકડા અને સુંદર મજાનાં ગામડાંમાં રહેતી બે બહેનપણીઓની.


         એ સુંદર મજાનું ગામડું એટલે શ્રીનાથગઢ. ચારેય તરફ છવાયેલા લીલા ખેતરો અને તે ખેતરોની વચ્ચે બનેલા નાના-નાના ઘર મળીને શ્રીનાથગઢને કોઈ વૈદીકયુગના આર્ય ગામ જેવું સુંદર ગામ બનાવતા. ગામના લોકો પણ વૈદિકયુગના લોકોની જેમ પરસ્પર પ્રેમભાવથી રહેતા. નયના અને હેતલના પિતાજીના ખેતરો પાસપાસે આવેલા હતા, એટલે નયના અને હેતલ વચ્ચેનો પ્રેમભાવ તો સખીઓને બદલે બે સગી બહેનો જેવો હતો. ગામના પાદર પાસે

ખળખળ કરતી સરસ મજાની નદી વહેતી જેની સામે કાંઠે એક સુંદર શિવમંદીર આવેલું હતું. એ શિવમંદિર હેતલ અને નયના વચ્ચેના ભગિનીપ્રેમની સાક્ષી પુરી શકે એમ હતું.


       વાત જાણે એમ હતી કે, હેતલ અને નયના સવાર પડતાંની સાથે જ લીમડાનું દાતણ કરીને નદીએ નાહવા માટે પહોંચી જતી. બાળકો હોય અને પાણીને જોઈને મસ્તી જ કરે તો જ નવાઈ! એ બંને પણ એકબીજા સાથે મસ્તી કરતી અને પછી શિવમંદીરે જઈને પૂજા કર્યા બાદ ઘરે જતી. ઘરે પહોંચ્યા બાદ શિરામણ કરીને એ બંને ગામની વચ્ચે આવેલી નીશાળમાં ભણવા માટે પહોંચી જતી. નિશાળે જવા માટે રોજ નયના હેતલના ઘરે તેને બોલાવવા માટે જતી, નયના હેતલને બોલાવવા પહોંચે ત્યારે એ કયારેય સમયસર તૈયાર ન હોય, પરિણામે આપણે ઉપર જોયા એ મુજબના સંવાદ એ બંને વચ્ચે રોજ થતા.


      રોજ રોજ હેતલને લીધે શાળાએ પહોંચવામાં મોડું થવા છતાં નયના એ જ ઉત્સાહપૂર્વક એને બોલાવવા માટે પહોંચી જતી, એટલું જ નહીં પણ શાળા પુરી થયા બાદ બંને બહેનપણીઓ ગૃહકાર્ય પણ સાથે જ કરતી. કયારેક કયારેક તો બંને એકબીજાના ઘરે જમવા પણ બેસી જતી!


      એ બંને વચ્ચેની આવી જુગલબંધી વાંચીને તમને થતું હશે કે એ બંનેના સ્વભાવ એકબીજા સાથે ઘણે અંશે મળતા હશે, પણ હકીકતમાં એવું ન હતું.


     નયનાની વાત કરીએ તો એ એક્દમ શાંત સ્વભાવની:- કોઈ દિવસ ઝઘડામાં પણ કોઈ સામે ઉંચા અવાજે બોલે નહીં! એના એ ઋજુ સ્વભાવ પાછળ કદાચ એના શરીરનો દેખાવ પણ જવાબદાર હતો. તે નમણી અને સહેજ ભીનાશ પડતાં વર્ણની હતી. તેના ભીનાશ પડતા વર્ણને લીધે તે સહેજ લઘુતાગ્રંથિ અનુભવતી, પણ તેના શરીરની નમણાશ તેને શહેરની ભાષામાં બ્લેક બ્યુટીનું બિરુદ આપતી હતી, એ વાતથી એ કદાચ અજાણ હતી. તૈયાર થવાનો પણ એને કોઈ શોખ રાખ્યો ન હતો. અંતર્મુખી સ્વભાવ પણ એટલો કે હેતલ સિવાય બીજા કોઈ પોતાની ઉંમરના છોકરા કે છોકરી સાથે એ ભાગ્યે જ બોલતી.


       બીજી બાજુ હેતલ એટલે સિક્કાની તદ્દન બીજી બાજુ. જે વાતમાં કશું ન હોય એમાંથી પણ એ ઝઘડો ઉભો કરી લે. દૂધ જેવા વર્ણને લીધે એ કદાચ પોતાને ફિલ્મની હિરોઈન સમજતી હતી, એટલે એની દરેક વાતમાં એક અલગ મિજાજ દેખાઈ આવતો. બોલકણી તો એ એટલી બધી કે એની સાથે વાત કરનાર છોકરો પણ શરમાઈ જાય! અરીસા સામે જોઈને તૈયાર થયા કરવું તેમજ લોકોને ધમકાવવા એ બંને એના પ્રિય શોખ. નયના બ્લેક બ્યુટી હતી તો હેતલ ટોમ બોય હતી:-એક એવો ટોમ બોય જે હંમેશા બ્લેક બ્યુટીની રક્ષા માટે તૈયાર જ હોય. નિશાળમાં કોઈ નયનાને સહેજ પણ કશું કહે તો હેતલ એને ક્યાંય મૂકી આવે. પરીક્ષા ચાલતી હોય ત્યારે તો એ બંને રાતે પણ સાથે જ સૂઈ જતી.


                                 ●◆●


     " હેતુ, હવે તો જલ્દી તૈયાર થતા શીખ, તારે લીધે રોજ બસને બદલે રીક્ષામાં જવું પડે છે. "


    " તો એ સારું જ છે ને! મેં માંડ ઓળેલી પફ કટ હેરસ્ટાઈલ બસની ભીડમાં ખરાબ ન થઈ જાય. " હેતલ અરીસામાં જોતાં જોતાં ગાલ પર આંગળી મૂકીને નયનાને કહેતી.


      " કોલેજમાં કોઈને તારી પફ કટ હેરસ્ટાઈલમાં રસ નહીં, બસ કેન્ટીનમાં મળતા પફમાં જ રસ છે." 


       રીક્ષામાં બેસીને બાજુના ગામમાં આવેલી કોલેજમાં જતાં સમયે એ બંને બહેનપણી બાળપણથી ચાલ્યો આવતો શિવપૂજાનો નિયમ જાળવી રાખવા માટે શિવમંદિર પાસે થોડીકવાર માટે રીક્ષા જરૂર ઉભી રખાવતી, બાળપણથી કોલેજ સુધી એમને એમ સાથે રહેવાને લીધે હવે તો કેટલાક લોકો તેમને ચીડવવા માટે કહેવા લાગ્યા હતા કે , " રોજ મહાદેવના મંદીરે જઈને તમે બંને શું માંગો છો? ક્યાંક એક જ ઘરમાં બંનેના લગન થાય એવું તો નહીં માંગતા ને! "


      એ લોકોને જવાબ આપતા હેતલ કહેતી, " એ તો માંગ્યા વિના પણ ભોળાનાથ અમને આપશે, આત્મા અને શરીર અલગ થઈ શકે, પણ હું અને નયના નહીં."


●◆●


       જોકે સમય આગળ આજ દિવસ સુધી કયાં કોઈનું ચાલ્યું છે કે નયના અને હેતલનું ચાલી જાય! બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું, ત્યાં એક દિવસ એક એવી નાનકડી ઘટના બની જેને ઘણું બધું બદલી નાખ્યું.


      એ દિવસે નયનાને એની માસીની દીકરીના લગનમાં જવાનું હતું, એટલે એ કોલેજ જવાની ન હતી. સામાન્ય રીતે જયારે નયના કોલેજ ન જાય ત્યારે હેતલ અને હેતલ કોલેજ ન જાય ત્યારે નયના કોલેજમાં ગાપચી મારી દેતી, પણ એ દિવસે હેતલને કોલેજમાં એક અસાઈમેન્ટ સબમિટ કરવાનું હતું, એટલે એ એકલી કોલેજ પહોંચી ગઈ. નયના સાથે ન હતી એટલે હેતલ વર્ગખંડમાં તરુણની બાજુમાં બેઠી. તરુણ એના નામ મુજબ કદાચ કાયમી માટે તરુણાવસ્થામાં રહેવા માંગતો હોય એવો દેખાવ ધરાવતો હતો. કસરત વડે કસાયેલું શરીર, દૂધ કરતાંય ઉજળો વાન, નામ માત્રની હલકી મૂછ, લાંબા વાળ એને ટાઈગર શ્રોફ જેવો દેખાવ આપતા હતા. બોલવામાં એ પણ હેતલની જેમ વાચાળ હતો. બે યુવાન હૈયા, બે આકર્ષક વિજાતીય શરીર, બે વાચાળ વ્યક્તિ અને સાંજ સુધીનો સમય:- આટલા વાના કામદેવને તેમનો જાદુ ચલાવવા માટે પૂરતા હતા. કોલેજ પૂરી થવાના સમય સુધીમાં હેતલ અને તરુણ બંનેના હૈયામાં પ્રેમના અંકુર ફૂંટી ચૂક્યા હતા.


        બીજા દિવસે સવારે નયના હેતલને બોલાવવા માટે પહોંચી ત્યારે એ તૈયાર થઈને એની રાહ જોઈને જ બેસેલી હતી. બાળપણથી લઈને કોઈ દિવસ એવું બન્યું ન હતું એટલે નયના એને એ રીતે તૈયાર થઈને બેસેલી જોઈને બોલી, " ઓહો, શું વાત છે ! આજે મહારાણી સમયસર તૈયાર થઈને બેઠા છે! "


       એની વાતનો જવાબ આપવાને બદલે પલંગ પરથી ઉભા થઈને પોતાના વાળની લટ પાછળ તરફ કરતાં કરતાં હેતલ બોલી, " હું સમયસર તૈયાર થઈ ગઈ ને! હવે તું વાતોમાં સમય ન બગાડ. ચાલ, જલ્દી કર, બાકી કોલેજ પહોંચવામાં મોડું થશે. "


      એટલું બોલીને નયના કશું કહે એ પહેલાં હેતલ દરવાજાની બહાર નીકળી ગઈ એટલે નયના પણ જેમ વાછરડું ગાયની પાછળ દોરવાય તેમ એની પાછળ દોરવાય.

ઘરથી થોડેક દૂર સુધી હેતલ કશું બોલ્યા વગર હરખમાં ને હરખમાં આગળ ચાલતી રહી એટલે એને ટોકીને નયનાએ કહ્યું, " ઓહો મેડમ, આજે કોલેજ જવાની આટલી બધી ઉતાવળ કેમ છે? કોઈ રાજકુમાર મળી ગયો છે કે શું ? "


       નયનાની એ વાત સાંભળીને હેતલ ઉભી રહી ગઈ, નીચે જોઈને સહેજ હસી અને પછી બોલી, " હા, એવું જ છે. "


       " એટલે ? " હેતલનો એવો જવાબ સાંભળીને નયના બંને આંખો મોટી કરીને એને પૂછ્યું.


       નયનાના એ પ્રશ્નના જવાબમાં હેતલે એને તરુણ અંગેની બધી વાત કરી. તરુણ અંગે વાત કરતાં સમયે હેતલ એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ હતી, એટલે એને નયનાની આંખમાં આવી ગયેલા આંસુ ન દેખાયા બાકી કોલેજના પહેલા જ દિવસથી તરુણ નયનાની આંખમાં વસી ગયો હતો ,  એ વાત કદાચ તે સમજી જાત.


        એ પછીના કોલેજના વર્ષો ઝડપથી પસાર થવા લાગ્યા. નયના પહેલેથી જ અંતર્મુખી સ્વભાવની હતી, એમાં પણ હેતલ તરુણને પ્રેમ કરવા લાગી છે એ વાતની એને ખબર પડી ત્યારથી એ વધુ અંતર્મુખી રહેવા લાગી. એ કયારેય હેતલને કે તરુણને પોતાના દિલની વાત કહી ન શકી.


      હા, હેતલ જયારે તરુણની વાત કરે ત્યારે નયના ચિડાઈ જરૂર જતી, પણ એમ થવાનું કારણ હવે પોતે પહેલા કરતા નયનાને ઓછો સમય આપે છે, એ હશે, એમ વિચારીને હેતલ કયારેય એ વાતને ગંભીરતાપૂર્વક લેતી ન હતી.


        કોલેજ પૂરી થવાને થોડોક સમય બાકી રહ્યો ત્યારે તરુણે હેતલને કહ્યું, " બાબુ, હું કોલેજ પૂરી થયા બાદ વિદેશમાં ભણવા જવા માંગુ છું, મારા મમ્મીનું કહેવું છે કે વિદેશ જતા પહેલાં હું લગન કરી લવ જેથી મારી પત્ની ત્યાં મારુ ખ્યાલ રાખવા માટે હોય તો એમને ચિંતા ન રહે, એટલે જો તને વાંધો ન હોય તો કોલેજ પૂરી થયા બાદ તરત જ આપણે બંને લગન કરી લઈએ? "


       હેતલ માટે તો એ વાત ભાવતું હતું અને વૈદ્યે કહ્યું જેવી હતી. વિદેશ જવું અને તરુણ સાથે લગન કરવા એ બંને તેના મહત્વના સપના હતા, એ બંને સપના એકસાથે પૂરા થતા હોય તો એનાથી વધુ રૂડું શું હોય શકે ? પોતે ઘરે વાત કરીને ટૂંકમાં જ જવાબ આપશે એવું ત્યારે હેતલે તરુણને કહ્યું.  વિદેશમાં દીકરીને લઈ જતો જમાઈ મળતો હોય તો કયા મા-બાપ ના કહેવાના હતા? હેતલના મમ્મી-પપ્પાએ હા પાડી દેતા બંને પક્ષના વડીલોએ મળીને એ બંનેના લગનની તારીખ નક્કી કરી નાખી.


       હેતલના લગનની વાત જાણીને નયના માટે પણ છોકરો ગોતવાનું એના ઘરે શરૂ થઈ ગયું. તરુણ અને હેતલના પ્રેમસંબંધને લીધે નયના પહેલેથી જ દુઃખી હતી, એમાં એ બંને લગન કરીને વિદેશ ચાલ્યા જવાના છે, એ વાત જાણ્યા બાદ નયનાના હૃદયને બહુ આઘાત પહોંચ્યો હતો, એટલે એને જે પહેલો છોકરો પોતાને જોવા માટે આવ્યો, કોઈ તપાસ કર્યા વગર જ એની સાથે લગન કરવાની હા પાડી દીધી. હેતલે એ જાણ્યું ત્યારે એને નયનાને બહુ સમજાવી કે , " નયના, છોકરા સાથે વાતચીત કર, તેને ઓળખવાની કોશીસ કર, આટલી સમજદાર થઈને આમ એકવારમાં તું હા કઈ રીતે પાડી શકે? "

પણ નયનાએ એની કોઈ વાત કાને ન ધરી. બીજી બાજુ હેતલ અને નયના બાળપણથી જ સગી બહેનોની જેમ રહી હોવાને લીધે નયનાના માતાપિતાએ હેતલના માતાપિતા  સાથે વાત કરીને એ નયનના લગન પણ હેતલના લગનને દિવસે જ એ જ જગ્યા પર ગોઠવી દીધા. આખા ગામના લોકો એ જાણીને કહેવા લાગ્યા કે, " આ બંને સહેલીઓ વચ્ચે જબરો ભગિની પ્રેમ છે, બાળપણથી બધું કામ સાથે કરતી બંને સહેલી સાથે જ લગન કરીને આ ગામમાંથી વિદાય પણ સાથે જ થશે."


       અંતે એ નક્કી કરેલો દિવસ પણ આવી પહોંચ્યો જયારે એ બંને સહેલીઓની ગામમાંથી સાથે જ વિદાય થઈ.


                                    ●◆●


        એકસાથે વિદાય થયેલી બંને સહેલીઓનું નસીબ સાવ અલગ જ લખાયેલું હતું, એ વાતની જાણ નસીબે પોતે જ ટૂંક સમયમાં કરી દીધી. લગનના થોડાક જ સમય બાદ નયનાનો પતિ દારૂ પીને  આવવા લાગ્યો. કયારેક કયારેક તો દારૂના નશામાં તેના પર હાથ પણ ઉપાડવા લાગ્યો. જયારે જયારે નયનાનો પતિ એના પર હાથ ઉપાડતો ત્યારે ત્યારે નયનાને સમજી વિચારીને લગન માટે હા પાડવાની હેતલની વાત યાદ આવતી, પણ હવે એ પસ્તાવા સિવાય બીજું કશું કરી શકે એમ ન હતી. અધૂરામાં પૂરું એના સાસુ પણ એની સાથે નાની નાની વાતમાં લડાઈ કર્યા કરતા. એ દુઃખ ભરેલા દિવસોમાં કયારેક કયારેક આવી જતો હેતલનો ફોન નયના માટે રણમાં મીઠી વીરડી સમાન બની રહેતો. ફોન પર થતી વાતચીતમાં એ હેતલને પોતાના દુઃખનો સહેજ પણ અંદાજો આવવા ન દેતી, કારણ કે એ હેતલ અને તરુણના સુખે ચાલતા સંસારમાં કોઈ ખલેલ પાડવા માંગતી ન હતી.


      જિંદગી એ રીતે પસાર થઈ રહી હતી ત્યાં એક દિવસ વહેલી સવારે જ નયનાને ઊલટીઓ થવા લાગી, સાથે સાથે એનું માથું પણ ભારે રહેવા લાગ્યું. તબિયત વધુ બગડતાં એને ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું. ડોક્ટરે જરૂરી રિપોર્ટ કર્યા બાદ એને કહ્યું , " કોંગ્રેચ્યુલેશન, તમે પ્રેગ્નન્ટ છો. "


      અંધારી રાત જેવી જિંદગીમાં આ સમાચાર નયના માટે સોનેરી સવાર જેવા સાબિત થયા. પોતે બાપ બનવાનો છે, એ જાણીને એના પતિએ દારૂ પીવાનું છોડી દીધું. વહુને લીધે દીકરાએ દારૂ પીવાનું છોડી દીધું, એ વાતથી ખુશ થઈને નયનાના સાસુ પણ એની સાથે સારી રીતે રહેવા લાગ્યા.


       થોડાક દિવસ પછી રાંદલ તેડવાના પ્રસંગે આવેલા નયનાના કાકીસાસુએ નયનાની સાસુને નયનાને દીકરો છે કે દીકરી? એ તપાસ કરાવવાની સલાહ આપી. નયનાના સાસુ પણ એમની વાતમાં આવી ગયા અને પોતાના દીકરાને નયનાને લઈને તપાસ માટે જવા કહ્યું. તપાસમાં નયનાને દીકરી હોવાની ખબર પડી. સાસુમાં એ ગર્ભપાત કરાવવાનો હુકમ આપ્યો. નયનાએ તેમ કરવાની ના પાડી દીધી. ઘરમાં ફરીથી ઝઘડો શરૂ થઈ ગયો, એને લીધે નયનાના પતિએ ફરીથી દારૂ પીવાનું શરૂ કરી દીધું. એક દિવસ એ દારૂ પીધા પછી ઘરે આવતો હતો ત્યારે નશાને લીધે થયેલા અકસ્માતમાં એ કાયમી માટે નયનાને મૂકીને ચાલ્યો ગયો. પોતાના દીકરાના મોત માટે નયનાને જવાબદાર માનીને નયનાના સાસુમાએ એને કાઢી મૂકી.


      નયના શ્રીનાથગઢ પાછી ફરી, પણ શિવમંદિર પાસેની નદી પાસે પહોંચતા જ એના પગ થાંભલો બની ગયા. માતાપિતા પર બોજો બનવાનો વિચાર એના મનને કોરી ખાવા લાગ્યો. ઘરે પાછા ફરવાને બદલે નદીમાં કૂદીને એને જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું, એ નદીમાં કૂદવા જતી હતી ત્યાં એના પેટમાં રહેલી બાળકીએ પગ હલાવ્યા. એક આવનારા સજીવના સ્પર્શના અનુભવે એના વિચારોની દિશા બદલી નાખી. એને દરજીકામ કરીને માતાપિતા પર બોજો ન પડે એ રીતે પોતાની પુત્રીને જન્મ આપીને એનો ઉછેર કરવાનું નક્કી કર્યું.


                                     ●◆●


      આવતીકાલે મીરાના સાત વર્ષ પૂરા થવાના હતા. આજે સવારથી જ એ બહુ ઉત્સાહમાં હતી. મમ્મીએ કહ્યું એમાં એને બહુ ખબર તો પડી ન હતી પણ એ એટલું જરૂર સમજી હતી કે, એના પ્રિય હેતલમાસી કે જેમની સાથે એ હંમેશા ફોનમાં જ વાત કરતી, એ આવતીકાલે એના જન્મદિવસ પર એને મળવા માટે આવી રહ્યા છે.


      હેતલ અચાનક ભારત શા માટે પાછી આવી રહી હતી? એ અંગે તેને નયનાને ફોનમાં કશું કહ્યું ન હતું, પણ હેતલનો  અવાજ સાંભળીને નયના સમજી ગઈ હતી કે, ' હેતલ અને તરુણના અચાનક ભારત આવવા પાછળ જરૂર કોઈ મોટી વાત છે.'  એ વાત શું હશે? એ કલ્પના કરવામાં જ એ રાત પસાર થઈ ગઈ. બીજા દિવસે સવારે નિયત સમય પર હેતલ અને તરુણની ટેક્સી ગામમાં આવી પહોંચી. આખો દિવસ બધા લોકોને મળવામાં અને મીરના જન્મદિવસની ઉજવણીમાં પસાર થઈ ગયો. સાંજે નવરાશ મળતા શિવમંદિરની પાળી પર નયના, હેતલ અને તરુણ બેઠા હતા. થોડેક દૂર મીરા નદીના પાણી સાથે રમી રહી હતી.


       થોડીકવારની શાંતિ પછી હેતલ ધીમા અવાજે બોલી, " નયના, મારે તારી એક મદદની જરૂર છે, શું તું મારી મદદ કરીશ ? "


       " બોલ. "


      " પેલા તું ના નહીં પાડે, એ વચન આપ." ગળામાં ડૂમો બાઝી ગયો હોય એવા અવાજે હેતલે કહ્યું.


      હેતલનો રડમસ અવાજ સાંભળીને નયના તરત બોલી પડી, " શું થયું? ,મારાથી બનતી મદદ જરૂર કરીશ પણ તું આમ રડ નહીં. "


      " તું શું મારા મર્યા પછી તરુણની કાળજી રાખીશ? " એટલું બોલ્યા બાદ હેતલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, તરુણે એના ખભા ફરતે હાથ રાખીને એને હિંમત આપવાની કોશિશ કરી પણ તેની આંખમાં પણ આંસુ આવેલા હતા.


       એ પછી એ બંને એકબીજાને સાંત્વના આપીને શાંત કરવા લાગ્યા, નયના પણ એ બંનેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગી. એ બંને શાંત થઈ ગયા પછી હેતલે નયનાને જે વાત કહી, એનો સાર કંઈક આવો હતો :-  હેતલના લગનના થોડાક સમય પછી નયના અને તેની કોમન ફ્રેન્ડ રિયા સાથે વાત થતા હેતલને ખબર પડી હતી કે, ' નયના તરુણને પ્રેમ કરતી હતી.' એ સમયે બહુ મોડું થઈ ચૂક્યું હતું, એટલે હેતલ એ વાતને પોતાના દિલમાં સંતાડીને જીવવા લાગી. એ વાતના ત્રણ વર્ષ પછી બાળક થતું ન હોવાથી હેતલ અને તરુણ ડોક્ટર પાસે ગયા હતા. ત્યાં એમને જાણ થઈ હતી કે, ' તરુણના શુક્રકોષ ખૂબ જ ઓછા હોવાને લીધે એ કયારેય પિતા બની શકે એમ નથી. ' એ પછીથી એ બંને ભારત આવીને કોઈ બાળકને દત્તક લેવાનું વિચારતા હતા, પણ કોઈમે કોઈ કામને લીધે તેમને ભારત આવવાનો સમય મળતો ન હતો. એવામાં એક મહિના પહેલા જ હેતલને લોહીની ઉલટી થવા લાગી.  ડોક્ટર પાસે તપાસ કરાવતા તેમને ખબર પડી કે, ' હેતલને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર હતું, એની પાસે જીવવા માટે ત્રણ મહિના કરતા વધુ સમય બચ્યો ન હતો.' ત્યારપછી એમને બીજા ઘણા નિષ્ણાંત ડોક્ટરને બતાવ્યું, પણ એ બધા એ એક મતે એ જ વાત કરી. એ પછી તરુણની પાછલી જિંદગીમાં એને એકલું ન લાગે, નયનાને પણ એનો પહેલો પ્યાર મળી રહે, મીરાને પિતાનો પ્રેમ મળી રહે જેવા કેટલાય કારણોને લીધે હેતલે એ તરુણ અને નયનાના લગન કરાવવાનો નિર્ણય લીધો.


      એ દિવસે મોડી રાત સુધી એ ત્રણેય શિવમંદિરે બેઠા રહ્યાં. ફોન પર સદા હસતા રહેતા હેતલમાસી અહીં આવીને કેમ ઉદાસ બની ગયા છે? એ કોયડો મનમાં રાખીને મીરા નદીના પાણી સાથે રમતી રહી. બીજા દિવસે હેતલ અને નયના પરિવારના લોકોને ભેગા કરીને એ ત્રણેયે બધી વાત તેમને કરી. સૌની આંખોમાં આંસુ હતા. તેમના નિર્ણય પર મૌન સહમતી આપવા સિવાય એ લોકો કશું કરી શકે તેમ ન હતા.


       થોડાક દિવસ પછી એક આગ શિવમંદિરની બાજુમાં આવેલા સ્મશાનમાં પ્રગટી. એ આગ ઓલવાઈ ગઈ એના બીજા થોડાક દિવસ પછી શિવમંદિરની અંદર એક આગ પ્રગટી.


                                  ●◆●


      એક આધુનિક મોટરકાર શ્રીનાથગઢ તરફ જઈ રહી હતી.  આધેડ ઉંમરે પહોંચેલો તરુણ એને ચલાવી રહ્યો હતો. હેતલના અવસાન પછી એની ઉંમરમાં ઝડપથી વધારો થયો હોય, એવું એના શરીરને જોઈને લાગી રહ્યું હતું. એની બાજુની સીટ પર  બેસેલી નયનાની આંખો જેમ જેમ ગામ નજીક આવતું જતું હતું, તેમ તેમ વધુને વધુ ભીની થઈ રહી હતી. પાછળની સીટ પર બેસેલી એકવીસ વર્ષની મીરા બારીની બહાર શૂન્યમય બનીને ગામ તરફ જતી સડકમાં આવેલા પરિવર્તનની સાક્ષી બની રહી હતી. અંતે શિવમંદિર પાસે આવીને મોટરકાર ઉભી રહી. તરુણ, નયના અને મીરા એમાંથી નીચે ઉતર્યા. ગામના લોકો તેમના સ્વાગત માટે અગાવથી જ ત્યાં આવેલા હતા.


      હેતલના અવસાન પછી અમેરિકામાં ભેગી કરેલી બધી સંપત્તિ વેચીને , તરુણે ભારત આવીને નવો કારોબાર શરૂ કર્યો હતો. એ કારોબારમાં એ દર વર્ષે કરોડો રૂપિયા કમાવા લાગ્યો હતો. આધુનિક કહેવાય એવા સુખ-સગવાદના બધા સાધન એના બંગલામાં હતા, પણ એને તેમજ નયના અને મીરાને સાચું સુખ તો શ્રીનાથગઢમાં આવીને જ મળતું. હેતલની પુણ્યતિથિના દિવસે તેઓ દર વર્ષ ગામમાં આવતા અને ગામના વિકાસના કાર્યમાં ફાળો આપતા. ગામમાં પાકા સિમેન્ટ રોડ, આધુનિક હોસ્પિટલ, વિજ્ઞાનની પ્રયોગશાળા ધરાવતી નિશાળ, પુસ્તકાલય , બગીચો, સંગ્રહાલય જેવી ઘણી વસ્તુઓ બની ચુકી હતી. વર્ષો પહેલાંનું ગામ સાવ બદલાઈ ચૂક્યું હતું. ચોતરફ છવાયેલા લીલા ખેતરોનું સ્થાન આધુનિક મકાનોએ લઈ લીધું હતું, એટલું બધું બદલવા છતાં એક જગ્યા બદલી ન હતી. એ જગ્યા હતી, નદીકિનારે આવેલું શિવમંદિર.


      ગામના લોકોએ તેમજ તરુણે એ મંદિરનો જિર્ણોદ્ધાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ પરિવર્તનનું નિમિત્ત બનેલું એ શિવમંદિર પોતે પરિવર્તન પામવા માંગતું ન હતું, એટલે દર વખતે એના જિર્ણોદ્ધારના કાર્યક્રમમાં કોઈને કોઈ અડચણ આવી જતી હતી. કદાચ કાયમી માટે વિકાસ અને પૌરાણિકતાને જોડતો સેતુ બનીને એ શિવમંદિર લોકોને કહેવા માંગતું હતું કે, " જીવન એ એક એવી મુસાફરી છે, જેમાં તમે માત્ર મુસાફર છો. "


      


      

     

     

     


      

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ