વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મલકાટ

                     “વિભા…….મારૂં વોલેટ ?” આકાશે બૂમ પાડી ને વિભા ઉપર આવીને બોલી, “મેં તમારા પેન્ટની બાજુમાં નો’તું મૂક્યું ?” કહેતા વોલેટ શોધવા ડ્રેસિંગ ટેબલનાં ખાનાંમાં જોવા લાગી.

                        ત્યાં જ આકાશે વોલેટ પોતાના હાથમાં ઝૂલાવતા બતાવ્યું. “ ક્યાં હતું ?” વિભાએ પૂછ્યું. “ વોલેટ તો પેન્ટ પાસે જ હતું પણ આ બિંદી મને ફરિયાદ કરતી હતી કે કેમ આજે તે તારા કપાળની શોભા ન બની ? તેથી મેં તને બોલાવી” એમ કહેતા તેને વિભાના ચહેરા પર બિંદી ચિટકાવી દીધી.

                        વિભા આકાશ સામે મલકાઈને નીચે ગઈ. “પાંચ વર્ષ થઈ ગયા લગ્નને .. કોણ કહે છે કે લવ મેરેજ કરીને આવેલી છોકરીને એડજસ્ટ થતા વાર લાગે? આવીને જોઈ લે મારી વિભાને” વિભાના જતાં જ આકાશ એકલો ગણગણ્યો.

                         એક મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવેલી વિભા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતી હતી એ સમયે એમ.બી.એ. માં અભ્યાસ કરતા આકાશ સાથે તેનું મન મળી ગયું.

                            બંને અલગ જ્ઞાતિના હોવાથી ક્યારેક પરિવારના વિરોધ નો ડર લાગતો છતાં મુક્ત ગગનનાં પંખીની જેમ વિહરતા રહેતા.પરંતુ બંનેમાં પરિપક્વતા હોવાથી પોતાના સંબંધની જેમ કારકીર્દીને પણ ગંભીરતાથી લેતાં .

                           એમ.બી.એ નો અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી નોકરી મેળવી આકાશે વિભાને લગ્ન માટે પ્રપોઝ કર્યું.ત્યારે વિભાએ બંને પરિવારની રાજીખુશીથી જ લગ્ન કરવા પર ભાર મૂક્યો.

                       સમય જોઈ આકાશે પોતાના મમ્મી-પપ્પાને વિભા સાથે પોતાના સંબંધ વિશે વાત કરી.એ જ રીતે વિભાએ પણ પોતાના પરિવાર સાથે આકાશ વિશે વાત કરી.

                          આકાશ અને વિભાને ધારણા હતી કે બંને પરિવાર લગ્ન માટે વિરોધ દર્શાવશે કે આનાકાની કરશે પરંતુ બંનેની ધારણા વિરૂદ્ધ બેય પરિવાર એકબીજા સાથે મળીને વાત કરવા તૈયાર હતા.

                          ચોક્કસ દિવસ નક્કી કરી બંને પરિવાર આકાશને ઘરે ભેગા થયા . સામાન્ય વાતચીત બાદ બંને પરિવારે આકાશ અને વિભાના સંબંધ પર ‘હા’ ની મહોર મારી દીધી.

                         લગ્નના  લગભગ છ મહિના પહેલા હ્રદયરોગનાં હુમલા થી આકાશનાં પિતાનું દેહાંત થયું, તે સમયે વિભાએ આકાશ અને તેના મમ્મીને ખૂબ સરસ રીતે સંભાળી લીધા . આકાશ વિભાને કહેતો કે , “વિભા તે ખૂબ સરસ રીતે મમ્મીને સંભાળી , મને થતું કે મમ્મી હવે પોતાને એકલી  ફીલ કરશે  બટ થેંન્ક યુ …. બસ આ જ રીતે લગ્ન બાદ પણ મમ્મીની સંભાળ રાખીશ ને….?”

                        “આકાશ સંબંધ  કોઈ પણ હોય તે હંમેશા ખુશીઓથી રણકતો રહેવો જોઈએ ;એના માટે તે સંબંધ થી બંધાયેલા બંન્ને પક્ષોએ તેને જીવંત રાખવા કે ધબકતો રાખવા પ્રયાસ કરવો પડે , મારા અને મમ્મીની વચ્ચે તો મિત્રતાનો નાતો છે એટલે કંઈ વધારે વિચારવાની જરૂરિયાત નથી તારે કે નથી મારે….

                       હા, તને સમાજમાં બનતા આવા કિસ્સાઓથી કદાચ વિચાર આવ્યો હશે પણ જ્યાં પરિવારનાં સભ્યોને એકબીજાને સંભાળી લેવાની વૃતિ અને નીતિ હોય ત્યાં આવી સમસ્યા જ ન જન્મે”. મલકાતાં વિભાએ કહ્યું

                        આમ ને આમ સમય પસાર થતો રહ્યો અને વિભા આકાશને પરણી તેની જીવનસંગિની બની ગઈ.

                      લગ્નના છ મહિના બાદ એકવાર સાંજે ચા પીતા મૃદુલાબહેને કહ્યું, “ બેટા તું હજુ યુવાન છે , ભણેલી છે અને બાળકની જવાબદારી પણ નથી તો જો તને અનુકૂળ હોય તો આગળ અભ્યાસ કરીને કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પગભર થવા પ્રયત્ન કર”.

                        સાસુને આ રીતે બોલતાં સાંભળી વિભાએ કહ્યું, “ પણ મમ્મી પછી હું જોબ પર લાગીશ તો મારો મોટાભાગનો સમય ઓફિસમાં જ જશે,  અને તમે ઘરે એકલાં થઈ જશો”.

                        “ હા… તે સારૂં ને હું એકલી હોઈશ તો મારા મિત્ર વર્તુળને એકત્ર કરીને કે અમારી સાસુ મંડળી ભેગી કરી તારી ટીકા તો કરી શકીશ ને..” મૃદુલાબહેનની આ વાત પર બંને સાસુ – વહુ ખડખડાટ હસી પડ્યા.

                       “બેટા , હું એકલી થઈ જઈશ થોડો સમય મને કદાચ નહીં ગમે પણ તું પગભર થઈ જઈશ એ કંઈ નાની વાત છે ?”

                      વિભાને પોતાના સાસુની સમજદારી માટે માન તો હતું જ પરંતુ વધી ગયું . તે મનોમન વિચારવા લાગી કે વડીલ દ્વારા વાવવામાં આવેલા સમજણ રૂપી આંબાને હવે પોતે સંભાળીને વિકસાવવાનો છે.

                        બે વર્ષની મહેનત બાદ વિભા સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરીને  નોકરી મેળવવા માં વિભા સફળ રહી.

                      સમય બદલાય ગયો  જે વિભા સવારે પોતાના મમ્મી સાથે બેસીને ચા-નાસ્તો કરતી તે હવે દોડાદોડીમાં રહેતી.

                      તે સવારે વહેલી ઊઠીને નાસ્તો, પોતાનુ અને આકાશનું ટીફીન તેમજ સાસુ માટેના ભોજનની તૈયારીમાં ક્યારેક પોતાના નાસ્તા તરફ પણ બેદરકાર બની જતી.

                       આ જોઈને મૃદુલાબહેને તેને સમજાવી, “બેટા  તારો બોજ વધારવા નોકરીની સલાહ નો’તી આપી, ગાડી એક પૈડા પર સંપૂર્ણ વજન નાંખ્યે ન ચાલે એમ ગૃહસ્થી પણ બધાની જવાબદારી છે થોડું કામ હું પણ કરીશ તો સરળતાથી આપણા સંસારનું ગાડું ચાલી જશે . અને મને તકલીફ પડશે તો કામ કરવા માટે કોઈ વ્યક્તિ આપણે રાખી લઈશું”.વિભા પોતાના સાસુની સમજદારીને મનોમન નમી પડી.

                    ત્યારબાદ આકાશ અને મૃદુલાબહેને વિચારીને ગૃહકાર્ય માટે એક બહેનની વ્યવસ્થા કરી લીધી તેથી વિભા ગોઠવાતી ગઈ.

                      આકાશ અને વિભાના લગ્નને આજે પાંચ વર્ષ થઈ ગયા,પણ વિભાનો મલકાટ જોઈને આકાશને તે નવવધૂ જ ફીલ થાય છે.

                       સવારે નાસ્તા સમયે આકાશે તેની મમ્મીને કહ્યું , “આ તારી વહુને આવ્યે પાંચ વર્ષ થઈ ગયા , બોલ એ ખુશીમાં આજે આપણે શું કરવું છે?”

                       “એટલે આજે તમારી લગ્ન તીથિ છે?”મૃદુલાબેને આશ્ચર્ય સહ પૂછ્યું.

                       “હા..” વિભા એ મીઠો જવાબ આપ્યો.

                       “બેટા આજે તમે બંને તમને અનુકૂળ હોય ત્યાં જઈ આવો , મને સાથે લઈ જવાની વાત ન કરશો” મૃદુલાબહેને વાતને પૂર્ણ વિરામ મૂકતા કહ્યું.

                        “બોલો મેડમ હવે તમે કહો” કહી આકાશે વિભા તરફ જોયું. વિભાએ મલકાઈને ઉત્તર આપ્યો , “આપણે રાત્રે લટાર મારવા જઈશું”.   બંને મા-દિકરો ખડખડાટ હસી પડ્યા.

                        રાત્રે બહારથી જમવાનું ઓર્ડર કરી ત્રણેયે સાથે જમ્યા . બાદમાં વિભા અને આકાશ બહાર લટાર મારવા નિકળ્યા.

                       “લેટ્સ ટેક આઈસ્ક્રીમ” કહી આકાશ વિભાને આઈસ્ક્રીમ પાર્લર તરફ દોરી ગયો.વિભાએ તેની પસંદનો ચોકો ચિપ્સ અને આકાશે વેનિલા ઓર્ડર કર્યો.

                       “કેમ વેનિલા ? તને તો વેનિલા બિલકુલ નથી ભાવતો ;તો પછી કેમ ?” વિભા એ આશ્ચર્ય સહ પ્રશ્ન પૂછ્યો.

                        આઈસ્ક્રીમ ખાતા આકાશ બોલ્યો, “ યુ નો વિભા જ્યારે આપણે એકબીજાના પ્રેમમાં હતા ત્યારે હું વિચારતો કંઈ કેટલાય ડ્રામા બાદ તારા અને મારા લગ્ન થશે , મારે તારા અને મારા પરિવારને મનાવવા પડશે હાથે-પગે લાગવું પડશે કે કદાચ ભાગીને લગ્ન કરવા પડશે. પરંતુ આવું કંઈ ન થયું.

                         મને લાઈફ થોડી થ્રીલથી ભરપૂર ગમતી એટલે લગ્ન પછી એવું પણ થતું કે કદાચ તારા અને મમ્મીની વચ્ચે ઘર્ષણ થશે અને મારે હંમેશા વચ્ચે પિસાવું પડશે, એવું પણ કંઈ ન થયું.

                       બંને પરિવારમાં મિઠાશ , આપણા સંબંધોમાં શીતળતા અને મિઠાશ , આવી મીઠી મધુરી જીંદગી  જાણે વેનિલા આઈસ્ક્રીમ…. બસ એટલે જ હવેથી આઈસ્ક્રીમમાં વેનિલા મારી ફેવરિટ ફ્લેવર” કહી આકાશ વિભાનો હાથ પોતાના હાથમાં લઈ ચાલવા લાગ્યો .

                       


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ