વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિક્ષકનો આભાર

એક ઘરકુકડી, આત્મવિશ્વાસનાં અભાવવાળી, સેન્સિટિવ, કુદરતપ્રેમી અને ભણવાનાથી જોજનો નહીં પ્રકાશવર્ષો દૂર... એટલે કે કોઈ નાતો ભણવા સાથે બાંધવા ઈચ્છે નહીં એવી એ છોકરી. જડ અને જટિલ પણ એટલી જ હતી. અને હા, માત્ર ને માત્ર સાચું બોલનારી આ વ્યક્તિ, એ પણ નાનપણથી જ. 


      હવે જેને ભણવું જ નાં હોય અને સ્કૂલે મૂકવામાં આવે તો? શરૂઆતમાં તો બધાં રડે એ તો માન્યું, પણ એક વર્ષ તો ઘરેથી નિકળતી વખતે રડવામાં જ ગયું. હવે તમે જ કહો કે પહેલા ધોરણમાં જો આ જ રવૈયો રહે તો?  એ તો ઠીક કે પ્રાર્થના પતે એટલે ચૂપ થઈ જવાનું. પણ પછી શું. . આખો દિવસ ભજન થોડાં કરવાનાં હોય? વાંચવુંય પડે ને લખવુંય પડે. અને આ છોકરી ! એ તો બસ, એની ડબ્બીમાંથી સ્પન્જ લઇ સ્લેટ લૂછતી રહે. ઇરેસર સુંઘે, પેન્સિલ રમે. અને ચોપડીઓનાં ચિત્રો જોઈ ખુશ થાય. અને એવું જ કંઈ દોરવા મથે. અને એનું ભણવાનું બાજુએ.. ના.. ના.. એનાં ટીચર લખી આપે ને.! ઘરે કરવાં હોમવર્ક તો આપે નહીં.. એટલે મજા. મમ્મી ને એમ જ કે બહું સારા ટીચર ! બધાંને લખી આપે? જ્યારે મિટિંગ થઈ ત્યારે કમ્પ્લેઇન આવી એ પણ ઢગલાનાં ભાવમાં... પોતાની જ દીકરીની. 


        'અરે બહેન ! સારું થયું તમે મળ્યાં. તમારી બેબી તો કંઈ જ ધ્યાન આપતી નથી. બસ પોતાનામાં જ મસ્ત. હું મારતી નથી, પણ મારાં ઘાંટાની એ કોઈ જ અસર નથી. માંડ માંડ વાંચતી કરી. બાકી લખવાનું તો નામ જ નથી લેતી. શું કરું અને કેવી રીતે ? પ્રેમથી, સમજાવટથી, ધાક-ધમકીથી, રીસેસ ન આપીને જોયું પણ એમ નું એમ. કાંઈ રસ્તો શોધવો પડશે. તમે ઘરે જઈ સમજાવી જુઓ ને !' આશાબેન બોલ્યાં. ઘરે જઈને તો ખાલી ગાળો ખાધી બેબી એ, ખાવાનું નહીં. 


        બીજો દિવસ ? એ ..તો આનાકાની અને રડવાનું જ હોય ને... લખવું પડશે હવે તો સ્કૂલમાં જઈને. ડાહીડમરી થઈને રડતાં રડતાં આવી ગઈ તો ખરી, દિવસ પસાર થવાં માંડ્યો. હવે લખવાનું આવ્યું, હવે શું? રીસેસ ન મળી વાંધો નહીં. ખાવું ય નથી ને લખવું ય નથી. છૂટવાનો ટાઈમ થયો .. ઘેર નૈ જવા દે?...  શું કીધું?     


અને ટીચર બોલ્યાં:

 'ઘરે જઉં હોય તો આટલું લખી લે.'  

 'નાં.. મમ્મી આવશે એ લખી દેશે ને પણ'. 

 'તું લખીશ તો જ મોકલીશ ને.. ભલે ને મમ્મી આવે..' 

 ' ન..નાં.. ના.ના .. '

 ' જો તું નહીં લખે તો પે..લ્લી ટાંકી છે ને પાણી પીવાની એની પર બેસાડી દઈશ. હોં!'

 ' ઉહું ઉહું... ' 

 ' જો ડાહી હોય તો રડ્યા વગર લખે છે કે નહીં?'

 ' નાં પણ.. કાલે'

 'ના હોં.. આજે જ, અત્યારે જ. .નથી જ માનવું ને? ચાલો તો ટાંકી પર ઊંચે બેસાડી દઉં. ' અને એવો જ બૅલ વાગ્યો. 

 મનમાં હાશ તો થઈ પણ પળવાર માટે જ. . . ! 

 ઊંચકીને સીધી ટાંકી.....પર બેસાડી દીધી..!

 'એં... એં...  ઓ મારા આશાબેન ... નીચે ઉતા...રો...  એં. એં.. ઉહું..  ઉહહુ... '

 'લખવું છે? લખીશ આજથી ? ' 

 'ઊં ઊં..એં...! હા... લખીશ.. બધું જાતે લખીશ.. બસ.. હવે તો... નીચે.. ઉં ઉં. ઉતારો. ' 

 ને મમ્મી નું આવવું. 

 'ઓ મમ્મી ... જો ને.. આશાબે...ન એ મને અહીં... ઉ ઉ..એં'

 મમ્મી તો અવાક્. શું બોલે ! 

 અને આશાબેન એને નીચે ઉતારી બોલ્યાં 'આજે જે લખાવ્યું એ બધું લખી લેજે ..બેટા !' 

 અને રડતાં રડતાં.. ' હમ્મ.. લખું છું.. બધું રોજ લખીશ હવે...  ' 

વર્ષો પછી એકવાર પોતાની એ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રોગ્રામ રખાયો. પાછી સ્કૂલ યાદ આવી. એ દિવસો યાદ આવ્યાં. પુત્રને માહિતી આપી તો એને પણ તાલાવેલી જાગી મમ્મીની સ્કૂલ જોવાની, એનાં ટીચર્સને મળવાની. વહેલા તે પહેલાંના ધોરણે બે પાસ મેળવી લીધાં. ડ્રેસકોડ પણ નક્કી જ હતો એ જ સ્કૂલડ્રેસનો રંગ. એટલે માં દીકરો તૈયાર થઈને પહોંચ્યા સ્કૂલ પર. એક પછી એક સાહેબો અને બહેનો (એ જમાનાનાં સર, ટીચર, મેમ) ની સવારી આવી પહોંચી. સૌ પ્રણામ, વંદન કરી આશીર્વાદ મેળવવા પડાપડી કરતાં હતાં. દીકરાને નવાઈ લાગી.. આટલા વર્ષે આટલો પ્રેમભાવ, આદરભાવ, માન સન્માન ! 


પ્રોગ્રામ શરૂ થવા પર હતો ને સૌ શિક્ષકગણ મંચ પર બિરાજમાન થયાં. સૌનું માનપાન સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. દરેકની આંખોમાં આનંદ મિશ્રિત આદરભાવનાં ઝળઝળિયાં હતાં. પ્રાર્થના કરી થોડાં ગીતો, પ્રવચન ને અંતે આભારવિધિ કરી શાલથી સન્માન કર્યું. લોકો ફોટોઝ લેવા મથેલા હતાં. દીકરાને તો મજા પડી જ્યારે મમ્મી એ સૌની ઓળખાણ આપી. સાથે સાથે યાદો તાજી કરતી ગઈ ને એક પછી એક પ્રસંગો કહેતી ગઈ. પ્રોગ્રામની પૂર્ણાહુતિ બાદ દરેક કલાસ બતાવ્યો જ્યાં એ ભણી હતી. ભાવભર્યું ભોજન લેવા શિક્ષકોએ પ્રસ્થાન કર્યું, એ સાથે જ મા દીકરો દરેકને મળવા ઉત્તેજિત થયાં. સેલ્ફી લેવા ને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યાંજ પાછળથી કોઈએ હાથ મૂક્યો. 


એ સૌથી પહેલવહેલા એવા શિક્ષક આશાબેન હતાં. એમને જોતાં જ ચરણરજ માથે ચડાવી. એમણે ભાવભીનું આલિંગન આપતાં પૂછ્યું આ તારો દીકરો? અને એક સ્મિત સાથે હા પાડી. એટલે પર્સમાંથી ચોકલેટ આપીને દીકરાને વ્હાલ કર્યું. દીકરો તો અહોભાવથી સ્પર્શ માણતો ઊભો રહી ગયો. અને એમણે દીકરાને પૂછ્યું તારી મમ્મી હવે લખે છે કે નહીં ? દીકરો સ્તબ્ધ થઈ મા સામે જોવા માંડી ને સવાલ સમજવા મથ્યો. અને આશાબેન હસતાં હસતાં બોલી પડ્યાં તારી મમ્મીને પૂછ્યું છે ક્યારેય, કે એ લખતી કેવી રીતે થઈ ? અને બંને જણાને હસતાં જોઈ દીકરાને જાણવાની તાલાવેલી લાગી. ડીશ લઈને ખવડાવતાં ને ખાતાં એ મોટું વણખોલ્યું બાળપણ નજર સામે તરતું થયું. સાથે આશાબેનનો સૂર પણ વારે વારે પૂરાતો જતો હતો. સાથે બીજા શિક્ષક પણ અવારનવાર આવતાં હાસ્યથી રસ લેતાં નજરે પડ્યાં. અને શાળાના એ મેદાનમાં હાસ્ય ને આનંદની છોળો ઉછળી. અને અંતે સૌને સંબોધીને એ એટલું જ બોલી એ સમયથી લઈને આજ સુધી એવું તો લખ્યું છે કે હવે તો ઓનલાઈન એપ્સ પર લાઇક્સ ને કમેન્ટ્સ મળે છે. અને વધુમાં બીજાનું લખેલું સુધારી લેવાની ય તાકાત રાખે છે. કારણ જોબ જ એવી મળી છે ને..'એડિટર'ની.. !! અને એક સંતોષવાળી ખુશીની લહેરખી એ ચહેરા પર ઉપસી આવી. 


એ પછી પણ આશાબેન જ્યારે મળે ત્યારે ધમકી આપતાં.. 'ટાંકી પર નથી બેસવું ને?' 

અને પગે લાગીને એ કહેતી.. 'અરે! તમે હતાં તો મેં પેન્સિલ પકડી બાકી તો ... તમે તો જાણો જ છો ને ! ' 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ