વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વહેલી સવારે ફરવા જવાનો વૈભવ

"વહેલી સવારે ફરવા જવાનો વૈભવ"

***************************


- મહેશ પઢારિયા.


વહેલી સવારે ધીરે ધીરે ફેલાતા પ્રકાશમાં અંધકારને લય પામતો જોવો, માણવો - એ બધાના નસીબમાં લખાયેલું નથી હોતું!


આવા આહલાદક વાતાવરણમાં ખુલ્લા મેદાન કે ખેતરોમાં ફરવા જવું એ તો આજના પ્રદૂષણના વિષભર્યા માહોલમાં ખરો વૈભવ ગણાય.


આવો વહેલી સવારે ચાલવા જવાનો વૈભવ ભોગવવા માટે તમે કેટલી મોટી કિંમત ચૂકવી શકો? એવો પ્રશ્ન કોઈ પથારીવશ દર્દીને પૂછવા જેવો છે. એના જવાબમાં આ મહાસુખનું ખરેખરું મૂલ્ય પ્રગટ થાય એવું બને.


ધુમ્મસયુક્ત ભીની - ભીની સવારમાં ખુલ્લું મેદાન સ્વર્ગ સમું ભાસે છે. એની પાછળનું કારણ એ કે આપણી ધાર્મિક સિરિયલોમાં સ્વર્ગને આવું જ બતાવવામાં આવે છે. એમાય જ્યારે રસ્તાની બંને બાજુ ઊગેલા ઘાસ ઉપર નજર જતા ધરતીપુત્રી સીતાનું પાવન સ્મરણ થાય જ. લંકાની અશોકવાટિકામાં રહેલી સીતાની સન્મુખ જ્યારે રાવણ આવીને માતા સીતાને રિઝવવાના વ્યર્થ પ્રયાસ કરે છે, ત્યારે સીતા પ્રત્યુતર આપતી વખતે વચ્ચે ઘાસના તૃણને પકડીને રાખે છે. સીતાને મન આ ઘાસ એ પોતાનો સહોદર છે.


આવા ઘાસ પર બાજેલા ઝાકળ બિંદુને ઝૂકીને સ્પર્શ કરતાં જ ખરી પડે ત્યારે થતો રોમાંચ માણવા, પામવા જે માસુમિયત જોઈએ એ આપણામાં ઓછી થતી જાય છે. આવા ઝાકળબિંદુ સૂર્યના કિરણોથી ઝગમગી ઊઠે ત્યારે એના મૂલ્ય પાસે સાચા (?) મોતી નું મૂલ્ય પાણી ભરે. આવા સમયે મકરંદ દવે ના શબ્દો ઉછીના લઈને ગણગણવાનું મન થાય...


"સાચા મોતી નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ..."


સૂર્યને આપણી ઉપનિષદીય પરંપરામાં 'પૃષણ' કહ્યો છે. ભારતીય પરંપરામાં સૂર્યની જેટલી પ્રતિષ્ઠા થઈ છે એટલી બીજે ક્યાંય થઈ હોય એવું જાણમાં નથી. સચરાચર જગતમાં જે કાંઈ દ્રશ્યમાન છે એ આખરે તો સૂર્યની જ દેણ છે. સૂકા કાષ્ટમાં પણ સૂર્યદર્શન કરવાની દ્રષ્ટિ લાવવી ક્યાંથી? બાઈક પર 'લોંગડ્રાઈવ' પર જતું કપલ બાઈકની ટાંકીમાં સાક્ષાત સૂર્યને જોઈ શકે તો બેડો પાર!


આપણા કવિઓ ઊગતા અને આથમતા સૂર્ય પર આફરીન, ઓળઘોળ રહ્યા છે. એનું રહસ્ય સમજવા વહેલી સવારે ફરવા જઈને કોઈ પથ્થર પર બેસીને સૂર્યોદયની પ્રતીક્ષામાં અને ઊગે ત્યારે વિસ્મયપૂર્વક નિહાળવામાં મશગૂલ બનવું જરૂરી છે. સૂર્ય ઉપાસના કરનાર દેશમાં મોબાઈલ, ઈન્ટરનેટ, કે ટી.વી. પર મોડી રાત સુધી જાગનાર અને મોડે સુધી ઊંઘતી નવી પેઢી કેટલી મોટી ખોટનો ધંધો કરી રહી છે, તેનું એમને ભાન પણ નથી.


આવો ખરો વૈભવ માણવામાં પક્ષીઓ બધા કરતાં વધુ માર્ક્સ લઈ જાય એમ છે. વહેલી સવારનો એમનો કલરવ એટલો નિયમિત હોય છે કે એના આધારે તમે ઘડિયાળ મેળવી શકો. પક્ષીઓનો આવો કલરવ મંદિરોના ઘંટારવ કે આઝાન કરતાં મને વધુ આનંદદાયક અને પવિત્ર લાગે છે. સૂર્યની છડી પોકારવામાં અન્ય પક્ષીઓ કરતાં કુકડાને વધુ ગુણ આપીને આપણે અન્ય પક્ષીઓને અન્યાય કર્યો હોવાની 'ફીલિંગ્સ' અનુભવું છું.


પક્ષીઓનું સહજતાના કિનારે ચાલતું પ્રકૃતિ અભિવાદન, મીઠી ઈર્ષા જગાવીને એવો વિચાર કરવા આપણને મજબૂર કરી મૂકે છે કે માણસનો પ્રકૃતિની પૂજા કરવાનો દાવો કેટલો બેબુનિયાદ છે!


આજે સવારના ફરવાના સમયે એક અદભૂત નજારો જોયો. ઢેલને રીઝવવા પોતાના પીંછા પસારીને નૃત્ય કરતો મોર મારા ચક્ષુ કેમેરામાં કેદ થયો. પાસે મોબાઈલ હોવા છતાં શૂટિંગ કરવાનું ન સૂઝ્યું એટલો બેભાન હું આ દ્રશ્યમાં બન્યો. આવી બેભાન અવસ્થા વારંવાર નસીબમાં નથી  હોતી!


મોર હોય ત્યાં મોરપીંછ હોય, મોરપીંછ હોય ત્યાં એને મસ્તકે ધારણ કરનાર કૃષ્ણ ક્યાંક આસપાસ હોય જ, એવો મારો વહેમ મને વ્હાલો છે. જ્યારે જ્યારે મોર, મોરપીંછ જોવું ત્યારે મારો આ વહેમ સળવળાટ કરીને વ્યવહારુ દુનિયાથી ખલેલ પામેલા માંહ્યલાને શાતા પહોંચાડવાનું કામ કરે છે. આવું વહેલી સવારે ખાસ બને છે.


ઝડપથી ચાલવાથી થતા પરસેવાનાં બિંદુ મને ગમે છે. પણ ખેતરમાં કામ કરતા ખેડૂતને વળેલા પરસેવાનાં બિંદુ જેટલા તો નથી જ ગમતાં. મારા શરીરે વળેલા પરસેવાનાં બિંદુ મારા સ્વાસ્થ્યની ખાતરી આપે છે, જ્યારે ખેડૂતના શરીરના પરસેવામાંથી સકળ સૃષ્ટિના કલ્યાણની શાશ્વત સુગંધ પ્રગટતી દેખાય છે. આ લખું છું ત્યારે ગામડું અને ખેતર મને સાદ પાડે છે એ હું સાંભળી શકું છું. વંશપરંપરાનું આ ખેતર મને ધરતીપુત્ર તરીકે માતા સીતા સાથે જોડી આપનારું છે. કેવી અલૌકિક ઉપલબ્ધિ!! આ સંબંધની મૂડી આગળ તાતા, બિરલા કે અંબાણીનો વૈભવ શું વિસાત માં?


ગામડે હોઉં ત્યારે ઈરાદાપૂર્વક ખેતરની દિશામાં ચાલવાનું રાખું, ખેતર પહોંચું ત્યારે થાય કે આ ખેતરને બા-બાપા, દાદા-દાદી, મોટાબાપા-ભાભુના પરસેવાનો અભિષેક થયો છે. આ વિચાર સાથે જ ખેતર, ખેતર નહીં પણ માનો ખોળો બની જાય છે.


વહેલી સવારે ચાલતી વખતે રાતભર વિશ્રામ પામેલી કુદરત પોતાના આગવા રૂપરંગ સાથે ખીલેલી હોય છે. આવી ખીલેલી કુદરતના સાનિધ્યમાં આપણો માંહ્યલો પણ ખીલી ઊઠે એ અશક્ય નથી. આવો ખીલેલો માંહ્યલો સ્થૂળતાના પ્રદેશથી સૂક્ષ્મના પ્રદેશમાં થોડું ઉડયન કરે ત્યારે થોડી અધ્ધરતાને એ પામે છે. ભલે થોડો સમય માટેની જ આ અધ્ધરતા હોય પણ એ મૂલ્યવાન હોય છે. પુષ્પનું આયુષ્ય થોડું વર્ષોમાં હોય?


આવી ક્ષણિક અધ્ધરતા પ્રાપ્ત કરવી એ સામાન્ય માણસનો જીવનસિદ્ધ અધિકાર ગણાય. આવા રોકડા ફાયદાવાળા અધિકારની પૂર્વ શરત એ છે કે પથારી વહેલી છોડવી પડે. આમ કરવામાં સ્થૂળતા સિવાય કશું ગુમાવવાનું નથી એની ખાતરી.


યાદ રહે સવારના સૂર્યના કૂમળા તડકાનો સ્પર્શ પામતા જ કળી ખીલી ને પુષ્પત્વની દીક્ષા પામી, સુગંધિત બને છે. આપણે આવો કુમળો તડકો માણવાનું ચૂકી જઈને માત્ર "મારું જીવન સુગંધી બને..." એમ ગાવાથી કંઈક પામીએ એ વાતમાં શું માલ છે?


વહેલી સવારે ફરવાથી થતા સૂક્ષ્મ ફાયદાઓ સાથે સ્થૂળ ફાયદાઓ કંઈ ઓછા નથી. આપણી આર્યપરંપરાના આપણા પરાક્રમી પૂર્વજોએ પોતાના જીવનસંઘર્ષના નિચોડ સમી એક ઉક્તિ આપણને વારસામાં આપી છે -


"જે ચાલે છે એનું ભાગ્ય ચાલે છે, જે બેસે છે એનું ભાગ્ય બેસી રહે છે અને જે સુએ છે તેનું ભાગ્ય પણ સુઈ રહે છે."


પોતાના પરાક્રમના બળે આ ભારતીય ઉપખંડને 'આર્યાવર્ત' ની ઓળખ આપનાર આર્યપરંપરાના ગુણગાન કરનાર, આપણે ઉપરની ઉક્તિ યાદ રાખીએ તો પણ ઘણું બધું પામી શકીએ એમ છીએ.


ડાયાબિટીસ થયા પછી ડોક્ટરની સલાહથી ચાલવું એમા મનુષ્યત્વની ગરીમા જોખમાય એવું છે. જ્યારે પૂર્વજોએ આપેલી સલાહથી વિચારપૂર્વક ચાલવું એમાં એક આખી પરંપરાની સુગંધ પ્રગટે છે.


માતા પ્રત્યે તો બધાને આદર હોય જ, તે સહજ છે. મારી બા પ્રત્યેના મારા આદરમાં પૂજ્યભાવ ઉમેરાયો એનું એક કારણ એ છે કે પાંસઠ વર્ષની ઉંમરે પણ એમણે પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયા (અયોધ્યા પાસે, ઉત્તર પ્રદેશ)ની ચાલીને યાત્રા કરવાનો વિચાર આવ્યો. આ ઉંમરે દુઃખાવાની કે અન્ય કોઈ દવા વગર એમણે આ સંકલ્પ પૂરો પણ કર્યો.


છેલ્લે સવાર-સાંજ ફરવા જવા અંગેના ફાયદા વિશે આપણા પૂજ્ય મહાત્મા ગાંધી શું કહે છે? એ જોઈએ...


"કસરતને શિક્ષણ સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને એટલે કે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા - ફરવા જવાની ભલામણ વાંચેલી, તે મને ગમેલી અને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું."


- મહાત્મા ગાંધી


( 'આત્મકથા' પ્રકરણ-૫ - 'હાઈસ્કૂલમાં' પાના નંબર-૨૨ )


મેં જે વાત કરી એને બાપુનું આવું ઉત્તમ પ્રમાણપત્ર મળી જાય એનાથી રૂડું શું?


જય જગત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ