વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બંધ બારી

     "ઓયે! રેવા, ક્યાં છે તું મેડમ! તને ક્યારની શોધું છું! જા તારા નાના આવ્યા છે. કોલેજ કમ્પાઉન્ડમાં ક્યારના તારી રાહ જુવે છે." એક શ્વાસમાં કાવ્યનાં મુખેથી નીકળેલ શબ્દોનાં વંટોળિયાં માંથી ફક્ત એક શબ્દ સાંભળી મારો ચહેરો મોગરાના પુષ્પની માફક ખીલી ઉઠ્યો.અને એ શબ્દ હતો, "નાના"

        "તારે મને પેહલા કહેવું જોઈને કવુડી! ક્યારના આવીને મારી રાહ જોતા હશે નાનુ! તું પણ છેને સાવ નક્કામી છું! હાલ હવે! બાજુ ખસ!" મેં બધો જ દોષનો ટોપલો નાખ્યો કાવ્યાના માથે. હા તો વળી! નાનાને રાહ થોડી જોવડવાઈ! હું મળતી નહોતી તો કવુડીને મને ફોન કરવો જોઈને વળી! સાવ ડોબી છે એ પણ. મારી વાત સાંભળી કાવ્યા કશું જ બોલી ન શકી. ફક્ત બન્ને આંખો ઝીણી કરી અને નાક ફુલાવી મારા સામે જોવા લાગી. એના અકળાયેલા મુખભાવોને પ્રતિક્રિયા આપવાનો સમય ક્યાં હતો મારી પાસે! હું દોડી કોલેજ કમ્પાઉન્ડમાં. મારા મનમાં તો લાડુ ફૂટી રહ્યા હતા. હા હો ખરેખર!  "મનમેં લડ્ડુ ફૂટા" વાળા જ લાડુ!

         "ઓહ મારા નાનુડા! ક્યારના આવીને બેઠા છો શું ભાઈબંધ?" કમ્પાઉન્ડમાં ગોઠવેલી બેન્ચ ઉપર બેઠેલા નાનુને મેં પાછળથી જઇને પીઠ ઉપર એક ધપ્પો મારીને પૂછ્યું. અને હંમેશની જેમ એમણાં જવાબની રાહ જોયા વગર મેં મારી બકબક ચાલુ કરી. "અને આ મોઢે શું પહેર્યું છે નાનુ! લા બધી ઠંડી તમારી ઉપર જ પડે છે કે શું! ઓહ... લેટ મી ગેસ!  હા!!!!! હવે સમજી! તમારી વહાલી દિલરૂબાએ તમને જબરદસ્તી આ વાંદરાટોપો પહેરાવ્યો લાગે છે! નહીં? લા નાનુડા, એમણે સમજાવી દોને, કે આવું બધું તમારી પર્સનૅલિટી ઉપર સૂટ નથી કરતું. યુ આર એ સ્ટ્રોંગ અને હેન્ડસમ મેન આફ્ટર ઓલ! લા એ વાત મુકો બાજુ પર! આજે શું લાવ્યા મારી માટે? લા નાનુ કિસમીબારનો જમાનો ગયો! મારે ડેરીમિલ્ક ખાવી હોય છે! વર્ષોથી એજ ચોકલેટ ખાય-ખાય હું તો સાવ બોર થઈ ગઈ! લા ભાઈબંધ તું બોલતો કેમ નથી આજે! ઓહ...લેટ મી ગેસ! તારી દિલરૂબાએ તને આજે ચોક્કસ ખંખેર્યો લાગે છે." ડોન્ટ વરી! નાનુ ઇઝ લાઈક માય બડિ. ક્યારેક લાડમાં હું એમણી જોડે તુંકારો કરીને પણ વાત કરી લઉં છું.


          "ઓહ.. ઓહ.. હરખપદૂડી, જરાક શ્વાસ લે મારી માં! ઘોડે સવાર થઈ શા લેવા આવ છું આમ!"

નાનુની વાત સાંભળી મને ખરેખર ભાન પડ્યું કે મેં જાણે આખો નિબંધ શ્વાસ લીધા વગર જ બોલી ગઈ હોવ. આંખો બંધ કરીને મેં એક ઊંડો શ્વાસ ભર્યો.


   "નાનીની તો વાત જ ન પૂછ! અહીં એક તું છે જે બધાંની દાદી થઈને ફરે છે અને ઘરમાં તારી નાની જે ગામ આખાની નાની થઈને ફરે છે! આ જોને! વાંદરોટોપો બળજબરી કરી પહેરાવ્યો. એ ઈચ્છેને તો મને આવી ફૂલગુલાબી ઠંડીમાંએ ઘર બહાર પગ ન મુકવા દે!" સાચી વાત કહું! તો મારા નાનુ વાંદરાટોપામાં વધું ક્યૂટ લાગતા હતા. એમાં વળી એમણે બોલતા પણ ફાવતું નહોતું. તેમ છતાં દબાયેલા અવાજે મારી જોડે વાત કરવાનો પ્રયત્ન એમણે ચાલું જ રાખ્યો.

     "તું ભાઈબંધ સાવ અને સાવ ગગો જ રહ્યો. લા તું સમજ્યો નહીં કે એ તને આવી ગુલાબી ઠંડીમાં કેમ બહાર નથી જવા દેતી! આવી ગુલાબી ઋતુમાં તો પ્રેમીપંખીડાઓને કેવી મોજ પડે રોમાન્સ કરવાની! વોહ!! અને એક તું છે ભાઈબંધ." મેં આંખો વર્તુળાકાર ફેરવી, મારા જ કપાળ ઉપર હાથ પછાડી અને એક ક્ષણ અટકી. "જેને આવા મનમોહક વાતાવરણમાં લેડિ કરતા લારીની વધું ચિંતા છે! મેન યુ આર સો અનરોમૅન્ટિક!" આંખોની પૂતળીઓને નાનુના કરચલીથી ભરેલાં ચહેરા ઉપર ચોંટાડી મેં મોઢું મચકોડયું.

     "ચૂપ રહે ગાંડી! જરાકે શરમ નથી આ છોરીઓમાં! તારી નાની તારી વાતો સાંભળશેને તો તને અને મને બન્નેને સાવરણો લઈ ઝૂડી નાખશે!" વાંદરા ટોપામાંથી દેખાતી બારીક રેખાઓથી ઘેરાયેલી નાનુની આંખો નાટકીય ગુસ્સામાં પહોળી થઇ ગઇ હતી. પણ નાનુ જાણે જ છે કે મારા જેવી આફત કોઈ કાળે કોઈના ગુસ્સાથી ડરે એવી છે નહીં.


          "હા..હા.. ઠીક હે ઠીક હે! પહેલે માલ ખાલી કરો! બાકી કી બાતે બાદમે કર લેંગે!" છેવટે હું મુખ્ય અને મહત્વના મુદ્દે પાછી આવી. તો શું વળી! નાનુ અહીં સુધી રોજ એ કારણે તો લંબાઈ છે. મેં નાનુ તરફ હાથ લાંબો કરી આંખો બંધ કરવાનો ઢોંગ કર્યો. હા ફક્ત ઢોંગ જ હો! અને નાનુએ એજ લાલ રેપર વાળી કિસમીબાર મારા હાથમાં પકડાવી.


         "નો વે નાનુ! નૉટ ફેર યાર! તમે દરરોજ આ જ એક ચોકલેટ લાવો છો યાર. આઇ મીન ગ્રો અપ ઓલ્ડી! તું આટલું ટીવી જોવ છું તેમ છતાં તને ખબર નથી કે માર્કેટમાં કેટકેટલી નવી ચોકલેટો આવી ગઈ છે. અને તું છે કે..." મારુ વાક્ય પૂરું થાય એ પહેલાં જ એમને એમણાં જૂનાખખ કથ્થઈ રંગના કોર્ટના બીજા ખિસ્સામાંથી ડેરીમિલ્ક કાઢી મારા હાથમાં મૂકી દીધી. ચોકલેટ જોઈ હું ઉછળી જ પડી. અને કૂદીને નાનુને જાદુની ઝપ્પી આપી દીધી.


         "લવ યુ માય કયુટી! " અને એમણાં વૃદ્ધ ચહેરાને  આવરીને પહેરેલો વાંદરાટોપો એક ઝાટકામાં ખેંચીને કાઢી લઇ એમનો ચહેરો હાથમાં લઈ મેં એમના એક પણ વાળ વગરના ખાલીખપ ટાલ ઉપર ચુંબન્નો કરી લીધા.


          "જા.. જા હવે! ઢોંગીલી, મસ્કા મારવાથી કામ નહીં થાય! મને અડધી જોઈએ!" મારી સામું જોઈ નાનુ લુચ્ચું હસ્યાં.


         "ચલ ચલ! દાંતતો ચોગડે ચાર બચ્યા છે. ને સાહેબને ચોકલેટ ખાવી છે." મેં મોઢું મચકોડી નાનુની કપાળ ઉપર એક ટપલી મારી.


        "હા હો દેવીમાં! મને ખબર જ છે તું ખાઉધરી છે. પેલી બાળકીને પણ આપજે હો બચારીને! એ આખો દી તારી લવારીઓ અને તારા નખરાંને માથે ઉઠાવે છે બચારી, એને આપજે હો!" બેન્ચ ઊપરથી ઊભાં થતા-થતા નાનુએ એમનો વાંદરાટોપો સરખો કરી ફરી પહેરી લીધો.

     "કાવ્યા! નો વે મેન! એને હું કશું આપવાની નથી! તને એને આપવી હોય તો અલગથી લઈને આપી દેવાની. અને ચાલ હવે! તું જા નહિતર લારી ખોલવામાં મોડું થશેને તો તારી બહારવાળી લેડિ પણ આજે તારી વલે લઇ લેશે!"


            "કાંઈ પણ બોલે છે આ છોકરી! " નાનુ ધીમેથી બબડયા અને પછી મારા માથે ટપલી મારી બબડાટ કરતા આગળ વધ્યા. પણ એમનો બબડાટ મેં સ્પષ્ટ સાંભળ્યો.


          "એક દિવસ ચોક્કસ ઘરવાળીના હાથે મને માર ખવડાવશે આ છોકરી."


           એમનો બબડાટ સાંભળી હું પણ હસી પડી. અને બેન્ચ ઉપર બેસીને એકીટશે એમણે જતા જોતી રહીં. મારો નાનુ ઘરડો થઈ ગયો હતો. ચાલ સાવ ડગુમગુ અને ધીમી થઈ ગઈ હતી. અને શરીર પણ કમર પાસેથી નીચેની તરફ ઢળી ગયું હતું. તેમ છતાં હાથલારી ખેંચી એ ધંધો કરવા જશે એની મને ખાતરી હતી. એને જતો જોઈ મારી આંખો હળવી ભીંજાઈ ગઈ હતી. જેમ આજે એજ બેન્ચ ઉપર બેસીને મારી આંખો છલકાઈ રહીં છે એમ!


           ચાલો તો હવે તમને આગળથી બધી વાત કરું કે નાનુ રોજ ચોકલેટ આપવા મને અહીં મારી કોલેજ સુધી કેમ લંબતા હતા! થોડું ફ્લૅશબૅકમાં જવું પડશે! સો લેટ્સ ગો!


           એક જમાનામાં એક રાજા હતો. યસ!! ધેટ્સ માય નાનુ. અને એની રાણી. એટલે કે મારી ડાર્લિંગ નાની. એમણી રાજકુમારી એટલે કે મારા માતાશ્રી. નાનકડો પરિવાર બે માળના ઘરના ઉપરના માળે ભાડેથી રહેતા હતાં. અને એ ઘરની ખડકીના બરોબર સામે એક બીજા ઘરની બારી ઉઘડતી હતી. એ બે બારીઓ વચ્ચેનું અંતર જો હું તમને કહું તો એક બારીમાંથી જમવાની થાળી હાથ લાંબો કરી સહેલાઇથી સામેની બારીમાં ઊભેલા વ્યક્તિને હેમખેમ આપી શકાઇ એટલું હતું. એ બારી વિશે પછી હો! પહેલાં મારા નાનુ વિશે આપણે વાત કરીએ! સો મારા નાનુ રોજ હાથલારીમાં માલ ભરીને ગામના એક રસ્તાના કિનારે જઇ ઊભાં રહેતા. ઊંદર મારવાની દવાઓ અને બીજી નાની મોટી પરચુરણ ચીજ વસ્તુઓ વહેંચતા અને આ નાનકડા પરિવારનું ગુજરાન ચાલતું.

         હવે થયું એમ કે નાનુની દીકરી જુવાનીના ઉંબરે ચઢી. એટલે નાનુએ લાડકી માટે એના લાયક દીકરાઓ જોવાના ચાલું કર્યા. સંયોગવશાત્ સામેની બારીમાં રહેતો દીકરો નાનુના હૈયાને ગમી ગયો. એટલે થઈ ગયા લગન મારા માતા અને પિતાશ્રીના. પછી શું થવાનું હતું! મારા પેહલા મારા મોટા બહેનશ્રી ભૂમિ ઉપર પધાર્યા, અને પછી આવ્યા મારા જેવા મહારથી ભૂમિ ઉપર. 


            પિતાશ્રી આમતો થિયેટરમાં મૂવિની ટિકિટ ફાડવાનું કામ કરતા હતાં. એક.... એક મિનિટ! તમને એક સિક્રેટ કહીં દઉં નહિતર પેટમાં દુઃખશે! મેં મમ્મીને એક વાર એમ કહેતાં સાંભળ્યા હતાં કે એના અને બાપુજીના સગપણ કાળ વખતે પપ્પા જ્યારે-જયારે મમ્મીને મૂવિ દેખાડવા લઈ જાય તો મમ્મીને થિયેટરમાં એકલા બેસાડી પોતે પાછળની ઓરડીમાં જઇ એમણાં મિત્રો જોડે ગપ્પા મારવા બેસી જતાં. લો બોલો! આ બધાં ઓલ્ડીઝ આટલા અનરોમૅન્ટિક જ હોય છે કે શું! મેલો એ વાત બાજુ પર. હવે મુદ્દાની વાત ઉપર આવીએ તો મારા જન્મ પછી પિતાશ્રી અને માતાશ્રીના જીવતરમાં આવ્યો ટ્વિસ્ટ! પપ્પાની સિનેમાની નોકરી છૂટી ગઈ. એટલે ઘરમાં ઊભાં થયાં પૈસાના વાંધા! દીદી મને હંમેશા એક વાત કહેતી હતી. કે એ સમયે પૈસાનો એટલો વાંધો આવી ગયો હતો કે જો મને ભૂખ લાગે તો મમ્મીને થોડા દૂધમાં પ્યાલો ભરીને પાણી નાખી, મને પીવડાવવુ પડતું. હવે આપણે તો હતા ભોળા માણસ(બાળક) એ વખતે ,એટલે આપણે જે મળે એ ગટગટાવી જતા. એમાએ તે વળી હું હતીએ ગોલગપ્પા જેવી! એટલે બચારી માતાશ્રી બીજું કરી પણ શું શકે!


            થોડા સમય પછી પપ્પાએ લાદી સાફ કરવાનું ફીનાઇલ બનાવી એને ફેક્ટરીઓમાં જઇ વેચવાનું કામ ચાલુ કર્યું. અને એ જ સમયે આ વાર્તામાં આવ્યો બીજો જોરદાર વળાંક! એક તરફ મારા પિતાશ્રી એંગ્રિ યંગમેન! અને બીજી તરફ મારા માતાશ્રી રાણી લક્ષ્મીબાઈ! અને ત્રીજી તરફ ખાલી ખિસ્સાઓ! અને એજ ખાલી ખિસ્સાએ આ બન્નેના સ્વાભિમાન રૂપી ભભકતા લાવામાં હવા પુરવાનું કામ કર્યું. અને એમની વચ્ચે શરૂ થવા લાગ્યા મહાસંગ્રામ! અને એવા જ એક સંગ્રામનો દુઃખદ અંત આવ્યો. જો કે માતાશ્રીએ ફક્ત એક તમાચાને પોતાના લગ્નજીવનના અંતનો કારણ બનવા ન દીધો. પણ મારા નાનુ આ વાત જીરવી શક્યાં નહીં. નાનુએ પિતાશ્રીને મળી એમણે સમજાવવાના પ્રયત્નો ચાલું કર્યા. અને એક નજરે નાનુ સફળ પણ થયા. પણ મારા ભોળા નાનુએ બીજી તરફ રાયતું ફેલાવી મૂક્યું હતું! એમના પરમ મિત્રને એમને આ ઘટના વિશે આછો ખ્યાલ આપી દીધો અને આ આછો ખ્યાલ ઘેરો બનતા વાર ન લાગી અને એ ઘેરો ખ્યાલ જુદા-જુદા હોઠ ઉપર જઈ રંગ બદલતો ગયો. અને એ રંગ બદલતો ખ્યાલ જ્યારે પિતાશ્રીનાં કાને ચઢ્યો એટલે આવ્યો ભૂકંપ! અને એ ભૂકંપે સામસામેની એ સાવ નજીક બારીઓ વચ્ચેનું અંતર ખૂબ વધારી મૂક્યું!


             પિતાશ્રીએ કડકાઈથી હુકમ ફરમાવ્યો. "કોઈ પણ જો સામે વાળાનો ઓટલો ચઢશે તો ટાંટિયા ભાંગી નાખીશ." એટલે પિતાશ્રીના ક્રોધિત મિજાજના ભયથી અમારા ઘરની બારીઓ જડબેસલાક બંધ રહેવા લાગી. અને વહાલરૂપી ખુલતી બારીઓ માની એક બારીએ રિસામણાં લઈ લીધા.


         અમુક દિવસો એમને એમ નીકળ્યા. હવે મારા નાનુથી અમને જોયાં વગર રહીં શકાતું નહોતું. બાળમંદિર જતી વખતે મારી નજર અનાયાસે નાનુની બારી ઉપર પડી જતી. ત્યાં નાનુનો આમ સાવ સડેલા ટામેટા જેવો ચેહરો જોઈ મારુ માઈન્ડ પણ સેડ થઈ જતું. પણ પપ્પા જોઈ જશે તો ફટકારશે એ ભયથી હું બારી તરફથી નજર ફેરવી લઈ સ્કૂલે જવા દોડી જતી. પરંતું એક દિવસ તો મજા જ આવી ગઈ! હું બાલમંદિરે પહોંચી તો મારા નાનુ બાળમંદિરને ઓટલે બેઠા હતા. હું એમણે જોઈને દોડીને એમને વળગી પડી. એમણે ધીમેથી મારા નાનકડા હાથમાં કિસમીબાર પકડાવી અને મારા માથે હળવું કિસ કરીને ત્યાંથી નીકળી ગયાં. પછી શું થવાનું હતું! 'કિસમીબાર પરંપરા' ચાલું થઈ! અને તમને ખબર છે તેમ એ પરંપરા બાળમંદિરથી સ્કૂલ સુધી અને સ્કૂલથી કોલેજ સુધી એમ ચાલુ જ રહીં. હવે વચ્ચે શું-શું થયું એ જાણવું છે કે નહીં! તો ચાલો કહું,


             ધંધામાં ખોટ જવાને કારણે  પિતાશ્રીનો ગુસ્સો દિવસેને દિવસે વધતો જતો હતો. મારા, દીદી અને મમ્મીના કાળજા  ઘરમાં પપ્પાનાં આગમન સાથે ફફડવા લાગતા. અમે ત્રણે ચૂપચાપ એક ખૂણે ભરાઈ બેસી જતા.


         થોડા દિવસો વધું નીકળ્યા. મમ્મી બચારી પપ્પાના ડરથી પોતાના માબાપને જોઈ પણ શકતી નહોતી. પણ પછી એકાએક બેકગ્રાઉન્ડમાં વાગ્યું સોન્ગ! " યે હે તેરે કરમ, કભી ખુશી કભી ગમ!" એટલે કે ગમના દિવસો ગયાં ભાઈસાહેબ! પપ્પાએ કરજ કરીને એક નાનકડો ઓટલો દુકાન રૂપે ખરીદી લીધો અને એમાં કુકર, સગડી રીપેરીંગનું કામ આદર્યું. અને આ કામમાં એમને જોરદાર ફાવટ આવી જવાથી ટૂંક સમયમાં પપ્પાએ બજાજ ચેતકનું સેકેન્ડ હેન્ડ સ્કૂટર ખરીદી લીધું. અને આ જૂનાખખ સ્કૂટરે અમારી નૈયા પાર લગાડી. હવે તમને થશે કે એ કેવી રીતે!


        


             તો એ એવી રીતે કે પિતાશ્રીના એ સ્કૂટરે જડબેસલાક થયેલી બારીઓ નહીં પણ દરવાજાઓ ઉઘાડી કાઢ્યા. કારણકે આસપાસ કોઈની પાસે બાઇક અને એક્ટિવા સિવાય ચેતક તો હતું નહોતું! એટલે સૌથી પહેલા એ સ્કૂટરના અવાજને અમે બહેનોએ ખૂબ સારી પેઠે જાણી લીધો. અને પછી શું! પપ્પા જેવા ઘરની બહાર પગ મૂકે અને સ્કૂટર ચાલુ કરે કે અમે બન્ને કૂદકો મારી દોડી જઈએ નાનુના ઘરે!


           બપોરની ગરમ-ગરમ ચાહ અને નાનીની 'સાંસ-બહુ' વાળી ટીવી સીરીયલની હું અને દીદી જોરદાર મજા માણવા લાગ્યા. આમ તો અમને સિરિયલમાં કોઈ રસ નહોતો પડતો. પણ મજા ત્યારે આવતી હતી જ્યારે સીરીયલમાં કોઈ ખરાબ પાત્રની સારા પાત્ર દ્વારા વલે લેવાતી! અને ત્યારે મારા નાની એમની લવારી ચાલુ કરતા,


            "મારી નાખ...એ..એ ડાકણને મારી નાખ! ગળું..ગળું દબાવ એનું! ટાંટિયા ભાંગ એના ટાંટિયા!" અને નાનીની આવી બબડાટ સાંભળી અમે પેટ પકડીને હસી પડતા. અને પછી નાનીને ભેટી એમને કામ ડાઉન્ડ કરતા. વળી પાછો જેવો સ્કૂટરનો અવાજ આવતો કે અમે દોડીને નાનુનો ઓટલો કૂદી ઘરે ભાગી આવતા. આમને આમ વર્ષો ચાલ્યું. હા ખરેખર વર્ષો ચાલ્યું! અને અમને તો આમાં ખૂબ મોજ પડવા લાગી. ધીમે-ધીમે અમે મમ્મીને પણ આવી મોજમાં ભાગીદાર બનાવવા લાગ્યા.


 


            સમય વહેતો ગયો! હું દસમામાં આવી અને દીદી બારમામાં. અને તમને બધાને ખબર છે એમ છોકરીઓ માટે તો કોઈ પણ ઉંમરે પાણીપુરી એટલે ઓલ ટાઈમ ફેવરિટ! એટલે અમે બહેનો ક્યારેક સાંજ પડતા નીકળી પડીએ આટો મારવાં. હવે થાઈ એમ કે નાનુની લારી અને પપ્પાની દુકાનનો ઓટલો પડે એક જ રસ્તા ઉપર અને પાણીપુરીની લારી પર પણ એ જ રસ્તે થઈને જવાઈ. એટલે પહેલા આવતી પપ્પાની દુકાને અમે બે મિનિટ ઊભાં રહીં પપ્પાને મળી લઇને વળી આગળ જઈએ તો આવે નાનુની લારી! હવે નાનુને જઈને મળી તો શકાઇ નહીં! કારણ કે પિતાશ્રી જોઈ જાય તો ફટકારે! એટલે અમે નાનુની લારી પાસેથી નીકળીએ ત્યારે નાનુ ફક્ત પોતાના કોર્ટના ખિસ્સા ઉપર હાથ મૂકે! એટલે અમે સમજી જઇએ કે નાનુ કહેવા ઈચ્છે છે કે,


     "ખાઉધરીઓ! ખાવા નીકળી છોને! પૈસા જોઈએ છે?"


     અને અમે ધીમેથી ડોક હલાવી ના કહીએ. એટલે પછી આવે બીજો ઈશારો. નાનુ આમતેમ જોઈ ધીમેથી હાથ ઊંચો કરી આંગળીઓને આમ વર્તુળાકાર ફેરવે. એનો અર્થ થાય કે,


   "મારી બાળકીઓ, મારી માટે સમોસો લેતા આવજોને!" એટલે અમે બન્ને સમજી જઈએ કે અમે બન્નેવ નાનુ ઉપર જ ગયા છે. હા તો વળી! એ પોતે પણ ખાઉધરા જ તો છે!


    ધીમે-ધીમે પપ્પાની ગેરહાજરીમાં અમારા ઘરની ખડકી વર્ષો પછી ખુલવા લાગી. અને બારીમાંથી ભજીયા અને ગોટાની આપલે પણ વધવા લાગી. દિવસો નીકળતા ગયાં અને આટલા વર્ષોમાં કેટલીએ વાર ઘરમાં ભૂકંપની હળવી કંપારીઓ આવતા રહીં. પણ હવે અમે ત્રણેવ આવી ધ્રુજારીઓથી ટેવાઈ ગયા હતા. મમ્મીના પોપચાં ક્યારેક સવાર-સવારમાં ફૂલેલા મળતા પણ નાવ યુ નો ના માય પર્સનાલિટી! મમ્મીને ફરી હસતી રમતી કરતા મને જરાયે વાર નહોતી લાગતી. હવે તમને સાચું કહું તો એમ નહોતું કે પિતાશ્રી પ્રેમાળ નહોતા. બસ અમારી સમજબુદ્ધિની બહાર હતાં.


         વળી ક્યારેક આપણા અમરીશપુરી અમારે જોઈ પણ જતા નાનુના ઓટલેથી ભૂસકો મારતા ત્યારે ફક્ત આટલું કહીં ઘરે ભરાઈ જતા.


         "ભૂસકો મારવાની ઉંમર નથી હવે તમારી. ટાંટિયા ભાંગશેને તો હીધી થશે બન્નેવ." એ સમયે એમનો ચહેરો જરાયે છંછેડાયેલો જણાતો નહોતો. એટલે અંદરખાને મને ખ્યાલ આવી ગયો કે બાપુશ્રીને અમારા આ કારનામાઓ વિશે ખ્યાલ આવી જ ગયો છે.


                        *************


             "ઓહ કમોન ઓલ્ડીઝ! આવા ઘરડા ગીતો સાંભળી મને પણ ડોહાઓ જેવી ફીલિંગ્સ આવે છે! કોઈ રોક એન્ડ રોલ ગીત સાંભળોને!" નાનુના ઘરનો દરવાજો ઉઘાડતાની સાથે જ મેં રાડો નાખી. હા તો વળી! 'ઝીંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હે!' લે વળી! ફક્ત તારી અને મારી જ કહાની! તો બીજા બધાંની જિંદગી શું? ધૂળ!


 


           "આવી ગઇ દાદી!!!" મોઢું મચકોડી નાનુ ધીમેથી બબડયા." તારા બાપથી પણ હવે તને ડર નથી લાગતો! હે ને! જા કાબરી ઘરે જા, નહિતર અમરીશપુરી આવશેને તો મારા ઘરે પણ તબાહી મચાવશે!" નાનુના વૃદ્ધ ચેહરા ઉપર ભયની રેખાઓ ઉપસેલી જોઇ હું હસી પડી.


  


              "લા આટલા મોટા થઈ ગયા છતાંય તમે પિતાશ્રીથી ગભરાવ છો. શેહ!"


               "ઓહ! ગભરાવ છોની સગી! જા ઘરે ભરા તારા, નહિતર તારો બાપુ રાડ નાખશે!"


              "રિલેક્સ ઓલ્ડી! ડેડા તો આજે અમદાવાદ  રોકાશે! એટલે આજે પાર્ટી!!!"


          "ઓયે! અહીં રહેવું હોયને તો વહેલી સુઈ જાજે ચુપચાપ!" હું કૂદીને નાનુની સોડમાં જઇ બેસી ગઈ. નાનુએ હળવેથી મારા માથે હાથ ફેરવ્યો.


         "લાડવો ખાશે મારો દીકરો!" થોડી વાર પેહલા છંછેડાયેલા નાનુએ વહાલથી પૂછ્યું.


         "અફકોર્સ મેન! એમાં પૂછવાનું શું વળી! અને હા નાની લાડવા સાથે હું શરબત પણ પી લઈશ! એટલે બરફ નાખી શરબત પણ બનાવજે હો!" નાનુના ઘરે મેં મારું સામ્રાજ્ય જમાવ્યું.


    


            "પહેલા નંબરનું ખાઉધરું છે આ!" અને ત્યાં જ બાજુમાં બેસેલા નાનુએ મોઢું બગાડી બબડાટ ચાલુ કર્યો. એ રાત્રે નાનુના ખખડેલ રેડિયોમાંથી વહેતા જુના ગીતો સાંભળી મારુ માથું ફરી ગયું.


      


              વળી એક દિવસતો એવું બન્યું કે મને લાગ્યું જાણે ખરેખર આજે સુરજદાદા પશ્ચિમથી પણ નહીં, કોઈ નવી જ દિશામાંથી ન ઉગ્યા હોઈ! માતાશ્રી અને હું સાંજે શાક લઇ ઘરે ફરતા હતા ત્યારે રસ્તામાં અમે નાનુને  હાથલારી વગર એકલા હાથે ચાલતા જોયા. થોડુંક આગળ ચાલતાં જોયું તો પપ્પા નાનુની હાથલારીને ધક્કો મારી ઘર તરફ લઈ જતા હતા. હું અને મમ્મી બન્ને આંખો ચોળતા ત્યાં જ ઊભાં રહીં ગયા. અને ધીમેથી એ બન્નેને ખબર ન પડે એવી રીતે રસ્તો બદલી બીજા રસ્તે ઘરે પહોંચી ગયા. પણ એ વખતે મેં મમ્મીની આંખોમાં વર્ષો પછી એક અદ્ભૂત ચમક જોઈ હતી. સંતુષ્ટિની ચમક!


                   


                                   ******


          "ઓહ સમોસા! વાહ મજા આવી જશે આજે તો!" પપ્પા બરોબર મમ્મીની પાછળ ઊભાં રહીં બોલ્યા.


           સમોસા તળતી મમ્મી મોઢું પાછળ ફેરવી પપ્પા સામું જોઈ બોલી,


      "હા, તમને ભાવે છે ને!"


        અને હું પાછળ ઊભી છું એવો પપ્પાને જાણે ભાસ ન થઈ ગયો હોય એમ પપ્પાએ મોઢું મારી તરફ ફેરવ્યુ અને મારી સામું તાકી રહેતાં મમ્મીને ઉદ્દેશીને કહ્યું, "સમોસા તો તારા પપ્પાને પણ ભાવે છે, નહીં! એમને પણ આપજે!"


       અમરીશપુરીની વાત સાંભળી મારા તો છક્કા જ છૂટી ગયાં. પપ્પા હજું પણ એકીટશે મને જોતા હતાં. જાણે કેહતા ન હોઇ કે, "બેટમજી તું ફર આખા ગામની દાદી થઈને પણ હું તો તારોએ બાપ છું. તમારા કારનામાઓ ખબર છે મને!" પણ મેં તો આંખના ડોળા આમ તેમ ફેરવી જાણે સાવ ભોળી, અજાણ હોવ એવો ડોળ કરતી રહીં અને પછી સ્વસ્થ થવાનો ઢોંગ કરી મમ્મી પાસે જઈ મેં ઉમળકા સાથે કહ્યું. " લાવ મમ્મી મને પ્લેટમાં ભરી આપ, હું નાનુને આપી આવ."


          એટલાંમાં તો પાછળથી કર્કશ ખોંખારાનો અવાજ આવ્યો, "તારી માં આપી દેશે બારી માંથી. તું સીધી કોલેજ જા." ઓહ માય ગોડ! એ વખતે મને ખરેખર દોડીને પિતાશ્રીને જાદુની ઝપ્પી અને માથા ઉપર ત્રણ ચાર પપ્પીઓ આપી દેવાની ઈચ્છા થઈ ગઈ. પણ મેં મારી ઉછળતી ભાવનાઓ ઉપર "કંટ્રોલ રેવા! કંટ્રોલ" કહીં કોલેજ જવા નીકળી ગઇ.
                                  ******


       હું માથું નીચે કરી સાવ હતાશ થઈને પપ્પાની સામું ઊભી હતી. મારા હૈયામાં ભય અને વેદનાની મિશ્રિત લાગણીઓ ઉછળતી હતી. રહીં-રહીંને પુતળીઓ ઊંચી કરી હું પપ્પાને જોઈ લેતી. અને એકાએક પપ્પાએ એમની આંખની કીકી જમણી તરફ કરી મને જવાની રજા આપી. અને હું દોડી ગઈ નાનુના ઘરે.


        "ઓહ કમોન મેન! આ શું નાટક લગાવ્યું છે! ત્રણ દિવસથી લારીએ નથી ગયો તું! પથારીના પ્રેમમાં પડવાનો આટલો શોખ હતો તો અત્યાર સુધી શા લેવા ખેંચી-ખેંચીને લારી ફેરવતો હતો તું નાનુ! અને મારે ચોકલેટ જોઈએ છે! હાલ ઊભાં થાવ અને મને લાવી આપો. હાલ જ લાવી આપો." બોલતાં બોલતાં મને ડૂમો ભરાઈ આવ્યો. મમ્મીની  આંખોથી ધોધ વહેતો હતો. અને બાજુમાં બેસેલા પપ્પાના આંખના ખૂણા પણ ભરાયેલા હતાં. નાનુએ ફક્ત એક સ્મિત આપી મારા માથે હાથ ફેરવ્યો. અને પછી! પછી શું! અહીં એજ બેન્ચ ઉપર બેઠી છું હું આજે! નાનુ નથી આવતા હવે ચોકલેટ આપવા મને પણ પપ્પા રોજ મારી સાથે અહીં આવીને આ બેંચ ઉપર બેસે છે.  આજે આ બેંચ ઉપર બેસી મને નાનુના એ જુના ગીતનો સાર્થ સમજાઈ છે.

        " કુછ પા કર ખોના હૈ.  કુછ ખો કર પાના હે! જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ!"



    


     


       


           


                        


                


               


           


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ