વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગ્લાસ ઓફ મિલ્ક








એક ગરીબ છોકરો ઘરે-ઘરે ફરી વસ્તુઓ વેંચતો. તેમાંથી થતી આવકમાંથી પોતાનું પેટ ભરતો સાથો-સાથ સ્કૂલની ફીના પૈસા પણ રળી લેતો.


એક વાર આખા દિવસની મજૂરી બાદ પણ તેની આવક ખાસ થઇ નહિ. ખિસ્સામાં હાથ નાખ્યો તો તેમાં માત્ર એકજ નાનકડો સિક્કો હતો. તેને સખતની ભૂખ લાગી હતી. એણે મનોમન નક્કી કર્યું કે રસ્તામાં જે પહેલું ઘર આવે ત્યાંથી ખાવાનું માંગી લેવું.


પહેલા ઘરની બેલ વગાડી તો અત્યંત સુંદર યુવતીએ બારણું ઉઘાડ્યું. છોકરો તેને જોઈ થોથવાઈ ગયો અને ખાવાનું માંગતા શરમાયો પણ ખરો. હિમ્મત કરી તે માત્ર એટલુંજ બોલ્યો

'' મ.... મને એક ગ્લાસ પાણી મળશે?"


યુવતીએ તે છોકરાને ઉપરથી નીચે સુધી નીરખ્યો અને તેણે જણાયું કે છોકરો થાકેલો અને ભૂખ્યો છે. એ અંદર ગઈ અને દૂધ ભરેલો એક મોટો ગ્લાસ લઇ આવી છોકરા સામે ધર્યો.


છોકરો છેલ્લા ટીપા સુધી દૂધ પી ગયો પછી દૂધની મૂછો લૂછતાં બોલ્યો '' મારે તમને કેટલા પૈસા આપવાના થાય?"


યુવતીએ સ્મિત વેર્યું અને બોલી " તારે મને કંઈજ આપવાનું નથી રહેતું, મારી માતાએ મને શીખવ્યું છે કે માણસાઈના બદલામાં કંઈ લેવાનું ના હોય."


"તો હું તમારો સહૃદય આભાર માનું છું." - આટલું કહી છોકરો ચાલ્યો ગયો.


વર્ષો બાદ પેલી યુવતી એકવાર ભયંકર માંદગીમાં સપડાઈ. સ્થાનિક ડોક્ટરોને બીમારી ના સમજતા તેણીને શહેરની મોટી હોસ્પિટલમાં એડમિટ કરાઈ. તેનો રોગ અતિ જટિલ અને જાનલેવા હતો. તેની બીમારીના ઈલાજ માટે વિષેશજ્ઞ ડોક્ટર હોવર્ડ કેલીને બોલાવાયા.


ડો.કેલીએ પેશન્ટના કેશ પેપરમાં તેના ગામનું નામ વાંચ્યું ત્યારે તેની આંખ ચમકી !  અને તે પેશન્ટને જોતા જ ઓળખી ગયા. તેઓએ મનોમન નક્કી કર્યું કે આ દર્દીને બચાવવા તેનાથી બધુજ કરી છૂટશે. તે સ્ત્રીની બીમારી સામે લાંબી લડાઈ ચાલી, આખરે જીત ડોક્ટર અને દર્દીની થઇ.


પેશન્ટને ડિસ્ચાર્જ આપવાના સમયે તેનું બિલ એપ્રુવલ માટે ડો.કેલી પાસે લઇ જવાયું.


ડો.કેલીએ બિલના ખૂણામાં કંઈક લખી આપ્યું.


બિલ જયારે તે સ્ત્રીના હાથમાં મુકવામાં આવ્યું ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા. તેણીને ખબર હતી કે જીવનભર કમાઈ-કમાઈને હપ્તા ભરશે તો પણ તે આ તોતિંગ બિલ ના પૈસા નહિ ચૂકવી શકશે.


અચાનક તેની નજર બિલના ખૂણા પર પડી જ્યાં લખ્યું હતું

" બિલની પુરી રકમ દૂધના એક ગ્લાસનાં બદલામાં ચૂકવાઈ ગઈ છે."

                                       સહી- ડો.હોવર્ડ કેલી


આ વાંચી તે સ્ત્રીની આંખમાંથી આંશુનું જાણે ઝરણું રેલાયું. તેણે ભીની આંખો મીંચી મનોમન ઈશ્વરનો આભાર માન્યો

"હે ઈશ્વર માણસના હૈયા અને હાથ દ્વારા તું તારો પ્રેમ ફેલાવતો રહે છે તે બાદલ તારો આભાર."


સાર- હંમેશા અન્યોની મદદ માટે તત્પર રહેવું, જેનો બદલો આપણને ઈશ્વર આપે છે. અન્યની મદદ કરી આપણે ખુદ આપણી જ મદદ કરી રહ્યા હોય છીએ.


(  આ સ્ટોરી ઘણા  વર્ષ  પહેલા  ભાસ્કર  ગ્રુપની  મેગેઝીન  "અહા! જિંદગી"માં વાંચેલી. )  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ