વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંબે આવ્યો મ્હોર

 આંબે આવ્યો મોર... / જગદીપ ઉપાધ્યાય

      મનસુખને તો પડ્યા ઉપર પાટું થયું!  ત્રિભોવન પટેલની છોડી અંજુ એમ.એ. થઇ ગઇ ને એણે મનસુખ સાથેની સગાઇ તો તોડી નાખી ઉપરથી ‘આ ભોથા હારે તે હું પરણતી હઇશ?’ એવું મોઢેમોઢ ઝાપટી દીધું. પોતે કમાતો ધમાતો છે તોય  ભણેલી તો ઠીક અભણ છોડીયુય સગાઇની હા નથી પાડતી. સૌને શહેરમાં જાવું છે.

         બાયુ ફળિયે કીર્તન ગાવા આવે ને મનસુખ નજરે પડે તો એની બા પાસે પાછો એનો એ સત્સંગ શરૂ થઇ જાય. ‘હે બાઈ! તારો મનસુખ તો બારસાખે આંબ્યો?’ ‘કેટલા વરસનો થ્યો?  હવે એકાદ વરસમાં થઇ જાય તો સારું પછી તો ગલઢો લાગવા મંડશે!’ ‘ઓલી અંજુને તો દાક્તર મૂરતિયો મળી ગયો.’ ‘પડખે લુવારામાં અરજણ લીંબાની છોડી થોડીક લંગડી હાલે છે, એમાં આમ તો કાંઇ વાંધો નહીં!’ બાયુ દેવાય એટલા ડામ દે ને પછી ઇંધણ ચેતવતી હોય એવી ફૂંક મારે, ‘છોડિયું ની તાણ્ય છે. એટલે વાર લાગશે. પણ થઇ જાશે બાઈ! પછી તો મનસુખના  જેવા ભાગ્ય!’ 

         ગૌરી ભાભીએ તો એક દિવસ એને ખીજવીને કંટાળો લાવી દીધો,’ તમે કહેતા હો તો મનસુખ ભાઇ!  દૂબળાને એની છોડી સાટું પૂછી જોઇએ!’ ને પછી છાતી ઉપર હાથ મૂકતા કહે, ‘હાય મા! ઇ ય નઇ માને તો?  તો તો મનસુખભાઇ! તમે ટીંગાઇ જાવાના! ’ મોટી બા ખાટલામાં પડ્યા પડ્યા કહે, ‘નવમીય પૂરી નો કરી...! આ વેતા વગરનાને કોણ છોડી દે?’ મનસુખને તો મગજમાંથી ધુવાડા નીકળી ગયા ને એ ઉપડ્યો હામાપર, એના મામા પાસે.

          મામા ખેતરથી આવી, બપોરા કરી, ડેલીમાં ખાટલો ઢાળીને આડા પડવાની તૈયારીમાં હતા. એણે માથેથી ફાળિયું છોડીને ખાટલાની ઇંસ પર નાખ્યું ને મનસુખ પહોચ્યો.

મામા બોલ્યા, ‘લ્લે..... કાં?’

મનસુખે શરૂ કર્યું, ‘શુ લ્લે.....કાં? ગાધકડે આવીને કોઇ દી’ પૂછ્યુ છે તને કેમ છે ભાંણા?

‘લ્લે...... કાં?!’

‘સગાઇ નથી થાતી તે ગામ બોલે છે વાંકા!’

‘ઠીક! તારે દાળ, ભાત, શાક અને એકાદ લાડવો ખાવો છે !’ 

‘ના  મામા!  મારે ભૈરવ જપ ખાવો છે ઊઠો ને હાલો મને ધક્કો મારવા! અમારી જમીન કેવી કાંપવાળી? તોય મામા! ચાર આંબાની કલમ વાવી ઇ ચારેય ફેલ ગઇ’ !

મામા કહે, ‘ કલમ ઉગાડી દઇ એમાં શું?’

       મામીએ ‘અરરર... ભાણિયાભાઇ બચારા કેટલા દૂબળા પડી ગયા છે.’ એમ કહેતા ચા પાયો. મામાને બેનના  હાથમાં સો રૂપિયા આપવાનું કહ્યું ને થેલીમાં નવો સાડલો ને બરફી ચુરમા ડબો નાખીને થેલી મનસુખને અંબાવી. બેનને ત્યાં લઇ જવા સારું મામાએ ભારે માયલા બિયારણનું બાચકું હાથમાં લેતા કહ્યું. ‘હાલ્ય ભાણા! થા મોઢાગળ!

       મામાએ ગાધકડા આવીને મનસુખના મોટા બાને શેઢાવદરના એના જુના સગામાં છોકરી બતાવીને એની પાસે ફોન કરાવ્યો, ‘જો ભાઇ લખમણ! ઘરની ખેતી છે. મોટો માર્કેટીંગ યાર્ડમાં એજન્ટ છે. આ નાનો હીરાનુ જાણે છે પણ અહિંયા માણસની જરૂર છે તે અહીં ખેતી સંભાળે છે ને ઘરનું ટ્રેકટર ચલાવે છે. તારી છોકરી લહેર કરશે ને સાંભળ! તારે સગાઇનો હમણા જોગ નો હોય તો ચિંતા નહીં કરતો. તારે કાંઇ રકમ ઘટે તો મને કહેજે. મારી પાસે  જીવાઇની રકમ પડી છે.’ અને મામાએ રોપાવેલી શેઢાવદર વાળી કલમ  બરાબર ચોંટી ગઇ. લખમણ પટેલે ‘લગનની ઉતાવળ નો કરતા’ એમ કહી સગાઇ પણ કરી દીધી.!’ સગાઇમાં એ લોકોએ માંડ દસ મિનિટ મનસુખને મુક્તિ જોડે વાત કરવા દીધી.

           ને પછી... બાપા તો  પ્રસંગ કે તહેવાર પૂરતો લખમણ પટેલને ફોન કરે અને યાદ આવે તો લગન બાબતે પૂછેય ખરા! પણ લખમણ પટેલને તો સત્તર બાના જીભ પર તે કંઇકને કંઇક બંધ વાળી દે. મનસુખ પોતે શેઢાવદર જાય ને એના સસરા લખમણ પટેલને હવે લગન કરી દેવાનું કહે. તો લખમણ પટેલ ‘હમણા તો અમારે  કટંબમાં કાકી ગુજરી ગયા છે તે નહીં થાય.’ એમ કહી, દાડાના વધેલા ગુંદી ગાંઠિયા એને ખવડાવી ને રવાના કરે ને ટાઢા કોઠે કહે , ‘ થઇ રહેશે. જલસા કરો મનસુખ લાલ!’

      વરસ દોઢ વરસ! હવે કેટલુંક!  એ ત્રીજી વાર સાસરીમાં જઇને ધોયેલા મૂળાની જેમ  પાછો આવ્યો ત્યારે ગવરી ભાભીએ પૂછ્યું, ‘તમે મુક્તિને એના માવતરને લગન સારુ સમજાવવાની વાત કરો છો કે નહી?’

મનસુખ કહે , ‘એને તો મળવા દેતા જ નથી! ને એ છાનીમાનીયે મળતી નથી!’

ગવરીભાભી કહે,’ તો તો મનસુખભાઇ ! ખલાસ ... મુક્તિનો જ  વિચાર લાગતો નથી!, લગભગ તો તમારે ખાખીની જગ્યામાં બેસવાનું આવશે એવું લાગે છે.!’ મોટા બા ખાટલામાં પડ્યા પડ્યા કહે ‘આ  મનસુખિયો મૂઓ મૂળથી જ  નસીબનો ફૂટલો છે!’ ને  મનસુખના મગજમાં તિખારા ઊડવા લાગ્યા ને એ ગયો મામાને ત્યાં હામાપર.  

મામા ખેતરેથી આવી, બપોરા કરી,  ડેલીમાં ખાટલો ઢાળીને આડા પડવાની તૈયારીમાં હતા. એણે માથેથી ફાળિયું છોડીને ખાટલાની ઇંસ પર નાખ્યું ને મનસુખ પહોચ્યો.

મામા બોલ્યા, ‘લ્લે..... કાં?’

મનસુખે શરૂ કર્યું, ‘શુ લ્લે.....કાં? ગાધકડે આવીને કોઇ દી’ પૂછ્યુ છે તને કેમ છે ભાંણા?.

‘લ્લે..... કાં?’

‘શું લ્લે..... કાં? લખમણ પટેલ કાઢે છે લગનના બાના ને ‘ઓણ તારું થઇ ગ્યું સમજ!’ એમ કહીને બાપા ડેલીએ બેઠા બેઠા મારે છે ફાંકા!

 ‘ઠીક! તારે થોડોક અદડિયા ને સેવનો નાસ્તો લેવો છે’

‘ના... મામા! મારે ગિરનાર જઇને ભેખ લેવો છે!  તમે ઊભા થાવ અને હાલો, મને ગરુ ગોતી દયો! આંબાનો રોપડો ઊગ્યો તો ખરો પણ એને ડાળી ડાળખા તો ફૂટવા જોઇ કે નહી!’

મામા કહે ‘ આંબાનો રોપડો ઉઝેરી દઇ!? પછી કાંઇ?’

         મામીએ‘ અરરર... ભાણિયાભાઇ બચારા કેટલા દૂબળા પડી ગયા છે.’ એમ કહેતા ચા પાયો. મામાને બેનના હાથમાં સો રૂપિયા આપવાનું કહી ને થેલીમાં ચાંદી મઢેલા બે ચૂડલા અને અડડિયાનો ડબો નાખીને થેલી મનસુખને અંબાવી. મામાએ બેનને ઘેર લઇ જવા સારું નવા પાકેલા ચણાનું બાસકું હાથમાં લેતા કહ્યું. ‘ હાલ્ય ભાણા! થા મોઢાગળ!’ 

         મામાએ ગાધકડા આવીને આ વખતે ભાણાના બાપા પાસે લખમણ પટેલને ફોન કરાવ્યો, ‘કાવડિયા તમારા છોકરાના ધંધામાં રોકાઇ ગયા હોય તો થાય એટલો જોગ કરો બાકીનો વરાનો ખર્ચો અમે સંભાળી લેશું.’ ને મામાએ ચીંધ્યા પ્રમાણે કરેલા પિયતથી  આંબાને નવા નવા ડાળખા ફૂટ્યા.

         લખમણ પટેલે લગન તો કરી દીધા પણ લગન પછી મુક્તિને માંડ ચાર દી’ રહેવા દીધી. વાહોવાંહ ઢગ લઇને તેડવા આવ્યા. મનસુખ પાછો તળિયા ઝાટક થઇ ગયો.’ 

        વરસ રાહ જોઇ ને મનસુખ ઉપડ્યો તેના સસરા લખમણ પટેલ પાસે ને પૂછ્યું, ‘હવે કેદી આણા કરો છો?’ લખમણ પટેલ કહે, ’ઓણ તો વરસ મોળું છે તે ડૂંડે સરખા દાણા બેઠા નથી! આવતે વરહ વાત!’ વળી ટાઢા કોઠે કહે, ‘થઇ રહેશે! જલસા કરો મનસુખ લાલ! ને બારોબાર કોઇકના વરામાં જમાડીને મનસુખને મોકલી દીધો. ઉપરથી નિશાળના ગોટીમાસ્તરને ભડભડિયા વાંહે બેસાડી દીધા. રસ્તે ચડતા ગોટીમાસ્તરે માસ્તર વાળી શરૂ કરી, ‘મેળ પડી ગ્યો ઇ સારુ. બાકી હવે કન્યા ક્યાં મળે છે. પહેલા છોકરી જન્મેને દૂધ પીતી કરતા ને હવે જન્મે એ પહેલા દૂધ પીતી કરે છે. લ્યો! આટલો વિકાસ થયો.’  કહીને ગોટીમાસ્તરે છોકરી સાથે રખાતા ભેદભાવ અને તેના પરિણામો ઉપર એવું ભાષણ શરૂ કર્યું ને કે મનસુખને ભડભડિયા નો ઘા કરી, મુઠ્ઠીયું વાળીને ભાગી જવાની ઇચ્છા થઇ આવી. જો કે તેને થયું કે માસ્તરની વાત ખોટી  નહોતી. પોતે જ તેનું પરિણામ ભોગવતો હતો. પણ ગોટીમાસ્તરે એટલેથી ન અટકતા ‘પહેલા તો લોકો સગાઇ તોડી નાખતા પણ હવે તો લોકો લગનેય ફોક કરી નાખે છે’ એમ કહેતા મનસુખનું સ્કૂટર સ્લીપ ખાતા ખાતા રહી ગયું.

       બીજે વરસે ય એ જ વાત. 

       એક દિવસ સીધુ લેવા આવેલા ગોરાણીમા બાને કહેતા હતા, ‘આપડે તો એટલું જાણીએ કે કોકનું સારુ કરીએ તો  કુદરત આપણું સારું કરે!’ ગોરાણીમાની વાત મનસુખને સ્પર્શી ગઇ ને એણે સેવા કાર્યનો સંકલ્પ કર્યો..

     ગામમાં ભાગવત સપ્તાહ બેઠી તે સાતેય દિવસ એણે ઊભા પગે સેવા આપી. બજરંગ દાસબાપાનો ઓટો બનતો હતો તે એમાં પાંચસો રૂપિયા ફાળો નોંધાવ્યો. ગામના રામામંડળે રામદેવ પીરનું આખ્યાન ભજવવાનું નક્કી કયું તે એમાં ભાટી હરજીનો વેશ લીધો. ચાર ગાઉં દૂર આવેલા ખોડિયારમાના ડુંગરે હાલીને જઇને પૂનમ ભરવા લાગ્યો.

          એક દિવસ તે ખોડિયાર મંદિરેથી  પાછો ફરતો હતો અને એક ભણેલા ગણેલા દંપતિએ તેને લાપસી અને મગ ભાતનો પ્રસાદ લઇને જવા કહ્યું ને તે પ્રસાદ લેવા રોકાયો. તો સ્વજનો તે દંપતિને ખોડીયાર મા પાસે દીકરી માગવા બદલ અભિનંદન આપતા હતા  તેને પણ એવી ઇચ્છા થઇ આવી.

       આ વખતે વરસાદ આવ્યો તો એવો આવ્યો કે ભારે તારાજી થઇ. ગામમાં વાત થતી હતી કે આપણે નુકશાન છે પણ શેઢાવદર બાજુ કહે છે કે બહુ વાંધો નથી આવ્યો. મનસુખને મનમાં થોડીક હાશ થઇ. ખરાડ થતા એ તરત જ શેઢાવદર એના સસરાને ઘેર પહોંચ્યો તો એ કાંઇ પૂછે તે પહેલા તેના સસરા  લક્ષ્મણ પટેલે ‘આ વખતે તો ખેતી ધોવાઈ ગઇ હોવાથી  આણા કેમ કરવા?!’ કહીને ભળતો ઉત્તર આપી દીધો. ને એના કુટુંબીએ દીકરો જન્મતા કરેલા નિવેદમાં જમવા લઇ ગયા. દીકરાના જન્મ પર બધા લોકો હરખ વ્ય્ક્ત કરતા હતા ત્યારે મનસુખ પોતાની દશા જોતા, એના પર મનમાં અફસોસ વ્યક્ત કરતો હતો.

         ઘેર ગવરી ભાભી રાહ જોઇને જ બેઠા હતા. મનસુખનું મોઢું જોઇને જ તેણે પૂછ્યા ઘાસ્યા વગર શરું કર્યું. ‘મોટા બા! મનસુખભાઇએ એટલા બધા વ્રત કર્યા ને કે મેએ ત્રમઝટ બોલાવી. પહેલા મે નહોતો થાતો એટલે આણા નહોતા થતા. આ વખતે સેંથકનો મે થયો એટલે આણા નહીં થાય! બચારા મનસુખભાઇ તો ન્યા ના ન્યાં જ ઠઠ્યા ને ઠઠ્યા રહ્યા’ ખાટલામાં પડ્યા પડ્યા મોટી બા કહે, ‘એ.... અક્કરમીનો પડિયો કાણો કે’છે એ આનું નામ!’  મનસુખનો મગજ હલી ગયો ને નીકળ્યો હામાપર જવા મામા પાસે.

          મામા ખેતરેથી આવી, બપોરા કરી,  ડેલીમાં ખાટલો ઢાળીને આડા પડવાની તૈયારીમાં હતા. એણે માથેથી ફાળિયું છોડીને ખાટલાની ઇંસ પર નાખ્યું ને મનસુખ પહોચ્યો

મામા બોલ્યા, ‘લ્લે..... કાં?’

તેણે શરૂ કર્યું, ‘શુ લ્લે.....કાં? ગાધકડે આવીને કોઇ દી’ પૂછ્યુ છે તને કેમ છે ભાંણા?. 

‘લ્લે... કાં...?

શું લ્લે કાં? લખમણ પટેલના પંથકમાં તો વરસ સારૂં છે તોય આણાની કરે છે હા.... ના...!

મામાકહે,’ ઠીક તારે થોડુંક ગોરસ પીવું છે?’

‘ના મામા! મારે અફીણ પીવું છે. તમે હાલો જદુરામબાવાની મઢીએ અને એને ક્યો મને ઘોળીને અફીણ પાઇ દે મામા!  આંબો ગજુ કાઢી ગયો પણ એને મોર તો બેહતો જ નથી!’

મામા કહે, ‘મોર બેહાડવાનું કાઠું તો છે પણ હાલ્યને કાં’ક કરીશું!’

મામીએ ‘ અરરર... ભાણિયાભાઇ બચારા કેટલા દૂબળા પડી ગયા છે.’ એમ કહેતા ચા પાયો મામાને બેનના  હાથમાં સો રૂપિયા આપવાનું કહી ને થેલીમાં મનસુખના પ્રસંગ સારૂ લીધેલી જાજમ અને ઘેર બનાવેલા પેંડાના ડબો નાખીને થેલી મનસુખને અંબાવી. ને મામાએ બેનને ત્યાં લઇ જવા નવા પકાવેલા ગોળના ભેલાનો મોટો થેલો હાથમાં લેતા કહ્યું. ‘હાલ્ય ભાણા! થા મોઢાગળ.’    

        મામાએ ગાધકડે આવી આણા બાબતે મનસુખના મોટાભાઇને વાત કરી તો મોટાભાઇ બોલે તે પહેલા તો ગવરીભાભી બોલ્યા, ‘મોટાની વાત મોટા જાણે! એમાં એને શું ખબર પડે?’ એ તો ઠીક પણ બાપાએ ય  કોઇ ઉતાવળ ન દાખવી. ઉપરથી કઠણ જીવના બાપા બોલ્યા, ‘ભલે ને હજી થોડુક કમાતો!.’ ને મોટા બાને વાત કરી તો મોટાબાએ તો કર્યા કારવ્યા પર ઉપર પાણી ફેરવ્યું, ‘ આ છોકરોતો મૂઓ લેણિયાત નીકળ્યો. કાઈ દર વખતે લખમણ પટેલને જીવાઇમાંથી  દાપો દેવાનો ન હોય! આણું કરવું હોય તો કરે ને નો કરવું હોય તો જાય તેલ લેવા!’

      ઘરમાંથી કોઇ લખમણ પટેલને ફોન કરવા તૈયાર ન હતું. મામાએ ઘરના બારણા પાસે ઉભેલી બા સામે હેતાળ નજર નાખી. કાયમ મલકતી બાના ચહેરા ઉપર ચિંતા હતી. મામા ઉંચે જોઇ કંઇક વિચારે ચડ્યા. મામાએ આ વખતે કીધેલું કે ‘મોર બેહાડવાનું કાઠું તો છે પણ હાલ્યને કાં’ક કરીશું!’ હવે આમાં મામા કઈ રીતે મોર બેસાડશે?  મનસુખના પ્રાણ નીકળું નીકળું થઇ ગયા. તેણે મનોમન ખોડિયાર મા પાસે દીકરી માગી.

            એ જ પળે મનસુખના આશ્ચર્ય વચ્ચે રામબાણ ખાતર અજમાવતા હોય તેમ  મામાએ પોતે જ લખમણ પટેલને ફોન કર્યો, ‘આણાની તૈયારી કરી હોય એટલી ભલે. હવે વધુ તડખડ નો કરતા ને કાંઇ ઘટે તો હું બેઠો છું’ ને મનસુખ ઉપાધી કરતો હતો એ આંબાને  મોડે મોડે પણ પાંડડે પાંદડે મોર બેઠો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ