વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કહુ છું સાંભળો છો?

‘કહું છું સાંભળો છો  ?’ સાંજે બરાબર સાત વાગ્યે  કોકિલાના શબ્દોનું એલાર્મ  સમયસર જ વાગ્યું.

રસોડામાંથી શબ્દો આવતાની સાથે જ તેના આઘાત સામે દિનકરે તરત જ પ્રત્યાઘાતની ફરજ પૂર્ણ કરતા કહ્યું, ‘તારે જે બનાવવું હોય તે બનાવ….. !!’ જાણે દિનકર કોકિલાના મનની વાત જાણી ગયો હોય બોલ્યો.

‘તોય કહીદો’ને સાંજે જમાવામાં શું બનાવું ? કોકિલાએ ફરી દરરોજ વહેતી જિંદગીને એના એ જ શબ્દોથી આજે આગળ ધપાવી. ‘ખીચડી શાક ભાખરી બનાવ...!’ લગ્નના બે દાયકા પૂરા થયા એટલે દિનકરે આપેલા પ્રત્યુત્તરમાં કોઇ સ્વાદ કે સુગંધ નહોતી.

‘એ તો બે દિવસથી બનાવું જ છું.’

‘તો એમ કર... કઢી ખીચડી બનાવ.... બહુ દા’ડા થયા કઢી ખાધે...!’

‘પણ, તમને એસીડીટી થાય છે એટલે કઢી રહેવા દ્યો...!’ કોકિલાએ કઢીનો છેદ ઉડાડતા કહ્યું.

‘તો પૂડલા બનાવ... બહુ દિવસ થઇ ગયા... તારા હાથના પુડલા ખાધા નથી.’

‘એ તો વહેલા કહેવું જોઇએ’ને...!! અરે...રે ઘરમાં  બેસન પણ નથી.’ વળી, આ ફરમાઇશનો પણ દુ:ખદ અંત આવ્યો.

‘તો વડા અને ચા બનાવી નાખ.’

‘વડા તો ચૌદશના દિવસે જ બનાવાય... આજે તો હજુ આઠમ છે.’

‘પીતાના ભજીયા….!!’

‘બેસન હોત તો તમને પુડલા જ ખવડાવું’ને ? મને ક્યાં રાંધવામાં જોર આવે છે?’

‘વઘારેલી ખીચડી બનાવને પાપડ સાથે ખાઇ લઇશ.’

‘પણ એ તમારા લાડકાને ક્યાં ભાવે છે ? થોડા દિવસ પહેલા વઘારેલી ખીચડી બનાવીતી તો બે દા’ડા નાક ચઢાવીને ફરતો’તો...!’

‘લસણીયો અને બાજરીનો રોટલો કરી નાખ’ને..! બહુ લપ કરી...! ’ હવે દિનકરનો પિત્તો ગયો.

‘હા, મારી વાતો તો તમને લપ જ લાગશે... પણ મોંમાથી સરખી રીતે ફાટશે નહી કે શું ખાવું છે ?’ સામે કોકિલા પણ કોઇને ગાંઠે એમ નહોતી.

સાંજનું ભોજન ભલે સાદું હોય પણ તેની પસંદગીની રકઝક અદભૂત હોય છે. દિનકર-કોકિલા વચ્ચે દરરોજની જેમ આજે પણ સંવેદનહીન સંવાદો આમતેમ ઉડી રહ્યા હતા. દિનકરની એકેય પસંદ પર કોકિલાનો કળશ ન ઢોળાતા થોડીવાર શાબ્દિક યુધ્ધ સ્વત:વિરામ પામ્યું અને ઘરમાં મૌનનું સામ્રાજ્ય ફરી વળ્યું. જો કે બન્નેના મનમાં વિચારયુધ્ધનો અંત નહોતો આવ્યો.

કોકિલા વિચારી રહી હતી, ‘આમને રોજ કેટલા કેટલા વાના કરું તો’ય સીધી રીતે જવાબ આપતા જ નથી... અને મારે તો એમને સાંભળ્યા જ કરવાનું... ખાલી સાંજે શું ખાવું છે એટલું પૂછ્યું એમા તો મારી વાતો લપ જેવી લાગી... હા, મારી વાત અને મારી બનાવેલી રસોઇ કાયમ  ફિક્કી જ લાગે છે. બપોરે ટીફીનમાં મારું બનાવેલું સાઇડમાં પડ્યું હોય છે અને પેલી ગીતાડીના ટીફીન ઝાપટે છે.. આપણે તો ગમે એટલું કરીને મરી જઇએ પણ આપણી તો કોઇ કદર જ નહી..!!’

આ તરફ દિનકરના વિચાર, ‘આને રોજ સાંજે લપ કરતા સીવાય કંઇ આવડતું નથી ? પેલી ગીતા બપોરે એના ટીફીનમાં કેટલી વેરાઇટી લાવે છે? એની આંગળીઓમાં તો સ્વાદ જાણે કુટી કુટીને ભર્યો હોય એમ લાગે છે.’  અને ત્યાં જ રસોડામાં ખાંડણીયામાં કુટવાનો અવાજ આવતા દિનકર ફરી પોતાની હકીકતની દુનિયામાં પરત ફર્યો.

‘શું કુટે છે?’ દિનકર ખરલના ખણીંગ ખણીંગ અવાજ સાંભળતા પૂછ્યું.

‘મારું કપાળ...!!’

‘જો જે દસ્તો સાચવજે...!!’

‘હા, તમને તો દસ્તાની પડી છે, મારી નહી....!!’

ફરી બન્ને વચ્ચે એકાંત સુખનું સામ્રાજ્ય...! જો કે આવું તો રોજનું થયું એટલે બન્નેને એકબીજાના દિલાસા કે હૂંફની જરૂર નહોતી... દિનકર અને કોકિલાની એકધારી વહેતી જિંદગી ધીરે ધીરે તેના રૂપ-રંગ-રસ ગુમાવી ચુકી હતી.

હજુ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નહોતો અને દિનકર તો ચંપલ પહેરી બહાર નીકળવા તૈયાર થયો ત્યાં રસોડામાંથી અવાજ આવ્યો. ‘કહું છું સાંભળો છો ?’

દિનકર ગુસ્સે થતા બોલ્યો, ‘ના બહેરો છું....!!’

‘બહેરા હોય તો’ય કહેતા જાવ કે સાંજે શું બનાવું ?’

દિનકરને પગમાં પહેરાલા જુતાને કાઢીને છેક રસોડામાં ફેંકવાની ઇચ્છા થઇ આવી પણ એ શક્ય નહોતું. ‘એક કામ કર બટાકાનું શાક અને ભાખરી ફાઇનલ...!’

‘પણ ગેસ થશે તો ?’

‘ભલે થતો હું સોડા લેતો આવીશ’

કોકિલા એકાએક રસોડામાંથી બહાર આવીને બોલી. ‘કહું છું સાંભળો છો?’  દિનકરે પોતાના બન્ને હાથની મુઠ્ઠીઓ બંધ કરીને ભીંસી દીધી.

‘તુ કૈક બોલ તો હું સાંભળું’ને ?’

‘હા, હવે આમ અંદર આવો’ને ?’ જાણે તે કોઇ રહસ્યો ખોલવાની હોય તેમ ઇશારો કર્યો.

દિનકરે જૂતાને ફરી યથાસ્થાને મુક્યા અને અંદર ગયો. બારશાખથી અંદર બારણાંની સહેજ આડશે કોકિલા કોઇ ખાનગી વાત કહેવાની હોય તેમ ઉભી રહી ગઇ.

‘તમને ખબર છે પેલો સોડાવાળો કાન્તિ નહી... ?’

‘હમ્મ..!’

‘ઇને મેં સોસાયટીની ટીનાડી જોડે જોયો’તો... ઇ બન્નેનું ચક્કર છે... સોસાયટીમાં બધા વાતો કરે છે... આ તો તમે સોડાની વાત કરી એટલે મને યાદ આવ્યું.’

‘એટલે આ ટીના અને કાન્તિના ચક્કરની વાત કહેવા તેં મને અંદર બોલાવ્યો ?’

‘હા, લે એટલે સ્તો...!’

દિનકરે કપાળ કુટતા કહ્યું, ‘તને આ બીજાની પંચાત કરવામાં બહુ રસ છે, નહી ?’

કોકિલા ફરી ઉછળી, ‘આ તો તમે સોડાની વાત ઉખાળી એટલે મેં તમને કહ્યું... બાકી મને કોઇની પંચાત કરવાનો શોખ નથી...!! ટીનાડીને તમે બે દાડા પહેલા તમારા બાઇક પર બેસાડીને લઇ જતા હતા  એટલે કહી દઉં કે સાચવજો..! ઇ નો ડોળો બધા પર ફરતો હોય છે... અને તમે પણ કંઇ ઓછા નથી.’

‘હા, છેલ્લે તારે મારી પર જ કોડીયું ફોડવું’તુ એમ જ કે’ને ?’

‘ઇ તો કે’વુ પડે... ને તમારે સાંભળવુ’યે પડે. તમારા ટીફીનમાં રોજ જુદી જુદી સુગંધ આવે છે... મને મને ખબર છે કે તમે પેલી ગીતાડી જો’ડે જમો છો.’ શબ્દો સાથે કોકિલાને પેટનો ભરાયેલો ગેસ પણ અવાજ સાથે બહાર નીકળ્યો.

‘જો તે ફરી ગીતાનું નામ લીધું.....??  આ તારુ મગજ છે’ને એમાં કીડા ભરાઇ ગયા છે. ગીતા મારી બાજુના ટેબલ પર હોય છે એટલે એ મને રોજ કંઇક આપે છે, મારે થોડી ના પડાય.’

‘પણ તમને જ કેમ આપે છે ?’ ફરી કોકિલાનો સણસણતો સવાલ ઉઠ્યો.

‘એ તો એને જ પૂછી લેજે... લે એનો નંબર...!’

‘મારે એની સાથે કોઇ વાત કરવી નથી. આ તો તમને તમે તેના શાક અને કચુંબરના બહુ વખાણ કરતા’તા એટલે મને હતું જ કે...!’

‘એક તો તને એના જેવા ભાતભાતના સ્વાદિષ્ટ સલાડ કે કચુંબર બનાવતા આવડતું નથી અને તને એના વખાણ કરું તો ગમતું નથી...! બોલ મારે શું કરવું ?’

‘હા, કહી દો કે મને કંઇ આવડતું નથી... !! તમે એકવાર કહો તો બત્રીસ ભાતના ભોજન બનાવીને પીરસી દઉં.’ કોકિલાના ચહેરા પર એકાએક ઉદાસી છવાઇ ગઇ.

‘મારે બત્રીસ જાતના ભોજન નથી ખાવા... સાંજે ખાલી બટાકાપૌંઆ બનાવી દે, એટલે બસ...!!’

‘પણ તમે તો બટાકાનું શાક અને ભાખરી કહેતા હતા’ને ?’

‘હા, મારું ફરી ગયું છે... તું જે બનાવે તે ચાલશે...!!’

‘સાચુ કહું  મારે તમારી પસંદનું જ જમવાનું બનાવવું છે, પછી તમે એમ ક્યારેય ના કહો કે મારી પસંદનો તને કોઇ ખ્યાલ જ નથી.’ કોકિલાએ  તેનો મૂડ બદલતા કહ્યું.

‘જો કોકિલા તને મારી પસંદનો ખ્યાલ હોય તો તારે આટલા વર્ષે પૂછવું જ ન પડે કે મારે શું ખાવું છે ? મને શું ભાવે છે ? મને કેવા સ્વાદ ગમે છે ?’ દિનકરની સૂલેહભરી વાત સાંભળી કોકીલા હવે શાંત બની અને થોડીવાર ચૂપ રહી.

‘પણ તમે મને કોઇ’દી ક્યાં કહ્યું કે તમને શું ભાવે છે ?’ આખરે તેને પોતાની બુધ્ધિ પ્રમાણે તર્કબધ્ધ જવાબ આપ્યો અને દિનકરે માથે હાથ પછાડ્યો અને કહ્યું, ‘તુ તારે ભાખરી શાક બનાવ.... હું સોડા લઇને આવું છું. ઘડીયાળ સામે જો, મોડું થઇ ગયું છે.’

કોકિલાએ ઘડીયાળ સામે જોયું અને ચિલ્લાઇ, ‘અરેરે આઠ વાગવા આવ્યા...!! આ તમારામાંને તમારામાં મારે રાંધવામાં મોડું થયું.’

‘એટલે મેં મોડું કરાવ્યું...??’

‘હાસ્તો, તમે સરખી રીતે કહેતા જ નથી કે સાંજે શું જમવું છે... બોલો બીજી કોઇ ફરમાઇશ હોય તો... બટાકા સુધારવાના બાકી છે...!!’ કોકિલાએ ફરી પસંદગી પૂછતા દિનકરના ભવાં ચઢી ગયા.

દિનકરને સાવ ચૂપ ઉભો જોઇને કોકિલા બોલી, ‘કહું  છું સાંભળો છો...? આજે તો મને’ય રાંધવાનો કંટાળો આવે છે...!!’

‘તો એક કામ કર તું રાંધવાનું માંડી વાળ... હોટલમાં જઇએ...’ દિનકરના મોઢેથી હોટલની વાત નીકળતા જ કોકિલા રોમાંટીક બની ગઇ અને દિનકરના ગાલે ચુંટલો ખણતા બોલી, ‘વાહ, મારા વ્હાલા પતિ... આજે તો તમે મારા મનની વાત જાણી ગયા.’

‘તો આ એક કલાકની માથાકૂટ એટલે જ કરી હતી?’ દિનકર માથુ ખંજવાળવા લાગ્યો.

કોકિલા તો સીધી જ બેડરૂમમાં ગઇ અને ત્યાંથી જ બોલી, ‘કહું છું સાંભળો છો ? હું કયો ડ્રેસ પહેરું?’

દિનકરને તો ખબર જ હતી કે આખરે એ એનુ ધાર્યુ જ કરશે પણ મને કેમ પૂછે છે એ ખબર નથી. જો કે આ રહસ્ય તો આજ દિન સુધી કોઇ જાણી શક્યું નથી... પણ એકધારી નિરસ જિંદગીમાં થતી આવી મીઠી રકઝક વેનિલા આઇસ્ક્રીમ પર લગાવેલ ટુટીફ્રુટી જેવી હોય છે.

દિનકરને બેડરૂમ સુધી પહોંચતા વાર લાગી ત્યાં તો ફરી એનો રણકતો અવાજ આવ્યો, ‘કહું છું સાંભળો છો, જલ્દી આવો’ને...!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ