વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણીની છેડાછેડી

શિલ્પી એક આદર્શ ગૃહિણી. ઘરને મંદિર ગણે અને પોતાના પતિ અર્હમને પરમેશ્વર. બંનેનો ખૂબ સુખી સંસાર ચાલી રહ્યો હતો..


શિલ્પી ખૂબ જ પ્રેમ કરે અર્હમને. આખા દિવસમાં હજારો વખત I love you કહેતી હશે! દરરોજ સવારે અર્હમને બગીચામાંથી તોડી લાવેલું પહેલું ફૂલ આપે.

અર્હમને ગમતી દરેક વસ્તુ કરે. રોજ એને ભાવતી નવી નવી વાનગીઓ બનાવે. અર્હમ માટે જ એને તૈયાર થવું ગમે! શિલ્પી ખૂબ જ ચુલબુલી,પતંગિયાની જેમ ચારેબાજુ ઊડાઊડ કરતી હોય. હસતી રહેતી હોય. ગીતો ગણગણ્યા કરે ને બધું કામકાજ કર્યા કરે!


શિલ્પીને પ્રેમમય વાતાવરણ ખૂબ જ ગમે.. અશાંતિથી એ જોજનો દૂર રહે. કદી પણ ઘરમાં કજિયો કંકાસ ન થાય એનું ધ્યાન રાખે અને એ માટે અર્હમની દરેક ઈચ્છા અને દરેક વાતનું ખૂબ જ હોંશે હોંશે પાલન કરે.


એક દિવસ અર્હમ ઓફિસથી પાછો આવ્યો. શિલ્પી રોજની જેમ એની બેગ લેવા આવી..બેગ લઈને બાજુ પર મુક્યું. અર્હમને પાણી આપ્યું અને અર્હમ ફ્રેશ થવા જતો રહ્યો. 


શિલ્પી અને અર્હમ બંને રોજની જેમ જમી પરવારીને બેઠા હતા. શિલ્પી એને પૂછી રહી હતી," અર્હમ,કેવું કામ ચાલે છે ઓફિસમાં..બહુ થાકી તો નથી જતાં ને!"


બસ,આટલી જ વાત અને એમાં અર્હમ અચાનક ખૂબ જ ઉકળી ગયો. શિલ્પી સામે જોઈને એવો તાડુક્યો કે શિલ્પી તો રડવા જ લાગી. અર્હમે શિલ્પીને સાવ ઉતારી પાડી. અને ન કહેવાના વેણ કહ્યા! આટલું બધું બોલ્યા પછી પણ અર્હમને પસ્તાવો નહોતો અને, પોતે સુવા માટે જતો રહ્યો.. 


શિલ્પી તો સાવ અણધાર્યા વર્તનને કારણે ડઘાઈ ગઈ. અને એની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં હતા. 

એ મનોમન વિચારી રહી હતી,"મેં અર્હમને એવું તો શું પૂછી લીધું કે એણે મારી સાથે આવો વ્યવહાર કર્યો! એ અપસેટ હતો તો મારી સાથે પોતાનો પ્રૉબ્લેમ શેર કરવો જોઈતો હતો પણ એણે તો મને સાવ ઉતારી જ પાડી..


શું પ્રેમ કરતા હોય એ આવું વર્તન કરે? પોતાના પ્રિયજન પર ગુસ્સો કરે? અપમાન કરે? એલફેલ બોલીને એનું સન્માન હણે? હું ન પૂછું તો બીજું કોણ પૂછે? અને એવું કેવું કે પોતાની પત્નીને પોતાના પ્રૉબ્લેમ જણાવવામાં નાનમ આવે! ન કહેવું હોય તો કઈ નહિ પણ આવું તોછડાઈ ભર્યું વર્તન કરવાનું? મારું કંઈ મૂલ્ય જ નહિ એના જીવનમાં..! મારા સન્માનની કંઈ પરવા જ નહિ?



સખત વિચારોના વમળોએ જમાવડો કર્યો હતો શિલ્પીના મગજમાં! વિચારી વિચારીને વધુ રડવું આવી રહ્યું હતું. સાવ જડવત્ થઇને બેઠી હતી. ક્યાંય સુધી એક જ જગ્યાએ બેસીને એ ત્યાં રડતા રડતા જ સૂઈ ગઈ.


સવારે એની આંખ ખુલી અને બાથરૂમમાં ગઈ. પોતાનો ચેહરો ધોયો. પોતાની સુજેલી આંખો જોઇને એને રાતની વાત ફરી યાદ આવી. પોતાને અરીસામાં જોઈ રહી હતી.પોતાની સાથે નજરથી નજર મિલાવીને મનોમન વાતો કરી રહી હતી. "આવું વર્તન આજ પછી કદી સહન નહિ કરું. અર્હમને ન તો લાગણી આપીશ, ન ફરી કાળજી આપીશ. હું આજે જ મારી લાગણીની છેડાછેડીનો એક છેડો ખેંચી રહી છું. જે મેં પહેલા ઢીલો રાખ્યો હતો..હું ઈચ્છતી હતી કે અર્હમને ગમે તેવી બનીને રહું..પણ લાગે છે મેં વધારે પડતી લાગણી દર્શાવી દીધી અને એટલેજ મારું મહત્વ નથી!"



ફ્રેશ થઈ રસોડામાં ગઈ. રોજની જેમ પૂજા પાઠ કર્યા..હવે  કોઈ ફૂલ અર્હમને આપવામાં નહિ આવે! પૂજા પાઠ પતાવ્યા બાદ અર્હમનો નાસ્તો અને ટિફિન રેડી કરીને અર્હમને સાવ સપાટ અવાજે બોલાવ્યો.. અર્હમ તો જાણે  કંઈ બન્યું જ નથી એમ રોજની જેમ ઉઠ્યો..ચેહરા પર કોઈ પણ જાતના sorryના ભાવ નહોતા દેખાઈ રહ્યા. એને તો મોબાઈલમાં જોતા જોતા નાસ્તો પતાવ્યો.


શિલ્પીને એમ હતું કે કદાચ અર્હમને પોતાની ભૂલનો પસ્તાવો થશે. આવીને sorry કહેશે અને મને પોતાના આલિંગનમાં જકડી લેશે. પણ આવું કંઈ ન થયું. અર્હમ તો નાસ્તો પતાવીને રેડી થઈ ઓફિસ જવા નીકળી ગયો.


શિલ્પી ફસડાઈ પડી. બસ આટલો જ પ્રેમ! મારે હવે "મૃગજળ" બનવું પડશે.બધાને દૂરથી ભલે સૌથી સારો સંબંધ લાગે,પણ ભીતર તો નર્યો ખાલીપો જ હશે. 


બસ,પછી શિલ્પી સાવ ઉદાસ રહેવા લાગી..ચેહરા પર કોઈ જાતની ખુશી નહિ. એક મશીનની જેમ કામ કરે..નવરાશના સમયમાં ઉદાસ બનીને બેસી રહે..


આમને આમ થોડા દિવસો વીતી ગયા. થોડા દિવસો પછી કામનું ભારણ ઓછું થતાં અર્હમ સારા મૂડમાં હતો..સવારે ઊઠ્યો,આદત મુજબ નાસ્તો કરવા બેઠો. શિલ્પી નાસ્તો આપી ગઈ. નાસ્તો કરતાં કરતાં એને યાદ આવ્યું કે મારા હાથમાં ફૂલ નથી. શિલ્પી દરરોજ મને સવારે ફૂલ આપતી.આજે કેમ નથી આપ્યું ફૂલ?


અર્હમ વિચારમાં પડી ગયો. છેલ્લે ક્યારે શિલ્પી એ ફૂલ આપ્યું હતું મને? ઘણું યાદ કર્યું ત્યારે યાદ આવ્યું કે લાંબો સમય વીતી ગયો છે અને શિલ્પીએ તેને ફૂલ નથી આપ્યું..અચાનક જ યાદ આવ્યું," તે દિવસે હું ગુસ્સે થઈ ગયો હતો અને શિલ્પી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી બેઠો.. એ પછી તો સમય પણ નથી મળ્યો એની સાથે નિરાંતે વાત કરવાનો.. આજે તો એના ગીત ગણગણવાનો પણ અવાજ નથી આવી રહ્યો..ઘર સાવ સૂનું સૂનું લાગી રહ્યું છે. મારી પતંગિયા જેવી શિલ્પી કેમ સાવ આવી થઈ ગઈ..!


અર્હમે વાત કરવાનો વિચાર કર્યો.શિલ્પી પાસે ગયો અને વાત કરવાની ચાલુ કરી," જો શિલ્પી, મારે તને કંઇક કહેવું છે..તારી સાથે વાત કરવી છે."


શિલ્પી ત્યાંથી તરત જ નીકળતા બોલી," અર્હમ મારે થોડી ઘરની વસ્તુનું શોપિંગ કરવા જવું છે. મને વાર લાગશે." એમ કહી એ ત્યાંથી તરત જ નીકળી ગઈ.


અર્હમને ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો..પોતાના સ્વભાવને કારણે શિલ્પીની હાલત કેવી થઈ ગઈ છે? હવે શું કરવું? હંમેશા મારી આજુબાજુ ઉડતી શિલ્પી મારાથી દૂર થઈ ગઈ. કારણ તો મેં જ આપ્યું છે. હવે એને પછી પહેલા જેવી જ કરવા મારે કંઇક કરવું પડશે..



સાવ સાંજે શિલ્પી ઘરે આવી..જુએ તો ઘરની બધી જ લાઈટ બંધ હતી..મનોમન વિચારવા લાગી," અર્હમ બહાર ગયો પણ એકાદ લાઇટ ચાલુ રાખવી જોઈતી હતી ને! સાવ અંધારું છે.આમાં મને તાળું કેમ દેખાશે!"


જેમતેમ એણે તાળું ખોલ્યું અને અંદર આવી. લાઇટ ચાલુ કરી,જુએ તો ચારે બહુ એને મનગમતા મોગરાના ફૂલ પડ્યા હતા..હજુ કંઈ વિચારે એ પહેલાં અર્હમે તેને પાછળથી એને જકડી લીધી.પછી અર્હમે શિલ્પીને પોતાની બાજુ ફેરવી. હડપચી પકડી એનો ચેહરો ઊંચો કર્યો.


જેમ ગોરંભાયેલું આકાશ વરસી પડે એમ શિલ્પી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..અર્હમ એને પોતાની બાથમાં જકડીને ઊભો હતો..શિલ્પીને રડવા દીધી..મનમાં જે કંઈ હોય છે એ વરસી જાય એજ અગત્યનું છે.


થોડીવાર પછી શિલ્પી શાંત થઈ..અને એણે બોલવાનું ચાલુ કર્યું," મેં ફક્ત તમને સામાન્ય સવાલ કર્યો હતો..એમાં તમે  કેટલો બધો ગુસ્સે કર્યો. પતિ પોતાની પત્ની સાથે વાત નહિ કરે તો કોની સાથે કરશે! જેને પ્રેમ ન હોય એજ પોતાના પ્રિયજનને આટલું આકરું બોલી શકે..પ્રેમ કરતાં હોય  એને તો પ્રિયજનની દરેક વાત ગમે,એને માન આપે. એને પંપાળે અને તમે શું કર્યું? આટલો બધો ગુસ્સો?"


અર્હમે શિલ્પીની દરેક વાત શાંતિથી સાંભળી.. પહેલાં તો શિલ્પી નો ચેહરો પોતાના હાથમાં લઈ,એના લલાટે દીર્ઘ ચુંબન કર્યું..શિલ્પીને બાથમાં લઇ ક્યાંય સુધી વ્હાલ કરતો રહ્યો..ઓછી એનો હાથ પકડી ને સોફા પાસે લઈ ગયો..


પોતાની બાજુમાં બેસાડી એનો હાથ પકડીને બોલ્યો,"જો શિલ્પી,હું મારો દોષ છુપાવવા જરાય આડી અવળી વાતો નહિ કરું.. મારી ખૂબ મોટી ભૂલ છે મને માફ કરી દે.. એ દિવસે ઓફિસમાં પ્રૉબ્લેમ થયો હતો..એક સહકર્મચારીએ ચાલાકી કરીને મારું પ્રેઝેન્ટેશન પોતાના નામ હેઠળ મૂકીને ઓફિસમાં રજૂ કર્યું. હું તો સાવ છક્ થઈ ગયો.. શું કરવું કંઈ સૂઝતું જ ન્હોતું..મારી બધી મહેનત પોતાને નામે ચડાવીને એતો બહુ મઝા લઈ રહ્યો હતો.. અને હું બહુ જ ધૂંધવાયેલો હતો. ઘરે આવતાં વિચાર્યું હતું કે મન શાંત રાખીશ..અને પછી તે પૂછ્યું ને હું ઉકળી ગયો..એમાં તારો જરાય વાંક નથી. વાંક મારો જ છે..આવું વર્તન ન હોય પોતાની પત્ની સાથે! અને પછી મેં પ્રૉબ્લેમનો રસ્તો કાઢ્યો. મારા મેનેજરને વાત કરી,એને વિશ્વાસમાં લીધો..એમાં જ આટલો સમય વહી ગયો. અને ઓફિસનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો ત્યારે ખબર પડી કે મારી જિંદગી જ મારાથી રિસાઈને બેઠી છે અને એને આવો મોકો આપનાર હું પોતે જ હતો..મને માફ કરી દે..હું ખરેખર બહુ મોટો મૂરખ છું..એક વાહિયાત પ્રેઝન્ટેશન માટે થઇને મારા જીવનનો પ્રોજેક્ટ જ હારવાનો હતો..પ્રેમ અને લાગણીની ઇમારત ધ્વસ્ત થવાની તૈયારીમાં હતી. લાગણીની છેડાછેડીમાં જ લૂણો લાગવાની તૈયારી હતી.." આગળ કંઈ બોલે એ પહેલાં જ શિલ્પીએ અર્હમના મોં પર હાથ મૂકી દીધો..


બસ,પછી શું? જેમ આકરા તાપ બાદ જેમ મેહુલો વરસે એમ બંનેનો પ્રેમ એકબીજા પર  ઓળઘોળ થઈ વરસી રહ્યો હતો અને મેહુલો વરસ્યા બાદ ધરતી લીલુડી બની હરખાવા લાગે એમ અર્હમ અને શિલ્પીનું લગ્નજીવન ચેહકી ઉઠ્યું...


???? રોહિણી વિપુલ"મૃગજળ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ