વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઢળતી સાંજ

            એ વાત સાંભળી મારુ મગજ એકાએક બહેર મારી ગયું. શરીરમાં વહેતુ રક્ત જાણે જામી જઈને મારા સંપૂર્ણ દેહને બરફની જેમ જડ કરવાં લાગ્યું . આંખોની કીકી સ્થિર થઈ ગઈ  અને અનાયાસે જ આંખો માંથી ખારો પ્રવાહ ઉભરાઈ આવ્યો અને નજર સામે દેખાતું દૃશ્ય ઝાંખું થવા લાગ્યું. મને લાગ્યું જાણે હું એ જ ઘડીએ મારુ સમતોલન ગુમાવી ભોંય ભેગી થઈ જઈશ. પણ મેં પ્રયત્ન કરી મારી જાતને સાચવી લીધી. અને મારી બાજુમાં જ પડેલા ટેબલનો મારા હાથ વડે આધાર લઇ એના ઉપર બેસી ગઈ. અને મારી આંખો ઉપર ચઢેલા અશ્રુઓના આવરણમાં એક હસતો ચહેરો મારી નજર સમક્ષ તરવરવા લાગ્યો.
          કેવલ! આમ તો હું એને કેવલ ભાઈ કહેતી હતી! હું જે દવાની દુકાનમાંં કામ કરતી હતી કેવલભાઈ પણ એજ દુકાને મારી સાથે બે મહિનાથી કામ કરતા હતા. દુકાન ચાલુ થઈ ત્યારથી અમે બન્ને દુકાનમાં કામેં જોડાયા હતા. આમ તો કેવલભાઈ  મહાલક્ષ્મી સ્થિત એજ દુકાનની બીજી શાખામાં પાછળના ચાર વર્ષથી કામ કરતા હતા. પરંતું અગિયાર મહિના પહેલા એમના લગન થયા હોવાથી મીરારોડ નજીક નવું ઘર લેવાનો એમનો વિચાર હતો. અને મીરારોડ બોરીવલીથી નજીક પડે એટલે એમણે બોરીવલીમાં ચાલુ થયેલી એ જ દુકાનની નવી શાખામાં પોતાને કામ કરવાની ઈચ્છા દુકાનના મેનેજર સમક્ષ રજૂ કરી. અને કેવલભાઈ ખૂબ મહેનતુ હોવાને કારણે મેનેજરે કેવલભાઈની ઇચ્છાનું માન રાખી એમણે નવી દુકાનમાં કામ કરવાની પરવાનગી આપી. આમ તો હું એમણે વધું  જાણતી નહોતી. પરંતું સ્વભાવે અત્યંત સરળ અને થોડા શરમાળ માલુમ પડતા કેવલભાઈ મિજાજે પણ સાવ ઠંડા હતા. ઉંમર કહું તો પચીસેક વર્ષના હશે! દેખાવે સાવ સામાન્ય અને  દૂબળું શરીર ધરાવતા કેવલભાઈ પોતાના કામથી કામ રાખવા સિવાય કોઈના વધું પંચાતમાં પડતા નહોતા. જ્યારે જ્યારે મને કામને લાગતી મુશ્કેલી નડે તો હું એમની મદદ લેતી. અને એ મદદ કરવા તત્પર પણ રહેતા.
      
          એક દિવસ થયું એમ કે હું કોઈ ગ્રાહકને દવા આપવાના કામમાં લીન હતી અને એકાએક એ મારી બાજુમાં આવી ઊભા રહીં ગયા. એકાએક એમણે મારી બાજુમાં ઊભેલા જોઈ મને થોડો આંચકો લાગ્યો. ગ્રાહકને દવા આપ્યા પછી મેં એમની તરફ નજર કરી. એ સમયે એમના ચહેરા ઉપર દેખાતો ઉચાટ અને અજંપો જોઈ મેં અનુભવેલો આંચકો અચંબામાં પરિવર્તિત થઈ ગયો. એમનો ચહેરો સ્પષ્ટ દર્શવાતો હતો કે એમણાં માનસપટ ઉપટ પ્રશ્નોનાં વંટોળ અંધાધૂંધી મચાવી રહ્યા છે. મેં હળવી સ્મિત આપી એમને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. પછી મેં ધીમેથી પૂછ્યું,
            
            "શું થયું ભાઈ! કશી વાત છે જે તમણે કહેવી છે?"
   
  એમના માથે અઢળક કરચલીઓ ઉભરાઈ આવી. એમને એમણાં હોઠને દાંત નીચે દબાવી રાખી કશું કહેવાનો પ્રયત્ન કર્યો.
  
         "ત..ત..તમને ખબર છે અહીં નજીકમાં ક્યાંક નાના બાળકમાં ફોટો મળતા હોઈ એવું!" નાના બાળક શબ્દ બોલતા પહેલા એમને આજેબાજુ જોઈ લઈ ખાતરી કરી લીધી કે કોઈ અમારી વાત સાંભળતું તો નથી ને!
   
            હું એમણી ઉચાટ અને અજંપો એક જ ક્ષણમાં સમજી ગઈ. અને એ વાત પણ મને સમજાઈ ગઈ કે આગલે દિવસે કારણ વગર એમને એક ડેરીમિલ્કના નાનકડા ટુકડાઓ કરી દુકાનમાં બધાનું મોઢું કેમ મીઠું કરાવ્યું હતું. એમનો પ્રશ્ન સાંભળી મારા ચહેરા ઉપર આછુ સ્મિત ઉભરાઈ આવ્યું. મેં હસતા હસતા જ એમણે બોરીવલીમાં બાળકોના ફોટો રાખતી એક બે દુકાનોનું એડ્રેસ બતાવ્યું.
   
                 થોડા દિવસો નીકળ્યા. એક દિવસ કેવલભાઈ કામે આવ્યા નહોતા! મારી સાથે દુકાનમાં કામ કરતા બીજા એક ભાઈથી મને જાણવા મળ્યું કે કેવલભાઈએ મીરારોડમાં એક નાનું ઘર ખરીદી લીધું છે. અને પોતાની પત્નીને લઈ એ હવે મીરારોડ શિફ્ટ થઈ રહ્યા છે. એટલે શિફ્ટટિંગને લાગતા કાર્યો પૂર્ણ કરવા એમણે કામથી ત્રણેક દિવસની રજા લીધી છે. મને આ વાત સાંભળી ખૂબ જ આનંદ થયો. એક તરફ નજીકમાં જ એમનાં જીવનમાં નાનકડા બાળકનું આગમન થવાનું છે અને બીજી તરફ નવું ઘર. હું મનોમન ખુશ થઇ મારા બીજા કામે વળગી.
  
            ત્રણ દિવસ પછી કેવલભાઈ ફરી કામે જોડાયા. એમને જોઈ મારુ મન ખરેખર પ્રફુલ્લિત થઈ ગયું કારણકે એમના ચહેરા ઉપર એ દિવસે એક અનેરો જ આનંદ દેખાતો હતો. સૂર્યના કિરણોની જેમ ચમકતો એમનો ચહેરો જોઈ હું મનોમન સંતુષ્ટ થઈ. પરંતું સાંજના પાંચ વાગતા જ એમને એમનો થેલો ઊંચકી દુકાનથી જવાની તૈયારી કરી. એટલે મારાથી રહેવાયું નહીં. મેં હળવા મજાકના અંદાજમાં એમણે કહ્યું,
           "શું ભાઈ! ત્રણ દિવસની રજા પાડ્યા પછી પણ આજે તમણે ઘરે વહેલા દોડવું છે! એમ થોડી ચાલે!"

        મારી વાત સાંભળી એમણે આજુબાજુ નજર કરી મારી પાસે આવીને ધીમા અવાજ સાથે કહ્યું.
          "અરે સાંભળને, આજે છે ને કીંજલને ડૉકટરને દેખાડવા લઈ જવાની છે. રૂટીન ચેકઅપ માટે."

          એમણે અત્યંત ધીમા અવાજે  વાત કરતા જોઈ હું સમજી ગઈ કે એમણે દુકાનમાં કોઈને પણ કહ્યું લાગતું નથી કે એમની પત્ની ગર્ભવતી છે! પણ આ વાત કહેતી વખતે એમનાં મુખ ઉપરથી અપ્રતિમ તેજ ઉભરાતું હતું. મેં હળવું હાસ્ય આપી એમણે જવાનો ઈશારો કર્યો. જતા જતા કેવલભાઈ ફરી અટક્યા અને દુકાનમાં કામ કરતા બીજા એક ભાઈને એમણે અહીંથી મીરારોડ જતી બસ વિશે પૂછ્યું. બીજા ભાઈએ એમને બસ વિશે થોડી જાણકારી પણ આપી. પરંતું એમણે અત્યાર સુધી ફક્ત લોકલ ટ્રેનમાં જ મુસાફરી કરી હોવાથી અને વળી ઉપરથી મીરારોડ તરફ જતા રસ્તાઓ એમની માટે નવા હોવાને કારણે એમને કદાચ બસ વિશે બીજા મળેલી જાણકારીમાં વધું ગતાગમ પડી હોઈ એમ લાગ્યું નહિ. માથું ખંજવાળતા-ખંજવાળતા એ દુકાનથી બહાર નીકળી ગયા.

                  બીજા દિવસે હું મારા સમયે દુકાને આવી. અને મારા કામે લાગી ગઈ. કેવલભાઈનો આવવાનો સમય થયો પણ એમના આવવાનો કોઈ અણસાર દેખાયો નહીં. મેં એ વાત પર વધું ધ્યાન આપ્યા વગર મારા કામમાં વ્યસ્ત રહીં. બપોર થઈ પણ દુકાનમાં કેવલભાઈ દેખાયાં નહીં. અને આજે તો દુકાનના મેનેજર એવા વિપુલભાઈએ પણ દર્શન આપ્યા નહોતા. લંચ બ્રેક પૂર્ણ થતાં હું ફરી કામે લાગી. એટલી જ વારમાં વિપુલભાઈ દુકાનમાં પ્રવેશ્યા. એમનો ચહેરો ઉતરેલો હતો અને આંખો પણ થાકને કારણે નિસ્તેજ જણાતી હતી. એમણે દુકાનમાં આવી થોડું પાણી પીધું અને પછી અમને બધાને નજીક બોલાવ્યા. અમે બધાં જ પોતાનું કામ પડતું મૂકી એમની ફરતે ગોઠવાઈ ગયા. પછી એમણે જે વાત કરી એ વાત સાંભળી મારુ શરીર ધ્રુજી ઉઠ્યું. મારુ કાળજું કપાવા લાગ્યું. મગજ બહેર મારી ગયું. અને કાલે છેલ્લી વખતે જોયેલો કેવલભાઈનો આનંદથી ચમકતો ચહેરો મારી નજર સમક્ષ ખડો થઈ ગયો. જેને મેં ક્યારેય નથી જોઈ એવી એમની પત્નીનું કાળજાને કંપાવી નાખે એવું રુદન મને મારા કાનમાં સંભળાવવા લાગ્યું. અને એક નાનકડું બાળક કે જેને હજું જન્મ પણ નથી લીધો એનું કાળમીંઢ ભવિષ્ય મારી નજર સમક્ષ તરવરવા લાગ્યું. અને એક પસ્તાવો મારા મનને કોરી ખાવા લાગ્યો કે કાશ કોઈકે કાલે એમને અહીંથી મીરારોડ જતો બસનો રૂટ વધું વિગતવાર સમજાવ્યો હોતે તો એમનો જીવ મુંબઇ લોકલના નીચે કચડાઈ  ટ્રેક ઉપર તડફડિયાં મારી-મારીને નીકળ્યો ન હોત. હું થોડી ક્ષણ પથ્થર બની ત્યાં જ ઊભી રહીં. મારી નજર સમક્ષ એક હસતો ચેહરો આવ્યો જેને મારી આંખો પાણીથી તરબોળ કરી નાખી.  આગલા દિવસની ઢળતી સાંજે જોયેલો એ તેજસ્વી ચહેરો હું જીવનભર ભુલી નહીં શકું.

 

                            આતેકા વાલીઉલ્લા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ