વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહકાર


      રાજેશ ભણવામાં અત્યંત તેજસ્વી હતો, શાળાના શિક્ષકો એની પ્રતિભા જોઈને કહેતા હતા કે “ રાજેશ એક દિવસ મોટો ઓફિસર કે અધિકારી બનશે, અને અધિકારી બનીને આપણી શાળામાં આવે તો નવાઈ નહીં.” પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યું, ખરી કસોટી હવે શરૂ થવાની હતી.

            રાજેશના ઘરની પરિસ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' એવી હતી  વળી એનાથી નાના બે ભાઈ બહેન આ બધાનું મગન માંડ પુરૂ કરતો, જશી અને મગન ની ઈચ્છા રાજેશને ભણાવી ગણાવી મોટો સાહેબ બનાવવાની હતી પરંતુ પરિસ્થિતિ આગળ તે લાચાર હતા.

              આઠમા ધોરણથી માધ્યમિક શાળામાં બાજુના શહેરમાં જવું પડે એમ હતું અને એનો ખરચ મગનને પરવડે એમ નૉહતો, તેણે રાજેશને ભણાવવા માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

                 રાજેશના પેહલા ધોરણના સાથી એવા નીકુલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે એના ઘરે એના પપ્પાને વાત કરી.

“ પપ્પા તમે રાજેશના પપ્પાને સમજાવો આમેય રાજેશ શહેરમાં આવશે તો મારે કાયમી કંપની થશે, એની પરિસ્થિતિના કારણે એના પપ્પા એને આગળ ભણાવવા તૈયાર નથી.”

                  અંબાલાલે થોડો વિચાર કર્યો અને પછી એમણે નીકુલને સમજાવ્યો “ બેટા દરેક માણસ પોતાનું નસીબ લઈને આવતો હોય છે, આપણને ભગવાને જરૂર કરતાં વધુ આપ્યું હોત તો હું ચોક્કસ એની મદદ કરત અને એના બાપને સમજાવત, પરંતુ બેટા હું પણ માંડ માંડ તારી ફી ભરી શકુ એમ  છું, તો એના બાપ ને સમજાવું તો ખરો પણ મદદ કરવા ક્યાંથી રૂપિયા લાવું? અને એનીય બિચારાની લાચારી હું સમજુ છું, આપડે એમાં કશું ન કરી શકીએ એને એના હાલ પર છોડી દે.”

                  નીકુલ નિરાશ થઈ ગયો, એ કોઈપણ ભોગે શહેરમાં એના મિત્ર સાથે જ જવા માંગતો હતો. તેણે ઘરમાં જીદ કરી, અંબાલાલ ને કહ્યું કે જે કરવું પડે તે કરે પરંતુ રાજેશના પપ્પાને સમજાવે. ફરીથી અંબાલાલે દીકરાને સમજાવ્યો પરંતુ નિકુલે કહ્યું કે તે પણ આગળ ભણવા ઇચ્છતો નથી.

                   એકના એક દીકરાને ભણાવવાની અંબાલાલની ઘણી ઈચ્છા, એટલે એની  જીદ સામે જુકીને અંબાલાલ મગનને સમજાવવા ગયા, મગને કહ્યું “મારે પણ રાજેશને ભણાવવો તો છે પણ  હું પોહચી વળું એમ નથી, એટલે શુ કરૂ?”

“જો તું રાજેશને શહેરમાં ભણવા મોકલતો હોય તો હું મારા સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના કરીને તને મદદ કરી શકુ, આમતો મારો સિદ્ધાંત છે કે મેં કોઈ સગા પાસે મારા માટે હાથ લાંબો કર્યો નથી, પરંતું મારો દીકરો ઈચ્છે છે કે તે રાજેશ સાથે જ શહેરમાં ભણવા જાય.”

          છેવટે મગન રાજી થયો અને રાજેશ અને નીકુલ બંનેને શહેરમાં ભણવા મુક્યા. બંને મિત્રો પોતપોતાની આર્થિક પરિસ્થિતિ સમજતા હતા એટલે શક્ય તમામ કરકસર કરી અને અભ્યાસ કરતા હતા.

        વર્ષો વિતતા ગયા, દુઃખે સુખે કોલેજ સુધી પોહચી ગયા અને કૉલેજ સમયગાળામાં રાજેશ એક બે ટ્યુશન ક્લાસિસમાં જતો અને સાઈડમાં પોતાનો ખર્ચ કાઢતો હતો.

          ગ્રેજ્યુએશન પછી શિક્ષક બનવા માટે નીકુલે બી.એડ અભ્યાસક્રમ પસંદ કર્યો અને રાજેશે માસ્ટર ડિગ્રીમાં એડમિશન લીધું અને જોડે જોડે જાહેરસેવા અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો રહ્યો.

ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, નીકુલ ગામની જ શાળામાં શિક્ષક તરીકે મુકાયો જ્યારે રાજેશે વર્ગ બે ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી.

              બે તબક્કાની પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂ વખતે પોસ્ટિંગનો ભાવ સાંભળી રાજેશના હાંજા ગગડી ગયા, આટલી મોટી રકમ એના બાપ મગને આખી જિંદગીમાં સાંભળી પણ નોહતી તો એ કાઢી શકે એ વાતમાં કોઈ માલ નોહતો.

                   રાજેશ ગામમાં આવી સીધો અંબાલાલ પાસે ગયો, એના ઉજ્જવળ ભવિષ્ય અને એના આડે આવતા આર્થિક ગ્રહણની વાત કરી. કોઈપણ સંજોગોમાં તે આ વર્ગ બે નું પોસ્ટિંગ ખોવા માંગતો નૉહતો, અંબાલાલે એ જમાનામાં પચાસ હજાર જેવી માતબર રકમ વ્યાજે લાવી આપી અને આમ રાજેશ વર્ગ બે નો અધિકારી બન્યો હતો, જોકે ચાર વર્ષ પછી તેણે આ રકમ અંબાલાલને પાછી આપી હતી, અને અંબાલાલે એક પણ રૂપિયો વ્યાજ પેટે લીધો નોહતો.

                     આ વાતને વર્ષો થઈ ગયા, રાજેશ અને નીકુલ હવે સંસારી થઈ ગયા હતા, રાજેશ શહેરમાં સ્થાયી થઈ ગયો જ્યારે નીકુલે ગામડે અંબાલાલનો વારસો સાચવ્યો.અંબાલાલ અને મગન પોતાના સંતાનોની પ્રગતિ જોઈને આ દુનિયા છોડી ચુક્યા હતા.

                    નીકુલ આજે પોતાના દોસ્ત રાજેશને મળવા શહેર જઇ રહ્યો હતો, રાજેશની ભલામણથી નીકુલના દીકરાને તાલુકા કે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે સરકારી નોકરી મળી જાય એમ હતી.

                        રાજેશ એની કારકિર્દીમાં પ્રગતિ કરતો કરતો ખાતાકીય પરીક્ષાઓ આપી પ્રમોશન મેળવી સચિવ જેવા પદ પર પોહચી ગયો હતો, હજારો યુવાનોને નોકરી મળે એવા પસંદગી મંડળના સચિવ તરીકે રાજેશનો સચિવાલયમાં ભારે દબદબો હતો. અને એટલેજ નીકુલે વિચાર્યું કે જો એના દીકરાને નોકરી મળી જાય તો ઠેકાણું પણ ફટાફટ મળી જાય, અત્યારનો સમય એમના જમાના જેવો નોહતો, નીકુલના સમાજમાં મોટી મોટી પાર્ટીઓના છોકરા પણ રખડી ગયા હતા, એટલે એને એના દીકરા રૂપેન માટે ચિંતા થવી સ્વાભાવિક હતી. અને જો રૂપેનને નોકરી મળી જાય તો એક બે પાર્ટીઓ છોકરી આપવા તૈયાર હતી.

                       આજે કલાર્કની નોકરીના લાખો રૂપિયા ભાવ બોલતો હતો, સચિવ સુધીની ચોક્કસ લિંક હોય એટલે અમુક રકમમાં નોકરી પાકી જ સમજો. વહેલી સવારની બસ પકડી નીકુલ મિત્રને મળવા ઉપડ્યો, સ્ટેશનથી રીક્ષા કરી સીધો મિત્રની ઓફિસે પોહચ્યો. સાડા અગીયાર જેવું થયું હશે, રાજેશ હજી ઑફિસે આવ્યો નોહતો. પટવાળાએ બેસવાનું કહ્યું એટલે બાંકડે બેઠયો, વહેલી સવારે જાગ્યો અને બસની મુસાફરી એટલે બાંકડે બેસતા જ આંખ મીંચાઈ ગઈ. સચિવાલયના બાંકડે બેઠેલો નીકુલ ધોળા દિવસે સ્વપ્ન જોવા લાગ્યો, “ હે ! દ્વારપાલો કૃષ્ણને કહો સુદામો આવ્યો છે,” અને એ દ્વારપાલોની મશ્કરી, છેલ્લે કૃષ્ણ દોડી ને મળવા આવ્યા, સુદામાને કેવા ભેટી પડેલા? એને આજે રાજેશ કૃષ્ણ જેવો લાગતો, અચાનક ફોર્ચ્યુનર ગાડીનો હોર્ન વાગ્યોને એની આંખ ખુલી, જોયું તો ફ્રેન્ચ કટ દાઢી, ફ્રેમલેસ ટાઈટન ફ્રેમ ચશ્મા અને હાફબાય ઇન શર્ટ માં રાજેશ આવી રહ્યો હતો, એક અધિકારીને છાજે એવું ગજબ વ્યક્તિત્વ રાજેશે વિકસાવેલું તે જોઈ શકતો હતો. નીકુલ પર નજર પણ ના કરી અને રાજેશ સીધો ઓફિસમાં ગયો અને દરવાજો બંધ થયો, અડધો કલાક જેટલો સમય પસાર થયો એટલે નીકુલ પટાવાળા પાસે ગયો, “સાહેબ ને મળવું છે!”

“એપોઇન્ટમેન્ટ છે?”

“ના”

“તો મુશ્કેલ છે, સર નું શિડયુલ ટાઈટ છે આજે, છતાં વાત કરી જોવું.”

“મેં આઈ કમ ઇન ....”

“યસ”

“સર ! એક ભાઈ ગામડેથી તમને મળવા આવ્યા છે.” અડધા ખુલેલા દરવાજેથી ડોકિયું કરતા પટવાળાએ પૂછી લીધું.

“ક્યારની એપોઇન્ટમેન્ટ છે?”

“ એપોઇન્ટમેન્ટ નથી સર”

“તો આવતા વિક ની એપોઇન્ટમેન્ટ આપી મોકલી દે.”

“ ભાઈ ! સરે કહ્યું આવતા અઠવાડિયે મળશે, હું તમને ચિઠ્ઠી લખી દવ.”

“ભાઈ એ મારો બાળપણનો મિત્ર છે, એને કહો કે તમારો બાળપણ નો મિત્ર નીકુલ મળવા આવ્યો છે.”

પટાવાળો રજા લઈ ફરીથી ઓફિસમાં દાખલ થયો અને જણાવ્યું કે “ સર આપનો બાળપણનો મિત્ર નીકુલ છે, એવું કહે છે તે ભાઈ.”

“ ઠીક છે મોકલ અંદર.”

ઓફિસમાં અંદર પ્રવેશતા નીકુલને હતું કે પોતાનું સ્વપ્ન સાચું પડશે, કૃષ્ણની જેમ તેનો મિત્ર ભેટી પડશે, પરંતુ ઔપચારિક આવકાર આપી રાજેશે એને બેસવા કહ્યું, અને ત્યાં આવવાનું પ્રયોજન પૂછ્યું.

“દોસ્ત તને ખબર છે કે આજના સમયમાં નોકરી વગર છોકરી મળવી કેટલી મુશ્કેલ છે, મારો દીકરો રૂપેન ગ્રેજ્યુએટ થઈ ગયો છે, અને હમણાં કલાર્કની મોટી ભરતી ચાલી રહી છે, અમુક એજન્ટ છે જે આ નોકરીના દસ લાખ રૂપીયા કહે છે, મારી એટલી સગવડ નથી એટલે તારી પાસે આવ્યો છું, આ ભરતી સીધી તારી દેખરેખ હેઠળ થવાની છે એટલે તું ધારે તો રૂપેનને નોકરી મળી જાય, અને મારે આખી જીંદગીની શાંતી.” નીકુલે સીધી મુદ્દાની વાત કરતા આવવાનો હેતુ જણાવ્યો.

“તારી વાત બીલુકુલ સાચી છે, નીકુલ! લાખ રૂપિયા ઓછા આપજે હું પાકું કરાવી દવ છું બસ!” રાજેશે કહ્યું.

“શુ? તું મારી પાસે પૈસા લઈશ????”

“ભાઈ આ ખાતું જ એવું છે, મારે પણ સીટ મુજબ  ઉપર આપવા પડે, અને હું મારા સિદ્ધાંત સાથે ક્યારેય બાંધછોડ કરતો નથી તને તો ખબર જ છે.”

“કાશ મેં મારા બાપાને ને સિધ્ધાંતો સાથે બાંધછોડ કરવા મજબૂર ન કર્યા હોત.” આટલું કહી આંખોના ખૂણા લૂછતો લૂછતો નીકુલ ઓફિસમાંથી નીકળી ગયો.

                    ***************************

લેખક :- મેહુલજોષી (બોરવાઈ, મહિસાગર)

મો:- 9979935101

લખ્યા તા 24092020035010

    (આ વાર્તા કૉપીરાઈટથી સુરક્ષિત છે, આના લખાણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરીને, નામ કે પાત્રો બદલીને કે લેખકના નામ વિના ક્યાંય મૂકી/પોસ્ટ કરી શકાશે નહીં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ