વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રીસાવવુ

*** પડકાર : ટૂંકી વાર્તા સ્પર્ધા ***

                  :- રીસાવવું -:

      ( આવું શું કરે છે બકા...? )

                 કેતુલ કોલેજના ત્રીજા વર્ષમાં વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હતો. પોતે વિજ્ઞાન ભણતો હતો પણ એનું અંતર સાહિત્યની ફોરમ થકી મઘમઘતું હતું. મસ્તિષ્કમાં વિજ્ઞાન અને મનમાં કાવ્યગાન એવા કેતુલની શૈલીથી સહપાઠીઓ સૌકોઈ વાકેફ હતાં. અરે ! એના શૃંગાર રસથી તરબોળ કાવ્યો સાંભળી ઘણી છોકરીઓ એની તરફ આકર્ષિત થતી હતી પણ કેતુલ હતો એ બધાને અવગણતો, પોતે કવિ હ્રદય હોવા ઉપરાંત કરોડપતિ બાપનો એકનો એક લાડકવાયો હતો. તે બાળપણથી એશોઆરામમાં મોટો થયો હોવા છતાં સાદાઈમા વધારે માનતો હતો અને આ ગુણ એને પોતાની મમ્મીની સાદાઈ સાથે કેળવાયો હતો.

            કેતુલના આશિકાના અંદાજથી પ્રભાવિત થઈ કેટલીક છોકરીઓ એને આકર્ષિત કરવા અને ધનિક દેખાવવા છડે ચોક ફેશનના નામે નરી નગ્નતા પ્રદર્શિત કરતી જે કેતુલને સહેજેય ના ગમતું. પોતે દેખાવમાં પણ સાક્ષાત કામદેવનો અવતાર હતો. ઘઉંની કણેક જેવું ઉજળું બદન, આરસપહાણના ટુકડાઓ જેવી કસરત કરી કસેલી છાતી, કોઈ સુંદરતાની પ્રતિમાનો સહવાસ ઈચ્છતી સુડોળ બાજુઓ અને શાબાશીની હકદાર પીઠ ! સાદા છતાં ઉચ્ચકક્ષાના કપડામાં લપેટાયેલ કાયાનો દરેક અંગ ઉભાર બેપરવાહ બની એની અમીરીનો ઢંઢેરો પીટતા હતાં. ઢંગધડા વિનાની વાળની ફેશન, બાજુ પર મૂકી પ્રમાણસર ગુચ્છાદાર ગોઠવાયેલ સાઈડ પાંથીએ શોભતા વાળ ! સ્વભાવ પણ મિતભાષી, સાત ડગલાં સાથે ચાલતા વેંત ઘાઢ દોસ્તી કેળવી લે ! કુલ મળીને ધનાઢ્યતાની મેડીએ નાચંતો સાદાઈમાં મસ્ત મોરલો એટલે કેતુલ !

            એકવાર કેતુલ એના મિત્રો સાથે કોલેજના પ્રવેશ દ્વાર પર  બેઠાં બેઠાં ગપ્પાંબાજી કરતો હતો. વાત વાતમાં સુંદરતાનો મુદ્દો છેડાઇ ગયો. હવે સુંદરતા તો સાક્ષાત કવિતા ! અને ત્યાં બેઠેલા બધાને ખબર હતી કે સુંદરતાનું કાવ્ય કેતુલથી રૂડું કોણ વણૅવી શકે ? એક મિત્રએ તરત જ કહ્યું, " કેતુલ યાર ! હવે તો તારે આ મુદ્દે બે પંક્તિ તો કહેવી જ પડશે. "
બાકીના મિત્રો પણ સમરસ મત જતાવતા ટાપસી પૂરી, " કે ને...? કે..ને...? કેતુલ યાર...*આવું શું કરે છે બકા....?* પ્લીઝ.... પ્લીઝ..."

"હા... ઓકે...." કેતુલ હાથ બતાવી બધાને શાંત કયૉ. બધા મૂક પ્રેક્ષક બની કેતુલ સામે જોઈ રહ્યા હતા. કેતુલ સ્થિર થવા પ્રયત્ન કરતો હતો પણ કંઈ સૂઝ્યું નહીં, આજુબાજુ નજર કરી ફરી એ બોલ્યો, " અરે યાર ! આજે મને કંઈ સૂઝતું નથી. સુંદરતા બયાન કરવા નજર સુંદરતાએ ઠરવી તો જોઈએ ને ? "

બધાની આશાઓ ઉણી ઉતરતા ફરી બધા કેતુલ પર ટૂટી પડ્યા, " ના...ના...આજે તો નહીં જ ચાલે...તારે બે શબ્દો પણ કહેવા તો પડશે જ ! કેતુલ આવું શું કરે છે....યાર....! "
એ બધા કેતુલ ને મનાવતા રહ્યા અને એજ વખતે કેતુલની નજર કોલેજના મુખ્ય દરવાજેથી અંદર પ્રવેશેલી એક મોહક, સુંદરતાની દેવી જેવી યુવતી પર પડી અને કેતુલના અધરો પર સ્વગત ગુલાબની પાંદડીઓ જેવા શબ્દો આપમેળે સાહચર્ય સાધી કવિતા રૂપ ધારણ કરી સરી પડ્યા.

" એની એક આંખ માં ગુલાલ,
    અને અબીલ બીજી આંખે...!
    એની પાસે રંગ નથી તોય, રંગી નાંખે....

    મુલાયમ પીંછી જેવી કોમળ કાયા,
    અને હું કોરો કાગળ,
    ઇન્દ્રધનુષી સાત રંગો પણ
   લાગે ફીક્કા એની આગળ....
   એની પાસે રંગ નથી તોય રંગી નાંખે...

   પ્રણયની પીચકારી લઈ,
    રંગોમાં ઝબકોળી,
  ભૂલ્યા અમે ભાન બસ,
  મસ્ત રમ્યા હોળી...

  એની એક આંખે ગુલાલ અને
  અબીલ બીજી આંખે..
  એની પાસે રંગ નથી તોય રંગી નાંખે... "

કેતુલ તો સામે આવતી યુવતી ને અનિમેષ જોઈ રહ્યો અને કવિતા પુરી કરી.

" વાહ...! વાહ...! વાહ....! અદ્ભૂત... ખૂબ મજા આવી..." સાંભળનારા સૌ તાળીઓના ગડગડાટથી કેતુલને વધાવી લીધો અને સાથે સાથે બીજી ફરમાઈશ કરતા બોલ્યા, " એક બીજી.... બીજી.....એક...એક...આટલી છેલ્લી..."

સામે દેખાતી યુવતી પણ નજીક ને નજીક આવતી આવતી હતી જાણે કેતુલની કવિતા જ માનવ દેહ ધારણ કરી પ્રગટ થઈ હતી !  કેતુલે બોલ્યાં વિના માત્ર હાથ ધરી એ બધાને શાંત પાડી ફરી ઉચ્ચાર્યું, "

ધૃણા, નફરત અને તિરસ્કારને,
ક્ષિતિજની પેલે પાર મુકી,
કસ્તૂરી વાયરો અને ઋતુરાજને પાલવડે સંકોરી
નજાકત અદા, લતાઓનો પોશાક રચી,
પેલું કોણ આવ્યું...?

ફૂલડાં ખીલેલી ફૂલવાડી માં,
કેતકી, મોગરો અને ગુલાબને,
સુંદરતાના કામણ કરવા,
ભર ઉનાળે આષાઢી માહોલ રચવા,
પેલું કોણ આવ્યું....?

સહરામા અટલાયેલો હું,
હંમેશા જે તરસ લઈ રઝળતો રહ્યો,
ક્ષિપ્રા બુઝાવવા કસુંબલ જામ ભરી,
પેલું કોણ આવ્યું....?"

" ઓહોહો..... જોરદાર...ભાઈ ભાઈ... માની ગયા....સુપર.... માઈન્ડ બ્લોઈંગ...!!! " બધા તાળીઓના ગડગડાટ કરતા કરતા કેતુલને વધામણી આપતા હતા, પણ કેતુલ તો આવનાર યુવતીને સાંગોપાંગ નીહાળતો રહ્યો. એ યુવતી કેતુલની મહેફિલને ગણકાયૉ વિના બાજુમાં થઈ પગથિયાં ચડી ગઈ. જતાં જતાં એને ગળે વીંટળેલા દુપટ્ટાનો ઢળકતો એક છેડલો જાણે કેતુલની કવિતાથી અભિભૂત થયો હોય એમ હવામાં લહેરાઈ કેતુલના ગાલે અડકી ગુલાલ લગાવી ગયો. કેતુલ તો જાણે સંમોહિત થયો હતો !

       " કોણ છે આ..? " કેતુલથી પૂછાઈ ગયું. સામે બેઠેલા બધાં પણ અજાણ્યા બની બોલ્યાં, " ખબર નથી...આજ પહેલા તો ક્યારેય એને અહીં જોઈ નથી, લાગે છે કોઈ નવું એડમીશન છે ! " એ દિવસે પ્રથમ નજરે જ કેતુલ તો એ કામણગારી, પારસ પૂતળી, સાદગીની દેવીને મનોમન પોતાનું હૈયું આપી બેઠો. કેતુલે પોતાના દરેક મિત્રોને આના વિશે માહિતી મેળવવા જણાવ્યું.

          બીજા જ દિવસે કેતુલની મિત્ર કેતકી માહિતી આપતા જણાવ્યું કે એનું નામ "તુલીકા" છે. બી.એ.ના ત્રીજા વર્ષમાં નવું એડમીશન લીધું છે. એના પિતા કોઈ ઉદ્યોગપતિ છે. કેતકી પણ બી.એ.ના ત્રીજા વર્ષમાં જ હતી એટલે તુલીકા એની સહપાઠી હતી. કેતુલે કેતકીને તુલીકા પ્રત્યેની પોતાની લાગણી જતાવી દીધી. હવે કેતકીએ બધી ગોઠવણ કરવાની હતી. કેતુલ તો તુલીકાની સાદગી અને સુંદરતાથી એટલો અંજાયો હતો કે હવે તો ઉઠતા બેસતા બસ તેને ચારેય બાજુ તુલીકા જ નજરે પડતી હતી. તે હવે કોઈ ને કોઈ બહાને તુલીકાથી વાત કરવાનો મોકો શોધતો હતો પણ એમ 'માન ન માન મૈં તેરા મહેમાન' એવું કેવી રીતે શક્ય બને ? એ દૂરથી એને જોયા કરતો હતો. એવામાં એક દિવસ એને તુલીકા એ જ સામેથી આ મોકો આપ્યો, કેતુલ કોલેજ પુસ્તકાલયનો ઘણીવાર ઉપયોગ કરતો, એક વખત  પુસ્તકાલયમાં બેસી તે પુસ્તક વાંચી રહ્યો હતો ત્યાં જ તુલીકા પણ એક પુસ્તક લઈ કેતુલના પાસે જ આવી બેઠી, શરમાઈ, સંકોચાઈ તેણીએ પોતાનો પરિચય આપ્યા બાદ કહ્યું, " તમે જ કેતુલ ને ? "
હંમેશા જેની સાથે વાત કરવા પોતે બેચેન રહેતો હતો એ પાત્ર સામે ચાલીને વાત કરવા તૈયાર થયું છે એ વિચારે તે જાણે સપનું જોતો હોય એમ બોલ્યો,
" હા...હા... હું..જ કેતુલ....."

એ વાક્ય પૂરું થાય તે પહેલાં જ તુલીકા દાડમની કળી જેવા દાંત સહેજ બતાવી સ્મિત વેરતાં બોલી, "કેતુલ તમે કાવ્ય ખૂબ જ સુંદર કહીં જાણો છો હો...! "

" હે....તમે ક્યારે સાંભળ્યું..? " કેતુલ નવાઈ પામતા હોય એમ બોલ્યો.

"એ દિવસે પગથિયાં પર તમે કહેતા હતા ત્યારે...! સાચું કહું એ કવિતા મને બહુ જ ગમી હતી. મને પણ કવિતાઓ સાંભળવાનો બહું જ શોખ છે એ દિવસવાળી કવિતા ફરી મને કહેશો...? " તુલીકા નીચું મોં રાખી બધું બોલી ગઈ.

           પછી તો વાત જ શું કરવી ? એ પુસ્તકાલયની અડધો કલાકની મુલાકાત કલાક, બે કલાક અને આખે આખા દિવસમાં પરિણમવા લાગી. કેતુલને હતું કે તુલીકા સાથે દોસ્તી કરવા તેણે નવા નવા અખતરા કરવા પડશે પણ એવું કશું જ ના કરવું પડ્યું. આમેય કેતુલ ધનાઢ્ય કુટુંબમાંથી આવ્યો હતો છતાં પણ એનું વ્યક્તિત્વ જ એટલું સરળ હતું કે કોલેજ નું કોઈ પણ વ્યક્તિ હંમેશા એનો સાથ ચાહે ! કદાચ તુલીકાનું એના પ્રત્યે આકર્ષિત થવાનું કારણ પણ એનું વ્યક્તિત્વ જ હશે !  સામે પક્ષે તુલીકા પણ સાદાઈ અને ઉંડાણપૂર્વક સમજ ધરાવતી કોઈ પરીથી કમ નહોતી ! રેશમી ઘટ્ટ હંમેશા હવાથી વાતો કરતા કાળા વાળ, હરણી જેવી તરવરતી નમણી નાજુક કાયા, હરહંમેશ પટિયાલા લહેંગા કૂર્તીમા સજ્જ, લજામણીના છોડ જેવી શરમાળ, શરમના પાલવડે વીંટીને સાચવેલુ ધબકતું યૌવન ! અને આઠેય પહોર એની આજુબાજુ દસ કદમ દૂરથી એની હાજરીનો અહેસાસ કરાવે તેવી અલગ જ પ્રકારની મીઠી મીઠી એના ડીયોની પમરાટ ! એકવાર એ સુવાસ જે કોઈ પણ મહેંકી જાય તો ચંદનના વૃક્ષ ને જોઈ ફણીધર હાલ્યો આવે એમ પોતાની જાતને તુલીકા પાસે આવતાં રોકી ન શકે !

         એની સાથે ભણતા ઘણા છોકરાઓ તુલીકા ને જોતા જ મનોમન એને ચાહવા લાગ્યા હતા. તુલીકા સાથે એક પળ માટે પણ વાત કરવા મળે તો એ પળ એમને સુવર્ણ પળ લાગતી હતી. એ બધાની એકાંતની પ્રણય દુનિયામાં તુલીકા જ મનમંદિરની રાણી રહેતી, પણ જ્યારથી કેતુલ સાથે તુલીકાની દોસ્તી કેળવાઈ હતી ત્યારથી પોતાના બધા સપના ચકનાચૂર થતા એ બધાએ પોતાના હથિયાર હેઠાં મૂકી દીધા હતાં.

        એકવાર તુલીકાએ પોતાના જન્મદિવસ પર એના ઘરે નાની પાર્ટીનું આયોજન કર્યું. એ દિવસે કેતુલ સવાર સવારમાં કોલેજમાં તુલીકાને મળી કલાકમાં ત્યાંથી નીકળી ગયો, તુલીકાને જન્મદિવસ ની કોઈ શુભેચ્છા કે ગીફ્ટ આપ્યા વિના જ ! તુલીકાને હતું કે મારા માટે કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ હશે જે સાંજે પાર્ટીમાં મને આપશે, એવી રીતે મન મનાવી ઘરે ગઈ. આ વિશે તેણીએ કેતુલને કંઈ પણ વાત ન કરી.

      સાંજ પડી. જન્મદિવસની ઉજવણીનો સમય થયો. તુલીકાના બધાં જ મિત્રો આવી ગયા હતા પણ કેતુલ ક્યાંય દેખાતો નહોતો. એને ઘણી જ વાટ જોઈ પણ કેતુલ ન આવ્યો, છેવટે કંટાળી તુલીકાએ કેક કાપી દીધી. પોતે ધારેલી બધી વાતો અધૂરી રહી ગયેલી હોવાથી પાર્ટી પણ ઠીક ઠીક કરી. તુલીકાને ઘણું જ ખરાબ લાગ્યું. કેટલાક હિતશત્રુઓ તો આ તકનો લાભ લઈ તુલીકાને અવનવી વાતો સાંભળાવી કાનભંભેરણી પણ કરી. તુલીકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

       બીજો દિવસ થયો. સવાર સવારમાં કેતુલ કોલેજમાં આવી તુલીકા પાસે ગયો, પણ તેણી તો જાણે એને ઓળખતી જ નાં હોય ! એવું વતૅન કરવા લાગી. જરા વાત કરતાં તો ગુસ્સો કરવા લાગી. તુલીકાએ કેતુલને વાત કરવાની એક પણ તક ન આપી. છેવટે કેતુલ પણ આ વાત ત્યાં જ પડતી મૂકી, અને બન્ને વચ્ચે અબોલા થઈ ગયા. કોલેજ ના મિત્રોને પણ ખબર પડી ગઈ. આ અબોલા લગભગ પંદર દિવસ સુધી ચાલ્યા.

             છેવટે એકવાર કેતુલે જાહેરમાં બધાની વચ્ચે તુલીકાની માંફી માગી લેતા બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું અને ફરી પહેલાંની જેમ એમનો પ્રણય રથ જીવનના માર્ગે આગળ વધવા માંડ્યો.

           સમય હાથમાંથી રેત સરકે એમ સરકવા લાગ્યો. જોતજોતામાં કેતુલ અને તુલીકાનું ગ્રેજ્યુએશન પૂરું થયું. કેતુલે પોતાના મમ્મી પપ્પાને તુલીકા વિશે બધુ જ સાચેસાચું જણાવી દીધું. વિધાતાએ અગાઉથી જ એ બન્નેનો સાથ જાણે નક્કી કરી દીધો હોય એમ તુલીકાના પપ્પા પણ કેતુલના પપ્પાના પ્રમુખપણા હેઠળ ચાલતી ઉદ્યોગપતિઓની કમિટીના સભ્ય નીકળ્યા એટલે બન્નેનો સંબંધ કોઈ પણ અડચણ વિના તરત જ લગ્નમાં પરિણમ્યો.

                બન્નેના લગ્નનુ એક વષૅ પૂર્ણ થતાં પહેલી મેરેજ એનીવષૅરી પર પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીમાં પોતાના જૂના કોલેજ મિત્રોને પણ આમંત્રણ આપ્યું. સાંજે કેતુલ - તુલીકાના મમ્મી પપ્પા, કેટલાક પડોશીઓ, કોલેજ મિત્રો અને નજીકના સંબંધીઓની હાજરીમાં પાર્ટી યોજાઈ, બધા મિત્રોએ ખૂબ મજા કરી, બે કલાક ચાલેલી પાર્ટી પુરી થવાથી ધીરે ધીરે બધા મહેમાનો રવાના થવા માંડ્યા. છેલ્લે ફક્ત કોલેજના મિત્રો જ બાકી રહ્યા. ઘણા દિવસે મળ્યા હોવાથી ત્યાં જ બધા એક મોટા રૂમમાં સોફામાં બેસી વાતે વળગ્યાં. બધાં પોતાની કોલેજની જૂની યાદો વાગોળતા હતા. વાતોમાં ને વાતોમાં કેતુલ અને તુલીકાના અબોલા નો કીસ્સો ચચૉયો. તુલીકા કેતુલને હઠ કરતા કહ્યું, " કેતુલ એ વખતે તું મને મનાવવા બધાની વચ્ચે કેટલું સરસ બોલ્યો હતો ! એ સાંભળી હું મારી જાતને રોકી નહોતી શકી અને મનાઈ ગઈ હતી. આજે પણ એ ચાર પાંચ વાક્ય મારાં હૈયે એવાને એવા જ કોતરાયેલા છે, આજે પણ ફરી વખત બોલી દે ને...? "

" ના...ના...યાર...હવે શું ...? " કેતુલ મનાઈ ફરમાવતા બોલ્યો.

" ના...ના... **આવું શું કરે છે બકા...?** પ્લીઝ...કે' ને...? " તુલીકા મીઠી જીદ કરતા કહ્યું. એના ટેકામાં બીજા બધા મિત્રો પણ જોડાયા.

" કે' ને..યાર.... આવું શું કરે છે...? હવે કહીં દે ને....? " બધા મિત્રો સાથે દબાણ કરતા કેતુલ બોલ્યો, " ઓકે... ઓકે.... કહું છું... સાંભળો, :  બે પ્રિય પાત્રો વચ્ચે રીસાવવુ અને મનાવવું એ બન્નનો સમઅધિકાર છે. રીસાયેલુ પ્રિય પાત્ર એ ઘરનાં બારણાં પાછળ સંતાયેલા એવા બાળક જેવું હોય છે, જે બારણાંની તીરાડમાં દેખી પોતાને મનાવવા આવનારની રાહ જોતું ઉભું હોય છે, એને વધારે વાટ ના જોવડાવતા મનાવી લેજો."

" વાહ...વાહ... ખરેખર ! સાચી વાત છે કેતુલ તારી.... ખૂબ સુંદર...! " બધા મિત્રોએ તાળીઓ પાડી કેતુલના શબ્દોને વધાવી દીધા.

         છેલ્લે રાત વધારે થવાથી બધા એક એક કરતાં છૂટા પડ્યા. કોલેજમાં તુલીકાની સહપાઠી અને કેતુલની નજીકની મિત્ર કેતકી પણ પોતાના પતિ સાથે પોતાના ઘરે જવા રવાના થઈ. આગળ જતાં રસ્તામાં એણે પોતાના પતિને ઈશારો કરી ગાંડી રોકાવી. પોતાનો મોબાઇલમાં પપ્પાના નામે સેવ કરેલો નંબર ડાયલ કર્યો. સામે ઘંટડી વાગી, " હેલ્લો...."
કેતકી હિમ્મત કરી ડૂમો ભરાયેલા અવાજે બોલી, " હેલ્લો ! પપ્પા હું કેતકી...." અને તે ચોધાર આંસુડે રડવા લાગી. એને રડતી સાંભળી પપ્પા પણ પીગળાતા બોલ્યાં, " ઘરે આવી જા બેટા... તું ભલે અમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા પણ તું તો બેટા ગઈ એ જ ગઈ ! પાછું વળીને જોયું જ નહીં ને...! "
" સોરી પપ્પા...મને માફ કરી દો....મને તમારી બહું જ યાદ આવે છે પપ્પા..." એટલું તો કેતકી માંડ માંડ બોલી શકી. " બસ બેટા...હવે ઘરે આવી જા...તારી ખુશીમાં જ મારી ખુશી છે.... જલ્દી આવ...! " એટલું બોલી રડતાં રડતાં પપ્પા એ ફોન મુકી દીધો. કેતકીની આંખોમાં હરખના આંસુ ઉભરાઈ પડ્યા હતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ