વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અ(ભાગીયો)

દિવાળી પર્વ પર વાંચો મેહુલજોષીની કલમે.... 


*અ(ભાગીયો)*

       "ઉઠ હેડ લે ઉભો થા, કૂકડો ચાણનો ય બોલ્યો, આજનો દન મજૂરી જી આયીએ, પસી આ હપૂરવાઓમાં કોઈ બોલાવહે ની."

       રેખા દીકરા વિક્રમને જગાડતા બોલી. વિક્રમ ફટાફટ જાગી ગયો, એને પણ ખબર હતી દિવાળીના દિવસો માથે હતા, આજે અગિયારસ તો થઈ, કાલે બારશે બાર જઈને નવા કપડાં ને મીઠાઈને એવુંબધું ખરીદવાનું હતું, અને ઘરમાં દિવાળી થાય એટલા રૂપિયા હતા નહીં.

      કૈલાસ અને માયા બંને બહેનો નજીકમાં રસ્તાનું કામ ચાલતું હતું ત્યાં કોન્ટ્રાક્ટમાં મજૂરીએ હતી તેમને કાલે જ રજા મળી હતી એમને હજાર હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરે દિવાળી કરવા માટે ઉપાડ આપ્યો હતો, આ ત્રણે ભાઈ બહેને એમના બાપ રણછોડને ચાર દિવસથી જોયો નોહતો,  રેખા પણ એવું માનતી કે રણછોડ ક્યાંક શહેરમાં ગયો હશે અને તે હવે આવવામાં જ હશે.

               કૈલાશ અને માયાને ઊંઘવા દઈ રેખા અને એનો દીકરો વિક્રમ મહેશ પટેલના ખેતરે મજૂરીએ ઉપડ્યા. ચાર દિવસથી મકાઈ વાઢવાનું કામ ચાલુ હતું, આજે મકાઈ કઢાઈને ઘેર પોહચડવાની હતી અને ખળામાં મકાઈયાનો ઑગલો માંડવાનો હતો, ગઈકાલે જ મહેશભાઈએ રેખાને કહ્યું હતું કે "કાલે ત્રણ વાગતા પેહલા કામ પૂરું કરી નાખજો, પછી તમે પાંચમ સુધી હાથમાં નહીં આવો અને મારે પાચેલું ધોન હેતરમાં પડ્યું રે, પેલના જેવું હોત તો કોઈ ચિંતા નતી પણ મારે આ જાતે કરવાનું આયુ એટલે હું કરું, તોયે અજુ તમને દલાર્યાં કરૂ સુ."

          મહેશભાઈના આ શબ્દો રેખાને કાળજે બાવળીયાના કાંટાની જેમ વાગ્યા પણ એ કઈ બોલી શકે એમ નોહતી, રેખા અને રણછોડ વર્ષોથી મહેશભાઈની જમીન ભાગે કરતા હતા, એટલે ખેતી બાબતે એમને કોઈ ચિંતા હતી નઇ, ખેડાઈ થી લઈને બિયારણ, ખાતર પાણીનો જે કઈ ખરચ થાય એ મહેશભાઈ રણછોડને આપી દેતા, મજૂરીએ દાડીયા પણ રણછોડ જ શોધી લાવે, મહેશભાઈને દર વર્ષે ખાલી ખળામાં ટ્રેક્ટર ભરવા જ જવાનું હોય. આમ વર્ષોનો ભાગીદાર રણછોડ સાથે પારિવારિક સંબંધો બંધાઈ ગયા હતા.

                 એકવાર કોઈ કારણોસર મહેશભાઈને લુણાવાડા જવાનું થયેલું અને રણછોડ એમની સાથે હતો. એમની સાથે પાંચ છ દુકાનો અને એક બે પેઢી પર સાથે ફર્યો, એણે જોયું તો લુણાવાડા જેવા શહેરમાં રણછોડભાઈ સારી એવી છાપ ધરાવતા હતા,

સમય પસાર થતો ગયો, રણછોડના ઘરની સ્થિતિ સુધરવા લાગી હતી, પણ થોડા સમયમાં તો  રણછોડને જમાનાનો રંગ લાગી ગયો, હવે તે વ્યસન કરવા લાગ્યો હતો, અને ક્યારેક પાના પણ રમી લેતો.

                 આ લતમાં એને દેવું વધી ગયું, ઉછીના રૂપિયા ધીરનાર લોકોએ ઉઘરાણી શરૂ કરી, કોઈ દુકાનવાળો પણ બાકીમાં આપે નહીં, ત્યારે રણછોડ લુણાવાડા એક પેઢીમાં પોહચ્યો અને મહેશભાઈનું નામ લઈને પચીસ હજાર રૂપિયા લઈ આવ્યો, મહેશભાઈ આ વહીવટથી અજાણ હતા, અને પેઢીવાળાએ કોઈ ખરાઈ કરી નોહતી, રણછોડ એટલે તો મહેશભાઈનો ભાગીદાર, બસ આમ સમજી પૈસા આપી દીધા, વરસ સુધી આ મૂડી પાછી ન આવી અને એકવાર મહેશભાઈ એ પેઢીએ હિસાબ માટે ગયેલા ત્યારે આ પચીસ હજારની એન્ટ્રી જોઈ અને ખબર પડી કે રણછોડ બારોબાર પૈસા લઈ ગયો છે, પછી એમણે બીજી બે પેઢીઓ જ્યાં એમનો વહેવાર વધારે ચાલતો હતો ત્યાં તપાસ કરાવી તો ત્યાં પણ દસ દસ હજાર લઈ ગયો હતો.

                 પીસતાળીસ હજાર જેવી માતબર રકમ આમ બારોબાર ઉઠાવી લીધી, અને ઉપરથી પેઢીમાં મહેશભાઈની છાપ બગડી એ નફામાં, એટલે એ વર્ષથી જ રણછોડને એમણે ભાગમાંથી દૂર કરેલો, અને થોડો મેથીપાક પણ આપેલો.

                હવે રણછોડે લીધેલા રૂપિયા વાળવા માટે રેખા અને વિક્રમ મહેશભાઈને ત્યાં ગધ્ધામજૂરી કરતા હતા, પણ મજૂરીએ મજૂરીએ કેટલું દેવું ચૂકવાય? અને ઘર ચલાવવાનું એ અલગ, બાકી બોર્ડરથી રેટ થઈને આવી તોફાન મચાવવાનો કાર્યક્રમ રણછોડ નિયમિત પ્રસારીત કરતો હતો.

                  એટલે હવે તે મહેશભાઈના ભાગીદાર હતા નહીં, અને મજૂરી પણ મફત કરતા, અને ઉપરથી મહેશભાઈએ સંભળાવ્યું કે "પેલ જેવું હોત તો ચિંતા નોહતી." અને એથીય વધુ કે "આજ સુધી તમને દલાર્યાં કરીએ છીએ." આ વાક્ય રેખાને બરાબર લાગી આવ્યું હતું.

                   મહેશભાઈને ઘરેથી ગીતા, તે રેખાની પરિસ્થિતિ જાણતી હતી, એને ખબર હતી કે રેખા કે વિક્રમને મજૂરીના રૂપિયા પણ મળતા નથી, એટલે એ ઘણી વખત મહેશને સમજાવતી " એ લોકો બીજાને ત્યાં દાડીએ જાય તો એમને પૈસા મળે કે નહીં? એમનું ઘર ચાલે કે નહીં? આપણે પેલા પૈસા વાળવા માટે એમને આમ વૈતરૂ કરાવ્યા કરીએ એ બરાબર નથી, બિચારીનું ઘર કેમનું ચાલે?"

         ગીતાનો આવો સાક્ષાત ગીતાજી જેવો ઉપદેશ સાંભળી મહેશ એના પર ગુસ્સે થઈ જતો, અને કહેતો "આખા લુણાવાડામાં મારી આબરૂ કાઢી, અડધો લાખ રૂપિયા કૉય નૉની રકમ નથી, મારે વસુલવા તો પડે ને? હવે એ પીધેલ તો આપવાનો નથી તો મારે કની પાહે લેવાના?"

"તો રેખાને અહીંયા કામ કરવા દો, એના છોકરાને અમદાવાદ કે સુરત બાજુ નોકરીએ જવા દો, એ કમાઈને આપશે." ગીતાએ કહ્યું.

"એય લોહી તો પેલી બાટલીનું જ ને? એને કુણ નોકરીએ રાખે?"

"અરે ઘણા રસોઈયા લઈ જાય છે, આવા છોકરાઓને અને સારો સારો રોજ આપે છે, એયો કમાશે અને આપડા પૈસા પણ મળશે તમે એને જવા દો." ગીતા આવી દલીલ કરી વિક્રમને નોકરી કે ધંધો કરવા શહેરમાં જવા દેવા મહેશને સમજાવતી, તો વળી એના છોકરા બંટીના કપડાં વિક્રમ માટે આપતી, એની જૂની સાડીઓ રેખાને આપતી, ઘણી વખત જમવાનું પણ આપતી.

                આજે માં દીકરો કામે આવ્યા, અને ફટાફટ એમનું બધું ખેતરનું કામ પુરૂ કરી અનાજ બધુ મહેશભાઈને ઘરે પોહચાડી દીધું, એમને હતું કે મહેશભાઈ કોઈ મજૂરી આપશે નહીં પેલામાં જ વાળી લેશે પણ કોણ જાણે કેમ  મહેશે આજે રેખા અને વિક્રમને પાંચસો પાંચસોરૂની નોટ આપી અને તહેવાર કરવા છુટા કર્યા.

                 બે હજાર રૂપિયા બે બહેનો પાસે હતા અને હજાર રૂપીયા આ માં દીકરાના, આમ સાંજના સમયે ત્રણ હજાર રૂપીયા લઈ આ ચારે માં દીકરાં રેકડામાં બેસીને ખરીદી કરવા  બાજુના મોટા ગામમાં ગયા.

                પાંડરવાડા ગામે ભરચક બજાર ભરાઈ હતી, ગામની મધ્યે પસાર થતા રોડની બંને સાઈડો પર લારીઓ ઉભી રાખી વેપારીઓ દિવાળીની ઘરાકી જોઈ ઘેલાં બન્યા હતા, આજુબાજુના વિસ્તારના મનેખ માટે પાંડરવાડા એટલે અમદાવાદ, મુંબઇ જે ઘણો તે, અહીંયા વાસણ, કપડાં, ચંપલ, મીઠાઈ, ફરસાણ, સેવ પાપડી બધું જ મળી રહે, આસપાસના છોકરા છોકરીઓ ટેટ મેટ થઈને આવે ખરીદી કરવા, અને બેહતા વરહના મેળે પહેરીને જવાય એવું કંઈક ખરીદીને જાય.

                      વિક્રમ અને કૈલાશ આગળ આગળ જતાં હતાં, જ્યારે રેખા અને માયા,  લેડીઝ ચપ્પલ વેચતી મહિલા પાસે ઉભી રહી ચપ્પલો પસંદ કરવા લાગી, અચાનક એમણે જોયું તો હો હા થતી હતી, પાંડરવાડાનો ઢાળ ઉતરતા સામે રહેલી જલારામ સ્ટેશનરીની દુકાન આગળ મોટુ ટોળું થયું હતું, ટોળામાં લોકો કોઈક માણસને ઢીબી રહ્યા હતા, આ બંને ચપ્પલ જોવા પડતા મૂકી એ તરફ ચાલવા લાગી, વિક્રમ પણ તમાશો જોવા ટોળામાં દાખલ થયો, એણે જોયું તો ટોળાની વચ્ચે રણછોડ પડ્યો હતો, અને બે ચાર જણા હજીયે એને મારી રહ્યા હતા, એ પગે લાગી કંઈક કંઈક બોલતો પણ મોટા કોલહામાં એના શબ્દો કોઈના કાને પડતા નોહતા.

              થોડીવારમાં પોલીસની ગાડી આવી અને રણછોડને બેસાડી લઈ ગઈ, વિક્રમને ટોળામાંથી જાણવા મળ્યું કે રણછોડ કોઈનું પાકિટ મારતા ઝડપાઇ ગયો હતો, એ ટોળામાં અમુક એના જાણીતા માણસો પણ હતા, એમની સાથે એણે કઈક મસલત કરી, ત્યાં તો રેખા અને માયા પણ ત્યાં આવી પોહચ્યાં, રેખા અને માયાને કહ્યું "ગમે તેમ પણ મારો બાપ છે, એયો જેલમાં હોય અને આપડે તહેવાર કરીએ લોકો ચેવી વાતો કરે?" એટલે એમની પાસે રહેલા બધા પૈસા લઈ વિક્રમ રેકડામાં બેસી એના બાપને છોડાવા ગયો.

           બીજી તરફ ત્રણે માં દીકરીઓ નિરાશ થઈને ઘરે પરત ફરી.

લેખક- મેહુલજોષી (બોરવાઈ, મહીસાગર)

મો 9979935101

લખ્યા તા 131120202093000

(કાળી ચૌદશ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ