વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉર્ધ્વારોહણ

આખી રાત બસમાં વિતાવીને એ સવારે મનાલી ઉતર્યો ત્યારેય પર્વતરાજ અંધકારની આગોશમાં પોઢેલા હતા. એને જોવાની, આંખમાં ભરવાની તાલાવેલી બેકાબૂ બની રહી હતી, પણ કુદરતની આવડી મોટી કરામત એમ કંઈ આસાનીથી એક અદના આદમીની ઈચ્છાને વશ થાય..!

ક્યાંકથી એના ગિરિશિખરોની એકાદ, આછેરી ઝલક પણ મળી જાય તો આંખ ઠરે, એવા ઈરાદે બસ હિમાચલ પ્રદેશમાં પેઠી ત્યારનો એ બારીની બહાર ડોકાં તાણતો રહ્યો હતો, પણ એ શુભ ઘડી આવે એ પહેલાં તો સમસ્ત સૃષ્ટિ અંધકારમાં ઓગળી ગઈ હતી. મનાલી પહોંચ્યા બાદ પણ હિમાલય-દર્શન માટે રાહ જોવી પડી, કેમકે વાતાવરણ અંધારિયું હતું.

હોટલમાં રૂમ લઈને એ ફ્રેશ થયો, ચા-નાસ્તો પતાવ્યો, સ્નાન કર્યું. વચ્ચે-વચ્ચે એની લાલચુ નજર બારીની બહાર ભટકી આવતી, ક્યાંક દેવ જાગી ગયા હોય તો... પણ એની ધીરજની કસૌટી કરતો હોય એમ અજવાળું થવાં છતાં હિમાદ્રિ પ્રગટ ન થયો તે ન જ થયો, ધુમ્મસની જાડી ચાદર ઓઢીને પોઢેલો જ રહ્યો.

‘યે ધુમ્મસ રોજ હી ઈતના ઘાટ્ટા હોતા હૈ ક્યા?’ ગુજરાતી છાંટથી લદાલદ હિન્દીમાં અરવિંદે રિસેપ્શન પર પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘સાલ કે ઈન દિનોં મેં ઈતની સુબહ-સુબહ તો ઘના કોહરા રહેતા હી હૈ, સા’બ.’

ધુમ્મસને હિન્દીમાં કોહરા કહેવાય એનું ભાન થયું. કરવાનું કંઈ હતું નહીં એટલે એક લાંબી લટાર મારવા એ નીકળી પડ્યો. આળસ મરડીને બેઠા થઈ રહેલા મનાલીની ગલીઓમાં ટહેલતી વખતેય એક આંખ તો ધુમ્મસ પાછળ છુપાયેલા પર્વત-દેવને જ ગોતી રહી હતી.

છેવટે એક-દોઢ કલાકની ફાજલ રઝળપાટ બાદ થાકીને એ એક બગીચામાં બેઠો અને ગરદન ઊંચી કરીને એકીટસે આકાશમાં જામેલા ધુમ્મસને તાકી રહ્યો. જાણે કે ત્રાટક કરીને ધુમ્મસને ઓગાળી નાંખવું હોય એમ નજર સ્થિર રાખીને એ બેઠો.

આખરે પ્રતીક્ષા પૂર્ણ થઈ. સૂર્યનારાયણની પ્રભા સામે ઝાઝી ઝીંક ન ઝીલી શકાતાં જિદ્દી ધુમ્મસ હળવે-હળવે ટુકડેટુકડા થઈને વિખેરાયું અને એ સાથે જ આંખ સામે અવતર્યો જુગ જુગ જૂનો જટાળો જોગી..! હિમાલય..!

જેને પુનઃ પામવા માટે અરવિંદ ચાર દાયકાથી રાહ જોઈ રહ્યો હતો એ હિમાલય..!

શું એની આભા..! શું એના ઉત્તુંગ ગિરિશિખરો..!! શું એનો ગર્વિલો ઠાઠ..!!!

પીગળેલા સોના જેવા કૂણા તડકાનો અભિષેક એની શ્વેતરંગી બર્ફિલી ચાદર પર થયો અને સમગ્ર કાયનાત જાણે કે જીવંત થઈ ઊઠી.

આંખ સામે ટટ્ટાર ઊભેલા નગાધિરાજને નિહાળીને અરવિંદની પાપણે ખારાં ફોરાં બાઝ્યાં. હર્ષાશ્રૂ વચ્ચે ઝળહળી ઊઠી ચાલીસ વર્ષ પૂર્વે ખેડેલી ટ્રેકિંગ-સફર. સાતમુ ધોરણ. પી.ટી.માં સારા દેખાવને પગલે સરકારી સહાય પર પ્રવાસ માટે પસંદગી પામ્યો હતો તેર વર્ષનો અરવિંદ. નાનકડા નગર ધરમપુરના અંતરિયાળ ગામડાંનો કોઈ વિદ્યાર્થી પહેલીવાર આટલે દૂર પ્રવાસે જઈ રહ્યો હતો, એટલે એનો હરખ આખા દૂકણા સમાજને હતો. ગામલોક પાદર સુધી વળાવવા આવ્યું હતું.

વલસાડથી ચંડિગઢ. એક આખો દિવસ ટ્રેનમાં. ત્યાંથી મનાલી. એક આખી રાત બસમાં. ચઢતા લોહીની પૂરા છપ્પન જણની કિશોર-ટોળકીનો ઉત્સાહ માતો નહોતો. પૂરા દસ દિવસ ગિરિરાજની ગોદમાં વિતાવેલાં. બાર હજાર ફીટની ઊંચાઈ સુધી પહોંચેલાં. તંબુમાં રહેવાનું. સ્લિપિંગ બેગમાં સૂવાનું. ઠંડીને માણવાનું. ધીંગામસ્તી ને અવિરત આનંદ..! શું પ્રવાસ હતો એ..!!

એ જ ઘડીએ નક્કી કરી લીધેલું કે મોટા થયા પછી, કમાતા થયા પછી દર ત્રણ-ચાર વર્ષે એક વાર તો હિમાલય ખૂંદવા આવવું જ. પણ રે કિસ્મત..! ઘર-પરિવારની જવાબદારીઓમાં અરવિંદના અરમાન ક્યાં ચૂંથાઈ ગયા, એની સૂધ જ ન રહી...

ઝૂંપડાં જેવા ઘરમાં એના મા-બાપનો સંસાર શરૂ થયેલો. એક પછી એક છ સંતાન અવતરેલાં. પહેલી દીકરી, પછી અરવિંદ, ને પછી વળી પાછી ચાર દીકરીઓ. પાંચ-પાંચ બહેનોનો એકનો એક લાડકો ભાઈ એટલે સ્નેહ તો અનરાધાર વરસતો રહ્યો આજીવન, પણ ફક્ત સ્નેહને સથવારે આયખું થોડું કપાય..!

બાપ જન્મજાત ખેપાની. કારણ વિના ગામ-સમાજના ઝઘડામાં કૂદી પડે; દુશ્મન ઊભા કરે. એવા કો’ક દુશ્મને લાગ જોઈને એક રાતે ગામની સીમમાં એને રહેંસી નાંખેલો. કળા કરી જનાર ક્યારેય પકડાયો નહીં. એ દુર્ઘટના પછી પરિવારની માઠી દશા બેઠી. છેક નાની બહેન તો ત્યારે ઘોડિયે હીંચકાતી. અરવિંદ પોતેય માંડ આઠેક વર્ષનો હતો, એટલે બાપના મરવાનું દુઃખ શું હોઈ શકે, એનો એને ખ્યાલ નહોતો. કંઈક બહુ ખોટું થઈ ગયાનું ભાન તો ત્યારે થવા લાગ્યું જ્યારે પેટનો ખાડો રોજેરોજ અધૂકડો રહેવા લાગ્યો.

પિતૃ પક્ષે હાથ ઊંચા કરી દેવામાં વાર નહોતી લગાડી, ને માતૃ પક્ષે તો એવી કોઈ અમીરાત હતી જ ક્યાં કે રેઢાં પડેલાં સાત જીવડાંને પોષી શકે, એટલે બધો બોજ આવ્યો એકલી માને માથે. મા શરીરે હાડેતી, જન્મજાત કસાયેલી, તનતોડ મહેનત-મજૂરી કરી લેવા તૈયાર, પણ ગામડાંગામમાં મળી-મળીને કેટલુંક કામ મળે..!

લુખુંપાખું જે મળે એમાં ચલાવી લેતાં શીખવું પડ્યું. પાસપડોસમાં કોઈક વધ્યુંઘટ્યું આપે ક્યારેક, ત્યારે ખાધેલા જેવું લાગે, બાકી તો પેટને પાણી ઢોળીને જ પટાવવું પડતું. અર્ધા ઉપરાંત દિવસો તો આમલીનું ખાટું દખું કરીને એમાં નાગલીના જાડા રોટલા ચોળીને જ ખાવાનું થતું. સંકટ સમયને સાચવી લેવા માટે માએ એક ઉપાય કરી રાખ્યો હતો. લોટ ચાળ્યા પછી વધતા થૂલાનો એ સંગ્રહ કરી રાખતી. મજૂરી ન મળે ત્યારે એ થૂલાનો રોટલો કરીને એ બાળકોને ખવડાવતી.

આટલી દારૂણ ગરીબીમાંય માએ ન તો કદી ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ગુમાવી હતી કે ન કોઈ ખોટો માર્ગ અપનાવ્યો હતો. છ-છ બાળકોવાળી સ્ત્રી સાથે બીજું ઘર માંડવા તો કોઈ તૈયાર થાય એમ નહોતું, પણ મજબૂર ઓરતની જુવાનીનો લાભ લેનારાની કમી નહોતી. મા ક્યારેય ચલિત નહોતી થઈ. ભૂખ્યા બાળકોનેય નૈતિકતાના પાઠ તો પઢાવ્યા જ એણેઃ ચોરી કરી, ભીખ માંગી, તો આ ઘરમાં પગ મૂકવો નહીં. 

એમ ને એમ સમય સળવળતો રહ્યો. કુપોષણનો ભોગ બનેલા હાડપિંજરશાં છએ છ મોટા થતાં ગયાં. દસેક વર્ષની વયે તો અરવિંદ અને એની મોટી બહેન મજૂરીએ લાગી ગયેલાં. ગામની શાળામાંથી છૂટ્યા બાદ મજૂરીએ જવાનો નિત્યક્રમ. મોટાં થતાં ગયાં તેમ-તેમ છએ છ બાળમજૂરીએ લાગી ગયેલાં, ને એ પછી સૌનું પેટ પૂરું ભરાતું થયેલું.

મજૂરીમાં દા’ડો ન વળે, એકનો એક દીકરો ભણીને કમાતો થશે તો જ ઘરની પરિસ્થિતિ સુધરશે, એ જાણતી મા અરવિંદને ભણાવવા બાબતે મક્કમ હતી. આઠમાથી એનો હાઇસ્કૂલનો ખર્ચો વધતાં બહેનોએ ભણવાનું પડતું મૂકવું પડેલું. ખેતમજૂરી ઉપરાંત મા લોકોને ઘરે વાસણ-કપડાં કરીને બચત કરતી ગઈ. પેટે પાટા બાંધીને અરવિંદને ભણાવ્યો. અભ્યાસમાં ઠીકઠાક રહેતા એને કારકૂની મળી ગઈ, ને એના પગારને પગલે મા-બહેનોને મજૂરીની મજબૂરીમાંથી છૂટકારો મળ્યો.

હવે ચિંતા પેઠી બહેનોને પરણાવવાની. મોટી ત્રીસની થવા આવી તોય મેળ પડતો નહોતો. સમાજમાં વાતો થવા લાગી, કેમકે એના સાથેનીઓ બબ્બે-તત્તણ બચ્ચાં લઈને ફરતી થઈ ગઈ હતી. જેમતેમ મેળ પડ્યો. બીજવર મળ્યો. પણ સમજુ બહેને ચલાવી લીધું. એના લગનમાં અરવિંદની જે થોડીઘણી બચત હતી એ વપરાઈ ગઈ.

ઘરમાં હજુ પચીસ-ત્રેવીસ-એકવીસ વર્ષો બેઠાં હતાં. એમને થાળે પાડવા ઉધારી કરવી પડી. અરવિંદની આખી જુવાની એમાં જ વહી ગઈ. હસતે મુખે એ બધી જવાબદારીઓ પાર પાડતો ગયો. સૌથી નાનીને પરણાવતા એ ખુદ આડત્રીસનો થઈ ગયો. આ ઉંમરે કોઈ કાચી-કુંવારી કન્યા મળે એ શક્ય નહોતું. રાંડ્યુંછાંડ્યું પાત્ર શોધવાની કવાયતમાં સમય વીતતો ગયો ને એવામાં નવી ઉપાધિ આવી પડી.

માને ડાબે અંગે લકવો થઈ ગયો..! એના દવા-દારુમાં અરવિંદનો પગાર અને ચાકરીમાં સમય ખર્ચાતો ગયો. અને એ પછી તો જાણે કે એને પોતાનેય સંસાર કરવામાં રસ ન રહ્યો. સઘળાં સપનાં ગરીબીના-જવાબદારીઓના ખપ્પરમાં હોમાઈ ગયાં હતાં.

ખાટલે પડ્યાં-પડ્યાં પૂરા દસ વર્ષ ખેંચી કાઢનારી મા એક સવારે જાગી જ નહીં. અરવિંદ હવે એકલો પડ્યો. પ્રસંગોપાત્ત બહેનો-ભાણીયાઓનો આવરો-જાવરો હતો ખરો, પણ એમની ગેરહાજરીમાં ખાલી ઘર ખાવા ધાતું. ચહેરા પરથી ખુશ જણાતા અરવિંદની જિંદગી જીવવાની ઈચ્છા જ જાણે કે મરી પરવારી. ઘર ઘાલી ગયેલી નાની-મોટી બીમારીઓ પણ પજવી રહી હતી. બેએક વર્ષ કાઢ્યા એકાંતમાં, પણ પછી થયું કે હવે વધુ નહીં ખેંચાય ત્યારે એણે એક નિર્ણય લઈ લીધો.

નોકરી છોડીને, સઘળું સમેટીને એ નીકળી પડ્યો. કોઈને કંઈ પણ કહ્યા વિના. મોબાઇલ લીધા વિના. વર્ષો પૂર્વે ખૂંદેલા હિમાલયને હેત કરવા એણે ઉત્તરાયણ આદર્યું...      

બગીચામાં બેઠાં-બેઠાં એ કલાકો સુધી હિમગિરિને તાકી રહ્યો. એના ખોળામાં સમાઈ જવા મન ઉતાવળું થઈ ગયું. હોટલ જઈને ટ્રેકિંગ માટે પૂછી જોયું. એમણે બધી જ વ્યવસ્થા કરી આપી.

બીજે દિવસે વહેલી સવારે દૂબળા-પાતળા, પણ ઊંચા અને ખડતલ બાંધાના યુવાન ગાઇડ સાથે અરવિંદે આરોહણ શરૂ કર્યું. ત્રેપન વર્ષની વયે પર્વતારોહણ આસાન નહોતું, પણ ધીમેધીમે ચડતા જવાયું. રસ્તે આવતાં છૂટાંછવાયાં ઘરોમાં સળવળતા માનવ-વસવાટને એણે મનભરીને જોઈ લીધો.  

જેમ-જેમ ઉપર જતા ગયા તેમ-તેમ બહુરૂપીયો કલેવર બદલતો ગયો. પહેલા દેવદારનું જંગલ, પછી હરિયાળા ઘાસની બિછાત, પછી ખડકાળ ચટ્ટાન-પ્રદેશ અને છેલ્લે બર્ફસ્તાન..! અરવિંદ અભિભૂત થઈ ગયો. અંતરમાં અનહદ આનંદ વ્યાપી ગયો. સવારે બરફની શિલાઓને અજવાળતા સૂર્યકિરણોને જોઈને આનંદની જે અનુભૂતિ થતી એનાથી ક્યાંય વધુ હર્ષ થતો ઢળતા સૂરજમાં ક્ષિતિજે ધૂંધળાઈ જતી પર્વતમાળાઓ નિહાળીને. બરફવર્ષા થતાં તો એ જાણે કે બાળક જ બની ગયો. તેર વર્ષે કરેલા ટ્રેકિંગ દરમિયાન શાળાના શિક્ષક એકવાર બોલી પડેલા, ‘મરવાનું મન થઈ જાય એવી પાવન આ ભૂમિ છે.’

નિરભ્ર આસમાનમાં ટમટમતા તારાઓને જોઈને એ શબ્દો યાદ આવ્યા અરવિંદને. અને એ મુસ્કુરાઈ ઊઠ્યો. કેટલા સાચા હતા શિક્ષક..! અમસ્તો જ કંઈ હિમાલય સંસારીને સાધુ બનાવી નથી દેતો..! તપસ્વીઓની તપોભૂમિ અને આર્યોના આ આદ્યસ્થાનની અંદર કંઈક તો એવું ગેબી તત્વ છે જ જે માણસને નિર્મોહી કરી નાંખે છે.

ટ્રેકિંગની ત્રીજી રાત હતી. પડખે ઊંઘેલો ગાઇડ જાગી ન જાય એની તકેદારી સાથે અરવિંદે ખપ પૂરતો સામાન સમેટીને પોતાના રકસેકમાં ભર્યો. નક્કી કરેલી રકમ પેલાના માથા પાસે મૂકીને એ નીકળી પડ્યો. એકલો જ.

કોઈ દિશા નહીં. કોઈ મંઝિલ નહીં. બસ, એમ જ અલગારી થઈને એ ચાલી નીકળ્યો.

અચાનક લેવાયેલો નિર્ણય નહોતો એ. નીરસ જીવનનો અંત હિમાલયના સાંનિધ્યમાં આણવાનું નક્કી કરીને જ આવ્યો હતો એ. આત્મહત્યા પાપ છે, અપરાધ છે, કાયરતા છે... જેવી દલીલો બુઠ્ઠી થઈ ગઈ, અને મનને ઈશ્વરભક્તિમાં વાળવાની કોશિશોય નાકામ નીવડી, પછી તો આપઘાતની સર્વોપરિ લાગણી જ બચી હતી.

ગાઇડે બાર હજાર ફીટની ઊંચાઈએ પહોંચાડ્યો હતો. બીજે દિવસથી અવરોહણ શરૂ કરવાનું હતું, પણ અરવિંદ માટે હવે પાછા ફરવું અશક્ય હતું. પોતાનો ઈરાદો છતો કરે તો ગાઇડ વિરોધ કરે એમ હોવાથી એને અંધારામાં જ રાખીને...

સવાર સુધીમાં તો એણે ખાસ્સું ચાલી નાંખ્યું. ટૉર્ચને અજવાળે ઘણે દૂર પહોંચી ગયો. કોઈપણ પ્રકારના ડર વિના એ બસ વધુ ને વધુ ઊંચે ચઢતો ગયો.

હાંફ ચઢી જાય ત્યારે સહેજ રોકાતો, પાણી પીતો. ભૂખ લાગે તો થોડો સૂકો નાસ્તો ખાઈ લેતો. એમ કરતાં-કરતાં દોઢ દિવસે એ ખાસ્સો ઉપર પહોંચી ગયો.

બે પહાડીઓ વચ્ચેનું એક સ્થળ વિશેષ ગમી જતાં ત્યાં પડાવ નાંખ્યો. માથે તંબુનું રક્ષણ તો હતું નહીં, એટલે સ્લિપિંગ બૅગમાં ભરાઈને જ સૂવાનું હતું. આટલી ઊંચાઈએ સરિસૃપનું અસ્તિત્વ તો ન હોય, પણ સ્નો લેપર્ડનું જોખમ ખરું. જોકે, મોતનો ભય નહોતો હવે. આમેય મરવાનું જ હતું, તો પછી ભલેને કોઈ વન્યજીવનો કોળિયો બનાય.

એકાંતવાસમાં અરવિંદને મઝા આવવા લાગી. એણે કારણ વિના ખાડા ખોદ્યા. પથ્થર પર પથ્થર ગોઠવીને આકાર સર્જ્યા. ક્યાંક-ક્યાંક ઊગી નીકળેલા ઘાસ સાથે ગોષ્ઠી માંડી. સૂસવાતા પવન સાથે ગીતો ગાયા. ઢોળાવો પર દૂર-દૂર સુધી ચક્કર માર્યા. લાગ્યું કે સમસ્ત જગતમાં ફક્ત એ એક જ જીવ બચ્યો હતો.

ભૂતકાળ અવારનવાર આવીને ટપલી મારી જતો, એને પ્રસન્ન કે પ્રતાડિત કરી જતો, પણ એ સંભારણાઓને વશ થઈને લક્ષચલિત ન થવાય એ માટે એ મક્કમ હતો. જે કંઈ પાછળ છોડીને આવ્યો હતો એ એટલું લલચામણું-રળિયામણું હતું જ ક્યાં કે ત્યાં પાછા ફરવાની ઈચ્છા થાય..!  

આછી-પાતળી હિમવર્ષા માણતાં-માણતાં ત્રણ દિવસ પસાર થઈ ગયા. નાસ્તો ખતમ થતાં ઉપવાસની પીડા વેઠવાનો વખત આવ્યો. પરિસ્થિતિ અસહનીય બને તો તાત્કાલિક છૂટકારા માટે ઝેર હાથવગું જ હતું. પણ એણે રાહ જોઈ... ધીમે પગલે આવતા મોતની...

એની ધ્યેયપ્રાપ્તિમાં સહાયક બનવા માગતી હોય એમ એક મળસ્કે અનરાધાર બરફવર્ષા થઈ. આંખો ખુલી, સ્લિપિંગ બૅગની ચેઇન ખોલી ત્યારે એ અડધો ઉપરાંત બરફમાં દટાઈ ચૂક્યો હતો. સફાળા બેઠા થઈને જોયું તો આગળ-પાછળ, ઉપર-નીચે બધે બરફ જ બરફ હતો. આસપાસ-ચોપાસ પથરાયેલી અફાટ હિમરેખાઓને એ નિહાળી રહ્યો.

લાગ્યું કે હવે સમય આવી ગયો હતો, એટલે સ્લિપિંગ બૅગ ફગાવી દીધી. અઢી-ત્રણ દિવસના ઉપવાસે શરીરને ઢીલુંઢફ કરી નાંખ્યું હતું, એટલે એટલા શ્રમમાંય થાકી જવાયું. નાજુકડી-બચૂકડી-ટાઢેરી હિમપાંદડીઓ એના શરીરને સ્પર્શવા લાગી. અરવિંદને એ વ્હાલ ગમ્યું. માના હાથે અનુભવાતું એવું હતું એ વ્હાલ.

આસપાસ-ચોપાસની સકળ સૃષ્ટિને ધરાઈને આંખોમાં ભરીને એ સંતૃપ્ત થયો. પછી આંખો મીંચીને આડો પડ્યો.

હળવી હિમપાંદડીઓ એના શરીર પર જમા થવા લાગી.

બંધ આંખે એ ઊંડો ઉતર્યો. કુવામાં પાણી વલોવાતું હોય એવો ઘમ્મર... ઘમ્મર... અવાજ અંતરમનમાં પડઘાવા લાગ્યો. દહીં વલોવાતાં માખણ તરી આવે એમ મનઃચક્ષુઓ સમક્ષ આખું જીવન ફરી એક વાર તરવરી ઊઠ્યું. હરિયાળી જન્મભૂમિ, વાંસ-ગારા-માટીનું બનેલું ઘર, અભાવોથી ભરેલું બાળપણ, સંઘર્ષમાં વીતેલી યુવાની, સામાજિક જવાબદારીઓ નીચે કચડાઈ ગયેલી અંગત એષણાઓ, સગા-સંબંધીઓના અગણિત ચહેરા... છેલ્લે મનઃચક્ષુઓ સ્થિર થયાં એક ગમતીલી મુખાકૃતિ પર. ખીલખીલ હાસ્ય. કાળી ત્વચા વચ્ચે ચળકતી દંત-સફેદી. લાંબા-લહેરાતાં વાળ. ને વાળને સુગંધિત કરતી વેણી...

અરવિંદના અંતરમાં આખી જીવનલીલા ભજવાઈ ગઈ. કોઈક પ્રસંગની યાદે આંખો ભરી દીધી, તો કોઈકે સ્મિત લાવી દીધું.

છેવટે બધી સ્મૃતિઓને મનના પટારામાં કેદ કરીને એણે આકાશમાંથી વરસતાં હિમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નિર્દોષ લાગતી રૂપકડી હિમપાંદડીઓ ધીમે-ધીમે એને મોત ભણી ધકેલવા લાગી. અસહ્ય ઠંડી એના અંગોને ડંખવા લાગી. પહેલા હાથ-પગની આંગળીઓ જડ થવા લાગી અને પછી આખું શરીર. હોઠનો ફફડાટ અને આંખના પલકારા પણ સ્થગિત થવા લાગ્યા.

બરફની ગિરફ્તમાંથી છૂટવા ચાહે તો પણ હવે ઊભા થવાય એમ નહોતું. કુદરત સામે ઘૂંટણ ટેકવીને અરવિંદ પડ્યો રહ્યો. એના શ્વાસ ટૂંકા... વધુ ને વધુ ટૂંકા થતા ગયા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ