વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવીનતા

*નવીનતા*

       રાહુલ સીધો સાદો છોકરો, મિત્ર વર્તુળમાં બધા મિત્રોની હાંસીનું પાત્ર એટલે રાહુલ, એની ગેરહાજરીમાં પણ એની જ ચર્ચાઓ થતી હોય અને બધા મિત્રો તાળીઓ લેતા હોય.

તેને અંદરથી ઘણું દુઃખ થતું પરંતુ સદાય હસતો ચહેરો રાખવો જાણે કે એના માટે કુદરતી બક્ષીસ હતી.

             એનો અંગત કહી શકાય એવો એકજ મિત્ર આકાશ, જે એના દુઃખે દુઃખી અને એના સુખે સુખી, આકાશ અને રાહુલની મિત્રતા કૃષ્ણ સુદામાની જોડી. પરિસ્થિતિ એમની વિરુદ્ધ, એક નભ તો બીજો ધરતી, આકાશના પપ્પા ગગનચુંબી ઇમારતોના માલિક જ્યારે રાહુલની બા ભાગીતૂટી ઝૂંપડીની શ્રીમંતાઈ ભોગવતી લાચાર વૃદ્ધા.

                રાહુલને ક્યારેય આકાશની મિલકતની ઈર્ષા નહીં, કે નહીં આકાશ પાસે કોઈ અપેક્ષા, અને બીજી તરફ આકાશ પણ રાહુલની પરિસ્થિતિ જાણવા છતાં આંખઆડા કાન કરી રાહુલની પરિસ્થિતિ અવગણતો.

                કૉલેજના મિત્ર વર્તુળમાં બધા મિત્રો આકાશને કહે પણ ખરા, "યાર આ રાહુલની નજર તારી પ્રોપર્ટી પર છે, તેની દોસ્તી ફક્ત તારા પૈસાને કારણે છે, કોઈ દિવસ મોટો બૂચ મારી જશે ધ્યાન રાખજે."

                  આકાશ આવી વાતો મોટાભાગે અવગણતો, એ વાત સત્ય હતી કે મિત્રવર્તુળના બધા સભ્યો મોટાભાગે આકાશના રૂપિયે લહેર કરતા, પાર્ટી કરતા, ક્યારેક મૂવી જોવા ગયા હોય એમાંય ટિકિટના પૈસા તો આકાશે જ આપ્યા હોય. જ્યારે રાહુલ ક્યારેય એવી કોઈ પાર્ટીમાં સામીલ થયો નોહતો જેનો ખર્ચ આકાશે ઉપાડ્યો હોય.

                    આ મિત્રવર્તુળમાં રાહુલની હાજરી ફક્ત તે દરેકને મનોરંજન આપવા પૂરતી હતી એવું કહીએ તો સહેજપણ અતિશયોક્તિ ન કહેવાય. રાહુલ આ બધી બાબતો અવગણી મોટાભાગે અભ્યાસમાં વધુ ધ્યાન આપતો. અને મિત્રોને પણ ખબર હતી કે રાહુલ ગરીબ ભલે રહ્યો પરંતુ પરીક્ષામાં એની ગરજ બધાને પડવાની જ છે. એટલે પરીક્ષાની તારીખો જાહેર થાય કે તરત રાહુલ પ્રત્યે બધાનું વર્તન બદલાઈ જતું. કોઈ મજાક મસ્તી કરે નહીં, એને ખુશી થાય એવી વાતો કરવા પ્રયત્ન કરે, એની ગરીબ વિધવા માતાની ખબર પૂછે, રાહુલ આ બધુજ સમજે છતાં દોસ્તી ખાતર કશું બોલે નહીં.

                          કૉલેજના છેલ્લા બે વર્ષથી આ જ ચાલ્યું આવતું હતું. અત્યારે ત્રીજા વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી હતી, આખું ગ્રુપ પોતપોતાના કેરિયરને લઈ ચિંતિત હતું, દરેકને એક ટેનશન હતું કે હવે આગળ કઇ લાઇન પકડશે, આકાશનું તો સ્પષ્ટ હતું કે હવે તે એના પપ્પાનો રિયલ એસ્ટેટનો બિઝનેસ સંભાળી લેશે, પ્રિયા અને પંક્તિ બંને એમબીએ કરવાનું વિચારતી હતી, વિરલ દિલ્હી જઈને સિવિલ સર્વિસમાટે પરીક્ષાની તૈયારી કરવા માંગતો હતો. આમ દરેકે કંઈક ને કંઈક આયોજન ગોઠવી રાખ્યું હતું, આજે છેલ્લા પેપરમાં બધા રાહુલની છેલ્લીવાર મજાક કરી લેવાના મૂડમાં હતા. એનું આયોજન આગલા દિવસે તૈયાર થઈ ગયું હતું.

                       છેલ્લું પેપર આપીને બધા બહાર આવ્યા, કૉલેજ કેન્ટીનમાં ભેગા થયા, આજની ચર્ચાનો ટૉપિક હતો દરેક વ્યક્તિ પોતપોતાની લવ સ્ટોરી ગ્રુપમાં શૅર કરે. હવે ગ્રુપમાં બધાને એકબીજાની લવ સ્ટોરી ખબર જ હતી છતાંય રાહુલને નીચું દેખાડવા આવો વિષય પસંદ કરવામાં આવ્યો હતો, બધા રાહુલની મજાક ઉડાડવાના મૂડમાં હતા, પેપર પૂરું થયે આકાશ કૉલેજમાંથી બારોબાર સાઇટ પર જવાનું બહાનું બતાવી નીકળી ગયો હતો.

            પ્રિયા જે હંમેશા રાહુલની સૌથી વધુ મજાક ઉડાવતી હતી તેણીએ વાતની શરૂઆત કરી,

"વિરલ સાથે કૉલેજમાં ક્યાં સમય વીતી ગયો ખબર જ ના પડી, હવે વિરલ કલેક્ટર થઈને આવે એટલે અમે ઝડપથી લગ્ન કરી લઈશું, આ રાહુલને જોવો બીચારાએ ત્રણ વર્ષ એમને એમ કાઢ્યા, આપણે કેટલી વાર સમજાવ્યો પણ ક્યારેય એણે એના ડ્રેસિંગ સેન્સ પર ધ્યાન ન આપ્યું, જો આપ્યું હોત તો મારા જેવી નહીં પણ દિવ્યા જેવી તો કોઈકને કોઈક ગોઠવાઈ જાત, પણ માને તો ને?"

             એમના ગ્રુપમાં દિવ્યા ભીના રંગે હતી, અને રાહુલ બાદ બીજા નંબરે જો કોઈ મજાકનું પાત્ર બને તો તે દિવ્યા હતી. દિવ્યા દેખાવમાં ઠીકઠાક હતી પણ સ્પષ્ટવક્તા એટલે જેને જે હોય તે મોઢે ચોપડાવી દેવાની આદત, એટલે એને કોઈ ખાસ વતાવે નહીં પણ રાહુલનો વારો તો લઈ જ લે.

       આજે જાહેરમાં પ્રિયાએ દિવ્યા વિશે આવું કહી નાખ્યું જે થોડું વધારે પડતું હતું, ગ્રુપના બીજા સભ્યોને લાગ્યું કે હવે વાત બગડશે અને આખો પ્લાન ફરી જશે, દિવ્યા પ્રિયાને છોડશે નહીં. દિવ્યા કોઈપણ પ્રકારની મજાક સહન કરી લેતી પરંતુ એના દેખાવ બાબતે કરેલી ટિપ્પણી પર તે જડબાતોડ જવાબ આપતી,

          એકવાર શીલાએ કૉલેજના એન્યુઅલ ડે પર દિવ્યા માટે કૉમેન્ટ કરેલી કે "દિવ્યા તો મિસ કૉલેજનો ખિતાબ જીતે તેવી છે." બસ પછી તો સુ વાત કરવી? દિવ્યા અને શીલા વચ્ચે જબરજસ્ત વાકયુદ્ધ થયું હતું, છેવટે બંનેને ડાન્સગ્રુપમાંથી અલગ કરવા પડ્યા હતા, નહીંતર સ્ટેજ પર આખી કૉલેજ સામે જગડો થાય એવી સ્થિતિ હતી.

              આ દિવ્યાને પ્રિયા આજે આવું સંભળાવી ગઈ, એટલે બધાને થયું હવે પ્રિયાની આવી બની, મોટી લડાઈ થશે, પરંતુ એમના આશ્ચર્ય વચ્ચે એવું કંઈ ન થયું.

દિવ્યા એટલું જ બોલી "સાચી વાત છે, પણ રાહુલ છે જ એવો એટલે શું કરવાનું?" પ્રિયા મનોમન આવા શબ્દો કાઢીને પસ્તાઇ ચુકી હતી, એને પણ થયું હતું કે દિવ્યાની સ્પ્રિંગ છટકશે તો પરિસ્થિતિ અઘરી બનવાની છે, પરંતુ અહીં એવું કંઈ ન થતા વાતાવરણ હળવું રહ્યું.

           વાત આગળ વધારતા પ્રિયા બોલી " તો રાહુલ ભાઈ ક્યારે નવીનતા કરશો? અમારા છોકરા તમને અંકલ અંકલ કરે અને તમે ત્યારેય આંટી શોધતા હોવ એવું ન થાય જોજો." અને બધા હસી પડ્યા.

    રાહુલ પણ હસવા લાગ્યો, એણે કહ્યું " વિરલ કલેક્ટર થાય ત્યારે  તમારા લગ્ન થશે એમાં હું સજોડે હાજર રહીશ બસ! અને મારુ બાળક અંકલ આંટીને વિશ પણ કરશે, બોલો હવે કઈ?"

        રાહુલને આવો જવાબ આપતા સાંભળી બધા ઘડીક સ્તબ્ધ થઈ ગયા, હવે વિરલે બાજી હાથમાં લેતા કહ્યું " એ વાત તો સાચી રાહુલ પણ લગ્ન કરવા માટે એક છોકરી જોઈએ, એતો તને ખબર જ હશે?" અને વળી પાછા બધા હસવા લાગ્યા.

રાહુલે કહ્યું "લ્યો તમારે નવીનતા જ જોઈએ છે ને? આ રહ્યું મારા લગ્નનું કાર્ડ, બધાએ આવવાનું છે, અને હા! કાર્ડમાં મારી સાથે લગ્ન કરનાર છોકરીનું નામ પણ લખેલું છે, વિરલ વાંચજે." આમ કહી રાહુલ બેગમાંથી કાર્ડ કાઢી બધા મિત્રોને આપ્યું.

         કાર્ડમાં રાહુલ સાથે પંક્તિનું નામ વાંચીને બધા આશ્ચર્યથી પંક્તિ અને રાહુલની સામે જોવા લાગ્યા, બંને મરક મરક હસી રહ્યા હતા. કોઈના માન્યામાં ન આવે એવી બાબત હતી, પંક્તિને કોઈએ ક્યારેય રાહુલ સાથે વાત કરતા પણ જોઈ નોહતી, અને આ એજ પંક્તિ સાથે સીધા લગ્નની કંકોત્રી બધાને વગર વિજળીએ ઝટકા આપી રહી હતી.

         હવે આજની મિટિંગના એજન્ડા મુજબ કોઈ આગળ પોતાની લવસ્ટોરી વિશે જણાવી શકે એવા મૂડમાં જણાતું નોહતું, એટલે ગ્રુપની સૌથી વધુ રૂપાળી અને એટલીજ શરમાળ ઓછાબોલી પંક્તિએ એની લવસ્ટોરીની વાતચીત શરૂ કરી.

"મને રાહુલ પ્રથમ વર્ષથી જ પસંદ હતો, હું જાણતી હતી કે એ અત્યંત ગરીબ છે, એટલે મેં આકાશની મદદથી ઘણીવાર એને પ્રલોભન આપવાનો પ્રયાસ કરી પરીક્ષા કરી જોઈ, પણ એ ક્યારેય પૈસાનો લાલચુ દેખાયો નહીં, એનું આ સાદું વ્યક્તિત્વ મને બેહદ પસંદ આવ્યું, બસ ત્યારથી આકાશને કહ્યું મારે રાહુલ સાથે જ લગ્ન કરવા છે,  રાહુલ ક્યારેય આકાશ પાસેથી એક રૂપિયાની મદદ લીધી નથી, પરંતુ બે દિવસ પેહલા તે રડતો રડતો આકાશ પાસે આવ્યો, એની બા ખૂબ બીમાર હતી અને તેમની સારવાર માટે ઉછીના રૂપિયા માંગવા લાગ્યો, આકાશ એમને હોસ્પિટલ લઈ ગયો, બા ની બીમારી ભારે છે, એ વધુ સમય કાઢી શકે એમ નથી અને એમની આખરી ઈચ્છા રાહુલના લગ્ન થાય અને વેલસેટ થાય એવી હતી, બસ મેં આકાશે અને રાહુલે પરીક્ષાનું છેલ્લું પેપર આપી આવતીકાલે લગ્ન થઈ જાય એવું આયોજન ગોઠવી રાખ્યું છે, અને એમાં આ દિવ્યા એ પણ પૂરો સહકાર આપ્યો છે.

            બધા હજુ માની જ નોહતા શકતા કે કૉલેજની સૌથી વધુ સુંદર છોકરી પંક્તિ આ લઘર વઘર રાહુલની પત્નિ બનશે.

અને એથી વિશેષ નવીનતા તો એ હતી કે ભીનારંગી દિવ્યા, કૉલેજના સ્માર્ટ હેન્ડસમ અને પૈસાદાર યુવક આકાશ સાથે સગાઈ કરવાની હતી.


લેખક- મેહુલજોષી (બોરવાઈ, મહીસાગર)

મો 9979935101

લખ્યા તા 16112020090600 (બેસતું વર્ષ)

©મેહુલજોષી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ