વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શી ડઝન્ટ બીલિવ ઈન ઘોસ્ટ

(કૂવામાં પાણી વલોવાતું હોય એવો ઘમ્મર ઘમ્મર અવાજ પડઘાતો હતો.)


    માયાની નજર દૃશ્યમના ઘરની વસ્તુઓ પર ધીમે ધીમે ફરી રહી હતી. સરસ મજાનો સાદાઈથી સજાવેલો ડ્રોઈંગ રૂમ તેની નજરમાં વસી ગયો. કોઈ વધારાની સજાવટ નહિ. આછા કલરથી રંગાયેલ દિવાલો બારણા અને બારીમાંથી આવતા પ્રકાશને વધુ પ્રકાશિત કરીને અજવાળું ફેલાવી રહી હતી. રૂમમાં માત્ર ટીવી, ટીપોઇ, સોફા અને એક સુંદર આર્ટિસ્ટિક વોલપીસ. એ સિવાય બિનજરૂરી કોઈ જ વસ્તુ નહિ, પરંતુ માયાની નજર જ્યાં સ્થિર થઈ એ હતો સામેનો બુકરેક. દરવાજા અને બારીની વચ્ચેના બુકરેકમાં પડેલી બુક્સનું કલેક્શન કોઈની પણ નજર ખેંચે એવું હતું. તે હળવેકથી ઊભી થઈ અને તેમાંથી એક બુક લઈને જોવા લાગી.


"શું જૂઓ છો મેડમ?" પાણીના ગ્લાસની ટ્રે લઈ આવેલા દૃશ્યમે સ્મિત સાથે માયાને પૂછ્યું.


બુક તેના સ્થાને પાછી મૂકી, પાણીનો ગ્લાસ હાથમાં લઈ તેણે કહ્યું, "બસ આ તમારું કલેક્શન." પાણી પીને ગ્લાસ પાછો ટ્રેમાં મૂકતા માયાએ પૂછ્યું, "તું ભૂત પ્રેતમાં માને છે, દૃશ્યમ?"


"કેમ, તું નથી માનતી?" દૃશ્યમે શાંત પણ ઘૂંટાતા અવાજે અને સ્થિર નજરે સામો સવાલ કર્યો.


માયાએ પણ એટલી જ વેધક નજરથી દૃશ્યમ સામે જોઈ કહ્યું,

"ના, નથી માનતી. આઈ ડોન્ટ બીલિવ ઈન ઘોસ્ટ, એટલે જ મને આવી બુક્સ પણ વાંચવી નથી ગમતી. પણ તારા આ બુક કલેક્શનમાં હોરર બુક્સની સંખ્યા થોડી વધારે છે. એનો અર્થ એ કે તું માને છે."


"હજુ સુધી જોયું તો નથી, પણ માનતો નથી એવું પણ નહિ કહું. ઘણા લોકોના અનુભવ સાંભળ્યા છે, વાંચ્યા છે, તો સાવ ખોટું તો નહિ જ હોયને." ટ્રે ને ટીપોઇ પર મૂકતાં મૂકતાં દૃષ્યમે જવાબ આપ્યો.


"એ બધી મોટે ભાગે ભ્રમણા હોય છે. ઘણા લોકોને આવી વાર્તા ઉપજાવીને બહાદુરી હાંકવાની ટેવ હોય છે. આમ પણ હું તો સ્વામી વિવેકાનંદની ફેન છું અને એમણે કહ્યું છે કે, 'જ્યાં સુધી તમને જાતે કોઈ અનુભવ ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ ન કરવો'."


"ઓકે ઓકે મારી મા !! જ્યાં સુધી તને અનુભવ ન થાય ત્યાં સુધી તું નહિ માનતી. અત્યારે આપણે આ દલીલને પ્રારંભિક તબક્કામાં જ વિરામ આપીએ. આમ પણ હજુ આપણી તાજી જ ઓળખાણ થઈ છે, અને આ ટૂંકી ઓળખાણમાં પણ ઘણી વખત આપણે આ બાબતે કોલેજમાં દલીલ કરી ચૂક્યા છીએ. અત્યારે ચાલ તને મારું ઘર બતાવું, આના વિશે ક્યારેક ડીબેટના લેક્ચરમાં લડી લઈશું."


"હા.. ભલે." માયાએ જવાબ આપ્યો અને બંને હસી પડ્યાં.


"ઘરનો આગળનો ભાગ તો તે જોઈ જ લીધો." દૃશ્યમે ચાલતા ચાલતા કહ્યું.


"હા... બહુ મોટું ઘર છે તારું અને બહુ સરસ પણ. ગેઇટમાં એન્ટર થતાં જ નાનકડો ફ્લાવર ગાર્ડન, અને આ સિમ્પલ સોબર લિવિંગ રૂમ."


"હા તો પાછળ પણ એક ગાર્ડન છે, આના કરતાં સહેજ મોટો. પહેલા ચાલ મારો રૂમ બતાવું પછી ગાર્ડનમાં બેસીશું."


"ઓકે ચાલ."


   બન્ને દૃશ્યમના રૂમમાં ગયા. દૃશ્યમના રૂમમાં પ્રવેશતાં જ સામેની બારી ઉપરની દીવાલ પર એક ફોટો લટકાવેલો હતો. એ જોઈ માયાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

એ થોડા ધ્રૂજતાં સ્વરે બોલી,

"આ...આ.. આ ફોટો તો તારો છે દૃશ્યમ!!"


"હાસ્તો મારા રૂમમાં મારો જ ફોટો હોય ને, એમાં આશ્ચર્યની શું વાત છે." હોઠને સહેજ વંકાવીને કંઈક અલગ સ્મિત આપતા દૃશ્યમે કહ્યુ.


"પણ એ..એ..એના ઉપર તો હા..ર ચડાવેલો છે.. અને તું- !!" હજુ પણ માયાના સ્વરમાંથી ડર ટપકી રહ્યો હતો. બાકીનું વાક્ય એના ગળામાં જ રુંધાઈ ગયું, અને આંખો ભયથી પહોળી થઈ. 


દૃશ્યમે એની સામે એક ડરામણું સ્મિત કર્યું, અને એકદમ નજીક આવીને કહ્યું,

"કેમ, તે તો કહ્યું હતું ને કે, ' આઈ ડોન્ટ બીલિવ ઈન ઘોસ્ટ'. તો હવે મારા ફોટા પર હાર ચડેલો જોઈ તારી આંખોમાં આટલો ડર કેમ છે? તું તો એવી રીતે ડરી ગઈ છો જાણે ભૂત પ્રેત જોઈ લીધું." આટલું કહી એણે ફરી એવું જ ડરામણું સ્મિત કર્યું.


માયાના ચમકતા સુંદર ચહેરા પર હવે સૂર્ય પર વાદળાં ઘેરાયા હોય એમ ડર સાફ ઊપસી આવ્યો. છતાં પોતાના ડર પર કાબૂ કરી એણે કહ્યું,

"તું.. તું મજાક કરે છે ને મારી સાથે? આ હાર તે મને ડરાવવા જાતે જ ફોટા પર ચડાવ્યો છે ને?"


   માયાને આમ સસલીની જેમ અંદરથી ફફડતા જોઈ દૃશ્યમ ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યથી માયાને પરસેવો વળી ગયો. થોડીવાર પહેલાની પોતાની જ વાતો પરનું તેનું અનુમાન ડગમગવા લાગ્યું. તે હજુ વધુ કઈ વિચારે એ પહેલાં જ બંને હાથ પહોળા કરી, ઊંચા ભયંકર સ્વરમાં દૃશ્યમે કહ્યુ,

   "જો આ ખાલી ઘર. કોઈ છે મારા સિવાય અહીં? એક વર્ષ પહેલાં જ એક અકસ્માતમાં મારું મોત થઈ ચૂક્યું છે. મારા માતાપિતા મારી યાદના કારણે આ ઘરમાં રહી ન શક્યાં. એ આ ઘર છોડી જતાં રહ્યાં. એ તો જતાં રહ્યાં પણ હું ભટકતો રહ્યો, એકલો. ત્યાર પછી આ ઘરમાં કોઈ મારી સાથે રહી શકયું નહિ."


    હવે માયા સાચે જ ધ્રૂજી ગઈ. શું તે ખરેખર કોઈ આત્માને જોઈ રહી હતી. તેના કપાળ પર પ્રસ્વેદબિન્દુઓના ઝૂમખાં બાઝી ગયા. તેની જગ્યાએ જો કોઈ કાચીપોચી છોકરી હોત તો ક્યારનીય બેભાન થઈ ગઈ હોત, પરંતુ માયા અત્યાર સુધી પોતાના ડરને કાબૂમાં રાખી ઊભી હતી. હવે તેની અંદરનો ડર તેના પર હાવી થઈ રહ્યો હતો. તેની આવી હાલત જોઈ દૃશ્યમે તરત પોતાના ચહેરાના હાવભાવ ફેરવી નાખ્યા, અને જોર જોરથી હસવા લાગ્યો. હસતા હસતા તેણે કહ્યું,

   

"સોરી માયા સોરી...આઈ એમ રિયલી સોરી. આ માત્ર એક મજાક હતી."


"મજાક!!" માયા વધુ આશ્ચર્યથી બોલી. હજુ પણ તે સ્તબ્ધ જેવી હાલતમાં જ હતી.


"હા મજાક. તું વારંવાર કહેતી હોય છે ને કે હું ભૂત પ્રેતમાં નથી માનતી. એટલે થયું કે મારા મમ્મી-પપ્પા બહાર ગયા છે, તો સહેજ ટ્રાય કરી જોઉં કે તું માને છે કે નહિ. મને હતું કે તું નહિ ડરે , પણ તારી હાલત તો જોવા જેવી હતી." એમ કહી તે ફરી હસવા લાગ્યો.


   માયાનો શ્વાસ થોડો નીચે બેઠો, પણ તેને ખરેખર દૃષ્યમ પર ખૂબ ગુસ્સો આવ્યો. દાંત ભીંસીને, દૃશ્યમને મારવા તેની નજીક આવતા બોલી, "તને તો હું છોડીશ નહિ. આવી મજાક કરાતી હશે કોઈ સાથે."


"અરે... સોરી કહ્યું ને બાબા! "  હાથ જોડી પોતાનો બચાવ કરતાં દૃશ્યમ બોલ્યો.


"તું પણ દૃશ્યમ, જેવા તેવાનો તો જીવ જ લઈ લે. જો કે મને થોડી શંકા તો હતી જ એટલે જ ઊભી રહી." એટલુ બોલી પોતાના ચહેરા પરથી રૂમાલ વડે પરસેવો લૂછતાં લૂછતાં એણે આગળ કહ્યું, "હવે આ ફોટા પરથી હાર ઊતારી લે."


"ના. એ નહિ ઉતારાય." એકદમ દુઃખી થતાં તે બોલ્યો, અને ત્યાં પલંગ પર બેસી નજર નીચી કરી તે બોલ્યો.


"નહી ઉતારાય!! પણ કેમ?"


"એ મારો જોડિયો ભાઈ છે, દિવમ. એક વર્ષ પહેલાં સાચે જ અમારું ઍક્સિડન્ટ થયું હતું એમાં મારા ભાઈનું મૃત્યુ થયું. આ રૂમમાં જ અમે બંન્ને સાથે રહેતાં હતાં." એટલુ બોલતાં તેની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.


"ઓહ! સો સોરી!" માયાએ તેના ખભા પર હાથ મૂકી સાંત્વના આપતા કહ્યું.


"અરે તું શા માટે સોરી કહે છે. સોરી તો મારે કહેવું જોઈએ તને અને મારા ભાઈ બન્નેને. એના મૃત્યુની પણ મેં મજાક બનાવી. " તેણે એકદમ ખિન્ન અવાજે કહ્યું. એક ઊંડો શ્વાસ લઈ આગળ બોલ્યો,

    "તને ખબર છે માયા, એ પણ આવો જ હતો...એકદમ મસ્તીખોર! જ્યારે અમે નાના હતા ત્યારે કોઈ ગેસ્ટ આવે ત્યારે એ નોકરના કપડાં પહેરી ચા-નાસ્તો લઈ મહેમાન સામે આવતો. આવેલા મહેમાન મને અને એને જુએ. અમે બન્ને સરખા લાગતા હોઈ, એ લોકો મૂંઝવણમાં મૂકાઈ જતાં. એમની આવી હાલત જોઈ તે એમની સામે રડી પડતો. રડતાં રડતાં કહેતો, ' અમે બન્ને એક સરખા દેખાઈએ છીએ પણ સગા ભાઈ નથી. હું મારા પિતાની બીજી પત્નીનું સંતાન છું. એનાં મૃત્યુ પહેલાં એ મને અહીં રાખવાની ભલામણ કરતી ગઈ, અને ત્યારથી આ ઘરની સેવા કરું છું. આ ઘરનાં લોકોની સેવા કરવી એ જ મારો ધર્મ છે. એવું મારી મૃત્યુ પામેલી મા શીખવતી ગઈ છે.'

    આવનાર મહેમાન એની વાતોમાં પીગળી જઈ મારા મમ્મી-પપ્પા સામે નફરતથી જોતાં અને ખરી ખોટી સંભળાવી ચાલ્યા જતાં. મારા પપ્પાની હાલત જોવા જેવી હોય એ વખતે. ઘણા સમજું હોય એ પાછા સમજાવતાં પણ ખરાં કે છોકરાનો શું વાંક, એને હેરાન ન કરશો. એની આવી મસ્તી પર તો મમ્મી એને મારી મારીને તોડી નાખતી અને ગેસ્ટ આવવાના હોય ત્યારે તો એને ઘરની બહાર જ કાઢી મૂકતી." 

     

      એક હળવા નિસાસા સાથે તેણે એ જ આર્દ્ર સ્વરે આગળ કહ્યું,

    "આજે જ્યારે એ નથી ત્યારે થાય છે કે કાશ આજે પણ એ આવે. હું એને અને એની મસ્તીને બહુ મિસ કરું છું માયા. આજે જો એ ખરેખર આવે તો.." આટલું બોલતા સુધીમાં દૃશ્યમનો સ્વર અને આંખો બન્ને ભીંજાઈ ગયા. તે આગળ બોલી શકયો નહિ. હજુ પણ તેની નજર જમીન સાથે અફળાઈ રહી હતી.

   

   માયાને સમજમાં નહોતું આવી રહ્યું કે દૃશ્યમને કઈ રીતે સાંત્વના આપવી. એ કંઈ બોલે એ પહેલાં જ એક નોકર રૂમમાં પ્રવેશ્યો. તેનાં હાથમાં ચા-નાસ્તાની ટ્રે હતી. માયા અને દૃશ્યમ બન્નેનું ધ્યાન એ તરફ ગયું. માયાની આંખો ફાટી રહી, સાથે દૃશ્યમની આંખો પણ આ વખતે આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! તે પલંગ પરથી એક ઝાટકે ઊભો થઈ ગયો અને બોલી ઉઠ્યો,

  " આ..આ.. કઈ રીતે શક્ય છે!!" માયાને દૃશ્યમના અવાજમાં ભારોભાર ડર અને ધ્રૂજારી અનુભવાઈ.

  તેણે દૃશ્યમને પૂછ્યું,

  "શું આ પણ કોઈ મજાક..??" પરંતુ દ્રશ્યમ કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો.

  તે આંખો ફાડી ફાડીને આગંતુકને જોઈ રહ્યો હતો. તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું, અને છાતી ધમણની જેમ ફુલવા લાગી. એને જોઈને અનુમાન લગાવી શકાતું હતું કે તેને પણ આંચકો લાગ્યો હતો. કેમ કે સ્મિત સાથે અંદર પ્રવેશનાર બીજું કોઈ નહિ પણ દૃશ્યમનો મૃત ભાઈ દિવમ હતો.

 

  દૃશ્યમની પણ આવી હાલત જોઈ, માયાને આ વખતે તો સાચે જ પગ નીચેથી જમીન સરકતી હોય એવું લાગ્યું. દૃશ્યમનો ભાઈ જેમ જેમ નજીક આવી રહ્યો હતો તેમ તેમ ટ્રેનના એન્જિન માફક તેના હૃદયના ધબકારાની ગતિ વધતી જતી હતી. તેને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું, કે કંઈ જ સંભળાઈ રહ્યું નહોતું. માત્ર કૂવામાં પાણી વલોવાતું હોય એવો ઘમ્મર ઘમ્મર અવાજ તેનાં કાનમાં પડઘાઈ રહ્યો હતો. એ અવાજ સાથે પોતે પણ ચકડોળમાં બેઠી હોય એમ આજુબાજુ બધું ફરતું દેખાયું. દીવાલો સરકતી દેખાવા લાગી. તેની જીભનું ગુંડલું ખુલવા સક્ષમ નહોતું. ગળું સુકાઈ ગયું હતું. ભૂતપ્રેતની પોતાની માન્યતા પીગળી ગઈ. પોતાની ફિલોસોફી ક્યાંક અભરાઈ પર ચડી ગઈ. તમામ તર્ક મૂંઝાઈને ટૂંટિયું વળી ગયાં હતાં. ડરથી જન્મેલા આંખના અંધારાનો ભાર હવે પાંપણો વધુ ઝીલી શકે તેમ ન હતી. માયા બેભાન થવાની તૈયારીમાં જ હતી. તેણે પોતાની અંદર વધેલી હિંમત અને શકિત ભેગી કરી, મુઠ્ઠીઓ વાળીને તે દોડીને રૂમની બહાર નીકળી ગઈ. દોડતાં દોડતાં જેમ ટ્રેન સ્પીડ પકડે એમ જ બમણી ગતિએ તે ઘરની બહાર નીકળી ગઈ.


    રૂમમાં દૃશ્યમ હજુ એ જ રીતે દિગ્મૂઢ અવસ્થામાં એના ભાઈ સામે જોતો ઊભો હતો. તેના કાનમાં તેના ભાઈનો ચિંતિત સ્વર પડઘાયો,

"અરે દૃશ્યમ, આ છોકરીને કંઈ થઈ તો નહિ જાય ને?"


   એક સ્મિત આપી દૃશ્યમે જવાબ આપ્યો, "ડોન્ટ વરી ભાઈ, શી ડઝન્ટ બીલિવ ઈન ઘોસ્ટ." એમ કહી બન્ને ભાઈ ખડખડાટ હસી પડ્યા. હસતાં હસતાં જ ફોટા પરથી હાર ઉતારીને દૃશ્યમે બારી બહાર ફેંકી દીધો.


                        અસ્તુ



                                        -Sadadiya Hetal

  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ