વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પડકાર

(એણે સૂતાં પહેલાં એનું શરીર સેનિટાઇઝ કર્યું.)

 

અંધારી કોટડીમાં ફસાયેલી સોનુને ડરામણાં અવાજો સંભળાઇ રહ્યા હતા. ‘સોનુ બીકણ..... સોનુ બીકણ ફોસી.... સોનુ બીકણ....!!’ ચારેબાજુથી પડઘાતા અવાજોથી ઘેરાયેલી સોનુ પોતાના કાન બન્ને હથેળીઓથી દબાવી એક ખૂણામાં દોડી ગઇ...! કેટલાક અજાણ્યા કાળા પડછાયા તેનો પીછો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું.

 

‘એ ખૂણામાં ભૂત છે...!’ વળી કોઇના ભયાનક અવાજથી તે વધુ ડરી ગઇ અને સોનુ વધારે ગભરાઇને આંસુ સારતી આમ તેમ દોડ્યે જતી હતી. અંધારી કોટડીના દરવાજેથી બહાર ભાગવા ગઇ ત્યાં જ સામે ઉભેલા કોઇ કાળા પડછાયાએ તેના હાથમાં રહેલો જીવતો સાપ સોનુ પર  ફેંક્યો....!! તેને ભયથી પોતાની હથેળી પોતાની આંખ પર દબાવી દીધી. તેનું શરીર ધ્રુજવા લાગ્યું.... પોતાની ધ્રુજતી હથેળી અને શરીરને કાબૂમાં લેવા સોનુ મથવા લાગી... તેના હૃદયની ધડકનો ચારગણી વધી ગઇ હતી અને શ્વાસોશ્વાસ પણ વધી ગયા હતા. આંખો પર ઢાંકેલી આંગળીઓ વચ્ચે સહેજ જગ્યા કરી જોવાનો પ્રયત્ન કર્યો... પણ સામે કોઇ ભયાનક દ્રશ્ય દેખાઇ રહ્યું હોય તેમ તેની ડરેલી આંખો આમતેમ ચકળવિકળ થવા લાગી...! પેલા પડછાયાએ ફેંકેલો સાપ તેના હાથ પર ચઢી રહ્યો હોય તેવું લાગ્યું અને તેને ભયાનક ચીસ પાડી....!!

 

સોનુ તીખી ચીસ સાથે જ ભયાનક સપનામાંથી બહાર આવી. તે સફાળી ઉભી થઇ ગઇ હતી. તેની આંખોમાંથી સપનું ભલે ઓઝલ થયું પણ ડર ગયો નહોતો....! તેને હજુ પણ કેટલાક ચિત્રવિચિત્ર દ્રશ્યો સામે દેખાઇ રહ્યા હતા. પથારીમાં સામે પડેલ રજાઇમાંથી એક મોટો સાપ તેની તરફ આવતો હોય તેમ લાગ્યું. સોનુએ  એકાએક લાત મારીને રજાઇને પથારીથી દૂર નીચે  ફેંકી દીધી અને બેડના એક ખૂણામાં પોતાને સંતાડતી હોય તેમ છુપાઇ ગઇ.

 

સપનામાં બંધ આંખે જે અવાજો આવતા હતા તેવા જ અવાજો સોનુને ફરી સંભળાવવા લાગ્યા....’સોનુ બીકણ....!!, સોનુ બીકણ....!!’ અને સોનુ ટુંટીયુંવાળીને ઓશીકા સાથે લપાઇ ગઇ. તે તેના બન્ને કાન અને આંખ એકસાથે બંધ કરી દેવા માંગતી હતી એટલે તેના હાથની હથેળીના પંજાને વારાફરતી આંખ અને કાન પર આમતેમ વિંઝોળી રહી હતી.

 

એકાએક સોનુને તેના હાથમાંથી મોટા મોટા સાપ અને ભાતભાતના અળસીયાં નીકળતા હોય તેવો તેને ભ્રમ થવા લાગ્યો અને તે બેડ પરથી કુદીને રૂમમાં આમ તેમ ખંખેરવા લાગી.....!! ‘નીકળ મારા શરીરમાંથી નીકળ... દૂર જા.... દૂર જા....!!’ તે ભયથી પોતાના હાથને વારેવારે ઝાપટીને વિચિત્ર હરકતો કરી રહી હતી.

 

ત્યાં જ બાજુમાં સુતેલા કપિલાબેન સફાળા ઉઠ્યા અને સોનુને પકડીને ઉભી રાખી. ‘કંઇ નથી સોનુ... કંઇ નથી....!!’

 

‘છે મમ્મી જો આ કેટલા બધા સાપ અને કીડા છે... તું આઘી જા... આ જો આ કીડા તારા શરીર પર ચઢે છે...!!’ સોનુએ તેની મમ્મીના ગાઉન પર ઝાપટવાની શરૂઆત કરી.

 

‘હા... કાઢું છું.. હાલ જ....!!’ કપિલાબેન ખૂણામં મૂકેલો એક સ્પ્રે લાવ્યા અને પહેલા પોતાના શરીર પર છાંટ્યો અને પછી એ સ્પ્રેનો છંટકાવ સોનુ પર પણ કર્યો.

 

‘હાશ.... હવે ગયા....!!  હું નો’તી કે’તી કે બધા કિડાઓ છે અને તે બધાને ચેપ લગાડશે... અને બધાને ખાઇ જશે... આ સેનેટાઇઝર સ્પ્રે મારી પાસે જ મુકી રાખતી હોય તો... ક્યાંક કોઇ કિડો બાકી રહી ગયો તો હું એને મારી નાખીશ....!!’ સોનુની આંખો હજુપણ ચકળવિકળ થતી હતી અને પોતાના શરીરની અંદર કંઇક સળવળાટ થતો હોય તેમ વારેવારે જુદી જુદી જગ્યાએ હાથથી ખંખેરી રહી હતી.

 

કપિલાબેને તેને શાંત કરીને બેડ પર સુવડાવી અને તેના મનની શાંતી માટે એણે સુતા પહેલા એના શરીરને સેનિટાઇઝ કર્યુ. સોનુની મમ્મીને કોરોનાના સમયમાં આ એક હાથવગું હથિયાર મળી ગયું હતું. તેનાથી સોનુનો ડર ભગાવી શકાતો હતો. સોનુનો ભ્રમ સેનેટાઇઝરથી ભાગી જતો હતો એ પણ તેની એક સારી દવા જ મળી ગઇ હોય તેમ હતું... બાકી તો જ્યારે તેને માનસિક રોગનો હુમલો આવે ત્યારે ઘેનનું ઇન્જેક્ષન ન આપે ત્યાં સુધી ડરેલી જ રહેતી હતી.

 

સોનુના શરીર પર સ્પ્રે લાગતા જ તેના મનને શાંતી મળી હતી અને તેનો અંદરનો સળવળાટ બંધ થઇ ગયો.... ધીરે ધીરે તેને આંખો બંધ કરી દીધી.

 

રાત્રીના ત્રણ વાગ્યા હતા. કપિલાબેને ટીપોઇ પર રાખેલ જગમાંથી અડધો ગ્લાસ પાણી કાઢ્યું અને એક જ ઘુંટડે ગટગટાવી દીધું. સોનુની સાથે તેના માનસિક હુમલાની કેટલીયે રાતો વિતાવી હતી એટલે હવે જાણે કપિલાબેનને કોઠે પડી ગયું હતું. સોનુના માથે હળવેથી હાથ ફેરવ્યો... તે હવે શાંત હતી એટલે કપિલાબેન ફરી આડા પડખે થયા. ઉંઘ નહોતી આવતી એટલે વિચારો આપોઆપ ઉદભવવા લાગ્યા.

 

‘ડોક્ટરે કહ્યું હતું કે ઘણાંને આવી માનસિક બિમારી હોય છે... તેને ભ્રમણા કહે છે. કોઇ ઘટનાથી તેને માનસિક આઘાત લાગ્યો હોય કે મન અને વિચારોની નબળાઇ હોય ત્યારે આવી ચિત્રવિચિત્ર ભ્રમણાઓ થતી હોય છે તેને મેડિકલ ભાષામાં ડિલ્યુઝન કહે છે. માનસિક ભ્રમણાના કેટલાય પ્રકારો હોય છે તેમાનો આ એક પ્રકાર જ છે.... દવાઓથી સારું થઇ જશે....! ત્રણ વર્ષ થયાં પણ સોનું હજી સંપૂર્ણ સ્વસ્થ થઇ નહોતી. એકવાર સોનુ ડ્રાઇવિંગ કરતી હતી ત્યારે તેની કાર નીચે સાપ ચગદાઇ ગયો હતો એ ઘટના ધીરે ધીરે તેના પર હાવી થવા લાગી હતી. નાનપણથી તે ડરપોક તો હતી જ અને જીવજંતુનો ડર લાગતો હતો....! સ્કૂલમાં પણ તેને બધા તેને ખૂબ ડરાવતા... તેનો ડર ધીરે ધીરે આ વિચિત્ર માનસિક રોગમાં પલટાઇ જશે તેવું તો સ્વપ્નેય વિચાર્યુ નહોતું. દવાને કારણે સોનુનું મન અને શરીર પણ તે માનસિક રોગની દર્દી હોય તેની ચાડી ખાઇ રહ્યું હતું. એક્વાર કપિલાબેન છાનામાના ભૂવા પાસે પણ ગયા હતા અને કાનજી ભૂવાએ તો ચોખ્ખેચોખ્ખુ જ કીધુ હતુ કે તેને ગોગાબાપાનો કોપ છે...! દર પાંચમે ગોગા મહારાજને ત્યાં દર્શને લાવો તો જ નિરાકરણ થશે અને આ માદળીયું તેને પહેરાવશો પછી કોઇ ચિત્રવિચિત્ર હરકતો નહી કરે...! સોનુના પપ્પા આવા વહેમમાં માને નહી એટલે દોરાધાગાંની વાત કરવી શક્ય જ નહોતી એટલે તે માદળીયું તો કબાટમાંથી બહાર કાઢવાની હિંમત જ નહોતી થઇ. સોનુ માટે જેમ તેનો રોગ પડકારરૂપ હતો તેમ કપિલાબેન માટે ઘરમાં દોરા-ધાગાની વાત કરવી એ પણ પડકારરૂપ જ હતું.

 

‘મને શું થાય છે મમ્મી ? કેટલાય જીવજંતુ મને ખાઇ જવા આવતા હોય એવું કેમ દેખાય છે ? મમ્મી એ બધા મને ખાઇ જશે તો નહી’ને ? અને પેલો મારી કાર નીચે ચગદાઇ ગયેલો સાપ વેર લેવા તો નહી આવે’ને ? જેવા સોનુના રોજીંદા સવાલો સામે કપિલાબેન ફક્ત હિંમત અને બધુ સારું થઇ જશે તેવો દિલાસો આપ્યે જતા હતા.

 

કપિલાબેને સવારે સોનુના પિતાને રાતે બનેલી ઘટના કહી સંભળાવી અને આખરે પોતાના મનની વાત પણ કરી, ‘મારુ માનો તો એકવાર સોનુને ભૂવા પાસે લઇ જઇએ... મને તો કોઇ વળગાડ જ લાગે છે...! અથવા પેલા સાપની ઘટનાથી...!!’

 

‘તું હજુયે સાવ જુનવાણી જ રહી અને તારા વિચારો પણ જુનવાણી...!!! ભૂતબૂત કે વળગાડ જેવું કંઇ હોતુંજ નથી... આ તો એક પ્રકારનો માનસિક રોગ જ છે અને તેની સારામા સારા સાઇક્યાટ્રીક પાસે ટ્રીટમેન્ટ ચાલે જ છે.’ સોનુના પપ્પાએ ફરી એક જ વાત દોહરાવી.

 

‘એક્વાર મારુ માનો તો ખરાં....!! મારા મામાની દિકરીને પણ આવું થયું હતું અને તેને ભૂવાની બાધાથી સારું થઇ ગયેલું...!’

 

‘હા, એ તો તારું આખુ કુટુંબ જ છે જુનવાણી.... એ દોરાધાગામાં જ માને છે... !! મેં કહ્યુંને સોનુને દવાઓથી સારું થઇ જશે.’

 

‘પણ ક્યારે ?’ કપિલાબેનના આ આખરી સવાલનો સોનુના પપ્પા પાસે કોઇ જ જવાબ નહોતો એટલે તે ચૂપ રહ્યા. કપિલાબેને તેમને સમજાવતા કહ્યું, ‘દવા અને દુઆ બન્ને સાથે કરીએ તો...? શું ખબર સોનુને એનાથી મટવાનું લખાયું હોય...? દિવસે ને દિવસે તેનો ડર વધતો જાય છે... હવે એના સગપણનું’યે ગોઠવવાનું છે... જો સમાજમાં તેની માનસિક રોગની વાત ફેલાઇ ગઇ તો પત્યું....!! કોઇ સારો મુરતિયો એનો હાથે’ય નહી ઝાલે...!’

 

કપિલાબેનની મૂંઝવણ સામે આખરે તેમને મૂંગી સંમતી આપતા એટલું જ કહ્યું, ‘સારું...તને ગમે તેમ કર પણ ઉંટ કાઢતા બકરું ન પેસે એ જોજે....!!’

 

આજે જોગાનુંજોગ પાંચમ જ હતી... કપિલાબેન ઉત્સાહમાં આવી ગયા. સાંજે માદળીયું પર્સમાં મુકી સોનુંને લઇને નાગદેવતાના મંદિરે ગયા. સોનુને દર્શન કરાવી અને તેના જમણાં હાથના બાવડે નાગદેવતાની સમક્ષ જ માદળીયું બાંધ્યુ અને મનોમન નાગદેવતાને વિનવણી પણ કરી કે મારી દિકરીને હેમખેમ રાખજો...!

 

સોનુ મંદિરમાં રહેલી શંકર ભગવાનની મૂર્તિને જોઇને બોલી ઉઠી, ‘શંકર ભગવાનને સાપથી ડર નહી લાગતો હોય ?’

 

કપિલાબેને તેને તરત કહ્યું, ‘ના, કોઇનેય ડર રાખવાની જરૂર હોતી નથી... કોઇ જીવજંતુ આપણને ડરાવવા નથી માંગતા પણ આપનો અંદરનો ડર જ આપણને ડરાવે છે.’ જો કે આવી સલાહ તો કપિલાબેન અગાઉ પણ આપી ચૂક્યા હતા એટલે તેઓ દર્શન કરી બહાર નીકળ્યા.  

 

મંદિર બહાર શાકભાજીની લારી જોઇને કપિલાબેન શાકભાજી લેવા ગયા. સોનુ પાર્કિંગમાં જ ઉભી રહી. આ સમયે પાર્કિંગમાં કોઇ મદારી તેના કરંડીયામાંથી સાપ કાઢીને બધાને સાપનો ખેલ બતાવી રહ્યો હતો. તેની મોરલીના સૂર સાથે લાંબો કાળોતરો સાપ તેની ઉંચી કરેલી ફેણને આમતેમ ડોલાવતો હતો. તે સાપ જોઇને સોનુને ડર તો લાગ્યો પણ તે તેને જોઇ રહી.

 

ત્યાં જ એક ઘટના બની. મદારીએ મોરલી સાઇડ પર મુકી અને તે પોતાની થેલીમાંથી કંઇક વસ્તુ શોધવા તેને સાપ પરથી ધ્યાન હટાવ્યું. એ સમયે જ એકાએક તે કાળોતરો કરંડિયામાંથી બહાર નીકળીને ભાગ્યો અને સોનુ તરફ જ સરકયો... મદારીને ખ્યાલ જ નહોતો કે સાપ નીકળી ગયો છે... પોતાની સામે આવતા સાપને જોઇ સોનુના શરીરે પરસેવો છૂટવા લાગ્યો અને મૂર્તિની જેમ ચોંટી ગઇ....! તે વિચારશૂન્ય બની ગઇ હતી. તેનાથી ફક્ત બે ફલાંગ જ દૂર સાપ પહોંચી ગયો ત્યાં જ એક નાનકડી છોકરી દોડીને આવી. તેને કાળોતરાને પૂંછડીથી પકડીને જાણે કોઇ દોરડું પકડતી હોય તેમ ઉંચકીને લઇ ગઇ અને ફરી પેલા કરંડિયામાં મૂકી દીધો. મદારીનું ધ્યાન ગયું ત્યારે બોલ્યો... ‘મારી છોડી સોનુ બહાદૂર છે...!!! સાપ તો ઇનાથી ઉભી પૂંછડીયે ભાગે...!!’

 

મદારીનું તેની નાની દિકરી માટે બોલાયેલું આ વાક્ય સોનુના દિમાગ પર અસર કરી ગયું અને એકક્ષણમાં જ તેનો ડર ચાલ્યો ગયો... તે એકદમ સ્વસ્થ હોય તેમ ઉભી ઉભી ખેલ જોતી રહી..... પેલું વાક્ય તેને વારંવાર સંભળાવવા લાગ્યું, ‘મારી છોડી સોનુ બહાદૂર છે...!!! સાપ તો ઇનાથી ઉભી પૂંછડીયે ભાગે...!!’

 

સોનુને હવે તેની માનસિક ભ્રમણાના પડકાર સામે લડવા અંદરોઅંદર અચાનક જ કોઇ જડીબુટ્ટી મળી હોય તેમ લાગ્યું.

 

ત્રણેક રાત પછી ફરી એ જ ભયાનક સ્વપ્ન...! કેટલાય કાળા પડછાયા તેને ડરાવવા મથી રહ્યા હતા અને પેલા મોટા પડછાયાએ એક લાંબો સાપ તેના પર ફેંક્યો....!! સોનુ ડરીને પોતાની આંખો દબાવી દેતી હતી પણ આ વખતે તે  ડરવાને બદલે મક્કમ ઉભી રહી ગઇ હતી... તેને એક વાક્ય સંભળાઇ રહ્યું હતુ... ‘મારી છોડી સોનુ બહાદૂર છે...!!! સાપ તો ઇનાથી ઉભી પૂંછડીયે ભાગે...!!’

સાપ તેના પર પડ્યો અને સોનુની આંખ ખુલી ગઇ.... તેને કોઇ ચીસ ન પાડી...  સોનુને નજર સામે રજાઇમાંથી પેલો સાપ નીકળતો દેખાયો.... પણ સોનુએ ભાગવાને બદલે તે સાપની પૂંછડી પકડી અને બેડરૂમની બહાર નાખી દીધો. તે તેની માનસિક ભ્રમણામાં પહેલીવાર સાપથી ડરી નહી પણ તેનો પડકાર ઝીલી રહી હતી.

 

બારીના ખખડાટને કારણે કપિલાબેન જાગ્યા. ‘શું થયું સોનુ ? બારી પાસે શું કરે છે ?’

 

‘આ તો મોટો સાપ આવ્યો હતો….!!’

 

તેનો જવાબ સાંભળી કપિલાબેને સેનેટાઇઝરનો સ્પ્રે હાથમાં લીધો અને ફટાફટ તેની પાસે પહોંચી સોનુ સામે ધર્યો... ત્યાં જ સોનુ બોલી, ‘મમ્મી રહેવા દે... તારી છોડી સોનુ બહાદૂર છે...!!! સાપ તો ઇનાથી ઉભી પૂંછડીયે ભાગે...!! મેં એને બહાર ફેંકી દીધો છે...!!’ સોનુને અત્યારે પેલી નાની છોકરીના ચહેરામાં પોતાનો ચહેરો દેખાઇ રહ્યો હતો.

 

-       ડૉ. વિષ્ણુ પ્રજાપતિ, કડી

 

 

            

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ