વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દ્વિધા

                  " દ્વિધા "  (આવું શું કરે છે બકા..?)


        " આવું શું કરે છે બકા...? ના, કેમ પાડે છે ખાવાની? પ્રસાદનો શીરો છે. તારે ખાવો જ પડશે. તારા પરિણામ ની ખુશીમાં બનાવ્યો છે."  જમવામાં શીરો ખાવાની  આનાકાની કરતી દીકરીને શીલાએ કહ્યું.

ઋજુતા બોલી, " માં, આ શેનો પ્રસાદ છે? આટલો બધો? તને ખબર છે ને કે હું ઘી વાળી વસ્તુ આટલી બધી ખાતી નથી. મને ઘેન ચડે છે અને હજુ મારે ઓનલાઇન બધું સર્ચ કરવાનું છે. તારે પણ આટલુ બધુ ઘી વાળુ ખાવું ના જોઈએ. આ પ્રસાદ છે, જમવાનું થોડું છે!"

શીલા,  " આવું શું કરે છે બકા.. ? આજનો દિવસ ખાઈ જા ને..મારી દીકરી દસમા ધોરણમાં ૯૦ ટકા માર્ક લાવી તો પ્રસાદ તો કરવો પડે ને? પ્રસાદમાં ગણતરી ના હોય. ભગવાનની કૃપા થઈ ગઈ. તુ ખૂબ સુંદર રિઝલ્ટ લાવી."

પ્રસાદ ખાતાં ખાતાં ઋજુતા ના પિતા સમીરભાઈ બોલ્યા, "દીકરીની મહેનત રંગ લાવી."

શીલા બોલી, " ગમે તેટલી મહેનત કરો, પણ પ્રભુ ના આશીર્વાદ સિવાય શક્ય નથી."

સમીરે વધારે ચર્ચા કરવાનું ટાળ્યું અને શાંતિથી પ્રસાદ આરોગવા   માંડયો પરંતુ એ બાબત તેના ધ્યાન બહાર ન હતી કે, હમણાં થી શીલા મહેનત કરતા  પ્રારબ્ધ  પર વધુ ભાર મૂકે છે.

સમીરે શીલા ને પૂછ્યું," દીકરીને સામાન્ય પ્રવાહમાં મુકવી છે કે વિજ્ઞાન પ્રવાહમાં?"

શીલા બોલી, " કાલે વિચારીને કહું."

ઋજુતા બોલી, " વિચારવાનું શું! વિજ્ઞાન પ્રવાહ લેવો હોય તો, ભવિષ્યમાં ખૂબ મહેનત કરવી પડશે તથા ખર્ચા પણ ઘણા રહેશે."

"ખર્ચાને તો પહોંચી વળાય પણ બીજું બધું પણ જોવું પડે." માતાએ જવાબ આપ્યો.

સમીરે પુત્રીને કહ્યું , " જો તું વિજ્ઞાન પ્રવાહ લેવા માટે તૈયાર હોય  તો, નાણાંકીય સગવડ ની ચિંતા કરવાની જરૂર નથી.  બરાબર ને શીલા?"

શીલાએ ફરીથી એ જ જવાબ આપ્યો કે, કાલે જણાવું. પરિવાર સારા પરિણામ ની  ઉજવણી કરીને સુઈ ગયો.


           બીજે દિવસે સવારે શીલાએ ઉત્સાહભેર   કહ્યું , " બેટા, તું વિજ્ઞાન પ્રવાહ જ લે!"

ઋજુતા બોલી, " એક જ રાતમાં તે ખૂબ વિચારીને નક્કી કરી નાખ્યું?"

શીલા બોલી, " ભગવાનની ઈચ્છા પણ તે જ છે."

ઋજુતાને  તેની માતા નું વર્તન જરા વિચિત્ર લાગ્યું  તેથી તેણે તેની માતા ને પૂછ્યું, " ભગવાનની ઈચ્છા આમાં ક્યાંથી આવી?"

માતાએ ઇશારાથી કહ્યું,  " એક રહસ્ય છે. બકા, તારે કોઈને કહેવાનું નહીં. તું ખાનગી  રાખે તો જણાવું." દીકરી એ હા પાડી.

શીલાએ  દીકરી ને કહ્યું, " તે  કોઈ પણ નિર્ણય માં દ્વિધા અનુભવે તો ભગવાન પાસે જઈ તેનો જવાબ માંગે છે."

ઋજુતા બોલી, " મને કંઈ ખબર ના પડી."

શીલા એ ઘટસ્ફોટ કર્યો કે, ' તે કોઈ પણ નિર્ણય માટે બે ચિઠ્ઠીઓ બનાવે છે. એક 'હા' ની અને એક 'ના' ની. રાત્રે ભગવાન પાસે બે ચિઠ્ઠીઓ મૂકી દે છે. સવારે એક ઉપાડે છે. તેમાં 'હા'   હોય  તો તે પ્રમાણે અનુસરવાનું  અને તેમાં 'ના' , હોય તો તે પ્રમાણે અનુસરવાનું . ભગવાને ધાર્યુ હોય તે જ થાય છે. આપણે ખોટો વિચારી વિચારીને સમય  શા માટે બગાડી એ!'

ઋજુતા બોલી, " એટલે દરેક નિર્ણય તમે ભગવાન પાસે ચિઠ્ઠીઓ મૂકી ને કરો છો?"

માતા બોલી, " જ્યારે હું દ્વિધા અનુભવુ ત્યારે. મન મૂંઝાય અને કોઈ નિર્ણય ન આપી શકે ત્યારે.  ભગવાન જે નિર્ણય આપે તે મને સ્વીકાર્ય હોય છે. મને તેની સામે કોઈ ફરિયાદ હોતી નથી. "

ઋજુતા બોલી, " એટલે તમે તમારી આવડત,  પરિસ્થિતિ, સંજોગો એ બધાનો વિચાર કર્યા વગર ફક્ત ભગવાન કહે તે નિર્ણય આખરી ગણો  છો? બીજી રીતે પૂછું તો જે ચિઠ્ઠી નીકળે તે નિર્ણય આખરી ગણો છો? "

માતા બોલી, " જો બકા, આ વાત મેં તને કરી તે બધાને કહેતી નહિ. હું તે પ્રમાણે જ કરું છું."

ઋજુતા વિચારમાં પડી ગઈ કે, વિજ્ઞાન પ્રવાહનો નિર્ણય અવૈજ્ઞાનિક રીતે! માતા કયા જમાનામાં જીવે છે? જે વ્યક્તિ માનસિક રીતે મજબૂત ના હોય તેજ આવું કરે. આ તો ગંભીર બાબત કહેવાય. આ રીતે ચિઠ્ઠીઓ ઉપાડીને જીવનના નિર્ણયો લેવાય તો કોઈક વાર ભયંકર મુશ્કેલી થઈ જાય.

તેણે માતાને કહ્યું, " તમને મૂંઝારો થાય તો તમે પપ્પા જોડે ચર્ચા કરતા હો તો?"

શીલાએ જણાવ્યું કે, સમીર ને સમય મળે ના મળે. ઘણીવાર ખૂબ વ્યસ્ત હોય છે, તેથી હું તેને બધામાં સંડોવતી નથી! પરમેશ્વર જે નિર્ણય આપે તે યોગ્ય જ હોય."

ઋજુતા એ માતા ને પૂછ્યું," મોમ, તમે બાળપણથી જ આ રીતે કરો છો?"

શીલા બાળપણની વાત થતાં બોલી, " શૈશવની વાતોની તો આખી ચોપડી લખાય. તને સમય મળે તો કહીશ. હાલ રાત ખૂબ થઈ ગઈ છે આપણે સુઈ જઈએ."

ઋજુતા એ આ બાબતને ગંભીર લીધી. તે ખૂબ ચિંતિત થઈ ગઈ. માતાની આ માનસિક પરિસ્થિતિ બરાબર ના કહેવાય. આતો અંધશ્રદ્ધા કહેવાય. આ બધા વિચારો માંથી બહાર આવવા એણે સૂતાં પહેલા એનું શરીર સેનેટાઈઝ કર્યું.



  ‌‌       થોડા દિવસ પછી શીલાના પુત્ર મીતને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો. અસહ્ય દુખાવો થતા તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોક્ટરે કહ્યું કે, એપેન્ડીક્ષનો દુખાવો છે. ઓપરેશન કરી દેવું હિતાવહ છે. મને એક બે દિવસમાં જણાવી દો. ત્યાં સુધી મીતના થોડા બીજા ટેસ્ટ કરાવી દઉં. હોસ્પિટલમાં ભલે રહેતો."

    હવે સમીરના પરિવારે  ભેગા થઈને તાત્કાલિક ઓપરેશન કરવું કે નહીં તે નક્કી કરવાનું હતું. સમીરે શીલા ને પૂછ્યું, " આજે સોમવાર છે, બુધવારે  ઓપરેશન કરાવી  દેવું છે?"

શીલા એ કહ્યું, " કાલે જણાવુ."

તેણે  રાત્રે બે ચિઠ્ઠીઓ બનાવી. ઓપરેશન કરવું કે ના કરવું. 'હા' કે 'ના'. સવારે  તેણે  ચિઠ્ઠી ઉપાડી.  ચિઠ્ઠી માં 'ના'  હતું. તેણે પરિવારને ઓપરેશન ન કરવા અંગે જણાવ્યું.

ઋજુતા બોલી, " આ દુખાવો અસહ્ય હોય છે અને આયુર્વેદિક પદ્ધતિથી મટશે નહીં. અચાનક એપેન્ડિક્સ ફાટી જશે તો મુશ્કેલી થશે."

શીલા એ જવાબ આપ્યો એમ કઈ રાતોરાત ફાટે નહીં. એક બીજા ડોક્ટર ને પણ પૂછવું જોઈએ.

સમીર બોલ્યો, "આ મારો જીગરી દોસ્ત છે તેથી તેણે ફ્રી માં મીતને  એક-બે દિવસ વધું રાખવાની મંજૂરી આપી છે. મને તેનામાં પૂરો વિશ્વાસ છે."

પરંતુ ચિઠ્ઠીની રમતની માહિર શીલાએ  ફરીથી  ચિઠ્ઠીઓ બનાવી. ફરીથી ચિઠ્ઠી ઉપાડી તો તેમાં પણ  'ના' જ હતી. શીલા મક્કમ રહી કે, હમણાં ઓપરેશન કરવું નથી. દીકરી સમજી ગઈ કે, માતાએ ચિઠ્ઠી ની રમત ફરી ચાલુ કરી છે. તેણે માતાને સમજાવ્યું કે, ' આ અંધશ્રદ્ધા કહેવાય. '

માતા બોલી, " ભગવાનના આદેશ વગર હું કંઈ પણ નહિ કરું. પરમેશ્વર ધ્યાન રાખવા વાળો છે!"  દીકરીએ  વધુ ચર્ચા ન કરી. પરિવારે નિર્ણય લીધો કે, બે દિવસ મીતને હોસ્પિટલમાં રાખીને પછી ઘરે પાછો લઈ આવીશું.

         ત્યાં અચાનક બુધવારે પરોઢિયે ફોન આવ્યો. ઋજુતા તેની માતા પાસે ગઈ. તે બોલી, " મમ્મી, પપ્પા નો ફોન હતો. ભાઈ..

શીલા બોલી, "બોલ, બોલ મીત ને શું થયું?"

ઋજુતા બોલી, " ના થવાનું થયું છે. તારે સત્યનો સ્વીકાર કરવો પડશે."

શીલા એ ચીસ પાડી, " શું કહે છે! "

ઋજુતા બોલી, " હવે ભાઈ...

શીલા એક ધબકારો ચૂકી ગઈ અને ભગવાનના મંદિર પાસે દોડી. ત્યાં  તે આક્રંદ કરી બોલવા માંડી,  " મેં તારા પર વિશ્વાસ રાખ્યો અને તે મારી જોડે!" તે જોરજોરથી રડવા માંડી..

ઋજુતા એ  બાજુમાં આવીને કહ્યું, " મેં તો તને કહ્યું હતું કે, ઓપરેશન કરાવી લઈએ. તું એકની બે ના થઈ. એપેન્ડિક્સ ફાટી જાય પછી આખા શરીરમાં ફેલાઈ જાય. તું અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર ક્યારે આવીશ? "

     

          ત્યાં દરવાજામાં ગાડીનો અવાજ આવ્યો.

  ઋજુતા દોડતા દોડતા બોલી, " પપ્પા  લાગે છે." શીલા પણ દરવાજા પાસે આવી. પોતાના પતિને તે વળગી પડી અને બોલી મને માફ કરી દો.

સમીર બોલ્યો, " હું હોસ્પિટલમાં થી આવ્યો છું એટલે પહેલા મને બાથરૂમમાં જઈને શરીરને સેનેટાઈઝ કરવા દે."

શીલા બોલી, " દીકરો ને હોસ્પિટલમાં મુકીને આવ્યા! મને હોસ્પિટલમાં લઇ જાવ."

સમીર બોલ્યો, "  ત્યાં જવા થી શું ફેર પડે છે?"

શીલા એ પતિને કહ્યું, " મેં તો બુદ્ધિના ચલાવી પણ તમારે તો બુદ્ધિ પૂર્વક ઓપરેશન નો નિર્ણય લેવો તો!"

પછી તેણે તેની પુત્રી ને કહ્યું, " તું તો વિજ્ઞાનની વિદ્યાર્થી છું. તારે તો નિર્ણય લેવો તો!"

" આ નિર્ણય પરિવારે લેવાનો હતો એટલે હું એકલી કેવી રીતે લઉ. તારો તો વર્ષોનો ચિઠ્ઠીઓ નો અનુભવ છે. તેની સામે મારે પડકાર થોડો કરાય?"

        

           ત્યાં દરવાજામાંથી મીત ધીમે ધીમે અંદર આવીને સોફા પર બેઠો.

શીલા અવાચક થઈ ગઈ.

ઋજુતા બોલી, " ચમત્કાર !"

શીલા ઘડીકમાં દીકરી સામે તો ઘડીકમાં દીકરા સામે જોવા લાગી. મીત બોલ્યો, " મમ્મી, ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું.  આજે ડિસ્ચાર્જ પણ મળી ગયો છે."

શીલા બોલી, " તો પછી આ લોકો?"

મીત બોલ્યો, " એ લોકો તારી અંધશ્રદ્ધાને પડકારે  છે. તે ના પાડી તોય અમે ઓપરેશન કરાવવાનું નક્કી કરી  દીધું હતું.  આ બધી બાબતમાં વાર ના કરાય."

    

           શીલા એ મનમાં વિચાર્યું,  પહેલીવાર મારા પરમેશ્વર ખોટા પડ્યા! તેણે બીજા દિવસે જમવામાં શીરો બનાવ્યો. તેણે દીકરી ને ફરી ખાવા માટે આગ્રહ કર્યો.

દીકરીએ કહ્યું, " તને ખબર છે ને? મને ઘી વાળો શીરો ગમતો નથી."

શીલા બોલી, " આવું શું કરે છે બકા...આજે ભાઈ સાજો થઈ ઘેર આવી ગયો તેથી ભગવાનને પ્રસાદ કર્યો . પ્રસાદ છે,  થોડો ખાઈ લે."

ઋજુતા એ દવાની ગોળી જેટલો થોડોક જ પ્રસાદ લીધો.

શીલા બોલી, " આટલો જ? "

ઋજુતા બોલી, " ૨૫૦ મી.લી. ગ્રામની નાની દવાની ગોળી આખા શરીરને  અસર કરે છે ને?"

ઋજુતા વધુમાં બોલી, " ઓપરેશન ના કરાવત તો શું થાત, તને ખબર છે? અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે મોટો તફાવત હોય છે. હવે તો ચિઠ્ઠીઓ નહિ મૂકે ને?

શીલા બોલી, " કાલે વિચારીને કહું." 

ઋજુતા એ ચમકી ને પૂછ્યું , " હજુ તું બુદ્ધિપૂર્વક નહીં પરંતુ ચિઠ્ઠીના આધારે નિર્ણય લઈશ?"

માતાએ કહ્યું," પ્રથમ વખત મારા પરમેશ્વર ખોટા પડ્યા છે. હજુ પણ હું એજ વિચારુ છું આવું કેવી રીતે બન્યું!"

   

           બીજે દિવસે ડાઇનિંગ ટેબલ પર સમીરની સાથે શીલા જમવા બેઠી. સમીરે શીલા ને  પૂછ્યું, " તારે જમવું નથી?"

  શીલા બોલી મારે તમારી જોડે વાત કરવી નથી. તમે મને અંધારા માં રાખી.

સમીર બોલ્યો, " અંધારામાંથી તને હું અજવાળામાં લાવ્યો છું. આવું શું કરે છે બકા.. ? થોડું ખાઈ લે ને. મારા માટે નહિ તો દીકરો સાજો થઈ ગયો તેની ખુશાલીમાં."

શીલા બોલી, " તમે મારી જોડે પારદર્શિતા ના રાખી અને જણાવ્યું નહીં. મને ખરાબ તો લાગે જ ને."

સમીર બોલ્યો હું તો તારા દરેક નિર્ણયમાં કેટલાય વખતથી સહભાગી થઉ જ છું!" 

શીલા બોલી, " એટલે?"

સમીરે વાતનો અંત લાવતાં કહ્યું , " બીજી બધી વાત જવા દે. જમી લે."

શીલા હજી ખૂબ દ્વિધામાં જ હતી. તેણે ચૂપચાપ જમી લીધું. 

        

           જમ્યા પછી શીલા મંદિર પાસે ગઈ. તેણે વાટકીમાં પડેલી બીજી ચિઠ્ઠી પણ ખોલી. તે પણ ' ના '  ની જ હતી!  તે વિચારમાં પડી ગઈ કે, બે ચિઠ્ઠીઓ  ' ના' ની બની ગઈ!  તે ભગવાનના દર્શન કરી મંદિર પાસેથી ધીરે થી ઉભી થઇ અને આગળ ચાલી. ત્યાં તેના પગની ઠોકરથી કચરા ટોપલી  આડી પડી અને તેમાંથી  ચિઠ્ઠીઓ બહાર પડી.  તેણે  કચરા ટોપલીમાં થી બહાર પડેલી ચિઠ્ઠીઓ હાથમાં લીધી. તે એક પછી એક ચિઠ્ઠીઓ ખોલવા માંડી. બધી ચિઠ્ઠીઓ પોતાના અક્ષરો માંજ લખેલી હતી!  પોતે લખેલી બધી જ  'હા' ની ચિઠ્ઠીઓ તેની સામે હસી રહી હતી.

     

 


        





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ