વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગામકૂવો


*** પડકાર : ટૂંકી વાર્તા સ્પર્ધા ***

*** ગામકૂવો ***

( ** કૂવામાં પાણી વલોવાતુ હોય એવો ઘમ્મર ઘમ્મર અવાજ પડઘાતો હતો.**)


"મનુ"ની બાર વર્ષ ની ઉંમર ! ધોરણ ૬ માં ભણતી, વગૅમા સૌથી હોશિયાર , નટખટ અને ચૂલબુલી ! અંધારી રાતે તારલો ટમકે એવી એની તેજસ્વીતા ! બહારનું કોઈ પણ એના વગૅમા દાખલ થાય તો તરત જ એના હાજર જવાબીપણા અને સમજદારીની સરાહના કયૉ વિના રહે જ નહિ ! એની આ ખાસિયત ના કારણે શાળાના શિક્ષકો ની પણ તે માનીતી હતી. આમતો તેણી ધોરણ ૬ માં ભણતી હતી પણ શાળાનો કોઈ પણ નાનો મોટો કાયૅક્રમ હોય, કોઈ પણ સ્પધૉ હોય તો મનુ હંમેશા દરેક માં અવ્વલ નંબરે જ હોય ! આમ તે નાની ઉંમરમાં પોતાની શાળા માં રતન પુરવાર થઇ હતી જેનો આકાર નાનો પણ કીંમત મોટી હતી.

મોટા ભાગે કોઈ પણ શાળા માં જે વિદ્યાર્થી હોશિયાર કે તેજસ્વી હોય તે સ્વાભાવિક રીતે બીજા બાળકો માં ઈષૉ નું કારણ હોય છે. કેટલાક તો આવા વિદ્યાર્થી ને બેન કે સાહેબ નો "ચમચો" એવા વિશેષણ તરીકે કાયમી સ્થાપિત કરી નાંખે છે, પણ મનુ એમાં અપવાદ હતી. તેણી ભણતર ની સાથે સાથે પોતાના સહપાઠીઓ ની પણ એટલી જ દરકાર રાખતી. ટુંકમાં એમ કહી શકાય કે મનુ શાળાને પોતાનો પરિવાર માનતી હતી અને એમાં ભણતા દરેક બાળકો ને તે પોતાના ભાઈ બહેનની જેમ રાખતી ! અને એટલે જ તેણી શિક્ષકો ની તો ખરી જ ! સાથે સાથે પોતાના સહપાઠીઓ માં પણ આદર પામી હતી.

પેલું કહેવાય છે ને કે, "કમળ હંમેશા કાદવમાં જ ખીલે ! " મનુ નું પણ એવું જ હતું. તેણી પોતાના બાપુ ની ગરીબાઈ અને નબળી આર્થિક પરિસ્થિતિ રૂપી કાદવમાં ઊગેલું કમળ હતી. મનુ ના કુટુંબમાં પોતે, બે નાનાં ભાઈ અને બાપુ ચાર સભ્યો હતા. માં તો બે વર્ષ પહેલાં જ સતત બિમારી થી કંટાળી કૂવો પુર્યો હતો. મનુ ના બાપુ નજીક ના શહેરમાં એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. બાપુ ને કારખાને સવારમાં વહેલા જવું પડતું એટલે તેઓ વહેલાં વહેલાં ઊઠી જમવાનું બનાવીને જતા બાકી નું બધું જ કામ મનુ ના માથે ! પછી એ ઝાડું - વાસીદું હોય, વાસણ ધોવાના હોય, કપડાં ધોવાના હોય, પાણી ભરવાનું કે નાના બે ભાઈઓ ને તૈયાર કરી શાળામાં લઈ જવાનાં હોય ! મનુ એ બધું પણ બખૂબી નિભાવી જાણતી.

શાળા માં સાડા બાર ની રિશેષ પડી. મનુ ઝટપટ પોતાનું દફ્તર ભરી વગૅમાથી બહાર નીકળતા પોતાના વગૅ શિક્ષક સાહેબ ને સંબોધતાં બોલી, " સાહેબ....મારે રજા જોઈએ છે..." મનુ નો અવાજ સાંભળી સાહેબ પીઠ ફેરવી ઊભાં રહ્યાં બોલ્યાં, " બોલ બેટા મનુ ! આજે પાછું શું કામ આવી પડ્યું ? "
" સાહેબ ! આજે બાપુ જમવાનું બનાવ્યા વગર જ ગયા છે અને પાણી પણ ભર્યું નથી એટલે બધું કામ બાકી રહી ગયું છે, મારા ભાઈ પણ ભૂખ્યા થયા હશે એટલે જમવાનું બનાવી, પેલા ગામકૂવે થી પાણી ભરી બધું કામ પરવારી બે વાગતાં સુધી આવી જઇશ. " મનુ ને આવી રજાની ઘણીવાર જરૂર પડતી હતી અને સાહેબ પણ એના ઘરની પરિસ્થિતિ થી સારી પેઠે વાકેફ હતાં એટલે તુરંત જ તેમને રજા આપી દીધી.

મનુ નાના ભાઈ ને કાખમાં લઈ બીજા ભાઈને સાથે સાથે રજા લઈ ઘરે જતી હતી પણ રીશેષ હોવાની બીજી ચાર બહેનપણીઓ પણ એની સાથે થઈ. એ પાંચેય સખીઓ ચાલતી ચાલતી લંકા ના તારાં ઉતારતી*, વાતોનાં પટાકા પાડતી ગામકૂવે આવી. મનુ સિવાય બીજી છોકરીઓ ના ઘર બીજા રસ્તે આવતા હતા એટલે તેઓ આ રસ્તે ભાગ્યે જ આવતી, ઉભા રસ્તે વાતો ના વડાં પકવતી પેલી ચાર સખીઓ, ગામકૂવો આવ્યો એટલે ચૂપચાપ થઈ બિલ્લી પગે ચાલવા લાગી. એમને મૂંગી મંતર થયેલી જોઈ મનુ બોલી, "કેમ અલી ! શું થયું ? તમે બધાં કેમ આમ ચૂપચાપ ઉતાવળે ચાલવા માંડ્યા ? અને જાણે ડરી ગયા હોય એમ કેમ કરો છો ?" બધી સખીઓએ મનુ નો સવાલ અવગણી આંગળી વડે ચૂપ રહેવા ઈશારો કર્યો. મનુ ને કશી સમજ ન પડી. પોતાની સખીઓ શાંત રહેવા કહે છે એટલે એ વખતે તો તે કશું બોલી નહીં.

થોકેક આગળ નીકળી બધી સખીઓએ, " હાશ...." એમ બોલી મૌન તોડ્યું. મનુ તરત જ પેલો સવાલ ફરી કર્યો. મનુ સામે બધી સખીઓ એકીટશે જોઈ રહી પછી જાણે મન મક્કમ કરતી હોય એમ બોલી, " મનુ એક વાત કહું ? આપણે જે ગામકૂવા આગળ થી હાલ નીકળ્યા ને ? બધા કહે છે એ કૂવામાં બે વષૅ પહેલાં તારી માં પડી ને મરી ગઈ હતી એટલે એ ભૂત થઈ છે, અને વહેલાં મોડા બધાને બીવડાવે છે ! " મનુ તો અવાક બની બધી સખીઓ ને જોતી જ રહી ગઈ. એને એકબાજુ ડર પણ લાગ્યો અને બીજી બાજુ પોતાની માં પણ યાદ આવી ગઈ. મનુ નો ચહેરો ખિન્ન થઈ ગયો, એ કશું બોલી નહીં, ત્યાં થી સીધી ઘરે આવી ગઈ. ત્યાં જોયું કે બાપુ ઘરે જ હતાં. મનુ ને આવતાં જોઈ તેઓ બોલ્યા, " બેટા મનુ ! કારખાનામાં આજે કામ નહોતું એટલે હું પાછો આવી ગયો. જમવાનું તો હું બનાવું છું, તું પેલા ચાનાં વાસણ કરી પીવાનું પાણી કૂવેથી ભરી લાવ. "
" સારૂં બાપુ. " ટુંકમાં બોલી મનુ ઉદાશ વદને વાસણ લઈ બહાર આંગણા માં એક ખૂણામાં પાણી ભરેલા તગારા પાસે બેઠી, સખીઓ બધી આંગણામાં વર્તુળોમાં બેસી કુકકા રમવા લાગી.

થોડીવાર થઈ. રીશેષ પુરી થવાનો સમય થતાં મનુની સખીઓ બધી ચાલતી થઈ. મનુ વાસણ ઘસીને ઘરમાં આવી. વાસણ પાણીયારે ઉધાવાળી એકબાજુ જઈ બેઠી. હંમેશા ચપચપ કંઈ ને કંઈ પૂછપરછ કરતી પોતાની દીકરીને ગુમસૂમ જોઈ બાપુ બોલ્યા, " મનુ ! કેમ આજે આમ ? શું થયું ? અને આમ બેઠી કેમ ? પીવાનું પાણી ભરવા નથી જવાનું ? જા...ઝટ પાણી ભરી પાછી આવ, આપણે જમી લઈએ." મનુ તો એમ જ બેસી રહી.
" મનુ કોઈ દિવસ આમ મારૂં કહ્યું ટાળે નઇ ! ને આજે કેમ આમ કરે છે ? " મનોમન બાપુ બબડ્યા અને રોટલી વણતાં વણતાં ઉભા થઇ મનુ પાસે બેઠાં. ખભે કરૂણામય હાથ મૂકી કહ્યું " મનુ.... શું થયું બેટા....? "
મનુ સહજ ભાવે બાપુ સામે જોઈ બોલી, " બાપુ ! મારી માં કેમ કૂવામાં પડી મરી ગઈ ? " મનુ નો હ્રદય સોંસરવો નીકળે એવો સવાલ સાંભળી એના બાપુની આંખો પણ ભીંજાઈ ગઈ. આંસુ ટપકી પડે એ પહેલાં પોતે તરત જ આંસુ લૂછતાં બોલ્યા, " બેટા ! એને કેન્સર હતું. છેલ્લા સ્ટેજ માં હોવાથી ડોક્ટરે પણ, "થાય એટલી સેવા કરજો. " એમ કહી રજા આપી દીધી હતી. હું દિવસ રાત એક કરી એને બેઠી કરવાના તમામ પ્રયાસો કરતો હતો, દવાઓનો ખર્ચો એટલો બધો થઈ ગયો કે મારા માથે કેટલુંયે દેવું થઈ ગયું. મારા માથે તારી માં ની સંભાળ, ઘરકામ અને તમારા બધાની દેખભાળ એમ ત્રેવડી જવાબદારી આવી પડતાં મારી હાલત કફોડી બની ગઈ હતી. મારી આવી હાલત તારી માં થી સહન ના થતાં છેવટે કંટાળી એણે પેલા ગામકૂવામા પડી આત્મહત્યા કરી લીધી." બાપુ બોલતાં બોલતાં રીતસરનાં રડી પડ્યા હતા, એમની આંખો છલકાઇ ગઇ હતી. એમના કાળજે લાગેલો દવ જોઈ ચૂલા પર પડેલી રોટલી પણ દાઝી ને કોલસો થઈ ગઈ હતી.

મનુ ઝડપથી ઉભી થઇ ચૂલા પરથી રોટલી ઉતારી લીધી. બાપુ પાસે આવી ફરી બોલી, " બાપુ ! મારી બહેનપણીઓ કહેતી હતી કે મારી માં, એ ગામકૂવા ડૂબી મરી ભૂત બની છે અને બધાને ડરાવે છે. મને પણ હવે તો ગામકૂવે જતા ડર લાગે છે. બાપુ સ્વસ્થ થઈ મનુ ના માથે હાથ ફેરવી બોલ્યા, " ના બેટા ના...! એ તારી માં છે તને થોડી ડરાવે ? "
" તો શું..મારી સખીઓ ની વાત સાચી હશે...? મારી માં બધાં ને પુરાવો આપતી હશે ? " મનુ કુતૂહલવશ બોલી.
" ખબર નઈ બેટા ! તારી માં આમતો ક્યાં હરખથી મરી હતી બિચારી ? કેટલીયે ઝંઝાળથી કંટાળી, પોતાની ઈચ્છાઓ દબાવીને ગઇ હતી, એટલે કદાચ એ આત્મ સ્વરૂપે ભટકતી પણ હોય ! " બાપુ મુંઝાતા બોલ્યા. મનુ ઉભી થઇ બેડું હાથમાં લેતા બોલી, " બાપુ ચાલો મારી સાથે ! હું પાણી ભરીશ તમે ઉભા રહેજો.. ચાલો..."
" સારું ચાલ દીકરી ! " એમ બોલી બાપુ મનુ સાથે ચાલતા થયાં.

ધીરે ધીરે બન્ને બાપ દીકરી ચાલતા ચાલતા ગામકૂવે આવ્યાં. બાપુ દોરડું લઈ બેડું બાંધ્યું, બેડું કૂવામાં નાખી પાણી કાઢ્યું. પાણી ભરેલું બેડું બાપુ પોતાના હાથે ઉંચકતા હતાં ત્યાં જ મનુએ કહ્યું, " બાપુ મારી માં બધાં ને પુરાવા આપે છે તો મારૂં કહ્યું પણ સાંભળશે ? બોલશે ? "
" હા...હા... તારૂં કહ્યું સાંભળે જ ને કેમ નહીં ! " બાપુ આશ્વાશન ખાતર બોલ્યા. એમને હતું ભલેને મનુ બૂમ પાડતી ! એનો પડઘો પડશે એ સાંભળી દીકરી ને નિરાંત થશે. મનુ કૂવામાં ડોકું કરી બૂમ પાડી, " માં....ઓ.. માં......." કોઈ અવાજ ન આવ્યો. મનુ બાપુ સામે જોઈ ફરી બોલી, " માં....ઓ.. માં.... માં...."
મનુ નો પડઘો પુરો થતા જ કૂવાના પાણીમાં એક હીલોળો થયો અને ઘ...મ...મ...મ..." એવો અવાજ થયો. મનુ નવાઈ પામી ફરી બૂમ પાડી. બીજી વખત પણ એવો જ હીલોળો થઈ ઘ...મ...મ.... અવાજ થયો.....મનુ અને એના બાપુ અવાક બની કૂવામાં જોઈ રહ્યા હતા. ** કૂવામાં પાણી વલોવાતુ હોય એવો ઘમ્મર ઘમ્મર અવાજ પડઘાતો હતો.**

બાપુ કૂવામાં જોઈ જાણે કોઈના સન્મુખ વાત કરતા હોય એમ બોલ્યા, " હા...હા....મનુ ની માં સાંભળ્યું... હું તારી પીડા સમજું છું, હવે જેવા વિધી ના લેખ ! આપણો સંગાથ ઈશ્વરે કદાચ આટલો જ લખ્યો હશે. તું સહેજેય ઉચાટ ના કરતી, હું આપણાં સંતાનોને પુરાં મનથી ઉછેરીશ ! એમને મારા વતીની કોઈ તકલીફ નહીં પડવા દઉં, જરૂર પડ્યે હું એમની માં પણ બની જઈશ અને એમના કોડ પુરાં કરીશ. " બાપુ જેમ જેમ બોલતા હતા તેમ તેમ કૂવામાં નું પાણી વધારે ને વધારે હીલોળા મારતું હતું. અવાજનો ઘમકારો પણ જાણે ગજૅના કરતો હતો ! મનુ તો કૂવાના કાંઠે જાણે મૂર્તિ બની સપનું જોતી હોય એમ જડ બની ઉભી હતી. બાપુ કૂવામાં કોનાથી વાત કરે છે એ સમજવા કોશિશ કરતી હતી.

મનુ ની આંખો અવાક હતી જ્યારે એના બાપુ ની આંખો ફરી પોતાની પત્નીની યાદમાં વરસી પડી હતી. અંતરની ઉર્મિઓ ખારા લૂણ આંસુ બની કૂવામાં ટપકતી હતી. જેટલી વખત આંસુ કૂવામાં ટપકતાં હતા એટલીવાર એ કીંમતી આંસુડાં ને એની પત્ની કૂવાના પાણીમાં બેઠી બેઠી અંજલીમા ઝીલતી હોય એમ પાણી હીલોળે ચડાવી ઘમ્મર ઘમ્મર અવાજ પડઘાવતી હતી....


કૂવામાંનો વધતો અવાજ સાંભળી મનુ ના બાપુ ફરી બોલ્યા, " હવે શાંત પડ વ્હાલી ! શાંત પડ ! તારાં જવાથી તો હું પણ અધમૂવો થઈ ગયો છું, જીવન જીવવાનો કોઈ અભરખો ના રહ્યો, મારી લીલુડી ફૂલવાડી માં ખીજડા ઉગ્યા રે.... મારાં જણેલાના બાળપણ રંડાણા રે.... ઘરમાં છોકરાની માં નો ટહુકો ટૂંપાણો...રે..." સામે છેડે કૂવાનો ઘમ ઘમાટ પણ જોરદાર વધવા લાગ્યો હતો. મનુ ને હવે ડર લાગવા માંડ્યો હતો. બાપુના હાથમાંથી તો બેડુયે સરકી પડ્યું અને ઢોળાઈ ગયું ! તેઓ ચોધાર આંસુડે રડતાં રડતાં ત્યાં જ કૂવાની ધારે ઢગલો થઈ ગયાં. હૈયાફાટ આક્રંદ કરવા લાગ્યા. મનુ હાફળી ફાફળી થઈ ગઈ. કશું ના સમજાતાં તે એના બાપુ પાસે બેસી એમની પીઠ પસારવા માંડી અને પોતે પણ રડવા લાગી. મનુ ને રડતી જોઈ એનાં બાપુ થોડા સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. ખોંખારો ખાઈને ગળું સાફ કરી બેઠાં બેઠાં જ બોલ્યા, " મનુ ની માં ! મેં આપણાં સંતાનો સામે જોઈ હવે બેઠો થવા મથી રહ્યો છું. મને તાકાત આપ જેથી હું એ બધાને હરખે ઉછેરી શકું. એમના કોઈ કોડ બાકી ના રાખું ! છોકરાં હું સાચવી લઈશ, તું તારા આત્માને સદગતિ કર ! પ્રેત યોનિમાં ભટકી તારા આત્માને દુઃખી ના કર ! જા એક પતિ તરીકે હું તને બધી જવાબદારીઓ માંથી મુક્ત કરૂં છું. તને મારા સમ છે જો આજ પછી તું અહીંયાં કોઈ ને પણ પરચો - પુરાવો આપ્યો છે તો !!! હવે શાંત થઈ જા... શાંત પડ.... શાંત...." કૂવામાં ઘૂમરીયે ચડેલું પાણી બાપુ ની આજ્ઞાનું પાલન કરતું હોય એમ ધીરે ધીરે શાંત પડી ગયું. છેવટે મનુ ના બાપુ કાળજા પર પથ્થર મૂકી ત્યાંથી ઉભા થઇ મનુ ને લઈ ઘરે આવ્યા.

એ કારમી ભભૂકતી બપોર પછી ક્યારેય મનુ ની માં નો કોઈ પરચો કે પુરાવો આજ દીન સુધી ગામનાં કોઈ પણ લોકમુખે સાંભળવા ના મળ્યો. જાણે મનુ ની માં મનુના બાપુ પાસે એટલું જ સાંભળવા આજ દિન સુધી આત્મા સ્વરૂપે ભટકતી હતી !!!

* લંકા ના તારાં ઉતારવા - અલક મલકની વાતો કરવી

* કુકકા - નાના પથ્થર નાં ટુકડા ઉછાળી હાથમાં ઝીલી રમાતી રમત

:- જય ભોલે :-

- વિજય વડનાથાણી..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ