વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સળગતા સ્વપ્ન

   *સળગતા સ્વપ્ન*

     અત્યંત ગરીબાઈમાં ઉછરેલી સંગીતા કેટલાય સોનેરી સ્વપ્ન લઈને સાસરે આવી હતી. વિપુલની આર્થિક સ્થિતિ પણ ઠીકઠાક કહી શકાય. સુરતમાં લોખંડના કારખાને નોકરી હતી, પગાર પણ કેટલો? આઠ હજાર !. વિપુલ ત્રણ ચાર છોકરાઓ ભેગો એક રૂમમાં પડી રહેતો, જમવાનું પણ એ લોકો વારાફરતી જાતેજ બનાવતા એટલે મોંઘવારી થોડી ઓછી નડતી.

      લગ્ન પછી સંગીતાને ગામડે મૂકી વિપુલ પાછો સુરત જતો રહ્યો, નવું નવું લગ્નજીવન ને નવોઢાના અરમાનો પડુ પડુ થઈ રહેલા ભીંતડાઓ વચ્ચે ધરબાયેલા પડ્યા રહ્યા હતા, અને સંગીતાની આ મનોદશા વલકુ ડોશીથી બિલકુલ છુપી નોહતી, એટલેજ એ સંગીતાને વારંવાર આશ્વાસન આપી સમજાવતા કે “તું ચિંતા નથ કર! આ વકતે વિપુલીયો આવે એટલે તને ભેગી લઈ જાય એમ કહી જ દેવાની છું.” ડોશીના મોઢે આવું સાંભળી થોડીવાર માટે સંગીતાના ગાલ શરમથી રાતા રાતા થઈ જતા અને વળી પાછું યાદ આવી જાય કે વિપુલ ક્યાં અહીંયા છે?

                રાત્રીએ શમણાના ઢોલીયે ઊંઘવાનો નિરર્થક પ્રયત્ન કરતા પડખા ફેરવ્યા કરતી સંગી વિચારે ચડી જાય, સંસારરૂપી અફાટ સાગરમાં જુકાવેલી એની  નૈયા હજીતો કિનારે જ છે, વિચારોના વમળમાં ફસાયેલી નાવડીને બહાર કાઢતા કાઢતા આંખ મીંચાઈ જાય અને સવારે ડોશી જગાડે ત્યારે ઊંઘ ઉડે. કેટલાય દિવસો આ રીતે વીતી ગયા.

          આજે અચાનક વહેલી સવારની બસમાં વિપુલ ગામમાં ઉતર્યો !  આખી રાત બસમાં મુસાફરી કરી ને વહેલી સવારે ઘરે પોહચેલા વિપુલ પરસાળમાં દાદી અને સંગીતાને સુતા ભાળ્યા, વિપુલના આવવાથી ડોશીની આંખ ઉઘડી ગઈ ડોશીએ ઓશિકા  તળેથી ચાવી કાઢી વિપુલને હાથમાં આપતા કહ્યું, “આવી ગયો દીકરા ! હજી અંધારૂ જ છે, ઘરમાંથી ખાટલો કાઢી લાવ ને આડો પડ !” વિપુલે થેલો અંદર મુક્યો અને  ફટાફટ ખાટલો પરસાળમાં ખેંચી લાવ્યો, ત્યાં સંગીતા પણ જાગી ગઈ હતી, અચાનક વિપુલને આવેલો જોઈ   હૈયામાં ધરબાયેલી લાગણીઓ ઉભરાવા લાગી.

         સંગીતાના ખાટલાની બાજુમાં ખાટલો ઢાળી વિપુલ આડો પડ્યો, પરણ્યાની પેહલી રાત્રીએ જોયેલા મુખ કરતા આજનું મુખ એને નિસ્તેજ લાગતું હતું, પરંતુ ધીરે ધીરે એ ચેહરા પર લાલી આવતી તે અનુભવી શકતો હતો, ડોશી પણ જાણે બંનેને એકાંત આપવા માંગતા હોય એમ આજે રોજના કરતા વહેલા ખાટલો અવેરી લીધો અને દાતણ લોટો લઈ વાડોલી બાજુ ચાલ્યા ગયા.

          “પરમ દિવસે ફોન કર્યો તોયે તમે કહ્યું નઈ ને કે આવવાના છો!” સંગીતાએ રીસાવાનો ડોળ કરતા કહ્યું.

“અરે ગાંડી પારકાના ફોન પર કેટલી વાતો થાય?, અને આમેય મારૂ કઈ આવવાનું નક્કી જ નોહતું, આતો બે દિવસ પેહલા શેઠિયાએ પગાર કર્યો, અને ! એને કઈક રેડ પડી છે, એટલે હમણાં આ અઠવાડિયું બધા કામદારોને રજા આપી દીધી, એટલે આપડે સીધી બસ પકડી લીધી.”

“તમને ત્યાં મારા વગર ગમે છે?”

“ગમતું તો નથી પણ શું કરૂ? આટલા પગારમાં ક્યાં આપણું પુરૂ થાય?” સંગીતાને એકદમ પોતાની તરફ ખેંચતા વિપુલે કહ્યું.

“બા તો કેહતા કે આ વખતે વિપુલને કહું છું કે તને સાથે લેતો જાય.”

“બસ હવે પછી વાતો કરશું, કેટલા દિવસ થયા, તને ખબર છે ને?”

વળતા જવાબમાં  સંગીતાએ ખામોશી પસંદ કરી....

        બે ત્રણ દિવસ સુધી આજુબાજુના સ્થળોએ બંને ખૂબ ફર્યા, અને ચોથા દિવસે વિપુલના શેઠિયાનો ફોન આવ્યો અને કામે પરત ફરવા જણાવ્યું. સંગીતા નિરાશ થઈ ગઈ, ડોશીએ વિપુલને કહી પણ જોયું હતું કે સંગીતાને સાથે લઈ જાય પરંતુ તરત ત્યાં વ્યવસ્થા કરવી વિપુલમાટે મુશ્કેલ હતી.

         સાંજે તે લુણાવાડા વાળી બસમાં બેઠો, ત્યાંથી જ સુરતની બસ મળે, વિપુલ લુણાવાડા ઉતર્યો ત્યાં એને એનો દોસ્તાર ચિરાગ મળ્યો.

“કઈ ખરીદી કરવા આવેલો કે શું?” ચિરાગે પૂછ્યું.

“ના યાર સુરત જાઉં છું.”

“અલે તું તો રોકાવાનો હતો ને?”

“અરે યાર રોકાવું તો હતું પણ શેઠનો ફોન આવ્યો, જવું જ પડે એમ છે, તારી ભાભીને એક ફોન લઈ આપવો હતો પણ હવે અચાનક જ નીકળવાનું થયું, એટલે હજીય તારા ફોન થી વાત કરવી પડશે.” વિપુલે કહ્યું.

      સંગીતા પાસે મોબાઈલ નોહતો, એટલે ઘણી વખત ચિરાગ એના ઘર પાસેથી નીકળે તો તે ચિરાગને કહે “તમારા ભાઈને મિસકૉલ કરો ને,” અને ચિરાગને ઉતાવળના હોય તો મીસકોલ કરે, એટલે વિપુલનો કૉલ આવે અને થોડીવાર સંગી સાથે વાત થાય, બીજાનો ફોન હોવાથી સંગીતાને કે વિપુલને વધુ વાત કરવા મળે નહીં એટલે આ વખતે વિપુલે સંગીતાને ફોન લઈ આપવાનું નક્કી કર્યું હતું.

“એમાં સુ યાર, મને તો કઇ વાંધો નથી, અને તારે ફોન લઇજ આપવો હોય તો ચાલ આપણે લઈ આવીએ, હું ભાભીને પહોંચતો કરી દઈશ.” ચિરાગે કહ્યું.

“તારી વાત સાચી છે, ચાલ લઈ જ લઈએ ફોન.”

બંને મિત્રો માલવણીયા મોબાઈલ શૉપ પર ગયા અને ચાર હજાર રૂપિયાનો રેડમી ફોર એ ફોન પસંદ કર્યો, વોડાફોનનું સીમ લીધું.

             મોબાઈલ અને સિમ ચિરાગ સાથે મોકલી વિપુલે સુરતની બસ પકડી, આ બાજુ પોણા સાત વાળી બસ પકડી ચિરાગ ગામડે આવ્યો. અને આવ્યો એવો સીધો વિપુલના ઘરે ગયો, વલકુમાં એ કહ્યું “ભાઈ વિપુલ તો જતો રહ્યો, એને મળવા આયો સી કે પછી એનો ફોન  આયો સ?”

“અરે ના બા! વિપુલે સંગીતા ભાભી હારુ મોબાઈલ મોકલ્યો સ, તે મી કું આલતો જવ.” ચિરાગે જવાબ વાળ્યો.

        એટલામાં જ સંગીતા બહાર આવી, ચિરાગે થેલામાંથી મોબાઈલ કાઢીને આપ્યો, થોડીવાર બેસીને સંગીતાને ગૂગલ આઈડી બનાવી આપ્યું, થોડી ઍપ ઇન્સ્ટોલ કરી આપી, મોબાઈલના ફીચર સમજાવ્યા, અને કહ્યું “હેડો ભાભી હવે તમારે તો કામ થઈ જ્યૂ, કૉક દન અમારા ફોનને બાને આવતા તે બે ઘડી હારુ લાગતું, પણ અવ તો તમારે ય ફોન આઇજયો, હારુ આવજો તાણી.” એમ કહીને ચિરાગ ઉભો થયો.

“અરે પણ ચિરાગભાઈ તમારો નમ્બર તો નાખતા જાવ આમાં! મને કશો ગમ ની પડે તો તમને કૉલ કરે.” સંગીએ કહ્યું, અને ચિરાગે જતા જતા એનો નંબર એડ કરી આપ્યો, અને અન્ય નંબર એડ કેમ કરવા એ શીખવ્યું.

            હવે સંગીતાને શાંતિ હતી તે કલાકો ના કલાક સુધી વિપુલ સાથે વાતો કરતી, હવેતો વીડિયો કૉલ પણ આવડી ગયો તો. વલકુ ડોશીએ પણ નોંધ લીધી કે સંગી પેલના કરતા વધારે ખુશ દેખાય છે.

         એકાદ મહિનો ફોન પર વાતો કરીને ખુશ થયેલી સંગીતાને આજે વિપુલે વધુ એક ખુશખબરી આપી.

“સંગી હોભળ! સુરતમાં હરિનગર બાજુ એક રૂમ જોઈ લીધી છે, કાલે બૉનું પણ આપી દેવાનો સુ, અને કાલ રાતની બસમાં બેહે તે ઘેર આવે, બે દાડા જે લેઇ જવું હોય એ લુણાવડાથી લઈ આવહુ,  પસી આપડે સુરત જહુ.”

         સંગીતાના બધા સપના સાચા થવા જઈ રહ્યા હોય એવું એને લાગી રહ્યું હતું, જીવનમાં ક્યારેય ન જોયેલા સુરતની સુરત મનમંદિરમાં ગોઠવવા પ્રયત્ન કરી રહી હતી, વિપુલના મોઢે સાંભળેલું કે પાંચ લુણાવાડા ભેગા કરીએ એવડું મોટું છે સુરત, આવા મોટા શહેરમાં એને જવા મળશે એ વિચારમાત્રથી એ પ્રસન્ન થઈ ગઈ હતી, તો વળી વલકુ માં એકલા પડી જશે એ વિચારે થોડી દુઃખી પણ થઈ ગઈ.

       ઉત્સાહમાં આવીને ડોશીને તેણીએ ખબર આપી, “બા વિપુલે સુરતમાં રૂમ રાશી લીધી! કાલે આવવાનો છે, આ વખતે તને લઈ જઈશ એમ કહેતો.”

“ મારા સતા તને ચેવો લઈ જાય હું ય જોવું સુ, મી આવા દન જોવા એને મોટો કરીને પેણાયો કે મને એકલી મેલીને બાયડીને લઈને જતો રહે.” ડોશી બબડયા.

       સંગીતાને થયું કે ‛આ ડોશીને વળી શુ થયું પેહલા તો કહેતી કે હું વિપુલને સમજાવીશ તને લઈ જાય અને હવે હું કામ વિફરી હશે?’

એનો ઉદાસ ચહેરો જોઈ ડોશી હશ્યા, “છોરી તું ચિંતા નથ કર હું તો અમથી કરૂ. (મજાક કરું છું)”

સંગીતા હસતી હસતી રોટલો કરવા ઘરમાં પેઠી, અને ડોહી વાડોલીમાં મરચા વીણવા ગયા.

        બીજા દિવસે વહેલી સવારે વિપુલ આવ્યો, પણ આજે સંગીતાને એ દિવસ જેવી તાલાવેલી નોહતી! એને હવે સુરત જ દેખાતું હતું, ગઈ વખત જેવો ઉમળકો ન દેખાતા વિપુલને સહેજ વહેમ પડ્યો, પણ એણે ઉજાગરો પૂરો કરવા ઉંઘવાનું જ મુનાસીબ માન્યું.

         મોડેથી જાગ્યો, અને જોયું તો ડોશી કે સંગીતા કોઈ ઘરમાં નોહતા, બારીમાં જઈ દાતણ કરી ઘરમાં આવ્યો અને જોયું તો સંગીતના ફોનમાં લાઈટ પડતી હતી, એ મનોમન બબડ્યોય ખરો, “આ મારી ઠેહીની ફોન લૈયાલ્યો તોયે હું કૉમનો? ઑમજ ફોન મેલીને જતી રે તો.” એમ કરીને ફોન હાથમાં લીધો, અને ફોનમાં જોયું તો ચિરાગના પંદર મીસકૉલ પડ્યાતા, મોબાઇલની આખી કૉલ હિસ્ટ્રી જોઈ તો ઓતરા દિવસે ચિરાગનો ફોન રિસીવ થયેલો જોયો, એણે જોયું તો કલાકો સુધી વાતો થયેલી હતી, તે મનમાં સમસમી ઉઠ્યો.

         ગુસ્સામાંને ગુસ્સામાં તે પોતાનો પિત્તો ગુમાવવા લાગ્યો, જો સંગીતા પાસે હોત તો તેરમાં દને એનો ખાટલો કાઢવો પડત એ નક્કી, એટલા જ ગુસ્સામાં તે સંગીતાનો ફોન ગજવામાં ગાલીને ગામમાં જવા નીકળ્યો.

                 ગામના છેડે આવેલા દુધેસ્વર મહાદેવના મંદિરે ચિરાગને એકલો બેઠેલો ભાળી એની પાસે ગયો, 

તેણે જોયું તો ચિરાગ સહેજ ગભરાયેલો લાગતો, એની શંકા દ્રઢ બની, અને તે ચિરાગ પર તાડુક્યો “તારા જેવા દોસ્તાર ઑય તો દુશ્મનની હું જરૂર છે? તની આખા ગૉમમો બીજું કોઈની મળ્યું તે મારા ઘેર જ નજર નાશી.” ગુસ્સામાં વિપુલ મોટે મોટેથી બોલવા લાગ્યો.

     “તારી કોઈ ગલતફેમી થાય છે વિપુલ, તું ઊંધું હમજીસી.”

“અરે જાજા ઉંધા વાળી, એ દન એટલે જ ઉ મોબાઈલ લેતો જે, એમ કેતો તો.” અને એમ કહીને ચિરાગની ફેટ પકડી.

ચિરાગ ફેટ છોડાવવા ગયો ત્યાં વિપુલને ઘુસો વાગ્યો, અને ધક્કે વિપુલ પડી ગયો, બસ પછી તો ઉભો થતા જ કમરે થી કાઢત કરીને ચિરાગના પેટમાં છરી હુલાવી દીધી, ઉપરા ઉપરી આઠ દસ ઘા મારી દીધા. ચિરાગ ત્યાં જ ઢળી પડ્યો, પગ વડે એને હડસેલી બોલ્યો “ચિંતા નથી કરો બેટમજી, એ રાંડ ને પણ મોકલું જ સુ જોડે, ઉપર જોડે બેહી ને વાતો કરજો મોબાઇલની જરૂર પણ નહીં પડે.”

             એટલામાં જ ગામના રમેશ ધૂળાની છોરી પારૂલ ત્યાં આવી, એને જોઈ વિપુલ છરી ફેંકતા ક ને નાઠયો, પારૂલે રાડીયારાડ કરી મૂકી, માધેવ ની આજુબાજુના ખેતરોમાંથી કામ કરતા લોકો દોડી આવ્યા, એક જણાએ જોયું તો ચિરાગનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું, એણે ફટાફટ એકસો આઠ અને પોલીસમાં ફોન કર્યો.

           પોલીસ આવીને ચિરાગની લાશનો કબજો કર્યો અને પીએમ માટે મોકલી આપી, અને આખા ગામમાં બંદોબસ્ત મૂકી દીધો. વિપુલથી હવે ઘેર જવાય એમ નોહતું, રાત સુધી તો વાડમાં જ ભરાઈ રહ્યો, મોડી રાત્રે દબાતા પગલે ઘર ભણી આવ્યો એણે જોયું કે એક હવલદાર એના ઘર આગળ પહેરો ભરતો હતો, કરે કરે લપાતો એ ખણખાર ન થાય એમ પડહારમાં દાખલ થયો, સંગીતા અને વલકુડોશી બેય જાગતા મડદા જેવા ખાટલામાં પડ્યા હતા, બેયના મનમાં એક જ પ્રશ્ન હતો કે એવું તો શું થયું કે આને ચિરાગની હત્યા કરવી પડી હશે? ત્યાં ડોશીની નજર વિપુલ પર પડી અંધારામાં ઓળખાયો નઈ એટલે ડોશી મોટેથી બોલી “ચિયો સ લે?” વિપુલ પાસે ગયો અને બોલ્યો “ચૂપ મર ડોહી! તારો હગલો બાયણે ઉભો સ.” એ ઝડપભેર સંગીતા પાસે ગયો, સંગીતાની ગળચી પકડી બળ કરતા બોલ્યો “એક વાર તનેય એ હરામી પાસે મોકલી દવ પછી આખી જીંદગી જેલમાં કાઢે તોયે ઓધો નથી.”

       સંગીતાનો શ્વાસ રૂંધાતો હતો તે તરફડીયા મારતી હતી, તેને જોઈ ડોશીએ બુમાંબુમ કરી ને બહાર થી પોલીસવાળો દોડતો આયો, એને જોઈ વિપુલ ભાગવા ગયો પણ પોલીસે પકડી લીધો, પોલીસવાળા એ બે અડબોથ ચડાવી બોચીમાં ટાંટિયો મૂકી વજન આપ્યું અને હાથકડી લગાવી દીધી.

        ગામના લોકો ધીરે ધીરે જમા થઈ રહ્યા હતા, પોલીસ એને લઈ જવાની તૈયારી કરતી હતી ત્યાં ચિરાગના બાપાએ ઉભા રાખ્યા, વિપુલને બે જાપટ ચડાવીને પૂછ્યું.

“મારા સૉરા એ તારૂ હુ બગાડ્યું તું ફાડયા?”

“પારકી બાયડી પર નજર બગાડે એની આજ વલે થાય, અજી આ જીવતી સ એનો અફસોસ સ બાકી તમારો જણ્યો તો જ્યો કાકા.” વિપુલે જવાબ આપ્યો.

        હવે સંગીતાને લાઈટ થઈ એ દોડીને વિપુલ પાસે ગઈ, તેણીએ પણ ચાર પાંચ ચડાવી દીધી અને બોલી!

“તને આવું કણે કેયું?”

“અરે કુણ કે? તારો ફોન જો! કલાકો સુધી તારા ધણી સાથે લહોટતી એ દેખાઈ આવે છે,આજેય પંદર ફોન આયતા, બેટમજીને ખબર ની ઑય કે હું આઈ જ્યો સુ.” વિપુલે કહ્યું.

“અરે રોયા! મારી કને ફોન નતો ત્યારે તું ચેવો ચિરાગના ફોન પર ફોન કરતો, એમ આ પારૂલને ચિરાગ ગમતો! તે એ મારા ફોનથી વાતો કરતી, મને પુસવા તો રતો બિચારા નિર્દોષને મારી નાશ્યો.”

         સંગીતાના મોઢે આ વાત સાંભળી વિપુલ ત્યાં જ ફસડાઈ પડ્યો, ચિરાગના પપ્પાની ને ગામની માફી માંગવા લાગ્યો પણ ઘટના તો ઘટી ગઈ હતી. એની ભૂલનું પરિણામ સંગીતા અને વલકુ ડોશી ભોગવી રહ્યા હતા, સંગીતાનું માનસિક સંતુલન થોડું બગડ્યું હતું. ગામમાં કોઈ એમને બોલાવતું નોહતું, અને ગામમાંથી સુરત વાળી બસ જેવી નીકળે સંગીતા પથરો લઈને એ બસ પાછળ દોડતી અને બસ આગળ નીકળી જાય એટલે ત્યાંને ત્યાં બેસી પડતી. ડોશી એને સમજાવતા સમજાવતા ઘેર લઈ આવતા.


    લેખક:- મેહુલજોષી (બોરવાઈ, મહીસાગર)

9979935101

લખ્યા તા:- 27082020074500




             



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ