વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધૂરી કવિતા

અધૂરી કવિતા 

હાથ પ્રસારી ઉભી છે ખુશીઓ
તવ નૂતન જીવન કાજ, 
અટવાય શાને અતીતના અંધારે? 
એક ડગલું તો માંડ!

ચાલ શોધવા જઈએ આપણે
ખોવાયો જે ઝાંઝરનો રણકાર,
કે પછી ગમશે તને    
નવલો કોઈ શણગાર?

પ્રીત મારી ખૂટશે નહિ, 
છો ને થાય કસોટી હજાર
તું હોય ભલે જળ ઝાંઝવાનું
મુજને ચાતક તણી પ્યાસ...

વરસ વરસ હવે તો વરસ, 
છોડ ખોટી મરજાદ
આકાશે પણ મર્યાદા મૂકી
તને શો છે સંતાપ?

પોતાના ફેવરિટ લેખકની નવી રચનાનું નોટિફિકેશન જોઈ અનોખી મૂડમાં આવી ગઇ. હાથમાં રહેલો ભીંડો અને છરી નીચે મૂકી તેણે ફટાફટ એ રચના ખોલી. આ વખતે એક કવિતા હતી. તેણે વાંચી... બે વાર.. ત્રણ વાર... પણ કંઇક અધૂરુ લાગ્યું. છેવટે કમેન્ટ કરી જ દીધી... સુંદર રચના, પણ અધૂરી લાગી!!!

તેના આશ્ચર્ય વચ્ચે તરતજ સામો રિપ્લાય આવ્યો - હા, અધુરું તો છે... પણ આગળ કંઇ સૂઝ્યુ જ નહિ!

ઓહ! આટલા મોટા ગજાના લેખક અને આટલા ડાઉન ટુ અર્થ! આટલી જલ્દી રિપ્લાય પણ કરી દીધો! અનોખી ખુશ થઇ ગઇ. ત્યા ઘડિયાળમાં નજર પડી એટલે મોબાઈલ સાઇડ પર મૂકી ફરી ભીંડો હાથમાં લીધો. તેના હાથે સ્પીડ પકડી... અને સાથે મગજે પણ! નજર સામે શબ્દો વિસ્તરી રહ્યા - આગળ કંઈ સૂઝ્યું જ નહિ... બસ, મનમાં કાવ્ય પંક્તિઓ ઘુમરાવા માંડી અને બધો ભીંડો સમારાઈ જાય એ પહેલાં તો આગળની પંક્તિ મનમાં બેસી ગઇ. તેણે ફટાફટ એક કાગળમાં એ લખી લીધી અને ફરી કમેન્ટ કરી - હું આગળ વધારી શકું આ કવિતા... તમારી મંજુરી હોય તો...

સવારની સાંજ પડી. તે વારેઘડીએ મોબાઈલ ચેક કરતી રહી પણ કોઈ રિપ્લાય ન આવ્યો. એકવાર તો વિચારવા મંડી કે ક્યાંક કંઈ કાચુ તો નથી કપાયુ ને? આ રીતે કોઇની અધૂરી રચના પૂરી કરવાની પરવાનગી માંગવી... યોગ્ય કહેવાય ખરું? મેં કંઈ ખોટું તો નથી કર્યું ને? રાત્રે સૂતી વખતે ફરી એક વાર ચેક કર્યું, પણ...

નેટ બંધ કરી તે સૂઈ ગઈ. સવારે ફરી નેટ ચાલુ કર્યું તો રિપ્લાય હતો.. - જો યોગ્ય લાગે તો મને વોટ્સેપ મેસેજ કરો. મારો નંબર છે _____________. ઓહ! હવે શું કરવું? અજબ અસમંજસ હતી. સવારનુ કામ પરવારતા સાડાદસ થઈ ગયા. નાનકીને સ્કૂલે લેવા જવાને હજુ અડધો કલાકની વાર હતી. તેણે ફોનમાં પહેલા તો નંબર સેવ કર્યો. પછી મેસેજ ટાઇપ કર્યો- હાઇ

મેસેજ મોકલવાની હિંમત ન થઇ. એમજ મોબાઈલ બંધ કરી મૂકી દીધો. ગડમથલ વધતી જતી હતી. આ એક મેસેજ ના ભવિષ્યમાં શુ પ્રત્યાઘાત પડી શકે? બસ સતત એકજ વિચાર... ફરી મોબાઈલ અનલૉક કર્યો અને સ્ક્રીન તરફ તાકી રહી. આમજ સમય પસાર થઇ ગયો. સ્કૂલ જવાનો સમય થઇ ગયો. તેણે માથુ ઝટકાવી બધા વિચારો ખંખેરવાનો વ્યર્થ પ્રયાસ કર્યો અને પહોંચી ગઇ નાનકીને લેવા.

આખો દિવસ વિચારવામાં કાઢ્યો. અંતે રાત્રે સૂતા પહેલા મેસેજ મોકલી જ દીધો અને તરત જ નેટ બંધ કરી દીધું. સૂવાની વ્યર્થ કોશિશમાંજ રાત પસાર થઈ ગઈ. ફરી સવાર પડી અને ફરી દોડધામ ચાલું. પણ વચ્ચે વોટ્સેપ ચેક કરી લીધુ. હતા, ઘણા મેસેજ હતા... સાથે એ ખાસ નંબર પરથી પણ મેસેજ હતો. ઓહ! હ્રદય એક ધબકારો ચૂકી ગયું. ચિત્ત ત્યાંજ ચોંટી ગયું. પણ પરવાર્યા પહેલા તો મોબાઈલ લઇને બેસાય નહી...

ઝડપથી બધું કામ આટોપી તેણે વોટ્સએપમાં એ ખાસ નંબર પરથી આવેલ મેસેજ ચેક કર્યા. ધડક... ધડક... એક એક મેસેજે તેના હ્રદયના ધબકારા વધતા જતા હતા. તેના એક "હાઇ" ની સામે પૂરા પાંચ મેસેજ આવ્યા હતા. 

"હેલો. "
"તમારો તો પરિચય નથી, પણ તમારા નામને સારી રીતે ઓળખું છું. "
"મારી દરેક રચના પર તમારી કમેન્ટ તમારા નામ જેવી જ અનોખી હોય છે. આવી સુંદર કમેન્ટ મારી કલમને લખવાનું બળ પૂરું પાડે છે. "
"તમે પણ લેખક છો? "
"તમે જરૂર એ અધૂરી રચના પૂરી કરવાની કોશિશ કરી શકો. પણ પહેલા મને અહીં જણાવશો, પછી આગળ વધશો. "

" ઓહ! કેટલા મિતભાષી! કેટલા ડાઉન ટુ અર્થ! "

અનોખી વિચારમાં પડી, ત્યાજ મોબાઇલનું રિમાઇન્ડર રણકી ઉઠ્યું અને તે નાનકીની સ્કૂલે જવા માટે રવાના થઈ. આખા રસ્તે મનમાં એ લેખક અને એમની અધૂરી કવિતા જ છવાયેલા રહ્યા... સાથે એમના શબ્દો પણ- તમે એ અધૂરી કવિતા પૂરી કરી શકો છો. ફરી વિચારોનો વંટોળ ઘેરી વળ્યો. શું કરવું? આગળ વધવું કે નહી? સુનિલનો સ્વભાવ! એને કેવી રીતે સમજાવશે? ભારે મનોમંથનને અંતે તેણે પોતે રચેલી પંક્તિ એ ખાસ નંબર પર વોટ્સએપ કરી જ દીધી. સામે જવાબમાં ઘણા બધા સ્માઇલી આવ્યા. અને ફરી એ જ લેખકની નવી રચનાનું નોટિફિકેશન પણ આવ્યું. ઓહ! એક મીઠી ધ્રુજારી આખા શરીરમાં વ્યાપી ગઈ. તરત જ તેણે એ રચના વાંચી અને તેના ચહેરા પર એક મીઠું શર્મીલું સ્મિત આવી ગયું. અદ્દલ એવું જ, જેવું સુનિલ સાથેની પ્રથમ મુલાકાત વખતે...! એ લેખકે પોતાની અધૂરી કવિતામાં અનોખીએ લખેલી પંક્તિ ઉમેરી દીધી હતી... એ પંક્તિ માટે અનોખીને સ્પેશ્યલ ક્રેડિટ પણ આપી હતી. આ ક્ષણ-એની અનુભૂતિ કંઇક અલગ જ હતી, એકદમ અનોખી હતી. 

સાગર... માત્ર સાગર, કોઇ અટક નહિ, કોઈ તખલ્લુસ નહિ, બસ, સાગર... હા, આ જ નામથી એ વિખ્યાત લેખક પોતાની રચનાઓ પ્રસ્તુત કરતા હતા. એમનો કોઈ ફોટો કે એમનો અવાજ સુદ્ધાં કોઈને જ્ઞાત નહોતો. પણ હવે સિનારીયો થોડો બદલાયો હતો. સાગર સિવાય અનોખી એકમાત્ર એવી વ્યક્તિ હતી જે જાણતી હતી કે સાગર એનું અસલી નામ નથી. સાગર તો પોતાના લખાણ દ્વારા અર્જિત કરેલ ઓળખ હતી. બાકી તેનું સાચું નામ તો હજુ અનોખી પણ નહોતી જાણી શકી! 

વાંચનના શોખને કારણે ધીમે ધીમે અનોખી સાગર સાથે વોટ્સએપ પર સાહિત્ય વિષયક ચર્ચા કરતી થઈ હતી. અને એક દિવસ એવો આવ્યો કે અનોખીએ જાતે લખેલી વાર્તા સાગર સાથે શેર કરી. સાગરે તેમાં કેટલાક સુધારા સુચવ્યા. અનોખીને પણ એ યોગ્ય લાગ્યા એટલે એ સુધારા સાથે ફરી વાર્તા લખી. આ વખતે સાગરે વખાણ કર્યા અને એ જ ઓનલાઈન પ્લેટફોર્મ પર પબ્લિશ કરવા કહ્યું જ્યાનો એ સ્ટાર લેખક હતો. 

થોડી ગભરામણ, થોડી કશ્મકશ અને સુનિલ નામના બહુ મોટા ડરને અતિક્રમીને સાગરની સમજાવટથી આખરે એ વાર્તા તેણે પબ્લિશ કરી જ દીધી. હવે નવી વાર્તાની સાથે સાથે પોતાની વાર્તા પર આવેલ કમેન્ટની નોટિફિકેશન પણ આવવા માંડી. એક અજબ નશો ચડતો હતો અનોખીને. હવે તો લખવાનું ઘેલું લાગ્યું હતું. સુનિલની ગેરહાજરીમાં, કામ વચ્ચે સમય ચોરી તે થોડું ઘણું લખતી રહેતી. સાગર તેના લખાણને મઠારતો રહેતો. અને એક પછી એક રચનાઓ પ્રકાશિત થતી રહેતી. હવે તો તે પણ સ્ટાર લેખક બની ગઈ હતી. આ બધાનો શ્રેય તે પેલી અધૂરી કવિતાને આપતી. 

પરંતુ, એક દિવસ તેના જીવનમાં ધરતીકંપ લઈ આવ્યો. તેનું આખું અસ્તિત્વ હલબલી ગયું. કોઇ દિવસ નહિ ને આજે પહેલીવાર સાગરનો મેસેજ તેના ચહેરા પર સ્મિત ન લાવી શક્યો. 

"કેન વી મીટ? "

ટુંકો ને ટચ મેસેજ પણ અનોખીનાં ચહેરાનો રંગ ઉડી ગયો. ક્યાંક એ અધૂરી કવિતા પૂરી કરીને તેણે સાગરને કોઈ ખોટો મેસેજ તો નથી આપ્યો ને? શું જવાબ આપવો, એની અસમંજસમાં હતી ત્યાંજ ઓફિસ જવા નિકળેલ સુનિલ નીચેથીજ પાછો આવ્યો. તે કદાચ કોઈ ફાઇલ ભૂલી ગયો હતો. પણ ડાઇનિંગ ટેબલ પાસે ઉભેલી, વિસ્ફારિત નયને મોબાઈલ તરફ તાકી રહેલી અનોખીને જોઇ તેને નવાઇ લાગી. એકદમ શાંતિથી, બિલકુલ અવાજ ન થાય એ રીતે સુનિલ અનોખીની પાછળ પહોંચી ગયો અને એ મેસેજ વાંચી લીધો. એ સાથે જ તેના મનમાં સુક્ષ્મ સ્વરૂપે ખદબદતા શંકાનાં કીડાએ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. 

સુનિલ દરેક નાનીમોટી વાતે અનોખી પર શંકાનાં તીર ચલાવ્યે રાખતો. તેના આ જ સ્વભાવને કારણે અનોખીએ સાગર વિશે અને પોતાની લેખિકા બનવાની સફર વિશે સુનિલને અંધારામાં રાખ્યો હતો. ઉપરાંત તકેદારી સ્વરૂપે તે રોજ સાગર સાથે થયેલી બધી ચેટ ડિલીટ કરી દેતી. પણ આજે! કોઇ પણ ગુના વગર તે ગુનેગારનાં પાંજરામાં ઉભી હતી. સાગર ના વોટ્સએપમાં એક માત્ર મેસેજ હતો, "કેન વી મીટ? "

શંકાના વિરાટ કીડાએ સુનિલ પાસે એ દરેક ક્રિયા કરાવી જેનાથી અનોખી હંમેશા બચવાની કોશિશ કરતી. પણ આ વખતે સુનિલ બધી મર્યાદા ઓળંગી ગયો અને અનોખીની સહનશક્તિનો છેડો આવી ગયો. એના મનમાં દબાવી રાખેલો વિરોધનો જ્વાળામુખી ફાટ્યો અને સુનિલની નજર સામે જ, એના ચહેરા પર વેધક દ્રષ્ટિ જડી રાખી અનોખીએ ધ્રુજતા હાથે "હા" ટાઇપ કરી દીધું. સુનિલે ગુસ્સાના અતિરેકમાં અનોખીના હાથમાંથી મોબાઇલ ખેંચી બારીમાંથી બહાર ફેંકી દીધો. પછી અનોખી તરફ એક વિજયી સ્મિત કરી ઘરની બહાર નીકળી ગયો. 

અનોખી હજુય સ્તબ્ધ હતી. સ્થળ કાળનું ભાન ભૂલી તે ક્યાંય સુધી એમજ ઉભી રહી. થોડીવારે તેને નાનકીની સ્કુલે જવા માટે સેટ કરેલ રિમાઇન્ડર સંભળાયું. તે એકદમ ઝબકી ગઈ. જોયુ તો વોચમેન કાકા તેનો મોબાઇલ લઇ મેઇનગેટ પાસે ઉભા હતા. 

"મૈડમ, આપકા ફોન... શાયદ ખિડકીમૈંસે ગિર ગયા હોગા... "

ચહેરા પર હથેળી ફેરવી અનોખીએ થોડી વાર પહેલાં ઘટી ગયેલી દુર્ઘટનાનાં અવશેષો છુપાવવાની નાકામ કોશિશ કરી અને કાકા પાસેથી મોબાઈલ લઈ આભાર સાથે પચાસ રૂપિયાની નોટ પણ આપી. વોચમેન કાકા પણ ખુશ થઈ જતા રહ્યા. એ સારી રીતે જાણતા હતા કે એ પચાસ રૂપિયા શેની માટે હતા! 

નાનકીની સ્કુલે તે થોડી વહેલી પહોંચી હતી. બહાર રાહ જોતાં જોતાં તેણે ફરી સાગરનો મેસેજ જોયો. થેંક્સ ની સાથે એક હોટલનું સરનામું મોકલ્યું હતું. સમય સાંજનો લખ્યો હતો. અનોખીએ તરતજ મેસેજ કર્યો, 

"આપણે અત્યારે જ મળી શકીએ? "

મેસેજ મોકલી તે એકટક સ્ક્રીનને તાકી રહી. બે બ્લ્યૂ ટીક થઈ જવા છતાં હજુ કોઇ જવાબ નહોતો આવ્યો. ત્યાં બેલ વાગી અને સ્કૂલ છૂટી ગઈ. બધા છોકરાંઓ પાંજરામાંથી છુટ્યા હોય એમ દોડતાં દોડતાં બહાર નિકળવા માંડ્યા. ટીચર્સની ટીમ મહામહેનતે તેમને એક લાઇનમાં રાખી શિસ્ત જાળવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ હવે કોણ સાંભળે? એમાંય, કાલથી તો વેકેશન. 

એકસરખા યુનિફોર્મ વચ્ચે પોતાની નાનકીને રોજની આદત પ્રમાણે તેણે સહેલાઈથી ઓળખી લીધી. નાનકીનો હાથ પકડી તે એક સાઇડ ઉભી રહી ગઈ. ફરી મોબાઇલમાં સાગરના વોટ્સએપમાં કોઇ મેસેજ છે કે નહી તે ચેક કરવા માંડી. નાનકી પણ નવાઇથી અનોખી સામે જોઇ રહી. 

"આ મમ્મીને આજે થયું છે શું? રોજ ઘરે જવાની ઉતાવળ હોય અને આજે સાઈડમાં ઉભા રહીને ફોન ચેક કરે છે? "

તેણે એકવાર પૂછ્યું પણ ખરૂં કે મમ્મા, ઇઝ એવરીથીંગ ઓકે? પણ જવાબ ન મળ્યો,એટલે તેણે ચૂપચાપ જોયે રાખવાનું નક્કી કર્યું. અનોખીનાં ચહેરા પર અજંપો સ્પષ્ટ જોઈ શકાતો હતો. હજુ પણ સાગરનો જવાબ નહોતો આવ્યો. તેણે હિંમત કરી કોલ કર્યો. સામે છેડેથી જે સંભળાયું તેનાથી અનોખીનાં હોંશ ઉડી ગયા. 

"હેલો, સાગર? હું અનોખી. " 

"હેલો અનોખી. થેંક્સ ફોર કોલીંગ."

એક પ્રભાવશાળી અવાજ સંભળાયો. એ અવાજનાં આધારે અનોખી મનોમન એ અવાજનાં માલિકની છબિ ઘડવા માંડી. 

"તમે અત્યારે એમ. કે. હોસ્પિટલ આવી શકો? તમને જે રેસ્ટોરન્ટનું એડ્રેસ મોકલ્યું છે એની બાજુમાં જ છે."

 "હા. પણ હોસ્પિટલ? કેમ? ઇઝ એવરીથીંગ ઓકે. "

હોસ્પિટલનું નામ સાંભળીને જ અનોખી થોડી ગભરાઇ ગઇ. પણ સામેથી વધુ કંઈ જણાવવાને બદલે હોસ્પિટલ પહોંચવાનો આગ્રહ ચાલુ રહ્યો એટલે તેણે નમતું જોખ્યું અને હામી ભરી તરતજ એક્ટીવાને સેલ માર્યું. એમ. કે. હોસ્પિટલ શહેરનાં બીજા છેડે હતી. પહોંચતા પૂરી પોણી કલાક થઈ. આટલા સમયમાં કેટલાંય વિચારોની આવન જાવન થઈ ગઈ. સુનિલ તો હવે ક્યાંય ખોવાઇ ગયો હતો અને દિમાગનો સંપૂર્ણ કબજો સાગરે લઈ લીધો હતો. 

હોસ્પિટલનાં પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરી, નાનકીનો હાથ પકડી તે ઉતાવળે રિસેપ્શન તરફ દોડી ગઇ. રિસેપ્શન પર થોડી ભીડ હતી, એટલે તેના પગને બ્રેક લાગી ગઇ અને જીભને ગતિ મળી. 

"મિ. સાગર? "

રિસેપ્શનીસ્ટે પ્રશ્ન સૂચક દ્રષ્ટિએ અનોખી સામે જોયું અને નકારમાં માથું હલાવ્યું. 

"સાગર નામનું કોઈ પેશન્ટ એડમિટ નથી. "

હવે અનોખી વધુ પરેશાન થઈ ગઈ. તેના હાથમાં પકડાયેલો નાનકીનો હાથ થોડો વધુ ભીંસાયો એટલે સિસકારો બોલાવી તેણે હાથ છોડાવી દીધો. એટલી વારમાં એક પાંત્રીસેક વર્ષનો હેન્ડસમ હંક તેની પાસે આવી બોલ્યો, 

"એક્સક્યુઝ મી, તમે જ અનોખી? "

"હા. અને તમે સાગર? "

અનોખીને એક હાશ થઈ. સાગર તેની નજર સામે સહી સલામત હતો. કદાચ કોઇ સગાને એડમિટ કર્યા હશે એટલે... 

"જી ના. હું સાગર નથી. માયસેલ્ફ અવિનાશ. અવિનાશ લખોટિયા. "

રીમલેસ ચશ્મામાંથી દેખાતી તેજસ્વી આંખો સામે અનોખી અચરજથી તાકી રહી. 

"તો પછી સાગર...? ફોનમાં તમેજ વાત કરી હતી ને? "

"જી. ફોનમાં મેં જ વાત કરી હતી. બટ, આઇ એમ નોટ સાગર. ચાલો, હું તમને સાગર પાસે લઈ જાઉં. "

અવિનાશ લીફ્ટ તરફ આગળ વધ્યો એટલે અનોખી ફરી નાનકીનો હાથ પકડી તેની પાછળ દોરવાઇ. નાનકીને તો કંઈ સમજાતું જ નહોતું. તેની મમ્મીના ચહેરા પરનો કારણ વગરનો મેકઅપ તેને એટલું તો સમજાવી જ ગયો હતો કે આજે ફરી પપ્પાએ... પણ કોઇ દિવસ નહીં ને આજે ઘરે જવાને બદલે આમ ડાયરેક્ટ કોઇ અજાણ્યા સાથે ફોન પર વાતચીત અને આટલી દૂરની હોસ્પિટલ દોડી આવવું... પછી તેના નાનકડા મગજને વધુ તસ્દી આપવા કરતાં જે થાય તે જોયે રાખવાનું તેણે મુનાસિબ માન્યું. આમપણ મમ્મા તેની કોઈ વાતનો જવાબ તો આપતી નહોતી, તો પછી... બેટર વેઇટ એન્ડ વોચ. 

લીફ્ટ ચોથા માળે ઉભી રહી ત્યાં સુધી ત્રણેય મગજ અલગ અલગ વિચારોમાં રોકાયેલા રહ્યા અને જીભને આરામ મળી રહ્યો. લીફ્ટનો દરવાજો ખૂલતાંજ અવિનાશ ડાબી બાજુના ત્રીજા રૂમ તરફ અગ્રેસર થયો. તેણે દરવાજો ખોલ્યો એટલી વારમાં અનોખી પણ નાનકી સાથે પહોંચી ગઈ અને અવિનાશે ખોલીને પકડી રાખેલા દરવાજામાં પ્રવેશી ગઈ. અવિનાશે પકડ છોડી દીધી એટલે ડોર ક્લોઝરે પોતાની ફરજ નિભાવી. એ સાથે જ એસીની કૃત્રિમ ઠંડક એ ત્રણેયને ઘેરી વળી. 

અનોખીની નજર સામે રહેલા બેડ પર ગઈ. એક વૃદ્ધ અશક્ત શરીર, અદ્યતન મશીનો અને કેટલાય સેન્સરોથી ઘેરાયેલું હાડકાંનું માળખું, જાણે કે ખૂટી રહેલા શ્વાસોને એકત્રિત કરી કેટલીક ક્ષણો જિંદગી લંબાવવાની જંગ ખેલતો યોદ્ધો... અનોખી અપલક એને જોઇ રહી. 

"સાગર..." 

અવિનાશનો અવાજ કાને પડ્યો એટલે અનોખી વર્તમાનમાં ખેંચાઈ આવી. તેણે અવિનાશ સામે જોયું. તેની નજરમાં ભારોભાર અવિશ્વાસ હતો. અવિનાશે તેને બેડની બાજુમાં રહેલી ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. એ સાથે જ કહેવાનું શરૂ કર્યું.. 

"મીટ મિ. સાગર. ધ સાગર. મારા દાદા, મારા ગુરુ. છેલ્લા છ મહિનાથી આવીજ સિચ્યુએશનમાં છે. કોઇ સુધારો નથી. ડોક્ટરે પણ જવાબ આપી દીધો છે. "

અવિનાશનો અવાજ ગળગળો થઈ ગયો. અનોખીની નજરમાં હજુ પણ એ અવિશ્વાસ અંજાયેલો હતો.. 

"યુ મીન, છેલ્લા છ મહિનાથી આ... આ... સાગર આવી સિચ્યુએશનમાં છે, તો પછી વોટ્સએપ પર મારી સાથે રોજ આટલી વાતચીત, આટલી ચર્ચા કોણ કરે છે? મારી વાર્તાઓને કોણ મઠારે છે? આઇ મીન... હું કેવી રીતે વિશ્વાસ કરૂં કે.... "

 "ધેટ વોઝ મી. યસ, તમારી સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં હુ હતો, પણ માત્ર મોબાઈલ અને ટાઈપિંગ કરતો હાથ મારો હતો, પણ વિચારો સાગરના જ હતા. હું માત્ર તેમનો મેસેજ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. આઇ વોઝ જસ્ટ અ મેસેન્જર. "

 "આઇ એમ સ્ટીલ અનેબલ ટુ ટ્રસ્ટ યુ. "

 "આઇ હમ્બલી રિક્વેસ્ટ યુ ટુ લીસન મી. પ્લીઝ. એકવાર મારી આખી વાત સાંભળી લો પછી તમેજ નિર્ણય લેજો, વિશ્વાસ કરવો કે નહી."

અવિનાશે તેના દાદા પર નજર સ્થિર રાખી કહેવાનું શરૂ કર્યું. 

"મારા દાદા, મેઘાણીના ચાહક, નાનપણથી એમને લખવાનો શોખ, પણ જવાબદારીઓ વચ્ચે એ શોખ કોમામાં જતો રહ્યો. જીવનની ઢળતી સંધ્યાએ, મારા પપ્પાએ બધી જવાબદારીઓ ઉપાડી લીધા પછી એ શોખ પુનઃજીવીત થયો. સાથે સાથે મને પણ એ વારસો આપ્યો. બસ, પછી તો હું ને દાદા મળીને કેટલીય નોટબુકો ભરીને લખતા. પછી મેં દાદાને ઓનલાઈન સ્ટોરી પબ્લિશ કરવાનું શિખવ્યું. દાદાને પણ મજા આવવા માંડી. જીંદગી જીવવાનું નવું જોમ મળવા માંડ્યું. અત્યારસુધી ભેગી કરેલી બધી રચનાઓ દાદા પબ્લિશ કરવા માંડ્યા અને સ્ટાર લેખક બની ગયા. પણ, છ મહિના પહેલાં એમનો એક્સિડન્ટ થયો અને ત્યારથી... "

અવિનાશે નિરાશાથી માથું હલાવ્યું. 

"તો, પેલી અધૂરી કવિતા... "

"એ દાદાએ જ લખી હતી, વર્ષો પહેલા. હવે દાદાની જીવનજ્યોત ગમે ત્યારે બુઝાઈ શકે એવી પરિસ્થિતિ છે. દાદાએ એક નવલકથા લખવાની શરૂઆત કરી હતી, પણ અડધે પહોંચ્યા ત્યાં જ આ એક્સિડન્ટ... દાદાની અંતિમ ઈચ્છા છે એ નવલકથા પૂરી કરવાની. મેં ઘણી કોશિશ કરી એને આગળ વધારવાની, પણ દાદાને સંતોષ ન થયો. એટલેજ મેં દાદાની કવિતા પબ્લિશ કરી, અધૂરી. મારી ઈચ્છા હતી કોઈ એવી વ્યક્તિને શોધવાની, જેના વિચારોની વેવલેન્થ દાદા સાથે મેચ થતી હોય. અને અપેક્ષા મુજબજ તમે એ કવિતા પૂરી કરી... એ પણ એજ શબ્દો સાથે, જે દાદાએ લખ્યા હતા. "

એક લાંબો શ્વાસ છોડી અવિનાશે અનોખી સામે જોયું. પછી વાત આગળ વધારી. 

"તમારી સાથે સાહિત્ય વિષયક ચર્ચા કરતી વખતે એટલો ખ્યાલ આવ્યો કે જો થોડું મઠારવામાં આવે તો તમે પણ ઉત્તમ કક્ષાના લેખિકા બની શકો છો. બસ, દાદાના ગાઈડન્સમાં મેં એ યજ્ઞ આદર્યો. આશા છે કે આજે એ યજ્ઞનું ફળ મને મળશે. "

અવિનાશે બાજુના યુનિટ પર પડેલી એક નોટબુક અનોખી તરફ લંબાવી. અનોખીએ પણ હાથ લંબાવ્યો, પણ એના પહેલા નાનકી પહોંચી ગઈ અને તેણે એ નોટબુક લઈ લીધી. અનોખીએ રીતસર એના હાથમાંથી એ નોટબુક ઝુંટવી લીધી. તેની આ પ્રતિક્રિયા જોઇ અવિનાશના ચહેરા પર એક માર્મિક સ્મિત રમી ગયું. ત્યાંજ એક ઉંહકારો સંભળાયો. અનોખીએ સાગર સામે જોયું. અત્યંત કષ્ટપૂર્વક એક હાથ સ્હેજ ઉંચો કરી તેણે અનોખીને નજીક બોલાવી. અનોખીએ પોતાનો કાન તેના હોઠ પાસે ધર્યો. હળવેથી હોઠ ફફડ્યા અને અસ્ફૂટ શબ્દો બહાર નિકળ્યા, 

"પ્લીઝ, મેક માય ડ્રીમ કમ ટ્રુ. મારી અંતિમ ઈચ્છા સમજીને... "

શ્વાસ ચડ્યો અને શબ્દો થંભી ગયા. અવિનાશે તરતજ ડોક્ટરને બોલાવ્યા. પણ, ડોક્ટર આવે એ પહેલાં તો...! અનોખી ફાટી આંખે સાગરને જોઇ રહી. ડોક્ટરે સિસ્ટરને બધા સેન્સર કાઢી નાંખવાનો આદેશ આપી દીધો. એ સાથેજ અવિનાશની આંખનાં ખૂણે આંસુ લટકી રહ્યું. પણ એણે ટપકવા ન દીધું. તે અપલક અનોખી સામે જોઇ રહ્યો. એ આશા સાથે કે એના દાદાની અંતિમ ઇચ્છા અનોખી પૂરી કરશે જ.... 

અનોખીની આંખ પણ ભીની હતી. તેની ઘણી ઈચ્છા હતી સાગરની અંતિમ ઇચ્છા પૂરી કરવાની, પણ ફરી સુનિલ સપાટી પર આવી ગયો હતો, જે અનોખીને હા પાડતા રોકતો હતો. બસ, ત્યારેજ નાનકી મેદાનમાં આવી. તેણે મમ્મી સામે જોયું અને એક તોફાની સ્મિત સાથે મોબાઈલની સ્ક્રીન અનોખી સામે ધરી. અવિનાશની વાત સાંભળવામાં અનોખી એટલી ખોવાઇ ગઇ હતી કે નાનકીએ ક્યારે પર્સમાંથી મોબાઇલ લઇ લીધો એ ધ્યાન જ ન રહ્યું. 

ઝળઝળિયાં લૂછતાં ઝાંખી દેખાતી સ્ક્રીન સ્પષ્ટ થઈ એટલે અનોખીને સમજાયું કે નાનકીએ શું કારીગરી કરી છે... 

"તને કેવી રીતે ખબર પડી? "

જવાબમાં નાનકી હસી પડી. 

"સિમ્પલ. તમારા મોબાઇલની એક્ટિવિટી ચેક કરી એટલે ખબર પડી ગઈ કે તમે કયા પ્લેટફોર્મ પર લખો છો અને કેટલા ફેમસ છો. તમારા ફોલોવર્સ કેટલા છે અને કેટલી કમેન્ટ્સ મળી છે. બસ, મેં બધુ પપ્પાને શેર કર્યું અને સી, પપ્પાએ જોઇ પણ લીધું. એન્ડ યુ સી, હું અત્યારે પપ્પાનો ફેસ ઈમેજીન કરવાની કોશિશ કરી રહી છું, બટ.... "

એમ કહી નાનકી ખડખડાટ હસી પડી. 

"પણ, તું આ બધું... કેવી રીતે? "

"મમ્મા, તમે મને નાનકી નાનકી કહો એટલે હું મોટી જ ન થાઉં, એવું થોડું હોય? આઇ એમ ગ્રોન અપ નાઉ. અને મોબાઈલની આટલી સમજ તો કોઇ નાના બચ્ચાને પણ હોય. નાઉ, જસ્ટ રિલેક્ષ એન્ડ સ્ટાર્ટ રાઇટિંગ. પપ્પાને હું સમજાવી દઈશ. ડોન્ટ વરી. "

અનોખી મનોમન વિચારી રહી કે તેની નાનકી ક્યારે આટલી સમજદાર થઈ ગઈ! અવિનાશને સાગરની અંતિમ ઈચ્છા પૂરી કરવાનું વચન આપી અનોખી ત્યાંથી નીકળી ગઈ. અનોખી રૂમની બહાર નીકળી એટલે સાગરનો હાથ પકડી અવિનાશે એ રોકી રાખેલું આંસુ સરકી જવા દીધું.

***

"વ્હોટ ઈઝ ઓલ ધીઝ નોનસેન્સ? "

સુનીલનાં ધુંધવાટ સામે અનોખીએ મૌન જ ધરી રાખ્યું. સવારથી લીધેલા અબોલા ન તોડવાનાં મક્કમ નિર્ણય સાથે તે કામે વળગી. દિવસો એમજ પસાર થવા માંડ્યા. અનોખી સુનીલની દરેક જરૂરિયાત પૂરી કરતી, પણ અબોલા ચાલું જ હતા. આમ જ છ મહિના વીતી ગયા અને અનોખીએ તૈયાર કરેલા ફાઇનલ ડ્રાફટની લીંક અવિનાશને મોકલી આપી. 

આ છ મહિના દરમિયાન અનોખી અવિનાશનાં સંપર્કમાં પણ નહોતી. બસ, સીધી આજે લીંક મોકલી હતી. બીજા દિવસે અવિનાશનો મેસેજ આવ્યો. 

"કેન વી ટોક?"

અને અનોખીએ સામેથી અવિનાશને કોલ કર્યો. અવિનાશના અવાજમાં ખુશી છલકી રહી હતી. 

"થેંક્યુ સો મચ અનોખી. તમને નથી ખબર તમે મારી માટે શું કર્યું છે."

બોલતા બોલતા અવિનાશનાં અવાજમાં એક ડુસકું ભળી ગયું. થોડા સ્વસ્થ થઈ અવિનાશે કહ્યું, 

"દાદાએ ઓલરેડી પ્રકાશક સાથે વાત કરી રાખી હતી. આખી નવલકથાનો ડ્રાફટ મેં એમને મોકલી આપ્યો છે. અને હમણાં જ એમનો ફોન આવ્યો હતો કે તેઓ એકપણ ફેરફાર વગર આ નવલકથા પબ્લિશ કરવા તૈયાર છે. લગભગ ત્રણેક મહિનામાં પેપરબેક બુક પબ્લિશ થઈ જશે. "

અનોખી આજે ફરી એવી જ કંપારી અનુભવી રહી હતી, જેવી પહેલીવાર સાગરને મેસેજ મોકલતી વખતે અનુભવી હતી. તેની ખુશીનો કોઇ પાર નહોતો. 

***

"સોરી. "

સુનીલનાં મોઢેથી કદાચ પહેલી વાર આ શબ્દ નીકળ્યો હતો, પણ ડાયરેક્ટ દિલથી નીકળ્યો હતો. આજે અનોખીની બુકનું વિમોચન હતું અને લેખકમાં પહેલું નામ સાગરનું હોવાથી, તથા સાગરની અધૂરી નવલકથા એક લેખિકાએ કેવી રીતે આગળ વધારી એ જાણવાની ઉત્કંઠાને કારણે તેનું મોટાપાયે એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું. પ્રકાશકને આશા હતી કે આ બુક આ વર્ષની બેસ્ટ સેલર બુક બનશે. 

વિમોચન પાર્ટીમાં અનોખીનો દબદબો જોઇ સુનીલનું પણ હ્રદય પરિવર્તન થયું. નાનકી પણ તેના પપ્પાનો હાથ પકડી મરક મરક થતી એની મમ્મીની સફળતાને માણી રહી હતી. અંતે વિમોચન થયું અને બુક પરનું રેપર ખોલતાં તેનું કવરપેજ દ્રષ્ટિમાન થયું-અધૂરી કવિતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ